ગોલ્ડમૅન સાક્સના કાતિલ બેરિશ વ્યુ પાછળ વોડાફોનમાં કડાકો, ઇન્ડસ ટાવર ગગડ્યો
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક તસવીર
ગૉડફ્રે ફિલિપ્સ શૅરદીઠ બે બોનસ આપશે, ૨૦મીએ બોર્ડ મીટિંગ : માધબી પુરી સાથે વૉકહાર્ટનો બૂચ વાગતાં શૅર મંદીની સર્કિટમાં પટકાયો : RZ ઘરાનાની સ્ટાઇલ બાઝારના લિસ્ટિંગમાં કંગાળ વળતર, બૉસ પૅકેજિંગમાં ૩૧ ટકાનો સારો ગેઇન છૂટ્યો : ગોલ્ડમૅન સાક્સના કાતિલ બેરિશ વ્યુ પાછળ વોડાફોનમાં કડાકો, ઇન્ડસ ટાવર ગગડ્યો : પ્રીમિયર એનર્જીસ ૨૧૫ કરોડના ઑર્ડરની ભળતી તેજીમાં સતત નવી ટોચે : રિલાયન્સ વધુ બે ટકા ગગડી બજારને સર્વાધિક ૧૬૯ પૉઇન્ટ નડ્યો : જેપી મૉર્ગનના બુલિશ વ્યુ વચ્ચે ઇન્ફીમાં દોઢ ટકાનું ગાબડું, ટીસીએસ અડધો ટકો નરમ : બજારનું માર્કેટ કૅપ સાડાપાંચ લાખ કરોડના ધોવાણમાં ૪૬૦.૧૯ લાખ કરોડ પર
અમેરિકન જૉબ ડેટાની જાહેરાત પૂર્વેની નર્વસનેસ ગણો કે પછી સરહદના મામલે કશુંક અણધાર્યું થવાની ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહની ચેતવણીની અસર કહો અગર તો પછી ટેક્નિકલ કરેક્શન માની લો – એ જે હોય એ પરંતુ બજાર શુક્રવારે હજારી ધબડકામાં બંધ થયું છે જેમાં રોકાણકારોના સાડાપાંચ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. ગણતરીની મિનિટ બાદ કરતાં આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં રહેલા બજારમાં ગઈ કાલે સેન્સેક્સ ઉપરમાં ૮૨૨૫૫ નજીક જઈ નીચામાં ૮૦૯૮૨ બતાવી અંતે ૧૦૧૭ પૉઇન્ટ ગગડી ૮૧૧૮૪ બંધ થયો છે. નિફ્ટી ૨૯૩ પૉઇન્ટ તૂટી ૨૪૮૫૨ રહ્યો છે. બાય ધ વે, ૧૩ ઑગસ્ટથી ૩ સપ્ટેમ્બર દરમ્યાન સળંગ ૧૪ દિવસની લિલિપુટ રૅલીમાં નિફ્ટી ૨૪૧૩૯થી વધીને ૨૫૨૮૦ નજીકની વિક્રમી સપાટીએ બંધ થતો એમાં કુલ ૧૧૩૯ પૉઇન્ટની વૃદ્ધિ થઈ હતી. એની સામે નરમાઈની હૅટટ્રિકમાં ૪૨૭ પૉઇન્ટ ડૂલ થઈ ચૂક્યા છે. ગઈ કાલે બન્ને બજારનાં તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં ગયાં છે. સેન્સેક્સ નિફ્ટીના સવા ટકાના ઘટાડા સામે ટેલિકૉમ સવાત્રણ ટકા, ઑઇલ-ગૅસ સવાબે ટકા, બૅન્કેક્સ બે ટકા, કૅપિટલ ગુડ્સ પોણાબે ટકા, ફાઇનૅન્સ દોઢ ટકો, એનર્જી બે ટકા, કૅપિટલ ગુડ્સ પોણાબે ટકા, ફાઇનૅન્સ દોઢ ટકો, એનર્જી બે ટકા, મિડકૅપ દોઢ ટકો, બૅન્ક નિફ્ટી પોણાબે ટકા ધોવાઈ ગયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી તમામ બારેબાર શૅરના બગાડમાં સર્વાધિક સાડાત્રણ ટકાથી વધુ ડૂલ થયો છે. પીએસયુ ઇન્ડેક્સ ૫૯માંથી ૫૭ શૅરથી વધુ ડૂલ થયો છે. પીએસયુ ઇન્ડેક્સ ૫૯માંથી ૫૭ શૅરની બુરાઈમાં અઢી ટકા બગડ્યો હતો. ખરાબ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૬૨૯ શૅરની સામે ૧૭૮૩ કાઉન્ટર માઇનસ થયાં છે ગઈ કાલે એશિયા ખાતે મિશ્ર વલણમાં થાઇલૅન્ડ દોઢ ટકાથી વધુ, તાઇવાન સવા ટકા નજીક તો ઇન્ડોનેશિયા અડધો ટકો પ્લસ હતું. સામે સાઉથ કોરિયા સવા ટકો, ચાઇના પોણો ટકો અને જપાન પોણા ટકા નજીક નરમ હતું. હૉન્ગકૉન્ગ રજામાં હતું. યુરોપ રનિંગમાં સાધારણ ઘટાડો દેખાડતું હતું.
ADVERTISEMENT
વીએસટી ઇન્ડસ્ટ્રીઝના ઉદાર બોનસ પછી હવે એક વધુ સિગારેટ કંપની ગૉડફ્રે ફિલિપ્સે એક શૅરદીઠ બેનું બોનસ જાહેર કરવા ૨૦મીએ બોર્ડ મીટિંગ બોલાવી છે. શૅર ૭૩૨૦ની ઑલટાઇમ હાઈ બતાવી પોણાતેર ટકા કે ૮૧૧ની તેજીમાં ૭૨૦૪ બંધ રહ્યો છે. ફેસ-વૅલ્યુ બે રૂપિયાની છે. બેક્ટર ફૂડ્સ તેજીની આગેકૂચમાં ૧૮૪૭ના શિખરે જઈ સાડાઅગિયાર ટકા કે ૧૮૮ રૂપિયા ઊંચકાઈ ૧૮૦૦ બંધ હતો. ઇઝી ટ્રિપ પ્લાનર્સ આગલા દિવસના સુધારાને ભૂંસી નાખતાં સવાછ ટકા ગગડી ૪૦ ઉપર રહ્યો છે. નેક્ટર લાઇફ સાયન્સ ૫૪ નજીક મલ્ટિયર ટૉપ બનાવી સવાનવ ટકાના જમ્પમાં ૫૧.૫૦ વટાવી ગયો છે. ફેસ-વૅલ્યુ એકની છે. ૨૬ ઑક્ટોબરે ભાવ ૨૧ના તળિયે હતો. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૧૧૮૨ પૉઇન્ટ કે ૧.૪ ટકા અને નિફ્ટી ૩૭૪ પૉઇન્ટ કે ૧.૫ ટકા ઘટ્યા છે.
એક્સ-બોનસ થતાં વીએસટી ઇન્ડસ્ટ્રીઝમાં ૧૯ ટકાની તેજી
હૈદરાબાદી વીએસટી ઇન્ડસ્ટ્રીઝ એક શૅરદીઠ ૧૦ શૅરની બોનસની લહાણીમાં એક્સ-બોનસ થતાં ગઈ કાલે ૨૦ ટકાની તેજીમાં ૪૮૭ નજીકના શિખરે જઈ ૧૯ ટકા ઊછળી ૪૮૨ બંધ થઈ છે. આ અગાઉ કંપનીએ છેલ્લું બોનસ મે ૧૯૯૧માં આપ્યું હતું, જે પાંચ શૅરદીઠ ૩નું હતું. ગણેશા ઇકવર્સ ૧૦ના શૅરદીઠ ૩૫ના ભાવથી પાંચ શૅરદીઠ ૬ શૅરના રાઇટમાં સોમવારે એક્સ-રાઇટ થવાની છે. ભાવ ગઈ કાલે ૪.૫ ટકા તૂટી ૮૩ હતો. ગુજરાત ફ્લુરોકેમ ખરાબ બજારમાં બીજા દિવસની તેજી દાખવતાં ૩૮૩૮ થઈ ૮ ટકા કે ૨૮૩ રૂપિયા ઊછળી ૩૮૦૯ થયો છે.
સેબીનાં ચૅરપર્સન માધબી પુરી બુચ સામે આક્ષેપોની હારમાળા વધી રહી છે. નવો મામલો વૉકહાર્ટને સંડોવતો બહાર આવ્યો છે. એમાં વૉકહાર્ટનો શૅર ગઈ કાલે ૧૦૯૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પાંચ ટકાની મંદીની સર્કિટમાં પટકાઈ ૧૦૩૪ થઈ ત્યાં જ બંધ રહ્યો છે. અશોકા બિલ્ડકોનની સબસિડિયરી વિવા હાઇવે દ્વારા પુણેના હિંજેવાડી ખાતેની જમીન ૪૫૩ કરોડમાં વેચવામાં આવી હોવાના અહેવાલ પાછળ શૅર ૨૮૫ની નવી ટૉપ બનાવી એક ટકો વધી ૨૭૧ રહ્યા છે. ઇન્ડિગો પેઇન્ટ્સમાં ૨૫ ટકા ઇક્વિટીને આવરી લેતી મલ્ટિપલ લાર્જ બ્લૉકડીલના પગલે ભાવ નીચામાં ૧૪૫૨ થઈ ૩.૭ ટકા ગગડી ૧૪૮૨ બંધ થયો છે.
વાટેક વાબેગને ૨૭૦૦ કરોડનો સાઉદી અરેબિયા ખાતેનો ઑર્ડર મળતાં શૅર ૪ ગણા વૉલ્યુમે ૧૩૯૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પોણાબે ટકા વધી ૧૩૧૩ થયો છે. ડીમફૉક્સ તરફથી મુસાફરો માટે હાઇવે ડાઇનિંગ સર્વિસિસ શરૂ કરવામાં આવી છે. શૅર ગઈ કાલે સાતગણા કામકાજે ઉપરમાં ૫૨૨ થઈ ૫.૫ ટકા ઊંચકાઈ ૪૯૮ હતો. સ્ટ્રાઇડ ફાર્માની સ્ટેપ ડાઉન સબસિડિયરીની એક ડ્રગના જેનરિક વર્ઝનને અમેરિકન એફડીએની મંજૂરી મળતાં શૅર ૧૩૯૫ના બેસ્ટ લેવલે જઈ એક ટકો વધી ૧૩૫૯ બંધ થયો છે. રેમન્ડ લાઇફ સ્ટાઇલ વધુ પાંચ ટકા તૂટી નીચલી સર્કિટે ૨૭૦૮ નીચે ગયો છે.
સોમવારે એકસાથે કુલ ૭ ભરણાં મૂડીબજારમાં
આરઝેડ ઘરાનાના બૅકિંગવાળી બાઝાર સ્ટાઇલ પાંચના શૅરદીઠ ૩૮૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રે માર્કેટના ૩૫ના પ્રીમિયમ સામે ગઈ કાલે ભાવોભાવ ૩૮૯ ખૂલી નીચામાં ૩૭૮ તથા ઉપરમાં ૪૩૧ થઈ ૩૯૯ બંધ રહેતાં એમાં અઢી ટકાનું કંગાળ રિટર્ન લિસ્ટિંગમાં મળ્યું છે. બૉસ પૅકેજિંગ શૅરદીઠ ૬૬ની ઇશ્યુ પ્રાઇસ અને ૧૨ના પ્રીમિયમ સામે ૮૨ ઉપર ખૂલી ૮૭ નજીક બંધ થતાં અહીં ૩૧.૨ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળી ગયો છે. ગાલા પ્રિસિઝન તથા જેયમ ગ્લોબલ ફૂડનું લિસ્ટિંગ સોમવારે થશે. ગાલામાં હાલ ૨૫૫ અને જેયમ ગ્લોબલમાં ૧૮નાં પ્રીમિયમ છે.
સોમવારે બજાજ હાઉસિંગ ૧૦ના શૅરદીઠ ૭૦ની અપર બૅન્ડમાં ૬૫૬૦ કરોડનો, ટૂલાઇન્સ ટાયર્સ પાંચના શૅરદીઠ ૨૨૬ની અપર બૅન્ડ સાથે ૨૩૦ કરોડનો તથા ક્રૉસ લિમિટેડ પાંચના શૅરદીઠ ૨૪૦ની અપર બૅન્ડ સાથે ૫૦૦ કરોડનો ઇશ્યુ મેઇન બોર્ડમાં કરવાની વળતા દિવસે ૧૦મીએ પૂણેની પી. એન. ગાડગીળ જ્વેલર્સ ૧૦ના શૅરદીઠ ૪૮૦ની અપર બૅન્ડમાં ૧૧૦૦ કરોડનું ભરણું લાવશે. હાલ પી. એન. ગાડગીળમાં ગ્રે માર્કેટ ખાતે ૧૫૫નું, બજાજ હાઉસિંગમાં ૫૨નું, ટૂલાઇન્સમાં ૨૫નું પ્રીમિયમ બોલાય છે.
આ ઉપરાંત સોમવારે ૪ SME ઇશ્યુ છે. રાજકોટની ગજાનંદ ઇન્ટરનૅશનલ ૧૦ના શૅરદીઠ ૩૬ના ભાવથી ૨૦૬૫ લાખનો, નવી દિલ્હીની શૅર સમાધાન ૧૦ના શૅરદીઠ ૭૪ની અપર બૅન્ડમાં ૨૪૦૬ લાખનો, જયપુરની શુભશ્રી બાયો ફ્યુઅલ્સ ૧૦ના શૅરદીઠ ૧૧૯ની અપર બૅન્ડમાં ૧૬૫૬ લાખ રૂપિયાનો તથા અમદાવાદી આદિત્ય અલ્ટ્રા સ્ટીલ ૧૦ના શૅરદીઠ ૬૨ની અપર બૅન્ડમાં ૪૫૮૮ લાખનો SME IPO કરવાની છે.
દરમ્યાન ગઈ કાલે નમો ઈવેસ્ટનો ૧૦ના શૅરદીઠ ૮૫ના ભાવનો ૫૧૨૦ લાખનો SME ઇશ્યુ કુલ ૨૨૫ ગણા તથા મૅચ કૉન્ફરન્સિસનો ૧૦ના શૅરદીઠ ૨૨૫ના ભાવનો ૧૨૫ કરોડ પ્લસનો SME ઇશ્યુ કુલ ૧૯૭ ગણા પ્રતિસાદ સાથે પૂરો થયો છે. નમો ઈવેસ્ટમાં હાલ ૬૩ અને મૅચ કૉન્ફરન્સિસમાં ૨૨૫નું પ્રીમિયમ છે. મેઇન બોર્ડની શ્રી તિરુપતિ બાલાજી ઍગ્રોનો ૧૦ના શૅરદીઠ ૮૩ના ભાવનો ૧૭૦ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧૮.૨ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૪૦ જેવું છે. તો માય મુદ્રા ફિનકૉર્પનો ૧૦ના શૅરદીઠ ૧૧૦ના ભાવનો ૩૩૨૬ લાખનો SME ઇશ્યુ પણ બીજા દિવસના અંતે કુલ ૧૩.૬ ગણો છલકાયો છે. પ્રીમિયમ ૪૦નું બોલાય છે, જ્યારે વિઝન ઇન્ફ્રા ઇક્વિપમેન્ટ્સનું ૪૦નું બોલાય છે. જ્યારે વિઝન ઇન્ફ્રા ઇકક્વિપમેન્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૧૬૩ની અપર બૅન્ડવાળો ૧૦૬ કરોડનો NSE SME IPO ગઈ કાલે પ્રથમ દિવસે કુલ બે ગણો ભરાયો છે. ગ્રે માર્કેટ ખાતે કોઈ સોદા નથી.
ગોલ્ડમૅન સાક્સના બેરિશ વ્યુમાં સ્ટેટ બૅન્ક ગગડીને ટૉપ લૂઝર
ગોલ્ડમૅન સાક્સ તરફથી સ્ટેટ બૅન્કમાં ૮૪૧ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૭૪૨ કરવાની સાથે બેરિશ વ્યુ જારી થતાં ભાવ નીચામાં ૭૭૭ થઈ ૪.૪ ટકા તૂટી ૭૮૨ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. ICICI બૅન્ક ૨.૧ ટકા ગગડી ૧૨૧૦ બંધમાં બજારને ૧૫૮ પૉઇન્ટ નડ્યો છેલ, તો રિલાયન્સ શૅરદીઠ એક બોનસની જાહેરાતના વળતા દિવસેય બે ટકા નજીક બગડી ૨૯૩૦ બંધ થતાં બજારને ૧૬૯ પૉઇન્ટનો માર પડ્યો છે. ઇન્ફોસિસમાં ૨૧૫૦ રૂપિયા તથા ટીસીએસમાં ૪૯૧૦ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસથી મૉર્ગન સ્ટૅન્લીના બાયના કૉલ વચ્ચે ઇન્ફી દોઢ ટકાની ખરાબીમાં ૧૯૦૨ તથા ટીસીએસ અડધો ટકો ઘટી ૪૪૬૨ બંધ આવ્યો છે. ગઈ કાલે સેન્સેક્સ નિફ્ટીમાં ભારત પેટ્રો, HCL ટેક્નૉ, તાતા મોટર્સ, આઇટીસી, NTPC, HDFC લાઇફ, ગ્રાસિમ, ઍક્સિસ બૅન્ક, અદાણી પોર્ટ્સ, કોલ ઇન્ડિયા, લાર્સન જેવી અન્ય જાતો દોઢથી અઢી ટકા ડાઉન હતી. એશિયન પેઇન્ટ્સ એક ટકો વધી ૩૨૭૪ના બંધમાં બીજા દિવસે બન્ને બજારમાં ટૉપ ગેઇનર રહ્યો છે. બજાજ ફાઇનૅન્સ એક ટકો, JSW સ્ટીલ પોણો ટકો, લાટિમ ૦.૩ ટકા પ્લસ હતા. હિન્દુસ્તાન યુનિલીવર ૨૮૬૫ ઉપર નવી વિક્રમી સપાટી હાંસલ કરી નહીંવત્ સુધરી ૨૮૩૮ રહ્યો છે.
વોડાફોનમાં ગોલ્ડમૅન સાક્સે અઢી રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે ભારે બેરિશ વ્યુ આપતાં શૅર વૉલ્યુમ સાથે નીચામાં ૧૩ની અંદર જઈ ૧૧.૫ ટકાના કડાકામાં ૧૩.૩૬ બંધ આવ્યો છે. ઇન્ડસ ટાવરમાંય ગોલ્ડમમૅને ૩૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી વેચવાની ભલામણ કરી છે. શૅર નીચામાં ૪૧૪ થઈ સાડાચાર ટકા ગગડી ૪૨૩ હતો. SME કંપની નિર્માણ ઍગ્રી જિનેટિક્સમાં ડિવિડન્ડ અને બોનસ માટે ૧૩મીએ બોર્ડ મીટિંગ નક્કી થઈ છે. શૅર ઉપરમાં ૪૪૫ થઈ સવાચાર ટકા ગગડી ૪૧૦ હતો. પ્રીમિયર એનર્જીસને ૨૧૫ કરોડનો ઑર્ડર મળતાં શૅર આગલા દિવસની ૧૯ ટકા પ્લસની તેજી આગળ વધારતાં ૮.૮ ટકા ઊછળી ૧૦૯૫ના શિખરે બંધ હતો.