° °

આજનું ઇ-પેપર
Tuesday, 03 August, 2021


પોસ્ટ બચતથી વીમા પૉલિસી ડીમૅટનો ડંકો વાગશે

22 October, 2012 05:40 AM IST |

પોસ્ટ બચતથી વીમા પૉલિસી ડીમૅટનો ડંકો વાગશે

પોસ્ટ બચતથી વીમા પૉલિસી  ડીમૅટનો ડંકો વાગશેશૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

તમે શૅરબજારમાં રસ લેતા હો કે ન હો; તમારી બચત કે રોકાણ બૅન્કની એફડી, પોસ્ટ-ઑફિસની સેવિંગ સ્કીમ્સ, નૅશનલ સેવિંગ સ્કીમ જેવાં સલામત સાધનોમાં હશે જ. તમારી જીવન વીમા પૉલિસી પણ અવશ્ય હશે. આ બધાનાં તમારે દસ્તાવેજો-સર્ટિફિકેટ સાચવવાં પડતાં હશે એ પણ ખરું. જોકે હવે પછી થોડા સમય બાદ આવાં વિવિધ રોકાણ-બચતનાં સાધનો ડીમૅટ સ્વરૂપે પણ ઉપલબ્ધ થશે. ડિજિટલ યુગની સાથે ફાઇનૅન્શિયલ માર્કેટમાં ડીમૅટ યુગ શરૂ થઈ ગયો છે. તાજેતરમાં સરકારે વીમા પૉલિસી, પોસ્ટલ સેવિંગ સ્કીમ્સ, બૅન્ક એફડી વગેરે સાધનોનું પણ ડીમૅટ કરવાની જાહેરાત કરી છે. ઇન શૉર્ટ, હવે પછી લગભગ દરેક રોકાણ-સાધન ડીમૅટ સ્વરૂપ ધારણ કરી લેશે એવો સમય આકાર લઈ રહ્યો છે. કઈ રીતે આમ થશે? શું અસર થશે એની? બચતકારો-રોકાણકારોને એનો લાભ થશે? કઈ રીતે? જેવા સવાલોની ચર્ચા અહીં સાદી વાતમાં કરીએ.

ડીમૅટ એટલે શું?

સૌપ્રથમ ડીમૅટ શબ્દનો સરળ અર્થ સમજીએ તો ડીમૅટ એ ડીમટીરિયલાઇઝેશનનું ટૂંકું નામ છે જેનો અર્થ છે કાગળ કે ફિઝિકલ સ્વરૂપનું મટી જવું અને ઇલેક્ટ્રૉનિક સ્વરૂપનું ધારણ કરવું. અર્થાત્ તમારા રોકાણની વિગત દસ્તાવેજ કે સર્ટિફિકેટ સ્વરૂપે રહે એને બદલે ઇલેક્ટ્રૉનિક સ્વરૂપે સચવાઈ રહે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો જેમ શૅર-સર્ટિફિકેટ્સ કાગળ સ્વરૂપે સાચવવાની ઝંઝટ ગઈ એમ હવે પછી મોટા ભાગનાં અન્ય રોકાણ સાધનો કાગળિયાં સ્વરૂપે સાચવવાની બાબત ભૂતકાળ બની જશે. તમને યાદ હશે કે જ્યારે શૅરોના ડીમૅટ થવાની જાહેરાત થઈ હતી ત્યારે શૅરદલાલો સહિત ઇન્વેસ્ટરોએ પણ એનો ભારે વિરોધ કર્યો હતો અને આજે આ ડીમૅટ સિસ્ટમ એટલીબધી સરળ અને સર્વસ્વીકૃત થઈ ગઈ છે કે ડીમૅટ સિવાય કોઈ એમાં કામ કરવા રાજી નથી અને નિયમ પણ એ જ છે. અલબત્ત એફડી, નૅશનલ સેવિંગ સ્કીમ કે વીમા પૉલિસીની બાબતમાં ફિઝિકલ શૅરો જેવી સમસ્યા નથી. એમ છતાં એના લાભ અનેક છે.

ડીમૅટના લાભ સમજો


અત્યારે તમારું રોકાણ શૅરો સિવાય જે કોઈ પણ રોકાણ-સાધનમાં છે એમાં તમારે એ રોકાણનાં દસ્તાવેજ-સર્ટિફિકેટ સાચવવાં પડતાં હશે જે ક્યારેક ફાટી જવાની, ચોરાઈ જવાની કે ખોવાઈ જવા જેવી સમસ્યા ઉદ્ભવતી હોઈ શકે. આમ થાય ત્યારે તમારે એની ડુપ્લિકેટ કૉપી મેળવવા ઝંઝટ પણ કરવી પડે છે.

તમારે યેનકેન પ્રકારેણ એની જાળવણી કરવી જરૂરી છે, એ વિના તમને એની પાકતી મુદતે નાણાં મળી શકે નહીં. હવે પછી જ્યારે આ બધાં સાધનોનું ડીમૅટ થશે ત્યારે તમને એ સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. એ રેકૉર્ડ ડિપોઝિટરી સાચવશે. આમ એના ચોરાઈ, ખોવાઈ, ફાટી જવાનો ભય ગાયબ થઈ જશે.

જેમ હાલ ડિપોઝિટરો શૅરો સાચવે છે એમ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ (ડીપી)ના માધ્યમથી ડિપોઝિટરી આ રોકાણ સાધનો ડીમૅટ સ્વરૂપે સાચવશે.

ધિરાણ મેળવવાનું આસાન

ડીમૅટ સાધનો સામે ધિરાણ લેવાનું સરળ બને છે. ધિરાણ આપનારને એ સાધન વધુ બોનાફાઇડ લાગે છે, કારણ કે ડીમૅટ સાધનો ઇલેક્ટ્રૉનિક  સ્વરૂપે અને એ ડિપોઝિટરી પાસે હોવાથી વધુ સલામત ગણાય છે. પરિણામે એની સામે લોન લેવાની વિધિ પણ સરળ અને પારદર્શક બની રહે છે. અન્યથા ફિઝિકલ સ્વરૂપે અન્ય રોકાણ-સાધનોમાં પણ બનાવટી સાધનો ફરતાં હોય છે. એમાં મૅનિપ્યુલેશન અને ગરબડ થતી હોય છે. અત્યાર સુધીમાં આવા કિસ્સા સમયાંતરે બનતા રહ્યા છે. ડીમૅટ સ્વરૂપે આ સાધનોના રોકાણને તમે નિયમિત જોઈ શકો એવી પારદર્શકતા એમાં રહેલી હોય છે. યસ, ઑનલાઇન ધોરણે ચાહો ત્યારે તમે ડીમૅટ અકાઉન્ટ પર નજર કરી શકો છો.

વીમા પૉલિસીનું ડીમૅટ

હવે પછી વીમા પૉલિસી ડીમૅટ થશે ત્યારે કરોડો પૉલિસીધારકોને પણ સમાન લાભ થશે. વીમા પૉલિસી તો ઘરે-ઘરે હોય છે. ઘરદીઠ એકથી વધુ પૉલિસી ચોક્કસ હશે જેને લાંબા સમય માટે સાચવવાની હોય છે, કેમ કે આ પૉલિસી સરેરાશ દસથી ત્રીસ વરસ જેટલા સમયગાળાની હોય છે. પાકતી વખતે શોધવા જઈએ ને એ મળે નહીં કે એ પહેલાં ઘરમાં જ ખોવાઈ જાય એવું પણ બને કે જર્જરિત થઈ જાય વગેરે જેવી ઘટના બની શકે. ઇન શૉર્ટ, દાયકાઓ સુધી સાચવવી પડે એવી પૉલિસીઓ ડીમૅટ-ઇલેક્ટ્રૉનિક સ્વરૂપે હોય તો એ આદર્શ છે. કહેવાય છે કે જીવન વીમા નિગમ (લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન)એ આ માટેની તૈયારી ક્યારની શરૂ કરી દીધી છે. ખાનગી વીમા કંપનીઓ પણ આ દિશામાં ઝડપથી આગળ વધશે એ નક્કી છે. પૉલિસીઓમાં પણ અનેક પ્રકાર હોય છે તેથી એની એ મુજબ જાળવણી મહત્વની બની જાય છે.

ડિપોઝિટરી અને  ડીપીનાં કામકાજ વધશે

અનેકવિધ બચત-રોકાણ સાધનો ડીમૅટ સ્વરૂપમાં રૂપાંતરિત થવાથી ડિપોઝિટરીનું બિઝનેસ કામકાજ વધશે. જાણકારો કહે છે કે હાલમાં બે ડિપોઝિટરી છે - એનએસડીએલ (નૅશનલ ડિપોઝિટરી) અને સીડીએસએલ (સેન્ટ્રલ ડિપોઝિટરી). આગામી સમયમાં વધનારા કામકાજને પગલે નવી ડિપોઝિટરી પણ આકાર પામે તો નવાઈ નહીં, કારણ કે આગામી સમયમાં રોકાણ-સાધનોની સંખ્યા પણ વધવાની છે. સ્પર્ધાને પગલે ખૂબ ઇનોવેશન થવાનાં છે. આ સાથે ગ્રાહકોનાં ડીમૅટ અકાઉન્ટ્સ સાચવતા ડીપીનો બિઝનેસ પણ વધશે. સવલતો વધશે, સમય સાથે વધુ ને વધુ સરળીકરણ આવતું હશે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ડીમૅટને કારણે ફાઇનૅન્શિયલ વ્યવહારો વધુ પારદર્શક અને આસાન બનશે.

રોકાણકારોની જાગૃતિ મહત્વની

શૅરોનો કેસ જુદો હતો. બૅન્ક એફડી, નૅશનલ સેવિંગ સ્કીમ્સ, વીમા પૉલિસી વગેરે સાધનો માટે લોકોને સમજાવવાનું સરળ નહીં હોય. સરકારે-સેબીએ-ડિપોઝિટરીએ વ્યાપક અને સતત જાગૃતિ ઝુંબેશ ચલાવવી પડશે. આ માટે ચાર્જિસ એવા નજીવા રાખવા પડશે કે સામાન્ય રોકાણકાર-બચતકારને પણ એ ભારે ન પડે.

એક સંદેહ એ પણ ખરો કે ઇન્કમ-ટૅક્સના ભયથી લોકો આ સાધનોનું ડીમૅટ કરાવતા ખચકાશે, કારણ કે તેઓ ઘણી વાર રોકડેથી રોકાણ કરતા હોવાથી ઇન્કમ-ટૅક્સ ખાતાથી છુપાવતા હોય છે. ડીમૅટને કારણે ઇન્કમ-ટૅક્સ ખાતાને જાણ થઈ જવાના ભયને લીધે અનેક લોકો કમસે કમ શરૂમાં એનાથી દૂર રહે તો નવાઈ નહીં. સરકાર એને શરૂમાં ફરજિયાત પણ નહીં બનાવી શકે. બલ્કે એને વૈકલ્પિક રાખવું પડશે. પરિણામે લોકોને સાચી સમજ અપાવવા સતત નિયમિત ધોરણે અવેરનેસ ઝુંબેશ ચલાવતા રહેવી પડશે. અફર્કોસ, આખરે એના ચાર્જિસનો બોજ હળવો કે નજીવો હશે તો એ લોકોને ડીમૅટ માટે આગળ લાવવામાં પાયાની ભૂમિકા ભજવશે.

22 October, 2012 05:40 AM IST |

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:08 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:08 IST | Mumbai | Jitendra Sanghvi

બિટકૉઇન 61000ને પાર : ફેડની બેઠક પર મીટ

બિટકૉઇન 61000ને પાર : ફેડની બેઠક પર મીટ

15 March, 2021 10:08 IST | Mumbai | Biren Vakil

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK