રિલાયન્સ, ઇન્ફોસિસનાં આજનાં ત્રિમાસિક પરિણામો માર્કેટનો ટ્રેન્ડ નક્કી કરશે : ઇન્ફોસિસ ગાઇડન્સ વધારે તો શૅર બાવન વીકની નવી ટોચે પહોંચી શકે, ડિવીઝ લૅબમાં ઘટાડો, આઇડિયા સતત બીજા દિવસે સફળ
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
આજે રિલાયન્સ અને ઇન્ફોસિસનાં ત્રિમાસિક પરિણામો રજૂ થશે એ બજારનો ટ્રેન્ડ નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. જોકે દર ગુરુવારે નિફ્ટીનાં સાપ્તાહિક ઑપ્શન્સ સેટલ થતાં હોવાથી એને અનુલક્ષીને પૂરા દિવસમાં જોવા મળતી ચંચળતાના અંતે બંધ કેવા લેવલે આવે છે એ પણ જોવું રહ્યું. બુધવારે બૅન્કિંગ અને ફાઇનૅન્સ શૅરોનો અંડરટોન ઢીલો જણાતો હતો. ફાઇનૅન્શ્યલ સર્વિસ ઇન્ડેક્સ તો 0.19 ટકા ઘટી 22,680.10ની સપાટીએ અને બૅન્ક નિફ્ટી 0.05 ટકાના નગણ્ય ગેઇને 48,751.70 બંધ રહ્યા હતા. નિફ્ટી નેક્સ્ટ 50 0.88 ટકાના સુધારાએ 63,639.55 અને મિડકૅપ સિલેક્ટ ઇન્ડેક્સ 0.83 ટકાના ગેઇને 12,129 બંધ જોવા મળ્યા હતા. મુખ્ય આંક નિફ્ટી માત્ર 0.16 ટકા વધી 23,213.20ના સ્તરે વિરમ્યો હતો.
રિલાયન્સ રિઝલ્ટ પ્રીવ્યુ : બે ખરાબ બાદ ત્રીજો ત્રિમાસિક સારો પર્ફોર્મન્સ દેખાડી શકે
ADVERTISEMENT
બે ક્વૉર્ટરના ખરાબ શો પછી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ત્રીજા ક્વૉર્ટરમાં મજબૂત કમાણી કરે એવી શક્યતા છે જે એના મુખ્ય સેગમેન્ટમાં અનુકૂળ ઑપરેટિંગ વાતાવરણને કારણે હોઈ શકે છે. બ્રોકરેજના સરેરાશ અંદાજ મુજબ, ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૪ના સમયગાળા માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 3 ટકા વધવાનો અંદાજ મળે છે. કંપનીએ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં એના ચોખ્ખા નફામાં 5 ટકા ઘટાડો નોંધાવ્યો હતો. ડિસેમ્બર ત્રિમાસિકમાં વર્ષાનુવર્ષ ત્રિમાસિક સરખામણીએ રેવન્યુ સાત ટકા વધવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. જિયો અને રીટેલ સેગમેન્ટમાં સુધારાની ધારણા રખાય છે. ઑક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિકમાં રેવન્યુ 2,29,222 કરોડ અને નેટ પ્રૉફિટ 17,482 કરોડ રૂપિયા થવાના છ બ્રોકરેજનો સરેરાશ અંદાજ છે.
દરમ્યાન, નિફ્ટીના એનટીપીસી ચાર ટકા વધી 322 રૂપિયા, ટ્રેન્ટ પોણાચાર ટકા પ્લસ થઈ 6399 રૂપિયા, પાવરગ્રીડ 2.88 ટકા વધી 298 રૂપિયા, કોટક મહિન્દ્ર બૅન્ક સવાબે ટકા વધી 1788 રૂપિયા અને મારુતિ બે ટકા સુધરી 11,964 રૂપિયાની સપાટીએ વિરમ્યા હતા. ઘટવામાં મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ત્રણ ટકા તૂટી 2961 રૂપિયા, ઍક્સિસ બૅન્ક 2.53 ટકા ઘટી 1025 રૂપિયા, બજાજ ફીનસર્વ સવાબે ટકા અને બજાજ ફાઇનૅન્સ 2.21 ટકા ડાઉન અનુક્રમે 1674 રૂપિયા અને 7173 રૂપિયા થઈ ગયા હતા. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સના પ્રતિનિધિ ઝોમાટો 5.18 ટકા વધી 245.70 રૂપિયા, આઇસીઆઇસીઆઇ જનરલ ઇન્શ્યૉરન્સ 3.17 ટકા સુધરી 1889 રૂપિયા, અદાણી ગ્રીન 3.09 ટકાના ગેઇને 1038 રૂપિયા થઈ ગયા હતા. પાવર ફાઇનૅન્સ કૉર્પોરેશન મંગળવારના સાડાસાત ટકાના વધારા પછી બુધવારે પણ 2.90 ટકા સુધરી 429.5 રૂપિયાના સ્તરે બંધ હતો. આગામી બજેટમાં એનર્જી સેક્ટરને ફાયદો થાય એવી દરખાસ્તો આવવાની અપેક્ષાએ આ સેક્ટરના શૅરોમાં લેવાલી રહેતી હોવાનું કહેવાતું હતું. નિફ્ટી નેક્સ્ટ 50નો ડિવીસ લૅબ પોણાત્રણ ટકા તૂટી 5830 રૂપિયા બંધ આવ્યો હતો. આ ઇન્ડેક્સના 50માંથી 34 શૅરો ઍડ્વાન્સિંગ તો 16 ડિક્લાઇનિંગ મોડમાં હતા. મિડકૅપ સિલેક્ટનો આઇડિયા મંગળવારે 7.11 ટકા વધ્યા પછી બુધવારે વધુ 6.06 ટકા વધી 8.75 રૂપિયા થઈ ગયો હતો. એચડીએફસી એએમસી સાડાચાર અને ઇન્ડિયન હોટેલ્સ ચાર ટકા સુધરી અનુક્રમે 4037 રૂપિયા અને 813 રૂપિયાના સ્તરે બંધ હતા. ડિક્સોન 3.93 ટકા અને પરસીસ્ટન્ટ 3.74 ટકા વધી અનુક્રમે 16,915 રૂપિયા અને 6100 રૂપિયાના સ્તરે વિરમ્યા હતા. આ ઇન્ડેક્સના ઘટેલા શૅરોમાં નોંધ લેવા લાયક એચપીસીએલ અઢી ટકા ઘટી 363.9 રૂપિયા થઈ ગયો હતો. આ ઇન્ડેક્સના 25માંથી 15 શૅરો ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટી બૅન્કના શૅરોની વધઘટ નોંધનીય નહોતી. આ ઇન્ડેક્સના 12માંથી 7 શૅરો પ્લસમાં હતા. નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસનો એમસીએક્સ સાડાચાર ટકા સુધરી 5950 રૂપિયા થયો એની નોંધ લેવી ઘટે. આ ઇન્ડેક્સના 20માંથી 10 શૅરો ડાઉન હતા.
FII સતત નેટ વેચવાલ
બુધવારે FIIની 4533 કરોડ રૂપિયાની નેટ વેચવાલી રહી હતી. DIIની 3682 કરોડ રૂપિયાની નેટ લેવાલી જોવા મળી હતી. પરિણામે કૅશ સેગમૅન્ટમાં ઓવરઑલ 851 કરોડ રૂપિયાની નેટ વેચવાલી જોવા મળી હતી.
ઍનલિસ્ટોના મતે ઇન્ફોસિસનાં રિઝલ્ટમાં ધારણાથી વધુ સારો સુધારો આવે તો શૅર નવી ઊંચાઈએ જઈ શકે
નિફ્ટી ફિફ્ટી 23,176ના પુરોગામી બંધ સામે 23,250 ખૂલી ઘટીને 23,146 અને વધીને 23,293 થયા બાદ 37 પૉઇન્ટ્સ, 0.16 ટકા સુધરી 23,213 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સના 27 શૅરો વધ્યા અને 23 શૅરો ઘટ્યા એ સ્થિતિ અને ટૉપ 5 ગેઇનર્સના પરસન્ટેજ 1.91 થી 4.01ની વચ્ચે રહ્યા એ મુદ્દો નિર્દેશ કરે છે કે બજારની નજર ગુરુવારની ઑપ્શન્સની એક્સપાયરી અને રિલાયન્સ, ઇન્ફોસિસનાં પરિણામો પર છે. ઇન્ફોસિસ 0.60 ટકા, 11.60 રૂપિયા વધી 1951.65 બંધ રહ્યો હતો. એના 2006.45 રૂપિયાના બાવન સપ્તાહના હાઈથી 2.73 ટકા જ દૂર છે. કંપનીનો કૉન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથ સપ્ટેમ્બર ત્રિમાસિકની સરખામણીએ 0.9 ટકા રહેવાની ઍનલિસ્ટોની ધારણા છે. અવઢવ એ છે કે આવો ગ્રોથ થાય તો એ તાજેતરમાં આવેલા ટીસીએસના આવા ફ્લૅટ ગ્રોથ કરતાં વધુ પણ પરિણામ પછી પીટાઈ ગયેલા એચસીએલ ટેકના 3.8 ટકા કરતાં ઓછો હશે. આમ આ ફેક્ટર ભાવનો ટ્રેન્ડ નક્કી નહીં કરી શકે, એના કરતાં અન્ય પરિબળોના બળે ઇન્ફોસિસનાં રિઝલ્ટ્સને મૂલવવા પડશે. રૂપિયામાં ગણતરીએ ડિસેમ્બર ક્વૉર્ટરમાં પ્રીવિયસ ક્વૉર્ટરના 40,986 કરોડ રૂપિયાની સામે રેવન્યુ 41,281 કરોડ રૂપિયાના સ્તરે રહેવાની ઍનલિસ્ટોની ધારણા છે. વ્યાજ અને કરવેરા પૂર્વેનો નફો 8791 કરોડ રૂપિયા (સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં 8649 કરોડ રૂપિયા) રહેવાનો એમનો અંદાજ છે. માર્જિન 21.1 ટકાથી થોડું સુધરીને 21.3 ટકા આવવાની ધારણા છે. કરવેરા પછીનો નફો 6506 કરોડથી 3.8 ટકા (ક્વૉર્ટર ઑન ક્વૉર્ટર તુલનાએ) વધી 6753 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. કંપનીનું કૉન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથ ગાઇડન્સ હાલ 3.75 ટકા-4.5 ટકા છે એ વધારી 4થી 5 ટકાનું કે પછી સાડાચારથી પાંચ ટકાનું અને માર્જિન ગાઇડન્સ 20-22 ટકા યથાવત્ રખાય એવી ઍનલિસ્ટોની ગણતરી છે. કંપનીના ગ્રાહકો તરફથી ડિસ્ક્રેશનરી ડિમાન્ડ સુધરવાના મુદ્દે ઇન્ફોસિસ શું જણાવે છે?, વેતનવૃદ્ધિ ક્યારે અને એની અસર કેવી હશે એ મુદ્દે કંપનીનું વલણ, 2026 માટેનો એનો આઉટલુક તેમ જ કંપનીના મુખ્ય વર્ટિકલ્સ બૅન્કિંગ, ફાઇનૅન્શ્યલ સર્વિસિસ અને ઇન્શ્યૉરન્સ (BFSI), રીટેલ અને હાઇટેકને લઈને કંપનીની કૉમેન્ટરી કેવી રહે છે? આ બધા મુદ્દા ઇન્ફોસિસના ભાવના ટ્રેન્ડ માટે મહત્ત્વના બની રહેશે. છેલ્લા 365 દિવસમાં શૅર 18 ટકા વધ્યો છે અને 30 દિવસમાં અઢી ટકા ઘટ્યો છે. ધારણાથી વધારે સારા આંકડા ઇન્ફોસિસના ભાવને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે એવો મત પણ અમુક વિશ્લેષકોએ વ્યક્ત કર્યો હતો.
માર્કેટ કૅપિટલાઇઝેશનમાં મામૂલી વધારો
0.29 ટકા સુધરી 76,724.08 બંધ આપનાર સેન્સેક્સના 30માંથી 19 શૅરો અને 0.08 ટકા વધી 55,327 બંધ આપનાર બૅન્કેક્સના 10માંથી 5 શૅરો વધ્યા હતા. એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન વધીને 421.53 લાખ કરોડ રૂપિયા અને બીએસઈ લિસ્ટેડ શૅરોનું 424.31 લાખ કરોડ રૂપિયા હતું. એનએસઈના 2883 ટ્રેડેડ શૅરોમાંથી 1535 તથા બીએસઈના 4064 ટ્રેડેડ શૅરોમાંથી 2121 વધીને બંધ આવતાં માર્કેટ બ્રેડ્થ ઠીક-ઠીક હતી. એનએસઈ ખાતે 24 અને બીએસઈમાં 87 શૅરો 52 સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 85 અને 100 શૅરો 52 વીક લો પર હતા. એનએસઈના 117 શૅરો ઉપલી સર્કિટે અને 57 શૅરો નીચલી સર્કિટે પહોંચ્યા હતા.

