Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રિઝર્વ બૅન્કે અત્યાર સુધી જાળવી રાખેલી હળવી મૉનિટરી પૉ‌લિસીએ ભારતને મોટા આર્થિક નુકસાનમાંથી બચાવ્યું

રિઝર્વ બૅન્કે અત્યાર સુધી જાળવી રાખેલી હળવી મૉનિટરી પૉ‌લિસીએ ભારતને મોટા આર્થિક નુકસાનમાંથી બચાવ્યું

20 June, 2022 02:53 PM IST | Mumbai
Jitendra Sanghvi

ભારત અને અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં આર્થિક ક્ષેત્રે નવા-નવા વિક્રમો સર્જાતા રહે છે

પ્રતીકાત્મક તસવીર આર્થિક પ્રવાહો

પ્રતીકાત્મક તસવીર


ભારત અને અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં આર્થિક ક્ષેત્રે નવા-નવા વિક્રમો સર્જાતા રહે છે. કોઈક વાર એ સામાન્ય ભાવવધારોનો હોય, કોઈક વાર દેશની કેન્દ્રવર્તી બૅન્ક દ્વારા કરાતા વ્યાજના દરનો હોય, ક્યારેક એ ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવનો હોય, સ્ટૉક માર્કેટની વધઘટનો હોય, રૂપિયાની બાહ્ય કિંમતનો હોય, વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણનો હોય કે પછી એ આયાત-નિકાસ અને વિદેશ વેપારની ખાધનો હોય.
પણ ગયે અઠવાડિયે આમાંના ઘણા વિક્રમો એકસાથે સર્જાયા જેની અર્થતંત્ર પર દૂરોગામી અસરો પડતી હોય છે. એક ઊડતી નજર આ વિક્રમો પર...
૧. ફેડરલ રિઝર્વ દ્વારા કરાયેલ વ્યાજદરનો વધારો (૭૫ બેસિસ પૉઇન્ટનો) ૧૯૯૪ પછીનો ૨૮ વરસનો સૌથી મોટો.
૨. ભારતમાં મે મહિને છૂટક ભાવવધારાનો દર (૭.૦ ટકા) સતત પાંચમે મહિને રિઝર્વ બૅન્કની ટોલરન્સ લિમિટ (૬ ટકા) કરતાં ઊંચો રહ્યો.
૩. ભારતમાં મે મહિને જથ્થાબંધ ભાવાંકનો વધારો (૧૬ ટકા) ૧૯૯૧ પછીનાં ૩૧ વરસનો સૌથી મોટો. 
૪. વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણનો આઉટફ્લો જૂનમાં સતત નવમે મહિને ચાલુ (જૂન ૧૦ સુધીમાં ૧૪,૦૦૦ કરોડ રૂપિયા) ૨૦૨૨ના વરસે અત્યાર સુધીનો કુલ આઉટફ્લો બે લાખ કરોડ રૂપિયા. 
૫. મે મહિને વિદેશ વેપારખાધ (૨૪ બિલ્યન ડૉલર).
૬. રૂપિયાની બાહ્ય કિંમત (ડૉલર દીઠ ૭૮.૨૮ જૂનની ૧૩મીએ) ઐતિહાસિક નીચી સપાટીએ.
૭. યુએસ ટ્રેઝરી બૉન્ડમાં થયેલ વધારા (૩૧ બેસિસ પૉઇન્ટ) સાથે ૩.૨૬ ટકાનો દર ૧૧ વરસનો સૌથી ઊંચો. એને પગલે ભારતમાં બેન્ચમાર્ક સરકારી બૉન્ડ પરના યીલ્ડનો દર (૭.૬ ટકા) જાન્યુઆરી ૨૦૧૯ પછીનાં સાડાત્રણ વરસનો સૌથી ઊંચો.
૮. યુએસ મોર્ટગેઝ રેટ (૫.૮ ટકા)માં ૧૯૮૭ પછીનાં ૩૫ વરસનો સૌથી મોટો વધારો.
૯. અમેરિકામાં મે મહિને ભાવાંકનો વધારો (૮.૬ ટકા) ૧૯૮૧ પછીનાં ૪૧ વરસનો સૌથી મોટો.
૧૦. મોટા ઘટાડા (૧૦૪૬ પૉઇન્ટ) સાથે સેન્સેક્સ એક વરસના તળિયે (જૂન ૧૬ના રોજ સેન્સેક્સ ૫૧૪૯૬).
૧૧. મે મહિને મ્યુચ્યુઅલ ફન્ડના નવા રોકાણકારો (લગભગ ૨૦ લાખ) ૧૨ મહિનાના સૌથી ઓછા.
...તો બકરું કાઢતાં ઊંટ
પેસવા જેવી સ્થિતિ ઉદ્ભવે
મોટા ભાગના આ વિક્રમોથી રાજી થવા જેવું નથી. આમાંના ઘણા રેકૉર્ડ સરકાર માટે અર્થતંત્ર સામેના પડકારો ઊભા કરે છે. સમગ્ર વિશ્વને ભાવવધારાની સમસ્યા પીડી રહી છે. એના હલ માટે વ્યાજદરમાં વિક્રમ વધારો કરાય (જે હાલમાં કરાઈ રહ્યો છે) એટલે ભાવવધારાની સમસ્યા પૂરેપૂરી હલ થાય કે ન થાય; પણ એની આડઅસરરૂપે અર્થતંત્રમાં મંદી આવી શકે અને સાથે બેરોજગારી પણ વધી શકે એટલે કેટલીક વાર બકરું કાઢતાં ઊંટ પેસી ન જાય એની કાળજી કરવી પડે. એવી જ રીતે બે સમસ્યા (ભાવવધારો અને આર્થિક વિકાસનો દર) વચ્ચે સરખું બૅલૅન્સ થાય એની કાળજી રાખવી અત્યંત આવશ્યક છે. રૂપિયો નબળો પડે તો નિકાસો સસ્તી થાય, પણ આયાતો મોંઘી થાય; કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ અને વિદેશી પોર્ટફોલિયો મૂડીનો આઉટફ્લો વધે. રૂપિયો મજબૂત કરવા જાઓ તો આયાતો સસ્તી થાય, પણ નિકાસો મોંઘી થાય.
બેરોજગારી આઝાદ ભારતની સૌથી મોટી આર્થિક સમસ્યા
વ્યાજદર વધાર્યા વગર પણ બેરોજગારી આપણી સૌથી મોટી સમસ્યાઓમાંની એક છે. આઝાદીનાં ૭૫ વરસમાં આજપર્યંત કોઈ પક્ષની સરકાર
(કૉન્ગ્રેસ કે બિનકૉન્ગ્રેસ) એનો ઉકેલ શોધવામાં સફળ રહી નથી. પાયાની આ સમસ્યાનું નિવારણ થાય તો માગનો અને આર્થિક વિકાસનો દર વધારવો કે ભાવો ઘટાડવા (ઉત્પાદનની વૃદ્ધિ દ્વારા) જેવી સમસ્યાઓ આપોઆપ હલ થઈ શકે.
આ સંદર્ભમાં વડા પ્રધાને ૨૦૨૩ના અંત સુધીમાં ૧૦ લાખ નવી રોજગારી ઊભી કરવાની વાત કરી છે એ આવકાર્ય છે. જોકે આપણી કરોડોની બેરોજગારોની ફોજ સામે આ લક્ષ્યાંક પૂર્ણ થાય તો
પણ એથી વર્તમાન બેરોજગારીની સ્થિતિમાં ઝાઝો ફેર પડે એમ નથી. રેલવેમાં નવી ભરતી કરવાનો પ્લાન પણ આવકાર્ય છે. દેખીતી રીતે જ કેન્દ્ર સરકારે જાહેર કરેલ સૈન્યમાં નવી ભરતી માટેની અગ્નિપથ યોજના આપણી બેકારીની સમસ્યા હલ ન જ કરી શકે, પણ એટલા માત્રથી એનો કરાતો વિરોધ, ભાંગફોડ અને કરોડો રૂપિયાના નુકસાનને વાજબી ઠેરવી શકાય નહીં. અમેરિકા, ચીન જેવાં રાષ્ટ્રોમાં આવી યોજનાઓ અમલમાં છે એને કારણે આપણા યુવાનોની ખુમારી, તેમનો રાષ્ટ્રપ્રેમ, સંયમ અને શિસ્ત વધે જે તેમને (અને દેશને) તેમની ભવિષ્યની કારકિર્દીમાં ચોક્કસ ઉપયોગી થાય.
મલ્ટિ નૅશનલ સંસ્થાઓના ઊજળા ભાવિનો સંકેત
વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનની ૧૬૪ દેશોના વેપાર પ્રધાનોની લંબાવાયેલ મીટિંગને અંતે વિકસતા દેશો માટે અગત્યતા ધરાવતા વેપારનાં આઠ ક્ષેત્રોમાં છેલ્લાં નવ વરસમાં પ્રથમ મુખ્ય કરાર સહી કરાયા છે જેમાં કોવિડ-19ની વૅક્સિનેશનની રદબાતલ કરાયેલ પેટન્ટ, ફિશરમેન માટે સબસિડી આપવાનું ચાલુ રાખવાની અને ફૂડ સિક્યૉરિટીની બાબતનો સમાવેશ થાય છે. છેલ્લી મિનિટનો આ ડીલ અંકે કરવામાં ભારતે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે જે આપણા વિદેશ વેપાર માટેની સકારાત્મક બાબત છે. આનાથી વિશ્વ વેપાર બહુ ન વધે તો પણ આવી મહત્ત્વની બાબતો વિશે વિશાળ સંખ્યાની મેમ્બરશિપ ધરાવતા આટલા મોટા સંગઠનમાં સર્વસંમતિ સધાય અને ટ્રીટી (સંધિ) પર સહીસિક્કા થાય એ આવી અનેક મલ્ટિ નૅશનલ સંસ્થાઓના ભવિષ્ય માટે આશા જન્માવે છે.
વિશ્વનું અર્થતંત્ર મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે અનેક નવા પડકારોનો સામનો કરી રહ્યું હોય, વૈશ્વિકીકરણ (ગ્લોબલાઇઝેશન)નાં વળતાં પાણી થઈ રહ્યાં હોય અને રક્ષણાત્મકતાનો ઉદય થઈ રહ્યો હોય ત્યારે ડબ્લ્યુટીઓએ ભજવેલ ભાગ ઇચ્છિત રૂલ્સ અને રેગ્યુલેશન્સના ફેરફાર દ્વારા વિશ્વ વેપારના વધારા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે.
મહામારીના વધતા કેસ સપાટી પરની લહેર જેવા બીજી તરફ મહામારીના કેસ વધતા ચાલ્યા છે અને રોજના ૧૩,૦૦૦ સુધી પહોંચ્યા છે. આ કેસ અમુક રાજ્યો (મહારાષ્ટ્ર, કેરલા અને દિલ્હી) પૂરતા મર્યાદિત હોવાથી નિષ્ણાતોને મતે એ મહામારીનાં મોજાં કે તરંગ (વેવ) નહીં, પણ પાણીની સપાટી પર માત્ર ખળખળાટ કરે એવી નાની લહેરો છે. આ વધારા પછી કન્ફર્મ કેસની સંખ્યા વધી છે અને તો પણ એ સંખ્યા એક કરોડની વસ્તીએ ૫૦૦ જેટલી ઓછી છે. જર્મનીમાં આ સંખ્યા ૫૩૨ની અને ઑસ્ટ્રેલિયામાં એ ૧૦૩૧ની છે. બૂસ્ટર ડોઝ માટે નવ મહિનાનો ગેપ ઘટાડીને છ મહિનાનો કરવાની ભલામણ અને બૂસ્ટર ડોઝ માટે રેગ્યુલર ડોઝ કરતાં જુદા પ્રકારની રસીના ઉપયોગની ભલામણ સ્વીકારાય તો વૅક્સિનેશનની ઝડપ વધે.
ભારતમાં વૅક્સિનેશનના કુલ ૧૯૭ કરોડ ડોઝ અપાયા છે. એની સરખામણીમાં વૅક્સિનનો એક પણ ડોઝ ન અપાયો હોય એવા દેશો (ભલે ઓછી સંખ્યામાં) પણ છે. આ દેશોની નજીવી મહામારી સમગ્ર વિશ્વ માટે ભવિષ્યમાં જોખમરૂપ સાબિત થઈ શકે. એ જોખમ ટાળવા માટે ગરીબ દેશોને વૅક્સિનના થોડા ડોઝ પૂરા પાડવાની જવાબદારી વિકસિત અને ભારત જેવા ઊભરતા દેશોની છે. 
ફેડરલ રિઝર્વ દ્વારા કરાયેલો વ્યાજદરનો વધારો ત્રણ દાયકાનો ઊંચો
ફેડરલ રિઝર્વે આક્રમક બનીને વ્યાજદરમાં ૭૫ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો (જૂન ૧૫). મે મહિને આ દરમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો હતો. અભૂતપૂર્વ ભાવવધારાને ડામવા માટે ફેડ વ્યાજદર હજી પણ વધુ ઝડપે વધારવા કૃતનિશ્ચયી છે, જેને કારણે વિશ્વમાં મંદીનો ભય ઊભો થયો છે. અમેરિકામાં મે મહિને ૮.૬ ટકાના ભાવવધારાને લાંબા ગાળાના બે ટકાના લક્ષ્યાંક સુધી લાવવાની આ મથામણ છે. 
આવતા મહિને હજી વ્યાજદર બીજા ૫૦થી ૭૫ બેસિસ પૉઇન્ટ જેટલા વધારવાની ચેતવણી ફેડના અધ્યક્ષ જેરોમ પૉવેલે આપી છે. ધીમે-ધીમે કરીને ૨૦૨૨ના અંતે વ્યાજના દર ૩.૪ ટકા સુધી અને ૨૦૨૩ના અંતે ૩.૮ ટકા સુધી પહોંચાડવાનો ફેડનો લક્ષ્યાંક છે.
ફેડની જાહેરાત પછી ગણતરીના કલાકોમાં સ્વિટ્ઝરલૅન્ડે ૧૫ વરસ પછી અને હંગેરીએ વ્યાજના દર વધાર્યા છે. 
ચાલ સાથે તાલ મિલાવવાની શરૂઆતની ઝડપ વધારવી પડશે
ભારત સરકારના રેકૉર્ડ માર્કેટ બોરોઇંગની અવગણના કરીને પણ રિઝર્વ બૅન્કે વિશ્વની કેન્દ્રવર્તી બૅન્કોની કડક મૉનિટરી પૉલિસીની ચાલ સાથે તાલ મિલાવવાની શરૂઆતની ઝડપ વધારવી પડશે.
ફેડને પગલે આપણી રિઝર્વ બૅન્ક ડિસેમ્બરને અંતે રેપો રેટ વધારીને ૬.૫ ટકા સુધી લઈ જાય તો નવાઈ નહીં એવા અનુમાન પણ કરાઈ રહ્યા છે. 
આવતા થોડા મહિનામાં (મધ્યમ ગાળામાં) વ્યાજદર એ ઝડપે વધી શકે જેથી રિયલ ઇન્ટરેસ્ટ રેટ (નોમિનલ વ્યાજદર માઇનસ ભાવવધારાનો દર) જે હાલ નેગેટિવ છે એ ન્યુટ્રલ (તટસ્થ) બને એટલે કે બન્ને દર સરખા થાય અને ત્યાર બાદ પૉઝિટિવ.
પરિણામે ફેડ દ્વારા કરાતા વ્યાજદરના વધારાની ઓછામાં ઓછી અસર ભવિષ્યમાં ભારતના અર્થતંત્ર પર પડશે. અમેરિકામાં ૨૦૨૪થી મંદી આવે તો એનાથી વિશ્વનું અર્થતંત્ર ખોરવાવાનું. રિઝર્વ બૅન્કના ગવર્નરના મતે જો આપણે મહામારી દરમ્યાન ભાવવધારાનો ચાર ટકાનો લક્ષ્યાંક રાખ્યો હોત તો એને કારણે અર્થતંત્રને જે નુકસાન થાત એમાંથી બહાર આવતાં વરસોનાં વરસો નીકળી જાત. આપણે થોડો ભાવવધારો સહન કર્યો એને કારણે અન્ય દેશોની સરખામણીમાં ભારત આજે સધ્ધર આર્થિક સ્થિતિમાં છે. રિઝર્વ બૅન્કનું ફોકસ આપણું અર્થતંત્ર સધ્ધર બનાવીને એ તબક્કે પહોંચાડવાનું હતું કે જ્યાં રિઝર્વ બૅન્ક સહજપણે વધારાની લિક્વિડિટીનો સપોર્ટ પાછો ખેંચી શકે અને વ્યાજદર વધારવાની શરૂઆત કરી શકે. ડૉ. દાસના મતે એ સમય આવી પહોંચ્યો છે અને રિઝર્વ બૅન્ક એને લેવાના ઍક્શન બાબતે જરા પણ પાછળ નથી. 


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2022 02:53 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK