Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ગૂગલના સહકારથી રિલાયન્સે લૉન્ચ કર્યો નવો સ્માર્ટફોન ‘જિયોફોન નેક્સ્ટ’

ગૂગલના સહકારથી રિલાયન્સે લૉન્ચ કર્યો નવો સ્માર્ટફોન ‘જિયોફોન નેક્સ્ટ’

25 June, 2021 03:08 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જિયોફોન નેક્સ્ટના ગણેશ ચતુર્થીથી શ્રીગ‌ણેશ

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ગૂગલના સહકારથી વિકસાવાઈ રહેલા નવા સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટનું ગુરુવારે લૉન્ચિંગ કર્યું હતું.

તેમણે કંપનીના શૅરધારકોને સંબોધતાં કહ્યું હતું કે અત્યાધુનિક તંત્રજ્ઞાન ધરાવતો જિયોફોન નેક્સ્ટ વિશ્વમાં સૌથી સસ્તો સ્માર્ટફોન છે. કોવિડના રોગચાળાની સ્થિતિમાં પણ જિયોએ મજબૂત કામગીરી કરી છે અને દેશમાં ૪૦ કરોડ સબસ્ક્રાઇબર્સનો આંક વટાવી જનારી એ પ્રથમ કંપની બની છે.



જિયોમાં એક મહિનામાં ૬ અબજ ગિગાબાઇટ કરતાં વધુ ડેટાના માસિક ટ્રાફિકનું સંચાલન કર્યું હતું. અત્યારે કંપની વિશ્વમાં બીજા ક્રમાંકની મોબાઇલ ડેટા કેરિયર બની ગઈ છે. હાલમાં સ્પેક્ટ્રમ માટે થયેલા લિલામમાં કંપનીએ અતિરિક્ત સ્પેક્ટ્રમની ખરીદી માટે ૫૭,૧૨૩ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને હવે જિયો ભારતમાં 4G સ્પેક્ટ્રમની સૌથી મોટી ઓપરેટર કંપની બની ગઈ છે. ખરીદાયેલા અતિરિક્ત સ્પેક્ટ્રમમાંથી લગભગ ૧૦૦ ટકા સ્પેક્ટ્રમ કાર્યાન્વિત કરી દેવાયું છે એમ તેમણે કહ્યું હતું.


નવા સ્માર્ટફોન વિશે ગૂગલ અને આલ્ફાબેટને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુંદર પિચાઈએ કહ્યું હતું કે આ ફોન ખાસ ભારત માટે તૈયાર કરાયો છે. એનાથી પ્રથમ વાર ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લાખો નવા યુઝર માટે નવી સંભાવનાઓનાં દ્વાર ખૂલશે.

ગૂગલ ક્લાઉડ અને જિયો વચ્ચે 5G માટેની ભાગીદારી જાહેર કરતાં તેમણે કહ્યું હતું કે આ સહયોગનો હેતુ એક કરોડ કરતાં વધુ ભારતીયોને ઝડપી ઇન્ટરનેટ પૂરું પાડવાનો, ડિજિટલ પરિવર્તનમાં બિઝનેસને સહયોગ આપવાનો તથા ભારતના ડિજિટાઇઝેશનના નવા તબક્કાનો પાયો રચવાનો છે.


જિયોફોન નેક્સ્ટના ગણેશ ચતુર્થીથી શ્રીગ‌ણેશ

મુકેશ અંબાણીએ ગુરુવારે જાહેર કર્યું હતું કે જિયોફોન નેક્સ્ટ ૧૦ સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે. એમાં અવાજથી ફોનની સુવિધાઓનું સંચાલન કરવાની તથા અનુવાદ કરવાની સેવા હશે. રિલાયન્સ જિયો 5G સર્વિસ માટે ગૂગલ ક્લાઉડનો ઉપયોગ કરશે. નોંધનીય છે કે ગૂગલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેક્નૉલૉજી સાહસ જિયો પ્લૅટફૉર્મ્સમાં ૭.૭ ટકા હિસ્સાની ખરીદી દ્વારા ૩૩,૭૩૭ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

 

ટોચના દસ રીટેલરોમાં સ્થાન મેળવવાનું ટાર્ગેટ

રિલાયન્સ રીટેલમાં ત્રણ ગણી વૃદ્ધિ થવાની આશા : આગામી ત્રણ વર્ષમાં ૧૦ લાખ કરતાં વધુ રોજગારનું સર્જન કરવાનું લક્ષ્ય

રિલાયન્સ રીટેલ આગામી ત્રણથી પાંચ વર્ષમાં ઓછામાં ઓછી ત્રણ ગણી વૃદ્ધિ કરશે એવો આશાવાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીએ વ્યક્ત કર્યો છે.

અંબાણીએ શૅરધારકોને સંબોધતાં કહ્યું હતું કે વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકસનારી રીટેલ કંપનીઓમાં રિલાયન્સ રીટેલ સામેલ છે. આપણે બિઝનેસ વધારીને વૈશ્વિક સ્તરના ટોચના ૧૦ રીટેલરોમાં સ્થાન પામવા ઇચ્છીએ છીએ.

રિલાયન્સના ઍપરલ બિઝનેસમાં દરરોજ પાંચ લાખ યુનિટનું વેચાણ થયું હતું, જે વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ ૧૮ કરોડનો આંક વટાવી ગયું હતું. સમગ્ર યુકે, જર્મની અને સ્પેનની કુલ વસતિ જેટલું આ પ્રમાણ કહેવાય.

તેમણે જણાવ્યું હતું કે અજિયો ફૅશન અને લાઇફસ્ટાઇલ માટેનાં અગ્રણી ડિજિટલ કૉમર્સ માધ્યમોમાં સામેલ થઈ ગયું છે. એના પોર્ટફોલિયોમાં ૨૦૦૦ કરતાં વધુ લેબલ્સ અને બ્રૅન્ડ્સ સામેલ છે. અજિયો હાલ ઍપરલ બિઝનેસમાં ૨૫ ટકા કરતાં વધુ યોગદાન ધરાવે છે.

કન્ઝ્યુમર ઇલેક્ટ્રૉનિક્સમાં પાછલા વર્ષે ૪.૫ કરોડ યુનિટનું વેચાણ થયું હોવાનું જણાવતાં અંબાણીએ કહ્યું હતું કે દરરોજના ૧.૨ લાખ યુનિટનું વેચાણ થયું હતું. કંપની ૧૩૦૦ શહેરોમાં ડિલિવરી કરવાની ક્ષમતા ધરાવે છે. કરિયાણાના રીટેલર તરીકે કંપનીએ દરરોજનાં આશરે ૩૦ લાખ યુનિટના હિસાબે ૧ અબજ યુનિટનું વેચાણ કર્યું હતું. રિલાયન્સ ભારતની સૌથી મોટી કરિયાણા રીટેલર છે. જિયોમાર્ટમાં એક દિવસના ૬.૫ લાખ ઑર્ડર આવ્યાનો વિક્રમ થયો છે. એના ગ્રાહકોમાંથી ૮૦ ટકા લોકો નિયમિત ગ્રાહક છે. કોરોનાના પડકારભર્યા સમયમાં પણ રિલાયન્સ રીટેલે વર્તમાન રોજગાર ટકાવી રાખ્યા એટલું જ નહીં, ૬૫,૦૦૦ નવા રોજગારનું સર્જન કર્યું હતું. રિલાયન્સ રીટેલના હાલ બે લાખ કર્મચારીઓ છે અને એને લીધે દેશમાં એ સૌથી વધુ રોજગાર આપનારી કંપની બની છે. આગામી ત્રણ વર્ષમાં ૧૦ લાખ કરતાં વધુ રોજગારનું સર્જન કરવાનું લક્ષ્ય છે, એમ જણાવતાં અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ રીટેલ નવા બિઝનેસ હસ્તગત કરતી રહેશે.

 

ઊર્જા ક્ષેત્રે રિલાયન્સ કરશે ૭૫,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ, જામનગર એનર્જી હબ બનશે

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ઊર્જા ક્ષેત્રે આગળ વધવાનો નિર્ધાર કરીને એમાં ૭૫,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સાધારણ સભાને સંબોધતાં કહ્યું હતું કે ‘કંપની સોલાર ફોટોવોલ્ટેક સેલ્સ, ગ્રીન હાઇડ્રોજન, બૅટરી અને ફ્યુઅલ સેલ્સનું ઉત્પાદન કરવા માટે આગામી ત્રણ વર્ષમાં ચાર ગિગા ફૅક્ટરીઓની સ્થાપના કરશે.’

વધુમાં જણાવ્યું હતું કે ‘રિલાયન્સ ૧૦૦ ગિગાવૉટનો સોલાર વીજઉત્પાદન પ્લાન્ટ સ્થાપશે. એ ઉપરાંત સોલાર મૅન્યુફૅક્ચરિંગ યુનિટ, ઊર્જાના સંગ્રહ માટે બૅટરીની ફૅક્ટરી, ફ્યુઅલ સેલનું નિર્માણ કરનારી ફૅક્ટરી તથા ગ્રીન હાઇડ્રોજનના નિર્માણ માટે ઇલેક્ટ્રૉલાઇઝર યુનિટ સ્થાપશે. ચારે ફૅક્ટરી મળીને ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ જામનગરમાં કરાશે. બીજા ૧૫,૦૦૦ કરોડ રૂપિયા મૂલ્યશ્રૃંખલાનું નિર્માણ કરવા તથા ભાગીદારી અને ભવિષ્યની ટેક્નૉલૉજી માટે ખર્ચવામાં આવશે.’

અંબાણીએ શૅરધારકોને વર્ચ્યુઅલ મીટિંગમાં કહ્યું હતું કે ‘૨૦૧૬માં વિશ્વ અને ભારત વચ્ચેના ડિજિટલ તફાવતને દૂર કરવા માટે જિયોની શરૂઆત કરવામાં આવી હતી. હવે ગ્રીન એનર્જી ક્ષેત્રના તફાવતને દૂર કરવાની દૃષ્ટિએ નવો ઊર્જા બિઝનેસ શરૂ કરવામાં આવી રહ્યો છે. એને ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગિગા કૉમ્પ્લેક્સ એવું નામ આપવામાં આવ્યું છે. રિલાયન્સ આ બિઝનેસ દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં ઓછામાં ઓછી ૧૦૦ ગિગાવૉટ સૌરઊર્જાનું ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવશે.’

 

સાઉદી અરામકોના ચૅરમૅન યાસિર અલ-રુમય્યાન રિલાયન્સના બોર્ડમાં

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન-મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ રિલાયન્સનું આંતરરાષ્ટ્રીયકરણ શરૂ થઈ રહ્યું હોવાનું ગુરુવારે કંપનીની ૪૪મી વાર્ષિક સાધારણ સભામાં કહ્યું હતું તથા સાઉદી અરામકો કંપનીના ચૅરમૅન યાસિર અલ-રુમય્યાન રિલાયન્સના બોર્ડમાં જોડાઈ રહ્યા હોવાની જાહેરાત પણ મુકેશ અંબાણીએ કરી હતી.

હાર્વર્ડ વિદ્યાપીઠના સ્નાતક ૫૧ વર્ષના અલ-રુમય્યાન રિલાયન્સના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર બનશે. તેઓ નિવૃત્ત થનારા યોગેન્દ્ર પી. ત્રિવેદીના અનુગામી બનશે, એમ અંબાણીએ જણાવ્યું હતું.

ઓટુસી બિઝનેસમાંથી ૨૦ ટકા હિસ્સો અરામકોને વેચવાનો સોદો આ વર્ષે પાર પડવાની શક્યતા છે, એમ જણાવતાં અંબાણીએ ઉમેર્યું હતું કે રોગચાળાના આ સમયમાં પણ બન્ને પક્ષો આ દિશામાં સક્રિય છે. એના પરથી જોઈ શકાય છે કે બન્ને વચ્ચેના સંબંધો મજબૂત છે.

 

રિલાયન્સની એજીએમમાં શું થઈ મહત્ત્વની જાહેરાતો?

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી મોટી મર્ચન્ડાઇઝ નિકાસકાર છે. ખાનગી ક્ષેત્રમાં સૌથી વધુ કસ્ટમ્સ ડ્યુટી અને એક્સાઇઝ ડ્યુટી આ કંપની ભરે છે.

l ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી કૉમ્પ્લેક્સ જામનગરમાં ૫૦૦૦ એકરમાં ઊભું થશે. રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરનારી વિશ્વની સર્વાંગી સુવિધાઓમાંથી એ એક હશે.

l જિયો અને ગૂગલના સહયોગથી આવનારાં 5G સૉલ્યુશન્સનો ઉપયોગ જિયોમાર્ટ, જિયોસાવન અને જિયોહેલ્થ જેવા બિઝનેસના વિકાસ માટે

કરવામાં આવશે.

l વૉટ્સઍપ અને જિયોમાર્ટ વચ્ચે સમન્વય સાધવાના પ્રાયોગિક કાર્યની શરૂઆત થઈ છે. આ બન્ને કંપનીઓના ગ્રાહકો પાસેથી ઉત્સાહવર્ધક પ્રતિસાદ મળ્યો છે. વેપારીઓ અને ગ્રાહકોને સાંકળનારી નવી ડિજિટલ સુવિધા વિકસાવવા માટે આ કંપનીઓ સંયુક્તપણે કામ કરી રહી છે.

l રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જામનગર અને નાગપુરમાં જિયો-અઝ્યુર ક્લાઉડ ડેટા સેન્ટરમાં ૧૦ મેગાવૉટની ક્ષમતા ઊભી કરવામાં આવી છે. આગામી ક્વૉર્ટર્સમાં વધુ ને વધુ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમોના વિકાસ માટે ડેટા સેન્ટરની ક્ષમતા વિસ્તારવાનું કંપનીનું

આયોજન છે.

l રિલાયન્સ રીટેલે ૧૫૦૦ નવા સ્ટોર ખોલ્યા છે, જે પાછલા વર્ષમાં કોઈ પણ રીટેલર કરતાં વધારે પ્રમાણમાં થયેલું વિસ્તરણ છે.

l રિલાયન્સ સપ્લાય ચેઇન ચીજવસ્તુઓના નિર્માણ અને વપરાશનાં તમામ મોટાં કેન્દ્રોને સાંકળનારી અત્યાધુનિક માળખાકીય સુવિધા સ્થાપવા માટે રોકાણ કરવામાં આવશે.

l જિયો ઇન્સ્ટિટ્યૂટ ૨૦૨૧માં શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરશે.

Whatsapp-channel Whatsapp-channel

25 June, 2021 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK