Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજારની અનિશ્ચિતતામાં ઑપ્શન્સ ટ્રેડિંગ ઓછા જોખમે વધુ વેપાર-લાભનો વિકલ્પ

બજારની અનિશ્ચિતતામાં ઑપ્શન્સ ટ્રેડિંગ ઓછા જોખમે વધુ વેપાર-લાભનો વિકલ્પ

29 October, 2012 06:26 AM IST |

બજારની અનિશ્ચિતતામાં ઑપ્શન્સ ટ્રેડિંગ ઓછા જોખમે વધુ વેપાર-લાભનો વિકલ્પ

બજારની અનિશ્ચિતતામાં ઑપ્શન્સ ટ્રેડિંગ ઓછા જોખમે વધુ વેપાર-લાભનો વિકલ્પ




શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા



છેલ્લા અમુક સમયથી શૅરબજારોના ડેરિવેટિવ્ઝ વિભાગમાં ટ્રેડિંગ વૉલ્યુમ સતત વધતું રહીને નવા રેકૉર્ડ નોંધાવી રહ્યું છે. હજી છ મહિના પહેલાં મુંબઈ શૅરબજાર પર ડેરિવેટિવ્ઝનું માંડ હજારેક કરોડનું ટ્રેડિંગ વૉલ્યુમ થતું હતું, ત્યાં તાજેતરમાં એક લાખ કરોડની આસપાસ ટર્નઓવરનો વિક્રમ પણ નોંધાયો. હવે એમાં સરેરાશ ૨૦થી ૨૫ હજાર કરોડ રૂપિયાનું કામકાજ નિયમિત થાય છે.



આને કારણે બજારમાં અને રોકાણકાર-સટોડિયા વર્ગમાં પણ ભારે ઉત્સુકતા જાગી હોવાનું કહેવાય છે. ખાસ કરીને ઑપ્શન્સ ટ્રેડિંગનાં વધતાં કામકાજનાં કારણો આપતાં અગ્રણી બ્રોકરો કહે છે કે ભારતીય શૅરબજારની અત્યારની અનિશ્ચિતતાવાળી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રોકાણકાર-ખેલાડીઓ ઑપ્શન્સને વધુ પસંદ કરવા લાગ્યા છે, જેમાં તેમને ડિલિવરી લેવી કે ન લેવી એનો વિકલ્પ (ઑપ્શન) સરળતાથી અને ઓછા ખર્ચે મળે છે. અલબત્ત, ઇન્ડેક્સમાં તો ડિલિવરીનો સવાલ પણ ઊભો થતો નથી, જ્યારે ભાવફરકનો મહત્તમ લાભ પણ મર્યાદિત જોખમ સાથે મળી શકે છે.


ઑપ્શન્સનો સૌથી મોટો લાભ એ છે કે એમાં રોકાણકાર ઓછી મૂડી સાથે વધુ એક્સપોઝર (જોખમ) લઈ શકે છે, એનો ખર્ચ પણ ઓછો આવે છે અને મજાની વાત એ છે કે ઑપ્શન્સમાં નફો અમર્યાદિત પ્રમાણમાં પણ થઈ શકે છે જ્યારે લૉસ મર્યાદિત જ રહે છે. આ સોદા કરવા માટે જે પ્રીમિયમ ભરવાનું હોય છે એ નિશ્ચિત હોય છે અને સોદો લૉસમાં જાય તો એ પ્રીમિયમની રકમ જેટલી જ લૉસ થાય છે. અહીં એ નોંધવું પણ મહત્વનું છે કે સંસ્થાકીય, વિદેશી ઇન્વેસ્ટરો સમાન મોટા રોકાણકારો હેજિંગ (રિસ્ક મૅનેજમેન્ટ સાધન) તરીકે પણ ઑપ્શન્સનો ઉપયોગ વધારી રહ્યા છે.

હરીફાઈ હજી વધશે

બીએસઈમાં અત્યાર આ સેગમેન્ટમાં વૉલ્યુમ વધવાના કારણમાં એક્સચેન્જની પ્રોત્સાહન યોજના મહત્વનું કામ કરી રહી હોવાની વાત કરતાં એન્જલ બ્રોકિંગના ડેરિવેટિવ્ઝ વિભાગના હેડ સિદ્ધાર્થ ભામરે જણાવે છે કે સમય જતાં આ સ્કીમ ભલે બંધ થઈ જાય, પરંતુ એમાં જે પ્રવાહિતા ઊભી થઈ રહી છે એ આ ઊંચા વૉલ્યુમને જાળવી રાખવામાં ભૂમિકા ભજવી શકે છે. વધુમાં એ નોંધવું પણ જરૂરી છે કે બીએસઈમાં આવા સોદાઓનો ખર્ચ અન્ય હરીફ એક્સચેન્જની તુલનાએ ઘણો નીચો છે, જેને લીધે પણ એ એક્સચેન્જ પર વૉલ્યુમ વધી રહ્યું છે.

હવે પછી એમસીએક્સ સ્ટૉક એક્સચેન્જમાં ઇક્વિટી-ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ શરૂ થશે ત્યારે એનું વૉલ્યુમ પણ ઊંચું રહેવાની ધારણા મુકાય છે, જેને પગલે સ્પર્ધા ઑર વધશે.

વિશ્વમાં ઑપ્શન્સની ઘણી પ્રોડક્ટ્સ

વિશ્વનાં બજારોમાં ઑપ્શન્સના ઘણા પ્રકારો-સાધનો છે, જેની સામે ભારતમાં હજી ઘણી પ્રોડક્ટ્સ આવવાની બાકી છે. અલબત્ત, હજી તો ઇન્ડેક્સ ઑપ્શન્સ જ ચાલ્યા છે, સ્ટૉક ઑપ્શન્સમાં અઢળક સ્કોપ છે. કહેવાય છે કે રોકાણકારોમાં આ પ્રોડક્ટ પ્રત્યેની સમજનો અભાવ હોવાને લીધે પણ બહુ મોટો વર્ગ હજી એનાથી દૂર છે.

નાના રોકાણકારો સમજીને કરે


ઑપ્શનમાં નાના રોકાણકારોને નાની મૂડી સાથે મોટું એક્સપોઝર લેવા મળે છે, તેઓ સીધા શૅરો ખરીદવા જાય તો તેમણે ઊંચા માર્જિન સાથે ઊંચું જોખમ લેવું પડે છે, જ્યારે કે ઑપ્શન્સમાં ઊંચા માર્જિનની જરૂર રહેતી નથી. અલબત્ત, અન્ય કોઈ સાધન કરતાં આમાં સોદા ખર્ચ પણ નીચો રહે છે. જોકે નાના રોકાણકારો જો આ મામલે અધૂરી સમજ ધરાવતા હોય તો આ સાધનથી દૂર રહે એ બહેતર છે.

ઑપ્શન્સ ટ્રેડિંગ શું છે? અને શું દર્શાવે છે?

ઑપ્શન્સ ટ્રેડિંગ એ ડેરિવેટિવ્ઝ (એફઍન્ડઓ - ફ્યુચર્સ અને ઑપ્શન્સ)નો એક ભાગ છે. ઑપ્શન્સમાં ઇન્ડેક્સ તેમ જ સ્ટૉક આધારિત સોદા પણ થાય છે. આ સોદા કરનાર વ્યક્તિ એનો અમલ કરવા માટે મુક્ત રહે છે, અર્થાત્ તેની પાસે ઑપ્શન (વિકલ્પ) રહે છે. જો સોદો તેની ફેવરમાં હોય તો અમલ કરે અને ન હોય તો સોદો પડતો મૂકી દે, જે માટે તેણે નિર્ધારિત પ્રીમિયમ ભરી દેવું પડે છે. ઑપ્શન્સમાં કૉલ અને પુટ ઑપ્શન્સ એમ બે પ્રકાર છે, જેમાં પુટ ઑપ્શન્સ એટલે વેચાણની ઇચ્છા દર્શાવતો સોદો અને કૉલ ઑપ્શન્સ એટલે ખરીદવાની ઇચ્છા ધરાવતો સોદો. જ્યારે પણ બજારમાં કૉલ ઑપ્શન્સ વધુ થાય એનો અર્થ એ કે રોકાણકારો બજાર અથવા સંબંધિત શૅર વધવાની આશા રાખે છે, જ્યારે પુટ ઑપ્શન્સના સોદા વધુ થાય ત્યારે બજાર અથવા સંબંધિત શૅર ઘટવાની ધારણા વધુ પ્રવર્તતી હોય છે. અલબત્ત, આમાં ઓપન પોઝિશન (જેને ઑપન ઇન્ટરેસ્ટ- ઊભાં ઓળિયાં કહે છે) પણ જોવી જરૂરી છે.

Whatsapp-channel Whatsapp-channel

29 October, 2012 06:26 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK