° °

આજનું ઇ-પેપર
Sunday, 22 May, 2022


રિઝર્વ બૅન્કે નાઇલાજે વ્યાજદરમાં વધારો કરવો પડ્યો છે

09 May, 2022 11:15 AM IST | Mumbai
Khyati Mashru Vasani

રિઝર્વ બૅન્કે લાંબા સમય સુધી રેપો રેટમાં ફેરફાર કર્યો ન હતો અને સતત સિસ્ટમમાં નાણાંની પ્રવાહિતા વધારી હતી

પ્રતીકાત્મક તસવીર ફાઇનૅન્સ પ્લાન

પ્રતીકાત્મક તસવીર

રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને પગલે વધેલી ભૂરાજકીય તંગદિલી અને ફુગાવાની પરિસ્થિતિમાં અનેક દેશોની કેન્દ્રીય બૅન્કો નીતિવિષયક વ્યાજદરમાં વધારો કરવા લાગી છે. ભારતમાં પણ રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે અચાનક જ ચોથી મેએ પત્રકારો સમક્ષ જાહેરાત કરી કે મૉનિટરી પૉલિસી કમિટીએ દર બે મહિને થતી સમીક્ષાની પહેલાં જ ધિરાણના દરમાં ૪૦ બેસિસ પૉઇન્ટનો તત્કાળ વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ વધારો તત્કાળ અમલી બન્યો છે. એ ઉપરાંત આગામી ૨૧ તારીખથી કૅશ રિઝર્વ રેશિયોમાં પણ ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આ પગલાને લીધે અર્થતંત્રમાંથી આશરે ૮૭,૦૦૦ કરોડ રૂપિયાની નાણાંની પ્રવાહિતા ઓછી થઈ જશે.

બૅન્કો પાસે ધિરાણ માટે ઉપલબ્ધ થનારી રકમ ઓછી થઈ જશે. રિઝર્વ બૅન્કે લાંબા સમય સુધી રેપો રેટમાં ફેરફાર કર્યો ન હતો અને સતત સિસ્ટમમાં નાણાંની પ્રવાહિતા વધારી હતી. એની પાછળનો હેતુ અર્થતંત્રના વિકાસને ટેકો આપવાનો હતો. હવે ફુગાવાને અનુલક્ષીને પ્રવાહિતા ઘટાડવાની જરૂર જણાઈ હોવાથી રિઝર્વ બૅન્કે આ નિર્ણય લીધો છે, જેની પાછળ અમુક પરિબળો રહેલાં છે.

માર્ચ મહિનાનો રીટેલ ફુગાવો ૬.૯૫ ટકા રહ્યો છે. રિઝર્વ બૅન્કે ફુગાવાના દરને સહન કરવાની જે મર્યાદા નક્કી કરી હતી એના કરતાં વધારે દરે મોંઘવારી વધી છે. એનું કારણ ચોક્કસપણે રશિયા-યુક્રેન વચ્ચેની લડાઈ તથા કૉમોડિટીના વધી રહેલા ભાવ છે. અન્ય દેશોમાં રેપો રેટ વધારવામાં આવ્યા હોવા છતાં ભારતમાં એમ કરવામાં આવ્યું ન હતું, કારણ કે અહીં ફુગાવો કાબૂમાં રહેશે એવો રિઝર્વ બૅન્કનો અંદાજ હતો.

અમેરિકામાં ફેડરલ રિઝર્વે ધિરાણના દરમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો જાહેર કર્યો છે. જો રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં વધારો ન કરે તો ભારતમાં સૉવરિન બોન્ડની ઊપજ ઘટી જાય અને એને પગલે વિદેશી મૂડી પાછી ખેંચાવાનું પ્રમાણ વધી જાય. આથી નાઇલાજે વ્યાજદરમાં વધારો કરવો પડ્યો છે.  

રિઝર્વ બૅન્કના પગલાની અસર
રેપો રેટ વધારવામાં આવ્યો એનો અર્થ એવો થયો કે બૅન્કોએ રિઝર્વ બૅન્ક પાસેથી લેવાના ધિરાણ પર વધારે વ્યાજ ચૂકવવું પડશે. વળી, બૅન્કોએ પણ ધિરાણના અને થાપણો પરના વ્યાજદરમાં વધારો કરવો પડશે. જેઓ ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરે છે તેમને હવે વધુ વ્યાજ મળશે, જ્યારે જેમણે બૅન્કો પાસેથી લોન લીધેલી છે તેમનાં ઈએમઆઇ (ઇક્વેટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ્સ)માં વધારો થશે. 

ફિક્સ્ડ ડિપોઝિટ, નાની બચતની યોજનાઓ તથા નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ દ્વારા લેવાતી ડિપોઝિટ પરના વ્યાજદરમાં વૃદ્ધિ શરૂ થઈ ગઈ છે એથી હાલપૂરતું લાંબા ગાળાનું રોકાણ કરવું નહીં. એનું કારણ એ છે કે આગામી દિવસોમાં વ્યાજદરમાં હજી વધારો થઈ શકે છે. બૅન્કો પાસેથી ફ્લૉટિંગ દરે લેવાયેલી લોનના હપ્તાની રકમ વધી જશે. વળી, નવી લોન પણ વધી ગયેલા વ્યાજે આપવામાં આવશે. 

ભારતીય અર્થતંત્ર પર થનારી અસર 
હવે અલગ-અલગ પ્રકારની લોન પરના વ્યાજદરમાં વધારો થશે. એની અસર ઘર, વાહન, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની ખરીદી પર થશે. કંપનીઓને અને ઉદ્યોગોને પણ હવે વધુ ઊંચા દરે ધિરાણ મળશે. જોકે લાંબા ગાળે ફુગાવાનું જોર ઘટશે તો માગ પણ વધશે અને પરિસ્થિતિ સચવાઈ જશે.

નાના અને મધ્યમ કદની કંપનીઓને એમના રોજિંદા કામકાજ માટે તથા વિસ્તરણ કરવા માટે વધારે ધિરાણની જરૂર પડતી હોય છે. આવી કંપનીઓનો વ્યાજનો ખર્ચ વધશે. જે મોટી કંપનીઓ કરજમુક્ત છે અથવા ઘણું ઓછું કરજ ધરાવે છે એમની કામગીરી સુધરે એવી શક્યતા છે. 

09 May, 2022 11:15 AM IST | Mumbai | Khyati Mashru Vasani

અન્ય લેખો

News In Short: શૅરબજારમાં સંભવિત કાર્ટેલાઇઝેશન વિશે નાણાપ્રધાને ચિંતા વ્યક્ત કરી

દેશ માટે કાર્ટેલાઇઝેશન પડકાર બની રહેશે

21 May, 2022 01:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

રેરાના અમલને થયાં પાંચ વર્ષ : બ્રોકરોએ રજિસ્ટ્રેશનનું નવીનીકરણ કરાવવાનું રહેશે

રિયલ એસ્ટેટનો બ્રોકિંગ બિઝનેસ વાર્ષિક આશરે ૧૮,૦૦૦ કરોડ રૂપિયાનો છે

21 May, 2022 01:45 IST | Mumbai | Parag Shah

સુપ્રીમનો ચુકાદો ‘વન નેશન-વન ટૅક્સ’ને કોઈ અસર નહીં કરે : સરકાર

તરુણ બજાજે કહ્યું કે રાજ્યોને કાઉન્સિલની ભલામણ સ્વીકારવાનો-નકારવાનો અધિકાર

21 May, 2022 01:37 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK