Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વ્યાપક નબળાઈ સાથે સેન્સેક્સમાં ‘૫૭’ અને નિફ્ટીમાં ‘૧૭’નાં લેવલ ગયાં : બૅન્કોમાં બગાડ

વ્યાપક નબળાઈ સાથે સેન્સેક્સમાં ‘૫૭’ અને નિફ્ટીમાં ‘૧૭’નાં લેવલ ગયાં : બૅન્કોમાં બગાડ

04 October, 2022 03:17 PM IST | Mumbai
Anil Patel

ટીસીએસ, વિપ્રો અને ઇન્ફીનાં પરિણામ આગામી સપ્તાહે, શૅરોમાં નરમ વલણ : નાયકામાં એક શૅરે પાંચ બોનસનો મોટા ભાગનો ઊભરો શમી ગયો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


બીએસઈની વેબસાઇટમાં ટે​​​ક્નિકલ ધાંધિયા, ધણી વગર ઢોર સૂનાં! આશિષ ચવાણની વિદાય પછી નવા સુકાનીની નિમણૂકમાં ભારે વિલંબ શા માટે? સેબી શું કરી રહી છે? બીએસઈને બરબાદ કરવાનાં પગલાં જાણીબૂજીને લેવાઈ રહ્યાં છે? આવા અનેક પ્રશ્ન : ટીસીએસ, વિપ્રો અને ઇન્ફીનાં પરિણામ આગામી સપ્તાહે, શૅરોમાં નરમ વલણ : નાયકામાં એક શૅરે પાંચ બોનસનો મોટા ભાગનો ઊભરો શમી ગયો : એમ. લખમશી ઇન્ડમાં અલગ લેવલના ખેલ, એકે છ બોનસ, શૅરમાં દાયકાથી સોદા નથી : વ્યાપક બગાડ સાથે બૅન્ક નિફ્ટી ૬૦૨ પૉઇન્ટ ડાઉન, ફાર્મા હેલ્થકૅર સિવાય તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં : અદાણીના ૩ શૅર ટૉપ લૂઝરમાં 

વિશ્વબજારોમાં નવા સપ્તાહના આરંભે નબળાઈ ગણી વધી છે. એશિયા ખાતે જૅપનીઝ નિક્કેઈ એક ટકા વધી સામા પ્રવાહે રહ્યો છે. સાઉથ કોરિયા બંધ હતું. તાઇવાન એક ટકા નજીક, થાઇલૅન્ડ બે ટકા, હૉન્ગકૉન્ગ પોણા ટકાથી વધુ, સિંગાપોર અડધો ટકો ડાઉન હતા. ચાઇનીઝ બજાર બંધ હતું. યુરોપ રનિંગમાં એકથી સવા ટકા નીચે દેખાયું છે. સંસદમાં વ્યાપક વિરોધને પગલે બ્રિટિશ સરકારે દસ જ દિવસમાં સુપર રિચ માટે ટૅક્સ કટની યોજના પડતી મૂકવાની ફરજ પડી છે. અગાઉ સરકારે દોઢ લાખ પાઉન્ડ કે એનાથી વધુ આવક રળનારા ઉપર ૪૫ ટકાનો ટૅક્સ ઘટાડી ૪૦ ટકા કરવાની જાહેરાત કરી હતી. આની અસરમાં ડૉલર સામે પાઉન્ડ ગઈ કાલે પ્રારંભિક ઉછાળામાં પોણા ટકાથી વધુ ઊંચકાયો હતો. લંડન ફુત્સી એક ટકાથી વધુની નબળાઈમાં ખૂલ્યા પછી ધીમા સુધારામાં અડધો ટકો જેવો માઇનસ જણાતો હતો. બ્રેન્ટ ફૂડ સવાત્રણ ટકાના બાઉન્સ બૅકમાં ૮૮ ડૉલરને વટાવી ગયું છે. ઑપેક પ્લસ તરફથી ઉત્પાદનમાં દૈનિક ૧૦ લાખ બૅરલ કરતાં વધુનો કાપ મૂકવાની હિલચાલની આ અસર હતી. ઘરઆંગણે નવું સપ્તાહ ૪ દિવસના કામકાજનું છે, બુધવારે દશેરાની રજા છે. માર્કેટ નેગેટિવ બાયસ સાથે સોમવારે ફ્લૅટ ખૂલી નીચામાં ૫૬,૬૮૩ અને ઉપરમાં ૫૭,૪૫૫ થઈ ૬૩૮ પૉઇન્ટના ઘટાડે ૫૬,૭૮૯ બંધ આવ્યું છે. નિફ્ટી ૨૦૭ પૉઇન્ટ ડાઉન હતો. બીએસઈની વેબસાઇટમાં ગઈ કાલે ભારે ધાંધિયાં હતાં. અનેક વાર કો​શિશ કરવા છતાં સાઇટ ખૂલવાનું નામ લેતી નહોતી. ધણી વગરનાં ઢોર જેવી હાલત આને કહેવાય! બજારની માર્કેટ બ્રેડ્થ ખાસ્સી વીક રહી છે. એનએસઈમાં ૬૮૮ શૅર વધ્યા હતા. સામે ૧૩૧૨ જાતો નરમ હતી. જીડીપીના અંદાજમાં ઘટાડાની સાથે વ્યાજદરમાં અડધા ટકાનો રિઝર્વ બૅન્કે વધારો કર્યાના નેગેટિવ ન્યુઝ વચ્ચે પણ શુક્રવારે હજાર પૉઇન્ટના ઉછાળાની વિચિત્ર ચાલ દાખવનારા બજારનાં તમામ ઇન્ડાઇસિસ ગઈ કાલે માઇનસમાં હતાં. હેલ્થકૅર ઇન્ડેસ ૯૬માંથી ૪૪ શૅરના સુધારામાં પોણો ટકો તો નિફ્ટી ફાર્મા ૨૦માંથી ૧૫ શૅર પ્લસમાં આપીને ૧.૧ ટકા વધ્યો છે. દરમ્યાન કોર સેક્ટરનો ગ્રોથરેટ ૩.૩ ટકાની નવ માસની નીચી સપાટીએ ગયા પછી સપ્ટેમ્બરમાં પીએમઆઇની રીતે મૅન્યુફૅક્ચરિંગ ડેટા પણ ૫૫ના ત્રણ માસના તળિયે જોવા મળ્યો છે. 



અદાણી ગ્રુપના તમામ શૅરમાં મોટાં ગાબડાં, રિલાયન્સ નજીવો નરમ 


સોમવારે બીએસઈના ૩૦માંથી ત્રણ અને નિફ્ટીના ૫૦માંથી ૮ શૅર સુધર્યા છે. ઓઅનજીસી ૪.૬ ટકા વધીને ૧૩૩ના બંધમાં નિફ્ટી ખાતે તો ડૉ. રેડ્ડીઝ લૅબ દોઢ ટકા વધી ૪૪૦ના બંધમાં સેન્સેક્સ ખાતે બેસ્ટ બન્યા છે. સિપ્લા ૧૧૪૫ની નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરીને ૧.૪ ટકાની આગેકૂચમાં ૧૧૩૦ થયો છે. કૉલ ઇન્ડિયા, ભારત પેટ્રો, ડિવીઝ લૅબ, ભારતી ઍરટેલ અડધાથી સવા ટકો પ્લસ હતા. રિલાયન્સ નજીવા ઘટાડે ૨૩૭૪ જોવાયો છે. અદાણી એન્ટર પ્રાઇસિસ નીચામાં ૩૧૧૦ થઈ ૮.૪ ટકા ગગડી ૩૧૬૫ના બંધમાં નિફ્ટી ખાતે ઘટાડામાં અગ્રક્રમે હતો. આઇશર ૫૪. ટકા, અદાણી પોર્ટ્સ ૪.૪ ટકા, મારુતિ ત્રણ ટકા, તાતા કન્ઝ્યુમર્સ ત્રણ ટકા, હિન્દાલ્કો અઢી ટકા, હિન્દુ. યુનિલીવર ૨.૮ ટકા, આઇટીસી ૨.૨ ટકા, ગ્રાસિમ દોઢ ટકા ડૂલ થયા છે. મારુતિ સુઝુકી ૩.૨ ટકા ખરડાઈ ૮૫૪૪ના બંધમાં સેન્સેક્સ ખાતે વર્સ્ટ પર્ફોર્મર બન્યા છે. અદાણી એન્ટર અને અદાણી પોર્ટ્સ ઉપરાંત અદાણી પાવર પાંચ ટકા, અદાણી ટ્રાન્સ ૫.૨ ટકા, અદાણી ગ્રીન ૮.૧ ટકા, અદાણી ટોટલ સાત ટકા, અદાણી વિલ્મર પાંચ ટકા, એસીસી ૪.૬ ટકા અને અંબુજા સિમેન્ટ સવાપાંચ ટકા તૂટ્યા છે. ઇન્શૉર્ટ, ગ્રુપનો એક પણ શૅર વધી શક્યો નથી. લાલા રામદેવની પતંજલિ ફૂડ્સ ૩.૬ ટકાની નબળાઈમાં ૧૩૨૫ થયો છે. 

ખરાબ બજારમાં ડેક્કન એન્જી, બીએસએલ, રેટન ટીએમટી ૨૦-૨૦ ટકાની ઉપલી સર્કિટે ગયા છે. એ ગ્રુપ ખાતે ત્રિવેણી ટર્બાઇન ૨૬૩ નજીક નવી ટોચે જઈ નવ ટકાના ઉછાળે ૨૫૬ બંધ હતો. કોચીન શિપયાર્ડ પણ ૪૯૧ના બેસ્ટ લેવલે જઈ ૯.૯ ટકાના જમ્પમાં ૪૮૫ થયો છે સામે અદાણી ગ્રુપના ત્રણ શૅર એ ગ્રુપ ખાતે ટૉપ-થ્રી લૂઝર્સ બન્યા છે. એલઆઇસી નહિવત્ ઘટીને ૬૨૧ હતી. માઝગાવ ડૉક ૫૨૫ના નવા શિખરે જઈને ચાર ટકા વધી ૫૧૩ હતો. તેજસનેટ, સનફાર્મા, રાઇટસ, લિબર્ટી શૂઝ, મેટ્રો બ્રૅન્ડ્​સ, આરપીજી લાઇફ, માન્યવર, લેમન ટ્રી, ઇંગરસોલ રેન્ડ, ગાર્ડન રિચ, એલટી ફૂડ્સ, કેઆરબીએલ વગેરેમાં નવી ટૉપ બની છે. 


મુંબઈની એમ. લખમશીમાં એક શૅરે ૬ બોનસ, પણ શૅરમાં કોઈ સોદા નહીં!

સંવર્ધાના મધરસન ઇન્ટર બે શૅરદીઠ એક બોનસમાં સોમવારે એક્સ બોનસ થતાં અડધો ટકો વધી ૭૩ થયો છે. ફેસવૅલ્યુ એકની છે. મુંબઈના મરીન લાઇન્સ ખાતે ચર્ચગેટ ચેમ્બર્સની એમ. લખમશી ઇન્ડસ્ટ્રીઝ જેનું જૂનું નામ સ્પેક્ટે ક્યુલર માર્કેટિંગ હતું એ એક શૅરદીઠ છના બોનસમાં મંગળવારે એક્સ બોનસ થશે. આ શૅરમાં છેલ્લો સોદો ૫ માર્ચ ૨૦૧૦માં પડ્યો હતો, ભાવ પાંચ ટકાની ઉપલી સર્કિટે પોણાસાત નજીક બંધ હતો. આ કંપનીને ગત વર્ષે ઓપન ઑફરથી ટેકઓવર કરી નામ બદલવામાં આવ્યું છે. ૧૦ના શૅરદીઠ ૯૦ના ભાવે પ્રમોટર્સ અને અન્યએ પ્રેફર​ન્શિયલ અલૉટમેન્ટ લીધું છે, પણ શૅરમાં કોઈ સોદા નથી. કોઈક મોટો ખેલ થવાની વાત સંભળાય છે. 

ઑટોમાં વેચાણવૃદ્ધિને અવગણી તમામ શૅર રિવર્સમાં, આઇશર તૂટ્યો 

સપ્ટેમ્બરમાં મારુતિ સુઝુકીએ અઢી ગણું, પોણાબે લાખ નંગથી વધુનું વેચાણ હાંસલ કર્યું છે, શૅર ૩.૨ ટકા ગગડી ૮૫૪૪ રહ્યો છે. તાતા મોટર્સનું કુલ સ્થાનિક વેચાણ ૪૪ ટકા વધી ૮૦ હજાર નંગને વટાવી ગયું છે. શૅર પોણાબે ટકા ઘટી ૩૯૮ થયો છે. અશોક લેલૅન્ડનું વેચાણ ૮૮ ટકા વધ્યું છે. શૅર દોઢ ટકા ઘટીને ૧૫૦ તો ટીવીએસ મોટર્સ નવ ટકાની વેચાણવૃદ્ધિના પગલે ૩.૩ ટકા બગડી ૯૯૮ રહ્યો છે. એસ્કોર્ટસનું વેચાણ ૩૮.૭ ટકા વધ્યું છે. શૅર ૧.૮ ટકા ઘટીને ૨૦૯૦ થયો છે. ગયા મહિને ૧૬૮ ટકાની વેચાણવૃદ્ધિ મેળવનાર મહિન્દ્ર ૧.૪ ટકા ઘટ્યો હતો. હીરો મોટોકૉર્પનું વેચાણ નહીંવત્ ઘટી ૫.૧૯ લાખ નંગ થયું છે. શૅર એક ટકા ઘટીને ૨૫૨૬ હતો. બજાજ ઑટોનું વેચાણ ૪ ટકા ઘટ્યું છે. ભાવ નજીવો ઘટી ૩૫૨૨ રહ્યો છે. સામે આઇશર ૧૪૫ ટકાની વેચાણવૃદ્ધિ છતાં ૬.૭ ટકા ઘટી ૩૪૬૩ રૂપિયા બંધ હતો. વૈશ્વિક ભાવોને અનુલક્ષી સરકારે ઑક્ટોબરથી અમલી બને એ રીતે નૅચરલ ગૅસના સ્થાનિક ઉત્પાદકો માટેનો ભાવ ૪૦ ટકા વધારી પ્રત્યેક ૧૦ લાખ બ્રિટિશ થર્મલ યુનિટદીઠ ૬.૫૭ ડૉલર કરી નાખ્યો છે. આના પગલે અદાણીએ સીએનજીના ભાવ વધારી દીધા છે. અન્ય એનું અનુસરણ કરશે. પીએનજી પણ મોંઘો થશે. ખાતર, પાવર, સિરૅમિક્સ જેવા ઉદ્યોગોનો ઉત્પાદન ખર્ચ પણ વધવાનો છે. ગઈ કાલે ઓએનજીસી ૪.૪ ટકા વધી ૧૩૨ ઑઇલ ઇન્ડિયા ૩.૩ ટકા વધીને ૧૮૦, હિન્દુસ્તાન ઑઇલ ૩ ટકા વધીને ૧૩૭ તો અદાણી ટોટલ સાત ટકા તૂટીને ૩૧૦૫ બંધ રહ્યા છે. 

બાયબૅકની હવા વચ્ચે ઇન્ફીમાં નરમાઈ, નાયકામાં બોનસનો ઊભરો શમ્યો 

આઇટી જાયન્ટ ટીસીએસ પરિણામ તથા ઇન્ટરિમની જાહેરાત ૧૦ ઑક્ટોબરના રોજ કરવાની છે. ઇન્ટરિમની રેકૉર્ડ ડેટ ૧૮ ઑક્ટોબર રહેશે. શૅર ગઈ કાલે અડધો ટકો ઘટી ૨૮૮૬ બંધ આવ્યો છે. ઇન્ટ્રા-ડેમાં ભાવ ઉપરમાં ૩૦૨૦ થયો હતો. ઇન્ફીના પરિણામ ૧૩મીએ છે, જેમાં રિઝલ્ટની સાથે-સાથે બાયબૅકની શક્યતા જેફરીઝે દર્શાવી છે. શૅર ૧.૪ ટકા ઘટીને ૧૩૯૪ હતો. અન્ય અગ્રણી વિપ્રોના પરિણામ ૧૨ ઑક્ટોબરના રોજ આવવાનાં છે. એનો ભાવ ૩૯૪ના આગલા લેવલે રહ્યો છે. આઇટી ઇન્ડેક્સ સોમવારે ૨૬૪ પૉઇન્ટ ઘટ્યો છે. એના ૬૨માંથી ૧૫ શૅર પ્લસ હતા.. ફીન ટેક કંપની નાયકા બે એક શૅરદીઠ પાંચ બોનસ જાહેર કર્યાના ઊભરામાં શૅર ઉપરમાં ૧૪૧૨ બતાવી છેલ્લે ૨.૪ ટકા વધીને ૧૩૦૫ બંધ આવ્યો છે. પેટીએમમાં જેપી મૉર્ગન ૧૦૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જારી કર્યો છે. શૅર ૬૬૬ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૩.૬ ટકા વધી ૬૬૧ થયો છે. પૉલિસી બાઝાર સાધારણ નરમ હતો. ભારતી ઍરટેલ ફાઇવ-જીના કેફમાં ૮૧૫ની નવી ઑલટાઇમ હાઈ બનાવી અડધો ટકો વધીને ૮૦૩ અને એનો પાર્ટ પેઇડ ઉપરમાં ૪૨૦ થઈ સાધારણ વધી ૪૦૪ બંધ હતા. સુઝલોન એનર્જીના સૂત્રધાર તુલસી તાંતીના અવસાનના પગલે શૅર નીચામાં સાડાસાત રૂપિયા બતાવી ૧.૪ ટકા ઘટી ૭.૯૦ રહ્યો છે.  

ફિનો પેમેન્ટ બૅન્ક અને તામિલનાડુ મર્કન્ટાઇલ બૅન્ક ઑલટાઇમ તળિયે 

ગઈ કાલે બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની બુરાઈમાં દોઢ ટકાથી વધુ કે ૬૦૨ પૉઇન્ટ તો પીએસયુ બૅન્ક નિફ્ટી પણ તમામ ડઝન શૅરની નબળાઈમાં ૨.૭ ટકા કટ થયા છે. ૩૭ જેટલા બૅ​ન્કિંગના શૅરમાંથી ફક્ત ત્રણ શૅર વધ્યા છે. સીએસબી બૅન્ક સાતેક ટકાની તેજીમાં ૨૩૮ હતી. ધનલક્ષ્મી બૅન્ક અને જેકે બૅન્ક નહિવત સુધરી હતી. ફિનો પેમેન્ટ બૅન્ક ૨.૪ ટકા ઘટીને ૨૨૦ની અંદર તો તામિલનાડુ મર્કન્ટાઇલ બૅન્ક એક ટકો ઘટી ૪૭૪ના નવા ઑલટાઇમ તળિયે બંધ આવી છે. એયુ બૅન્ક, સૂર્યોદય સ્મૉલ બૅન્ક, સિટી યુનિયન બૅન્ક, બંધન બૅન્ક, ડીસીબી બૅન્ક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, યુનિયન બૅન્ક, પીએનબી, બૅન્ક ઑફ બરોડા, કૅનરા બૅન્ક જેવી જાતો અઢીથી ચાર ટકા બગડી છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૯માંથી ૩૦ શૅરના સુધારા વચ્ચે દોઢ ટકો ડાઉન થયો છે. મુથૂટ ફાઇ., પ્રુડેન્ટ કૉર્પોરેટ, જેએમ ફાઇ, ચોલા મંડલમ ઇન્વેસ્ટમેન્ટ, ટૂરિઝમ ફાઇ કૉર્પોરેશન, મોનાર્ક, બંગાલ એન્ડ આસામ કંપની, એસબીઆઇ કાર્ડસ જેવા કાઉન્ટર પોણાચારથી સાડાપાંચ ટકા કપાયાં છે. અદાણીના શૅરોમાં મસમોટાં ગાબડાંને કારણે પાવર અને યુટિલિટી બેન્ચમાર્ક ત્રણ-સવાત્રણ ટકા ડૂલ થયા હતા. સપ્ટેમ્બરમાં વેચાણના આંકડા ટૂ-વ્હીલર્સ કંપનીઓના સંદર્ભમાં આકર્ષક નથી, પણ કાર કંપનીઓ ઝળકી છે. આમ છતાં ઑટો ઇન્ડેક્સ તમામ ૧૫ શૅરના ઘટાડે ૬૧૭ પૉઇન્ટ કે ૨.૧ ટકા ગગડ્યો છે. એફએમસીજી ઇન્ડેક્સ ૩૩૧ પૉઇન્ટ કે બે ટકા ડાઉન હતો.

Whatsapp-channel Whatsapp-channel

04 October, 2022 03:17 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK