Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કોરોનાનું બીજું મોજું ભારતની આકરી કસોટી કરી રહ્યું છે

કોરોનાનું બીજું મોજું ભારતની આકરી કસોટી કરી રહ્યું છે

12 April, 2021 12:47 PM IST | Mumbai
JItendra Sanghvi

વૅક્સિનેશનની ઝડપ, સકારાત્મક સમાચારો અને ડિસિપ્લિન જરૂરી ઇમ્યુનિટી વધારી શકે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોઈ પણ મહામારીનું બીજું મોજું પહેલા મોજા કરતાં વધારે ખતરનાક હોય છે એવા આપણા ભૂતકાળના અનુભવને કોરોનાના બીજાં મોજાં દ્વારા સમર્થન મળી રહ્યું છે. આ મોજું આપણને આજથી ૧૦૦ વર્ષ પહેલાંના (૧૯૧૮) ફ્લુની મહામારીની યાદ અપાવે છે.

ભારતમાં રોજના એક લાખથી પણ વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા ૧૧ દિવસમાં જ ૧૦ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. વિશ્વમાં ત્રણ દેશો અમેરિકા, બ્રાઝિલ અને ભારત - બીજાં મોજામાં પણ સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. વૈશ્વિક ધોરણે રોજના નવા કેસમાં ભારતનો હિસ્સો સૌથી વધુ (૧૭ ટકા) અને તે પછી અમેરિકા અને બ્રાઝિલ (દરેક માટે ૧૧ ટકા)નો છે.



જે વૅક્સિનને પ્રજા સુધી પહોંચતા દસેક વર્ષ લાગે તે વૈજ્ઞાનિકો અને સંશોધકોએ ભારે જહેમત ઉઠાવીને દસેક મહિનાના ટૂંકા ગાળામાં કમર્શિયલ ઉપયોગના તબક્કે પહોંચાડી. કોરોના વૉરિયર્સે (ડૉક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફ) કોરોનાના દરદીઓની તહેનાતમાં દિવસ અને રાત એક કર્યા તેવી જ મહેનત વૅક્સિન વિકસાવનાર ટીમે કરી. બન્ને ટીમના પ્રયત્ન અતિ પ્રશંસનીય છે.


બીજું મોજું સુનામીની ઝડપે ફેલાવાનાં અનેક કારણો હોઈ શકે

૧. વૅક્સિનેશનની શરૂઆત થઈ એટલે કેટલાક લોકોએ એને કોરોના સામેની વૉરન્ટી માની લીધી અને વધારે બિન્દાસ થઈ ગયા. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગનાં ધોરણો નેવે મુકાઈ ગયાં.


૨. સામાજિક અને ધાર્મિક પ્રસંગો અને મેળાવડા સહજ બની ગયા.

આમ પણ લોકો શરૂઆતના સખત લૉકડાઉન અને જાતજાતના સ્થાનિક અને પ્રાદેશિક રિસ્ટ્રિકશનોથી તંગ આવી ગયેલા એટલે વૅક્સિનેશનને ૧૦૦ ટકાની સલામતી માની લીધી અને હળવાશ અનુભવી. જેની ભારે કિંમત આપણે આજે ચૂકવી રહ્યા છીએ.

ભીડભાડ કર્યા વગર રોજિંદો જીવનવ્યવહાર ચલાવવામાં કે છૂટક ખરીદી કરવામાં મહામારીના ફેલાવાનું એટલું જોખમ નથી જેટલું કોઈ પણ પ્રસંગની ઉમંગભેર ઉજવણી કરવા માટે સમૂહમાં ભેગા થઈને છ-આઠ કલાક સાથે રહેવામાં છે.

ગયા વર્ષે આપણને સંપૂર્ણ લૉકડાઉનનો અનુભવ નહોતો એટલે આપણે એ રૂટ પસંદ કર્યો. એમાં મહદ્ અંશે સફળ પણ રહ્યા, પણ તેની ભારે આર્થિક કિંમત તો ચૂકવવી જ પડી...

પણ એ અનુભવ પછી આજે જ્યારે વૅક્સિનનું શસ્ત્ર કોરોનાના જંગમાં ઉમેરાયું છે (ગયે વર્ષે એ નહોતું) ત્યારે સંપૂર્ણ લૉકડાઉનની તરફેણ કોઈ કરતું નથી.

વૅક્સિનેશનના કયા ડોઝના કેટલા દિવસ પછી કોરોના વાઇરસ સામે સંપૂર્ણ ઇમ્યુનિટી વિકસે છે એના વિગતવાર આંકડાઓ આપણી પાસે નથી તેમ છતાં પ્રજાનો કેટલોક વર્ગ એમ માનીને વર્તવા લાગ્યો કે વૅક્સિનેશન એ લાઇટની સ્વીચ જેવું ઇન્સ્ટન્ટ પરિણામ આપે (સ્વીચ બંધ કરો કે તરત જ લાઇટ બંધ થાય તેમ વૅક્સિનેશન લો કે તરત કોરોના ગાયબ થઈ જાય) જે એક મોટું જોખમ સાબિત થયું.

વૅક્સિન તાત્કાલિક સંપૂર્ણ સુરક્ષા ન આપે તો પણ એ લેવાથી સલામતી તો વધે જ. છેલ્લા ત્રણ મહિનામાં વૅક્સિનના ૯ કરોડથી વધુ ડોઝ અપાયા છે. વૅક્સિનના પુરવઠા, માગ અને અછતના મુદ્દે રાજકારણ ન ખેલાવું જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે ટેબલ પર બેસીને અને રસી માટેના દેશના મોટા ઉત્પાદકોને સાથે રાખીને આ મુદ્દે સમાધાનકારી વલણ અપનાવવું પડે. કૉ-ઑપરેટિવ ફેડરાલિઝમનો અભિગમ આ પ્રશ્ન હલ કરી શકે.

લૉકડાઉનની હાલાકી અને નુકસાનીમાંથી બચવું હોય અને તેમ છતાં કોરોનાનો કેર ઓછો કરવો હોય તો ઝડપી વૅક્સિનેશન જ એક રામબાણ ઉપાય છે. સદ્‌ભાગ્યે આપણું પોતાનું ઉત્પાદન એટલા મોટા સ્કેલ પર છે કે આપણે તેના પુરવઠા માટે બીજા દેશો પર નજર દોડાવવી પડે તેમ નથી. આપણે તે બીજા દેશોને પૂરો પાડીએ છીએ. સવાલ છે માત્ર ઉપલબ્ધ પુરવઠાના મહત્તમ અને અસરકારક ઉપયોગની ગોઠવણનો.

અમેરિકા, યુકે, ઇઝરાયલ, સ્પેન અને ફ્રાંસમાં ઓપન આઉટડોર-ઇન્ડોર વૅક્સિનેશન સેન્ટર ઊભાં કરી (સ્ટેડિયમ, સ્ક્વેર વગેરે સ્થળોએ) વૅક્સિનેશનની ઝડપ વધારવાના પ્રયત્ન ચાલે છે. એમાંનું જે શક્ય હોય તેનો અમલ આપણે પણ કરી શકીએ.

ટૂંકમાં વૅક્સિનનો પુરવઠો વધારવો, નાનો-મોટો વેસ્ટેજ ઘટાડવો અને તે આપવા માટેનાં કેન્દ્ર વધારવાં એ આપણી તાતી જરૂર છે. લોકોને વૅક્સિનેશન કેન્દ્ર પર પહોંચવામાં મુશ્કેલી ન પડે એ માટે પણ લૉકડાઉનના પગલાને અનિવાર્ય હોય તેવા હૉટ-સ્પૉટ પૂરતું મર્યાદિત રાખવું પડે.

મહારાષ્ટ્ર પણ કડક લૉકડાઉનનો અમલ ન કરવો પડે તે માટે બીજા જેટલા વિકલ્પ છે તેનો ઉપયોગ કરે છે. અલબત્ત વીક-એન્ડ માટે લૉકડાઉન અને વીક-ડેઝમાં નાઇટ કરફ્યુનો અમલ ચાલુ  છે. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, જમ્મુ ન્ડ કાશ્મીર જેવાં અન્ય રાજ્યોએ પણ હળવા લૉકડાઉન અને અન્ય પ્રતિબંધ મૂક્યા છે.

વડા પ્રધાને પૉઝિટિવ કેસના વધવાથી ડર્યા સિવાય આત્મવિશ્વાસથી એપ્રિલ ૧૧થી ૧૪ દરમ્યાન ટીકા ઉત્સવ (વધુમાં વધુ લોકોને રસી મૂકવી) ઊજવવાની અપીલ કરી છે. ગયા વર્ષની સરખામણીએ આપણો કોરોનાનો સામનો કરવા માટેનો અનુભવ અને તે માટેની જરૂરી તબીબી સગવડો અને વ્યવસ્થા ઘણા વિશાળ છે. એ સંદર્ભમાં જો ૨૦૨૦માં આપણે કોરોનાને મહાત કરી શક્યા તો ૨૦૨૧માં એ ધ્યેય ઝડપથી સિદ્ધ કરવાની શક્યતા છે.

કદાચ એમ બને કે એમ કરવા જતાં નાના-મોટા પ્રતિબંધોને કારણે સરકાર કે રિઝર્વ બૅન્ક ફિસ્કલ ૨૦૨૧ અને ૨૦૨૨માં આર્થિક વિકાસના જે આંકડા મૂકતા હતા તેમાં થોડો ઘટાડો થઈ શકે. જેના માટે આપણી પાસે અન્ય વિકલ્પ નથી.

દરમ્યાન મહારાષ્ટ્ર, ગુજરાત અને બીજાં રાજ્યોમાં નોકરી-ધંધા માટે વસવાટ કરતા શ્રમિકો ફરી એકવાર મહામારીના ફેલાવાની ઝડપ વધતા વતન ભણી રવાના થવા માંડ્યા છે. એટલે ચાલુ વર્ષે ચોક્કસપણે આર્થિક વિકાસના પ્રવાહ વિશે કાંઈ પણ કહેવું મુશ્કેલ ગણાય.

અમેરિકા ૧૯ એપ્રિલથી તમામ પુખ્ત વયના નાગરિકોને વૅક્સિન આપવાનું શરૂ કરશે. ભારતમાં પણ જેને રસીની જરૂર છે એને એ આપવાની શરૂઆત થાય એ દિવસ વહેલામાં વહેલો આવે એવા આપણા પ્રયત્ન હોવા જોઈએ.

દરમ્યાન અર્થતંત્રના મેક્રો ઇકૉનૉમિક પેરામીટર્સ ઉપર-નીચે થયાં કરે છે. માર્ચ મહિનાનો પર્ચેજિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ) ૧૬ મહિનાનો સૌથી નીચો આવ્યો છે. ક્રૂડ ઑઇલના આંતરરાષ્ટ્રીય બજારના ભાવ થોડા ઘટાડાતરફી છે. મ્યુચ્યુઅલ ફન્ડમાં છેલ્લા આઠ મહિનાના આઉટફલો પછી ફરીવાર માર્ચ મહિને નેટ ઇન્ફલો ચાલુ થયો છે. કંપનીઓના માર્ચ ક્વૉર્ટરનાં પરિણામ ગયા વર્ષના નીચા બેઇઝને કારણે સુધરવાની સંભાવના વધી છે. રિઝર્વ બૅન્કે સતત પાંચમી વાર મૉનેટરી પૉલિસીની જાહેરાતમાં પૉલિસીના દર યથાવત્ જાળવી રાખ્યા છે.

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈની પરિસ્થિતિ પર દેશના અર્થતંત્રનો મોટો આધાર છે એટલે મહારાષ્ટ્ર સરકારની જવાબદારી થોડી વધે છે.

ઇમ્યુનિટી અને કોરોના વચ્ચેની આ રેસ વાઘ અને હરણ વચ્ચેની હરીફાઇ જેવી છે. હરણની ઝડપ વધારે હોવા છતાં વાઘની જીત થતી હોય તો તે હરણની વારેઘડીએ પાછા ફરીને જોવાની ટેવ અને તે દ્વારા ગુમાવાતા આત્મવિશ્વાસને કારણે હોય છે. પૂરા આત્મવિશ્વાસ, સંયમ અને શિસ્ત કોરોના સામે ઇમ્યુનિટીને જીત અપાવી શકે. આ ઇમ્યુનિટી માત્ર સારા ખોરાક કે દવાથી જ વધે એમ નહીં, કોરોના પ્રત્યેનો સકારાત્મક અભિગમ કે આ કટોકટીમાં એકબીજા સાથે ઊભા છીએ તેવા વિશ્વાસથી પણ વધી શકે. બિહામણા આંકડાઓ હાઇલાઇટ કરવાને બદલે આત્મવિશ્વાસ વધારે તેવા

અન્ય આંકડાઓનો પ્રચાર ફેલાવવો જોઈએ. પ્રીન્ટ અને ડિજિટલ મીડિયા આમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે. ‘કોરોના સે ડરો ના’ સ્લોગન આત્મસાત કરવું જ રહ્યું.

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2021 12:47 PM IST | Mumbai | JItendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK