Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રિલાયન્સના ભારમાં બજાર સાધારણ ડાઉન, નોન-ફેરસ મેટલ શૅર ઝળક્યા

રિલાયન્સના ભારમાં બજાર સાધારણ ડાઉન, નોન-ફેરસ મેટલ શૅર ઝળક્યા

14 September, 2021 01:38 PM IST | Mumbai
Anil Patel

સુપ્રીમની મહેરબાનીથી ફ્યુચર ગ્રુપના શૅરોમાં આવેલો ઉછાળો ઊભરો પુરવાર થયો, અનિલ ગ્રુપમાં તેજીની આગેકૂચ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બૅન્કિંગ ક્ષેત્રે એકંદર ઢીલું વલણ, મર્જરની હવા પાછળ સૂર્યોદય સ્મૉલ બૅન્ક ૨૦ ટકા તેજીમાં : સુપ્રીમની મહેરબાનીથી ફ્યુચર ગ્રુપના શૅરોમાં આવેલો ઉછાળો ઊભરો પુરવાર થયો, અનિલ ગ્રુપમાં તેજીની આગેકૂચ : વિશ્વબજારમાં એલ્યુમિનિયમ ૧૩ વર્ષની ટોચે જતાં હિન્દાલ્કો અને નાલ્કો નવા શિખરે : અદાણી ટ્રાન્સમિશન મહિનામાં બેવડાઈને ઉપલી સર્કિટ સાથે નવી સર્વોચ્ચ સપાટીએ : સ્મૉલ કૅપ, મિડ કૅપ તથા બ્રોડર માર્કેટના ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ થયા, ગોલ્ડિયમમાં ૧૨૦૦માં બાયબૅક આવ્યું, રેનેસા ગ્લોબલમાં શું આવશે?

છેલ્લા કેટલાક દિવસથી પ્રમાણમાં ઘણી સાંકડી રેન્જમાં ઉપર-નીચે થઈ સાધારણ વધ-ઘટે બંધ રહેલાનો શિરસ્તો બજારે સોમવારે આગળ ધપાવ્યો છે. સેન્સેક્સ ૧૨૭ પૉઇન્ટ તથા નિફ્ટી ૧૪ પૉઇન્ટ જેવી મામૂલી પીછેહઠમાં બંધ થયાં છે. ઇન્ટ્રા-ડેમાં શૅરઆંક પ્રારંભિક નરમાઈમાં આગલા બંધથી સાડા ત્રણસો પૉઇન્ટ કરતાં વધુ ઢીલો થઈ ૫૭૮૪૫ની અંદર ઊતરી ગયો હતો અને ત્યાંથી ધીમા બાઉન્સ બૅકમાં ૩૭૦ પૉઇન્ટ ઊંચકાઈ ૫૮૩૧૪ને વટાવી ગયો હતો. મતલબ નીચા મથાળેથી એક તબક્કે માર્કેટ પૉઝિટિવ ઝોનમાં દેખાયું હતું. સેન્સેક્સના ૩૦માંથી ૧૭ તો નિફ્ટીના ૫૦માંથી ૩૦ શૅર ગઈ કાલે વધ્યા છે. બીએસએનએલની ફોર-જીની યોજનામાં ટેક્નોલૉજી પાર્ટનર તરીકે વરણી થવાની શક્યતા પાછળ ટીસીએસ ૧.૪ ટકા વધીને ૩૮૪૪ના બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર બન્યો હતો જ્યારે ભાવવધારાનું ફૅક્ટર કામે લાગતાં કોલ ઇન્ડિયા અને હિન્દાલ્કો નિફ્ટીમાં બેસ્ટ પર્ફોમર બન્યા હતા. જ્યારે સેમિ કન્ડક્ટર ચિપ્સની શૉર્ટેજના કારણે રિલાયન્સ જિઓ તરફથી તેના નવા સ્માર્ટ ફોનના લોન્ચની યોજના પાછળ હડસેલાતા રિલાયન્સ સવા બે ટકાની ખરાબીમાં ૨૩૭૧ બંધ આવી બન્ને બજારમાં ટૉપ લૂઝર થયો હતો. રિલાયન્સની કમજોરી સેન્સેક્સને ૧૫૮ પૉઇન્ટ નડી હતી. સેન્સેક્સની નરમાઈ સામે સ્મૉલ કૅપ, મિડ કૅપ તથા બ્રોડર માર્કેટના બેન્ચમાર્ક ગઈ કાલે નવા સર્વોચ્ચ શિખરે જઈ સુધારામાં બંધ રહ્યા છે. તેના લીધે માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ જોવા મળી છે અને બજારનું માર્કેટ કૅપ પણ ૭૪૦૦૦ કરોડ રૂપિયા વધીને ૨૫૬.૩૨ લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચી ગયું છે.



ગોલ્ડિયમમાં ૧૨૦૦ના બાયબૅકની તેજી, રેનેસા ગ્લોબલ પણ મજબૂત


ગોલ્ડિયમ ઇન્ટરનૅશનલની બોર્ડ મીટિંગમાં શૅરદીઠ ૧૨૦૦ રૂપિયા સુધીના ભાવે બાયબૅકનો નિર્ણય આવતાં ભાવ ગઈ કાલે ૧૦૭૪ની ઑલટાઇમ હાઈ બનાવી ૧૧ ટકાના ઉછાળે ૧૦૨૨ રૂપિયા બંધ રહ્યો છે. આની સાથે રેનેસા ગ્લોબલમાં પણ કંઈક સારું આવી શકે એવી હવા પાછળ ભાવ ઉપરમાં ૭૭૮ વટાવી અંતે અઢી ટકા વધી ૭૭૦ રૂપિયા બંધ હતો. બન્ને બજાર ખાતે કુલ મળીને આશરે બે લાખ શૅરનાં કામકાજ હતાં. ૧૦ની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૪૪૬ રૂપિયા કરતાં વધુ છે. મેઇડન  બોનસ બાકી છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૦.૮ ટકા જેવું છે. જો ૧૦ના શૅર સામે ૨૧૭ની બુકવૅલ્યુવાળી ગોલ્ડિયમ ૧૨૦૦ના ભાવે બાયબૅક લાવી શકતી હોય તો પછી રેનેસા કેમ નહીં? શૅરધારકોને ખુશ કરવા કંપની અવશ્ય કશુંક તો વિચારશે જ. દરમ્યાન જ્વેલરી ક્ષેત્રના અન્ય કાઉન્ટરમાં કલ્યાણ જ્વેલર્સ સહેજ ઘટીને ૬૬ની નજીક, ટીબીઝેડ પોણા ટકાની નરમાઈમાં ૭૬ની અંદર, થંગમયિલ જ્વેલરી સાડા ત્રણ ટકા વધીને ૧૦૯૩ રૂપિયા, સ્વર્ણસરિતા સવા બે ટકા વધી સવા પંદર રૂપિયા, રાજેશ એક્સપોર્ટસ પોણા ટકાની પીછેહઠમાં ૬૦૬ રૂપિયા, વૈભવ ગ્લોબલ દોઢ ટકો ઘટી ૭૭૮ રૂપિયા, શીતલ ડાયમંડ પાંચ ટકાની ઉપલી સર્કિટે આઠ રૂપિયા બંધ હતા.

કોલ ઇન્ડિયા અને હિન્દાલ્કોમાં ભાવનું પરિબળ ચાલક બન્યું


સરકારની ૬૬.૧ ટકા માલિકીની કોલ ઇન્ડિયા તેના ખર્ચ અને વેતન વધારાની અસર મજરે લેવા ભાવમાં ૧૦-૧૧ ટકા વધારો કરવા સક્રિય બની હોવાના અહેવાલ પાછળ શૅર બમણા કામકાજે ઉપરમાં ૧૫૬ નજીક જઈને ૪ ટકા ઊછળી ૧૫૪ની ઉપર બંધ થયો છે. તો લંડન ધાતુ બજારમાં એલ્યુમિનિયમના ભાવ ટનદીઠ ૩૦૦૦ ડૉલરની ૧૩ વર્ષની ઊંચી સપાટીએ પહોંચતાં ઘરઆંગણે એલ્યુમિનિયમ શૅર ઝળક્યા છે. હિન્દાલ્કો ૪૮૦ની નવી ટોપ બનાવી સવા ત્રણ ટકા વધી ૪૭૮ રૂપિયા તો નાલ્કો ૧૦૨ ઉપર નવી ઊંચી સપાટી નોંધાવી પોણા ત્રણ ટકાની મજબૂતીમાં ૧૦૧ નજીક બંધ રહ્યો છે. વેદાન્તા સવા બે ટકા જેવા સુધારામાં ૩૦૮ રૂપિયા, હિન્દુસ્તાન ઝીન્ક બે ટકા વધીને ૩૩૬ રૂપિયા તો હિન્દુસ્તાન કોપર ચાર ગણા કામકાજમાં ઉપરમાં ૧૨૬ નજીક ગયા બાદ સાડા સાત ટકાની તેજીમાં ૧૨૫ આસપાસ જોવાયો છે. નોન-ફેરસ મેટલની સાથે સાથે તાતા સ્ટીલ એક ટકો, જિંદાલ સ્ટીલ અને જેએસડબ્લ્યુ સ્ટીલ પોણા ટકા જેવા પ્લસ રહ્યા છે. સેઇલ જોકે ૧.૭ ટકા ઘટી ૧૨૦ બંધ હતો. આમ છતાં મેટલ ઇન્ડેક્સ સોમવારે ૩૦૪ પૉઇન્ટ કે દોઢ ટકો વધ્યો છે. માઇનિંગ સેગમેન્ટમાં આશાપુરા માઇનકેમ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૩૪ બંધ હતો. સાંડૂર મેંગેનિઝ બે ટકા, MOIL  પોણો ટકો અને એનએમડીસી સાધારણ નરમ હતા. જીએમડીસી તથા ઓરિસ્સા મિનરલ્સ સાધારણ સુધર્યા હતા. ડેક્કન ગોલ્ડ જૈસે થે હતો.

બૅન્કિંગમાં એકંદર ઢીલું વલણ, સૂર્યોદય સ્મૉલ બૅન્ક ઊછળ્યો

ગઈ કાલે બૅન્કિંગ ક્ષેત્રના ૩૫માંથી ૧૪ શૅર પ્લસ રહેતાં એકંદર વલણ ઢીલું હતું. બૅન્ક નિફ્ટી પણ બારમાંથી ૪ શૅર પ્લસમાં આપી અડધા ટકાથી વધુ કે ૨૧૧ પૉઇન્ટ કટ થયો છે. વધેલા ચાર શૅરમાં અત્રે કોટક બૅન્ક ૧.૭ ટકા અપ હતી. આઇડીએફસી  ફર્સ્ટ, આરબીએલ તેમ જ સ્ટેટ બૅન્ક નજીવા સુધર્યા હતા. પીએનબી તથા બંધન બૅન્ક આગલા લેવલે યથાવત્ હતા. એયુ સ્મૉલ બૅન્ક બે ટકાથી વધુ ડાઉન હતો. આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણા બે ટકા ઘટી ૭૦૭, એચડીએફસી બૅન્ક પોણા ટકાની નરમાઈમાં ૧૫૫૫ તો ઇન્ડ્સઇન્ડ બૅન્ક અને એક્સીસ બૅન્ક સાધારણ માઇનસમાં બંધ રહેતાં બજારને કુલ મળીને ૧૩૫ પૉઇન્ટની હાનિ થઈ હતી. પીએસયુ બૅન્ક નિફ્ટી આમ તો ૦.૪ ટકા જ નરમ  હતો, પરંતુ તેના ૧૩માંથી ફક્ત બે શૅર વધ્યા હતા જેમાં ઇન્ડિયન બૅન્ક સર્વાધિક પચાસ પૈસા કે ૦.૪ ટકાના સુધારામાં બંધ હતો. સ્ટેટ બૅન્ક ૬૫ પૈસા વધી ૪૩૩ નજીક ગયો હતો. યુકો બૅન્ક અઢી ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા બે ટકા, બૅન્ક ઑફ બરોડા એક ટકાથી વધુ તો સેન્ટ્રલ બૅન્ક અને જે. કે. બૅન્ક એકાદ ટકો ડાઉન હતા.

સૂર્યોદય સ્મૉલ બૅન્ક ગઈ કાલે છ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૭૯ ઉપર બંધ થયો છે. ડિજિટલ લેન્ડિંગ બિઝનેસમાં પ્રવૃત્ત ક્લીકસ કેપિટલ સર્વિસિસ સાથે મર્જરની હવા આ શૅરમાં તેજીનું કારણ બની છે. સૂર્યોદયનો આઇપીઓ ચાલુ વર્ષે માર્ચની આખરમાં ૩૦૫ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૦ ટકા ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થવા બાદ ભાવ સતત ઘટાડાતરફી ચાલમાં તાજેતરમાં ૧૩૯ની અંદર ઑલટાઇમ તળિયે પહોંચી ગયો હતો. હવે મર્જરનો મમરો શૅરમાં કેટલી તાકાત લાવે છે તે જોવું રહ્યું. ઇક્વિટાસ સ્મૉલ બૅન્ક ૦.૪ ટકા નરમ હતી. ઉજજીવન સ્મૉલ બૅન્ક ૨૦.૫૦ના આગલા લેવલે યથાવત્ હતી. આઇડીબીઆઇ  બૅન્ક પોણા ત્રણ ટકા, કર્ણાટકા બૅન્ક ૧.૯ ટકા, ધનલક્ષ્મી તથા યસ બૅન્ક સવા ટકો અને ડીસીબી બૅન્ક એક ટકો પ્લસ હતા. ફાઇનૅન્સ ઇન્ડેક્સ નજીવા ઘટાડે ફ્લૅટ હતો પણ ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ ૫.૬ ટકા, ઉજજીવન ફાઇ. ૫.૪ ટકા, એંજલ બ્રોકિંગ ૫.૩ ટકા, રિલાયન્સ કેપિટલ અને  આઇઆઇએફએલ પાંચ–પાંચ ટકા ઊંચકાયા હતા. શ્રેઇ ઇન્ફ્રા ૩૫૦૦૦ કરોડની લોનમાં ડૂલ થયાના અહેવાલ પાછળ ૪.૬  ટકા ડાઉન થયો છે.

અદાણી ટ્રાન્સમિશન મહિનામાં બેવડાઈ નવા શિખરે ગયો

અદાણી ગ્રુપના શૅરોમાં તેજીની નવી ચાલ શરૂ થઈ લાગે છે. અદાણી એન્ટરપ્રાઇઝીસ ગઈ કાલે ૧૮૭૬ નજીક નવી વિક્રમી સપાટી બનાવી પોણા ચાર ટકાની મજબૂતીમાં ૧૮૭૧ નજીક બંધ રહ્યો છે. આ સાથે કંપનીનું માર્કેટ કૅપ ૨.૦૬ લાખ કરોડ નજીક આવી ગયું છે. મહિના પૂર્વે અહીં ૯૬૫નો ભાવ હતો. આની સામે ગ્રુપના બાકીના શૅર સોમવારે થાકોડો ખાવાના મૂડમાં હતા. અદાણી ટોટલ ૧.૪ ટકા, અદાણી એન્ટર. પોણો ટકો, અદાણી પાવર પોણા બે ટકા, અદાણી ગ્રીન અૅનર્જી અઢી ટકા તથા અદાણી પોર્ટસ ૦.૬ ટકા નરમ બંધ આવ્યા છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાના પગલે આશરે ૪૬૦૦ કરોડની રોકડી થવાની શક્યતા પાછળ અનિલ અંબાણી ગ્રુપના તમામ શૅર ગુરુવારે ઉપલી સર્કિટ સાથે ડિમાન્ડમાં હતા. ગઈ કાલે પણ રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ કમ્યુનિકેશન્સ, રિલાયન્સ પાવર અને રિલાયન્સ હોમ પાંચ-પાંચ ટકાની તેજીની સર્કિટમાં બંધ થયા છે. રિલાયન્સ નેવલ ૧.૪ ટકા વધ્યો હતો. આથી વિપરીત હાલ કિશોર બિયાનીના ફ્યુચર ગ્રુપના હતા. સુપ્રીમ કોર્ટ તરફથી દિલ્હી હાઈ કોર્ટ, સેબી, સીસીઆઇ, એનક્લેટ સહિત લાગતા-વળગતા તમામ સત્તાવાળાને રિલાયન્સ ફ્યુચર ગ્રુપના ૨૪૭૦૦ કરોડની ડીલ અને તે સામે એમૅઝોને હાંસલ કરેલી સિંગાપોર આર્બિટ્રેજ કોર્ટમાં જીતના સંદર્ભમાં વધુ આગળ કારવાઈ કરવા સામે ચાર વીકનો મનાઈ હુકમ ફરમાવતાં ફ્યુચર ગ્રુપના શૅરોમાં ગુરુવારે તેજીનો રંગ આવ્યો હતો પણ ગઈ કાલે ફ્યુચર એન્ટરપ્રાઇઝીસ પોણા સાત ટકા, તેનો ડીવીઆર ચાર ટકા, ફ્યુચર લાઇફ દોઢ ટકો, ફ્યુચર રીટેલ સવા ચાર ટકા, ફ્યુચર કન્ઝ્યુમર સાત ટકા તથા ફ્યુચર સપ્લાય સાધારણ ઘટ્યા હતા. ફ્યુચર માર્કેટ નેટવર્ક અપવાદમાં બે ટકા જેવો વધી નવ રૂપિયા બંધ હતો. યસ બૅન્ક તરફથી કંપનીના હાલના બોર્ડ ઑફ ડિરેક્ટર્સને બરખાસ્ત કરવા કાનૂની કારવાઈ હાથ ધરાયાના પગલે ડીશ ટીવીનો શૅર લાઇમલાઇટમાં આવ્યો છે. ભાવ ગઈ કાલે ૨૦.૪૦ની બે વર્ષની ટૉપ બતાવી આઠ ટકા ઊંચકાઈને ૧૯.૩૮ રૂપિયા બંધ હતો, વૉલ્યુમ સવા ત્રણ ગણું નોંધાયું હતું.

Whatsapp-channel Whatsapp-channel

14 September, 2021 01:38 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK