Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રિલાયન્સે બજારને વધુ રડમસ બનાવ્યું, સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૫૪૦૦૦ નીચે ગયો

રિલાયન્સે બજારને વધુ રડમસ બનાવ્યું, સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૫૪૦૦૦ નીચે ગયો

10 May, 2022 05:14 PM IST | Mumbai
Anil Patel

પરિણામ પાછળ રિલાયન્સ ૧૦૪ રૂપિયા તૂટ્યો, સેન્સેક્સને ૩૧૮ પૉઇન્ટનો અને રોકાણકારોને ૭૨૪૭૧ કરોડનો માર પડ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પરિણામ પાછળ રિલાયન્સ ૧૦૪ રૂપિયા તૂટ્યો, સેન્સેક્સને ૩૧૮ પૉઇન્ટનો અને રોકાણકારોને ૭૨૪૭૧ કરોડનો માર પડ્યો: એફઆઇઆઇની ભારે ઉદાસીનતા વચ્ચે દેશી રોકાણકારોએ એલઆઇસીનો આઇપીઓ ત્રણેક ગણો છલકાવી દીધો, જોકે પ્રીમિયમ ગગડીને ગ્રે માર્કેટમાં આઠ રૂપિયા થઈ ગયાં:  જૂજ શૅરના સપોર્ટમાં આઇટી ઇન્ડેકસ નહીંવત્ સુધર્યો, ૬૩ મૂન્સ સતત ૧૧મા દિવસે નીચલી સર્કિટમાં : અદાણી ગ્રુપની નબળાઈ પાવર, યુટિલિટી અને એનર્જી ઇન્ડેક્સને ભારે પડી:  અૅક્સિસ બૅન્ક એના મ્યુ. ફન્ડ બિઝનેસના ગોટાળામાં વધુ ખરડાઈ, કૅનરા બૅન્ક વૉલ્યુમ સાથે આઠ ટકાથી વધુ લથડી

ફુગાવો, વ્યાજદર તથા ડૉલરની વધતી દાદાગીરીમાં વિશ્વભરનાં શૅરબજારો દબાતા જાય છે. સોમવારે હૉન્ગકૉન્ગ માર્કેટ બંધ હતું. ચાઇના નામપૂરતું, અઢી પૉઇન્ટ સુધર્યું હતું. અન્ય અગ્રણી બજારો સવા ટકાથી લઈને સાડાચાર ટકા નજીક ખરડાયાં હતાં. સિંગાપોર અપવાદ તરીકે અડધો ટકો ડાઉન હતું. ફુગાવો ૨૦૧૯ પછીની ટોચે જતાં ઇન્ડોનેશિયન શૅરબજારમાં ૩૧૯ પૉઇન્ટ કે ૪.૪ ટકાનો મોટો ધબડકો નોંધાયો છે. તાઇવાન સવાબે ટકા તો જપાનીઝ નિક્કેઈ અઢી ટકા રગડ્યા છે. યુરોપ પણ નબળા ઓપનિંગ બાદ એક-દોઢ ટકાની રેન્જમાં રનિંગ ક્વોટમાં નીચે દેખાયું છે. પાકિસ્તાનની શૅરબજાર ૧૪૪૮ પૉઇન્ટ કે ૩.૨ ટકા લથડી ૪૩૩૯૩ જોવાયું છે. બ્રેન્ટ ક્રૂડ એકાદ ટકાની પીછેહઠમાં ૧૧૧ ડૉલર ઉપર ચાલતું હતું. કોપર, એલ્યુમિનિયમ, જસત, સીસુ, ટીન ઇત્યાદી જેવી ઇન્ડસ્ટ્રીઅલ મેટલ અઢી-સાડાત્રણ ટકા ઘટાડામાં જોવા મળી છે. ડૉલર સામે રૂપિયો સતત નવી વર્સ્ટ બૉટમ બનાવતો રહી ૭૭.૫૦ ભણી સરક્યો છે. ૨૦૨૨ના પ્રથમ ચાર માસમાં સતત વેચવાલ રહેલી એફઆઇઆઇએ ૧.૭૦ લાખ કરોડ ઘરભેગા કરી લીધા પછી મે મહિનામાં પણ કામકાજના ચાર જ માસમાં ૧૨૭૩૩ કરોડની વધુ રોકડી કરી લીધી છે. એફઆઇઆઇની બેરૂખી એલઆઇસીના મેગા આઇપીઓમાં પણ વર્તાઈ છે. ક્યુઆઇબી પૉર્શનમાં તેની ડિમાન્ડ માંડ દસેક ટકા શૅરની રહી હોવાના અહેવાલ છે. બાય ધ વે, પ્રોવિઝનલ ફિગર પ્રમાણે ૨૧૦૦૦ કરોડનું આ ભરણું સોમવારે કુલ ૨.૯૪ ગણા રિસ્પોન્સ સાથે પૂરું થયું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ગગડીને આઠ જેવા બોલાય છે. ચાલુ સપ્તાહે સંખ્યાબંધ ચલણી કંપનીઓ સાથે આશરે ૩૦૦ કરતાં વધુ કંપનીઓના પરિણામ છે, પરંતુ બજાર સેક્યુલર મૂડમાં હોવાથી પરિણામ સારા આવે કે ખરાબ, શૅર વત્તે-ઓછે અંશે ઘટાડાતરફી જ રહે છે. રિઝર્વ બૅન્ક તરફથી વ્યાજદરમાં અણધાર્યા અને પ્રમાણમાં મોટા વધારા પછી બૅન્કો ધિરાણદર વધારવામાં લાગી ગઈ છે. કામકાજના છેલ્લા પાંચમાંથી ચાર વખત ઘટેલું બજાર સોમવારે ઇન્ટ્રા-ડેમાં ૯૦૭ પૉઇન્ટની ખરાબીમાં ૫૪નું લેવલ તોડ્યા પછી છેલ્લે ૩૬૫ પૉઇન્ટ ઘટી ૫૪૪૭૧ બંધ થયું છે. નિફ્ટી ૧૦૯ પૉઇન્ટની નરમાઈમાં ૧૬૩૦૨ રહ્યો છે. સેન્સેક્સ નિફ્ટી તેમ જ લાર્જ કૅપની રીતે માર્કેટ પોણા ટકા જેવું નરમ હતું, પરંતુ આંતરપ્રવાહ વધુ ડહોળાયો છે. માર્કેટ બ્રેડ્થ બગડેલી જ રહી છે. એનએસઈ ખાતે વધેલા ૫૧૧ શૅર સામે ૧૫૯૦ જાતો ઘટીને બંધ આવી છે. આઇટી, ટેલિકૉમ અને ટેક્નૉલૉજી ઇન્ડેક્સના સાધારણ સુધારાને બાદ કરતાં બન્ને બજારના તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં હતા. એનર્જી, પાવર, યુટિલિટીઝ, ઑઇલ-ગૅસ, મેટલ જેવા બેન્ચમાર્ક બેથી-અઢી ટકા કટ થયા છે. 
રિલાયન્સ ચાર ટકા કે ૧૦૪ રૂપિયા ગગડી બન્ને બજારમાં ટૉપ લુઝર 
આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં રહેલાં બજારમાં સોમવારે સેન્સેક્સ ખાતે ૩૦માંથી ૧૭ અને નિફ્ટીના ૫૦માંથી ૩૧ શૅર ડાઉન હતા. માર્કેટ લીડર રિલાયન્સ અપેક્ષા કરતાં નબળા પરિણામના પગલે નીચામાં ૨૫૦૮ બતાવી ચાર ટકા કે ૧૦૪ રૂપિયા ગગડીને ૨૫૧૭ બંધ રહી બન્ને બજારમાં ટૉપ લુઝર બની છે. રિલાયન્સની ખરાબી સેન્સેક્સને ૩૧૮ પૉઇન્ટ તથા તેના રોકાણકારોને ૭૨૪૭૧ કરોડ રૂપિયામાં પડી છે. ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક, નેસ્લે, હીરો મોટોકોર્પ, તાતા સ્ટીલ, ટેક મહિન્દ્ર, કોલ ઇન્ડિયા, અદાણી પોર્ટસ જેવા કાઉન્ટર્સ અઢીથી ત્રણેક ટકા ડાઉન હતા. પાવરગ્રિડ દોઢા કામકાજમાં ૨૪૭ નજીક નવી ટૉપ બનાવી ૨.૮ ટકા વધી ૨૪૫ના બંધમાં બન્ને બજાર ખાતે બેસ્ટ પર્ફોર્મર હતો. રિલાયન્સ ગ્રુપના અન્ય શૅરમાં રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા ૪.૩ ટકા, નેટવર્ક૧૮  સવાપાંચ ટકા, ટીવી૧૮ ૪.૬ ટકા, જસ્ટ ડાયલ ૩.૭ ટકા, હેથવે કેબલ ૨.૩ ટકા, ડેન નેટવર્ક ૨.૨ ટકા, આલોક ઇન્ડ. જૈસે-થે તથા સ્ટર્લિંગ વિલ્સન ત્રણ ટકા ઘટીને બંધ રહ્યો છે. સામે પક્ષે અદાણી એન્ટર પોણાત્રણ ટકા, અદાણી પોર્ટસ અઢી ટકા, અદાણી પાવર પાંચ ટકાની મંદીની સર્કિટમાં, અદાણી ટ્રાન્સમિશન પોણાબે ટકા, અદાણી ગ્રીન ૧૮૪ રૂપિયા કે સાડાછ ટકા અને અદાણી ટોટલ એક ટકાથી વધુ ડાઉન થયા છે. અદાણી વિલ્મર પાંચ ટકાની એક વધુ નીચલી સર્કિટમાં ૬૧૪ની અંદર ઊતરી ગયો છે. બાય ધ વે રુચિ સોયા ૨.૪ ટકાના ઘટાડે ૧૦૬૯ હતો. બાસ્ફ તગડા રિઝલ્ટ પાછળ ૧૭ ગણા વૉલ્યુમે ૨૫૩૦ના નીચલા મથાળેથી ઊછળી ૨૮૬૮ થઈ ૮.૭ ટકાની તેજીમાં ૨૮૧૮ના બંધમાં એ-ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. પ્રીવી સ્પેશ્યલિટી કેમિકલ્સ ૧૭ ટકા કે ૨૯૬ રૂપિયાના કડાકામાં ૧૪૧૫નો બંધ આવી એ-ગ્રુપ ખાતે વર્સ્ટ પર્ફોર્મર રહ્યો હતો. 
વ્યાપક નબળાઈ છતાં આઇટી ઇન્ડેક્સ સામાન્ય સુધારે બંધ 
ગઈ કાલે આઇટી ઇન્ડેક્સ ૨૯ પૉઇન્ટ જેવા નહીંવત્ સુધારામાં બંધ રહ્યો છે. જોકે અત્રે ૬૨માંથી ૪૯ શૅર માઇનસ હતા, પરંતુ ઇન્ફોસિસ પોણાબે ટકા, એચસીએલ ટેક્નૉલૉજીઝ અઢી ટકા, ટીસીએસ તેર રૂપિયા જેવો સામાન્ય વધતાં આઇટી ઇન્ડેક્સને ૨૫૫ પૉઇન્ટ મળી ગયા હતા. ટેક મહિન્દ્ર સવાબે ટકા તથા વિપ્રો સામાન્ય ઘટાડે ૪૮૩ બંધ આપતાં અગાઉ ઇન્ટ્રા-ડેમાં ૪૭૪ના નવા તળિયે ગયો હતો. લાર્સન ઇન્ફો સાડાત્રણ ટકા અને માઇન્ડ ટ્રી સવાપાંચ ટકા ખરડાયા હતા, પણ લાર્સન ટેક્નૉલૉજીઝ પોણો ટકો વધી છે. ક્વીક હીલ સાડાત્રણ ટકા, સિગ્નેટી સાડાઆઠ ટકા, ડેટામેટિક્સ પોણાસાત ટકા, માસ્ટેક સાડાછ ટકા, એપટેક પાંચ ટકાથી વધુ તૂટ્યા છે. ૬૩ મૂન્સ સતત ૧૧મી નીચલી સર્કિટે પાંચ ટકા ખરડાઈને ૧૭૧ થઈ ગયો છે. ટેલિકૉમ ઇન્ડેક્સ ૧૭માંથી ૧૨ શૅરના ઘટાડા વચ્ચે અડધા ટકાની નજીક સુધર્યો છે. તાતા ટેલિ ઉપલી સર્કિટે, ઇન્ડ્સ ટાવર સાડાત્રણ ટકા અને એચએફસીએલ અઢી ટકા પડ્યું છે. ભારતી એરટેલ ૭૧૨ના બંધમાં ફ્લૅટ હતો. ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ૨૭માંથી ૧૮ શૅરની નરમાઈ છતાં અડધો ટકો સુધર્યો છે. ઝી એન્ટરપ્રાઇસીઝ સાડાપાંચ ટકાની ખરાબીમાં ૨૩૫ બંધ આપી અત્રે ટૉપ લુઝર હતો. સનટીવી દોઢ ટકો અને આઇટીઆઇ પોણાબે ટકા નરમ હતા. પીવીઆર સાધારણ જ્યારે આઇનોક્સ લિઝર એક ટકો અપ હતા. ઝી મીડિયામાં પાંચ ટકાની નીચલી સર્કિટ લાગેલી હતી. 
તાતા પાવરમાં સારા પરિણામ વચ્ચે અંધારપટ, જીએમડીસી ખરડાયો 
તાતા પાવર તરફથી ૭૬ ટકાના વધારા સાથે ૭૭૫ કરોડના ચોખ્ખા નફા સહિત બહેતર પરિણામ રજૂ થયા છે, પરંતુ શૅર પોણા ત્રણ ગણા કામકાજમાં નીચામાં ૨૨૩ થઈ સવાછ ટકા ગગડી ૨૩૦ની અંદર આવી ગયો છે. આ ઉપરાંત અદાણી ગ્રુપના એનર્જી શૅર નબળા હતા. જેએસડબ્લ્યુ એનર્જી ચાર ટકા માઇનસ હતો. ભેલ ત્રણ ટકા વધુ ઢીલો પડ્યો છે. સરવાળે પાવર ઇન્ડેક્સ અઢી ટકા કપાયો છે. યુટિલિટી ઇન્ડેક્સ પણ અઢી ટકા ડૂલ હતો. જોકે રિલાયન્સ પાવર ઉપલી સર્કિટે પાંચ ટકા વધી પોણાચૌદના બંધમાં અત્રે ટૉપ ગેઇનર બન્યો છે. એનર્જી ઇન્ડેક્સ સવાબે ટકા નરમ હતો. દીપ ઇન્ડસ્ટ્રીઝ ૧૦.૪ ટકાની તેજીમાં ૨૫૬ થઈ છે. ઑઇલ ઇન્ડિયા સવાત્રણ ટકા પ્લસ હતો, સામે જીએમડીસી સવાઆઠ ટકા, ગોવા કાર્બન સાડાપાંચ ટકા, એમઆરપીએલ સવાપાંચ ટકા અને જિંદલ ડ્રીલિંગ સાડાચાર ટકા લપસ્યા હતા. ઓએનજીસી દોઢ ટકાની નજીક નરમ રહી ૧૬૫ થયો છે. ઑટો ઇન્ડેક્સ ૧૫માંથી ૧૨ શૅર ઘટવા છતાં માંડ ૦.૩ ટકા જ ઘટ્યો છે. અત્રે બજાજ ઑટો બે ટકા, મારુતિ સુઝુકી સવા ટકો અને મહિન્દ્ર નામકે વાસ્તે પ્લસ હતા. હીરો મોટોકોર્પ અઢી ટકાના બગાડમાં ૨૪૯૪ રહી છે. તાતા મોટર્સ સવા ટકો નરમ હતી. મેટલ ઇન્ડેક્સ ૪૧૦ પૉઇન્ટ કે બે ટકા માઇનસ હતો. વેદાન્તા, એનએમડીસી, તાતા સ્ટીલ, કોલ ઇન્ડિયા, સેઇલ સવાબેથી ત્રણ ટકા જેવા પીગળ્યા હતા. હિન્દાલ્કો ૪૪૪ના બંધમાં જૈસે-થે હતો. હિન્દુસ્તાન ઝિન્ક સવા ટકો સુધરીને ૩૦૯ થયો છે. 
બૅન્કિંગના ૩૬માંથી ૬ શૅર પ્લસ, આરબીએલ બૅન્ક સતત નવા તળિયે
સોમવારે બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના ઘટાડે ૩૧૬ પૉઇન્ટ કે એકાદ ટકો ઢીલો હતો, પરંતુ પીએસયુ બૅન્ક નિફ્ટી સવાબે ટકા કપાયો છે. અત્રે એક પણ શૅર પ્લસ નહોતો. પંજાબ સિંધ બૅન્ક તથા યુકો બૅન્ક જૈસે-થે હતા. બાકીની ૧૦ જાતો ઘટેલી હતી. બૅન્કિંગ ક્ષેત્રના ૩૬માંથી ૬ શૅર પ્લસ હતા. ફેડરલ બૅન્ક સાડાત્રણ ટકા, ડીસીબી બૅન્ક ત્રણ ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક અઢી ટકા અને સૂર્યોદય સ્મૉલ બૅન્ક પોણો ટકો અપ હતા. સીએસબી બૅન્કમાં આઠ ટકાનું ધોવાણ થયું છે. આરબીએલ બૅન્ક ૧૧૦ની અંદર નવી ઐતિહાસિક બૉટમ દેખાડી સવાબે ટકા ગગડી ૧૧૨ રહી છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ અડધો ટકો નરમ હતો, પરંતુ તેના ૧૨૮માંથી ફક્ત ૨૬ શૅર સુધર્યા હતા. પીએનબી ગિલ્ટ ૬.૭ ટકા, રિલાયન્સ કૅપિટલ ૪.૭ ટકા, માસ ફાઇ. સવાચાર ટકા અપ હતા. ઇન્ડોસ્ટાર ઑડિટર્સની નેગેટિવ કમેન્ટની અસરમાં દસ ટકાના કડાકામાં ૧૮૪ થયો છે. ધનવર્ષા ૮.૮ ટકા, કૅનરા બૅન્ક આઠ ટકા, કેનફીન હોમ ૫.૭ ટકા, અરમાન ફાઇ ૫.૪ ટકા, ક્રિડિટ એક્સેસ સવાપાંચ ટકા ડૂલ થયા છે. એચડીએફસી પોણો ટકો વધીને ૨૧૭૦ તો એચડીએફસી બૅન્ક નહીંવત્ સુધારામાં ૧૩૨૦ હતા. અૅક્સિસ બૅન્ક જે શુક્રવારે ચાર ટકાથી વધુ ગગડી ટૉપ લુઝર બન્યો હતો તે ગઈ કાલે વધુ ૧.૪ ટકા ઘટીને ૬૬૪ થયો છે. બજાજ ફિનસર્વ સવા ટકો અને બજાજ ફાઇનૅન્સ અડધો ટકો સુધર્યો છે. ઇકરા સવાત્રણ ટકાની ખરાબીમાં ૩૮૬૯ બંધ આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2022 05:14 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK