Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ‘સપ્લાય’ પછી કિંમતમાં કરવામાં આવેલા ઘટાડાની આઇટીસીના ક્લેમ પર અસર પડે ખરી?

‘સપ્લાય’ પછી કિંમતમાં કરવામાં આવેલા ઘટાડાની આઇટીસીના ક્લેમ પર અસર પડે ખરી?

28 May, 2021 11:47 AM IST | Mumbai
Shailesh Sheth

આઇટીસી એ ‘જીએસટી’ કરપ્રણાલીનો પ્રાણ છે. ‘કર પર કર’ની માઠી અસરને નિયંત્રણમાં રાખવાના મુખ્ય હેતુથી કરદાતા કેવળ ‘મૂલ્યવૃદ્ધિ’ પર કરની ચુકવણી કરે એ માટે ‘આઇટીસી’ની આ યંત્રણા મુખ્ય ભાગ ભજવે છે.

જીએસટી

જીએસટી


આઇટીસી એ ‘જીએસટી’ કરપ્રણાલીનો પ્રાણ છે. ‘કર પર કર’ની માઠી અસરને નિયંત્રણમાં રાખવાના મુખ્ય હેતુથી કરદાતા કેવળ ‘મૂલ્યવૃદ્ધિ’ પર કરની ચુકવણી કરે એ માટે ‘આઇટીસી’ની આ યંત્રણા મુખ્ય ભાગ ભજવે છે. 

સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ના સેક્શન ૧૬ની જોગવાઈ મુજબ પ્રત્યેક રજિસ્ટર્ડ વ્યક્તિ એના ધંધાર્થે વપરાશમાં લેવાતા ઇનપુટ કે ઇનપુટ સર્વિસ કે બન્ને પર ‘ચાર્જ’ કરવામાં ‘ઇનપુટ ટૅક્સ’ની ક્રેડિટ મેળવવા હકદાર છે. નિઃશંકપણે, આઇટીસીનો આ લાભ નિર્દિષ્ટ શરતો અને નિયંત્રણોને આધીન છે. રજિસ્ટર્ડ કરદાતા જ્યારે કરપાત્ર ઇનપુટ કે ઇનપુટ સર્વિસની ખરીદી કરે ત્યારે સપ્લાયર એની સપ્લાય ટૅક્સ ઇનવોઇસ અંતર્ગત કરે છે. આ ટૅક્સ ઇનવોઇસમાં ‘સપ્લાય’ની વેલ્યુ અને એના પર લાગુ પડતો કરનો દર તથા ચાર્જ કરવામાં આવેલી કરની કુલ રકમની વિગતો દર્શાવવી ફરજિયાત છે. ખરીદદાર કરદાતા ટૅક્સ ઇનવોઇસમાં દર્શાવવામાં આવેલી આ વિગતોના આધારે આઇટીસી ક્લેમ કરે છે. 



અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે જો સપ્લાયર માલ કે સેવાની ટૅક્સ ઇનવોઇસ અંતર્ગત સપ્લાય કર્યા પછી ખરીદદાર ગ્રાહકને ડિસ્કાઉન્ટ કે અન્ય કોઈ કારણથી એ સપ્લાયની કિંમતમાં ઘટાડાનો લાભ આપે તો શું ખરીદદાર કરદાતાએ એ ઘટાડા પૂરતો આઇટીસીનો લાભ જતો કરવો પડે? 


પારસ્પરિક ધંધાકીય સંબંધોમાં સામાન્યપણે બનતું હોય છે કે સપ્લાય થઈ ગયા પછી સપ્લાયર અને ખરીદદાર વચ્ચે થયેલી સમજૂતીના આધારે ક્યારેક એ સપ્લાયની કિંમતમાં ઘટાડો કરવામાં આવે. જોકે, જ્યારે સપ્લાય કરવામાં આવી હોય ત્યારે તો સપ્લાયરે એની મૂળ કિંમતના આધારે જ કરની ગણતરી કરીને એ ટૅક્સ ઇનવોઇસમાં ચાર્જ કરેલો હોય છે અને જેની ખરીદદારે આઇટીસી પણ ક્લેમ કરી હોય છે. હવે જો સપ્લાયર પાછળથી આ સપ્લાય સંબંધી ખરીદદારને ડિસ્કાઉન્ટ કે અન્ય કારણથી કિંમતમાં ઘટાડાનો લાભ આપે તો એ સંજોગોમાં શું ખરીદદારે આ ઘટાડા પૂરતી આઇટીસી રિવર્સ કરવી પડે?

અવારનવાર સર્જાતા અને સૌને મૂંઝવતા આ પ્રશ્નનો સૌપ્રથમ કાયદાકીય જોગવાઈઓના પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ કરીએ. સેક્શન ૧૫ હેઠળ કરપાત્ર સપ્લાયનું ‘મૂલ્ય’ નિશ્ચિત કરવા અંગેની જોગવાઈઓ સમાવિષ્ટ છે. આ જોગવાઈ મુજબ સામાન્યતઃ ‘સપ્લાય’ સંબંધી જે કિંમત ચૂકવવામાં આવે છે અથવા ચૂકવવાપાત્ર છે એને ‘ટ્રાન્ઝેક્શન વેલ્યુ’ ગણવામાં આવે છે અને આ જ ‘વેલ્યુ’ ભરવાપાત્ર કરની રકમનો આધાર બની રહે છે. સપ્લાયરે ટૅક્સ ઇનવોઇસમાં દર્શાવેલી આ કરની રકમ (ઇનપુટ ટૅક્સ)ની ખરીદદાર કાયદાનુસાર ક્રેડિટ લઈ શકે છે. પાછળથી જો સપ્લાયર એ સપ્લાયની કિંમતમાં ઘટાડો કરે તો ખરીદદારે પણ યથા પ્રમાણ આઇટીસી રિવર્સ કરવાની કોઈ કાયદાકીય જોગવાઈ પણ નથી અને એની આવશ્યકતા પણ નથી. જો સપ્લાયર પાછળથી ડિસ્કાઉન્ટ આપીને કિંમતમાં ઘટાડો કરે અને એ ડિસ્કાઉન્ટ પૂરતું આંશિક રિફન્ડ ક્લેમ કરે તો જ ખરીદદારે સેક્શન ૧૫(૩)(બી)ની જોગવાઈ મુજબ યથા પ્રમાણ આઇટીસી રિવર્સ કરવી પડે; અન્યથા નહીં.


આ અગાઉ એક્સાઇઝ અને સર્વિસ ટૅક્સના કાયદામાં આ મુદ્દે કોઈ ભિન્ન કાયદાકીય પરિસ્થિતિ પ્રવર્તતી ન હતી એથી આ મુદ્દે ઍપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા અમુક કાનૂની ચુકાદા પર દૃષ્ટિપાત કરીએ. 

કેરલા સ્ટેટ ઇલેક્ટ્રૉનિક કૉર્પોરેશન વિ. કલેક્ટરના કેસમાં છેક ૧૯૯૬માં આપવામાં આવેલા એક ચુકાદામાં ટ્રિબ્યુનલે ઠેરવ્યું હતું કે ખરીદદાર ડ્યુટી-પેઇંગ ડૉક્યુમેન્ટ્સમાં દર્શાવવામાં આવેલી ડ્યુટીની રકમની મોડવેટ ક્રેડિટ લેવા હકદાર છે. આ કેસમાં ડિપાર્ટમેન્ટે આયાતી માલ પર કંપનીએ વાસ્તવિક ભરપાઈ કરેલી ડ્યુટીની રકમ પૂરતો મોડવેટનો લાભ નકાર્યો હતો અને સંબંધિત નોટિફિકેશન હેઠળ ‘ભરવાપાત્ર’ થતી ડ્યુટી પૂરતો જ મોડવેટ ક્રેડિટનો લાભ આપવાનો આગ્રહ રાખ્યો હતો, પરંતુ ટ્રિબ્યુનલે કરદાતાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ટ્રિબ્યુનલે વધુમાં એ પણ નોંધ્યું હતું કે ડિપાર્ટમેન્ટ ખરીદદારે મેળવેલી ડ્યુટી-પેઇડ ઇનપુટની ખરીદદારના અંતિમે પુનઃ મૂલ્ય આકારણી કરી શકે નહીં. 

આ ચુકાદામાં પ્રસ્થાપિત કાયદાકીય સિદ્ધાંતને ટ્રિબ્યુનલે કમિશનર વિ. ત્રિનેત્ર ટેક્સ્ચ્યુરાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડના કેસમાં આપેલા એક ચુકાદામાં સ્વીકાર્યો હતો અને સપ્લાયરે ક્રેડિટ નોટ ઇશ્યુ કરીને ખરીદદારને કિંમતમાં ઘટાડાનો જે લાભ આપ્યો હતો એ પૂરતો મોડવેટ ક્રેડિટના લાભને નકારવાના ડિપાર્ટમેન્ટના પગલાને ગેરકાયદે ઠેરવ્યું હતું. 

આ જ કાનૂની સિદ્ધાંતનું ત્યાર બાદ લુણિયા બ્રધર્સ વિ. કમિશનર અને કમિશનર વિ. ટોયો સ્પ્રિંગ્ઝ લિમિટેડ સહિત અન્ય અનેક ચુકાદામાં સેન્વેટ ક્રેડિટના પરિપ્રેક્ષ્યમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. વાસ્તવમાં, ૨૦૦૮ની ૧૭ નવેમ્બરે ઇશ્યુ કરવામાં આવેલા એક પરિપત્રમાં બોર્ડે પણ આ જ કાયદાકીય સિદ્ધાંતનો સ્વીકાર કર્યો છે. સપ્લાયરે પાછળથી ડિસ્કાઉન્ટ આપ્યું હોય, પરંતુ એ પૂરતું રિફન્ડ ક્લેમ ન કર્યું હોય તો માલ પર ભરપાઈ થયેલી ડ્યુટી (પ્રવર્તમાન ‘ટૅક્સ’)ની મૂળ રકમ પૂરતી ક્રેડિટ લેવા ખરીદદાર હકદાર છે, એ સ્પષ્ટપણે બોર્ડે પ્રસ્તુત પરિપત્ર અન્વયે ઠેરવ્યું છે. 

ઉપરોક્ત કાયદાકીય સિદ્ધાંતો જીએસટીના કાયદા હેઠળ પણ સંપૂર્ણતઃ પ્રસ્તુત બની રહે છે, કારણ કે એક્સાઇઝ કે સર્વિસ ટૅક્સ અને જીએસટીના કાયદા વચ્ચે આ સંદર્ભે કોઈ તફાવત નથી. વાસ્તવમાં, જીએસટીના કાયદાની મુખ્ય વિભાવનાઓ અને જોગવાઈઓ અગાઉના કાયદાની સમાંતર વિભાવનાઓ અને જોગવાઈઓથી ઝાઝી ભિન્ન છે જ નહીં! કાયદો એ જ છે; કરદાતા એ જ છે; દૃષ્ટિ એ જ છે; કેવળ આંખ પર પહેરેલા ચશ્માંનો રંગ બદલાયા કરે છે અને એથી સઘળું ભિન્ન દિસે છે!

Whatsapp-channel Whatsapp-channel

28 May, 2021 11:47 AM IST | Mumbai | Shailesh Sheth

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK