Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > પ્રોવિઝનલ અટેચમેન્ટની ગેરકાયદે કાર્યવાહી સામે હાઈ કોર્ટનું રક્ષણાત્મક કવચ

પ્રોવિઝનલ અટેચમેન્ટની ગેરકાયદે કાર્યવાહી સામે હાઈ કોર્ટનું રક્ષણાત્મક કવચ

11 June, 2021 12:53 PM IST | Mumbai
Shailesh Sheth

સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ના સેક્શન ૮૩ હેઠળ અમુક નિર્દિષ્ટ સંજોગોમાં કમિશનરને કરપાત્ર વ્યક્તિની બૅન્ક અકાઉન્ટ સહિતની અસ્કયામતો કામચલાઉ ધોરણે જપ્ત કરવાની સત્તા ઉપલબ્ધ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ના સેક્શન ૮૩ હેઠળ અમુક નિર્દિષ્ટ સંજોગોમાં કમિશનરને કરપાત્ર વ્યક્તિની બૅન્ક અકાઉન્ટ સહિતની અસ્કયામતો કામચલાઉ ધોરણે જપ્ત કરવાની સત્તા ઉપલબ્ધ છે. નિર્દિષ્ટ કાયદાકીય જોગવાઈઓ હેઠળ કરપાત્ર વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી અનિર્ણીત હોય ત્યારે સરકારી તિજોરીના રક્ષણાર્થે કહો કે હિતાર્થે કહો, સંબંધિત કમિશનર પ્રોવિઝનલ અટેચમેન્ટની આ આકરી કાર્યવાહી હાથ ધરી શકે છે. 
અત્રે દર્શાવેલી કાયદાકીય જોગવાઈઓ હેઠળ કોઈ કાર્યવાહી અનિર્ણીત હોય ત્યારે કમિશનર પ્રોવિઝનલ અટેચમેન્ટની કાર્યવાહી પ્રવર્તમાન સેક્શન ૮૩ની જોગવાઈ મુજબ લઈ શકે છે...

૧) સેક્શન ૬૨ (રીટર્ન ભરવામાં નિષ્ફળ જનાર રજિસ્ટર્ડ વ્યક્તિ સંબંધી આકારણીની કાર્યવાહી)
૨) સેક્શનન ૬૩ (અનરજિસ્ટર્ડ વ્યક્તિ સંબંધી આકારણીની કાર્યવાહી)
૩) સેક્શન ૬૪ (અમુક ચોક્કસ સંજોગોમાં સમરી અસેસમેન્ટની કાર્યવાહી)
૪) સેક્શન ૬૭ (તપાસ, પરીક્ષણ અને જપ્તીની કાર્યવાહી)
૫) સેક્શન ૭૩ (ટૅક્સ કે આઇટીસીની ડિમાન્ડ સંબંધી પાઠવવામાં આવેલી નોટિસ સંબંધી કાર્યવાહી)
૬) સેક્શન ૭૪ (‘કરચોરી’ના આરોપ હેઠળ ટૅક્સ કે આઇટીસીની ડિમાન્ડ સંબંધી પાઠવવામાં આવેલી નોટિસ સંબંધી કાર્યવાહી)
ઉપરોક્ત કાયદાકીય જોગવાઈઓના ઉલ્લેખ પરથી એ સ્પષ્ટ બને છે કે પ્રસ્તુત સેક્શન ૮૩ની જોગવાઈ પાછળનો હેતુ ચોક્કસ પ્રકારની કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહેલી વ્યક્તિ આ કાર્યવાહી દરમિયાન પોતાની માલિકીની સ્થાવર કે જંગમ અસ્કયામતો ‘સગેવગે’ કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે નહીં એની તકેદારી રાખવાનો છે. સ્વાભાવિકપણે, જીએસટીના આ ટૂંકા જીવનકાળ દરમિયાન જ ‘બોગસ આઇટીસી’ સહિત કરચોરીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આ સંજોગોમાં સેક્શન ૮૩ હેઠળની કાર્યવાહી ‘અપવાદ’ને બદલે ‘નિયમ’ બની ગઈ હોય એટલી હદે એ અંતર્ગત ઉપલબ્ધ સત્તાનો કમિશનર્સ દ્વારા બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. પરિણામે ‘સૂકા ભેગું લીલું બળે’ એવો ઘાટ થયો છે અને નાછૂટકે આ સમગ્ર કાર્યવાહીમાં અનેક કેસમાં હાઈ કોર્ટે દખલગીરી કરવાની ફરજ પડી છે. તાજેતરમાં શ્રી માર્ગ હ્યુમન રિસોર્સિસ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ પ્રિન્સિપાલ એડીજીના કેસમાં ૨૬ મે, ૨૦૨૧ના રોજ પોતાનો ચુકાદો આપીને મદ્રાસ હાઈ કોર્ટે અરજદાર કંપનીનું બૅન્ક અકાઉન્ટ ‘સીલ’ કરવાની કાર્યવાહી રદબાતલ કરી હતી. આ કેસમાં કંપની સામે અંદાજે ૨૧.૮૬ કરોડ રૂપિયાના બોગસ ઇનવોઇસના આધારે આઇટીસીનો લાભ લીધાનો આરોપ હતો. તપાસ દરમિયાન જ ડિપાર્ટમેન્ટે કંપની પાસેથી ૫.૬૮ કરોડ રૂપિયાની રકમ વસૂલ કરી હતી. હાઈ કોર્ટે આ બાબતની નોંધ લઈને તથા કંપનીને આ ઉપરાંત વધુ એક કરોડ રૂપિયાની રકમ ભરપાઈ કરવાનો આદેશ આપીને બૅન્ક અકાઉન્ટ ઍટેચ કરવાની કાર્યવાહી રદ કરી હતી. હાઈ કોર્ટે આ સંદર્ભે એક મહત્ત્વનું નિરીક્ષણ કરતાં જણાવ્યું હતું કે અટેચમેન્ટની આ કાર્યવાહી બંધારણની કલમ ૧૯(૧)(જી) હેઠળ ઉપલબ્ધ વ્યવસાય, વ્યાપાર કે ધંધાકીય પ્રવૃત્તિ ચલાવવાના સ્વતંત્ર અધિકારના ભોગે ન કરી શકાય.



અન્યત્ર, ધર્મેશ ગાંધી વિરુદ્ધ અસિસ્ટન્ટ કમિશનર (ઍન્ટિ ઇવેઝન)ના કેસમાં મુંબઈ હાઈ કોર્ટે પોતાનો ચુકાદો આપીને ડિપાર્ટમેન્ટને કરપાત્ર વ્યક્તિના કુટુંબીજનોના બૅન્ક અકાઉન્ટ ઍટેચ કરતાં ખાતાકીય અધિકારીના આદેશને ગેરકાયદે ઠેરવી રદ કર્યો હતો. એટલું જ નહીં, અન્ય કરપાત્ર વ્યક્તિઓને તેમની સામેના આરોપો વિરુદ્ધ રજૂઆત કરવાની તક આપી હતી અને કમિશનરને આ રજૂઆતને ધ્યાનમાં લઈને કાયદાનુસાર હુકમ પસાર કરવાનો આદેશ આપ્યો હતો. ૧૦ માર્ચ, ૨૦૨૧ના રોજ આપવામાં આવેલા આ ચુકાદામાં હાઈ કોર્ટે અગાઉ સિદ્ધાર્થ માંડવિયા વિરુદ્ધ કેન્દ્ર સરકારના કેસમાં અપાયેલા ચુકાદાનું અનુસરણ કર્યું હતું.


અત્રે એ નોંધવું ઘટે કે સેક્શન ૮૩(૧) હેઠળ પ્રોવિઝનલ અટેચમેન્ટની કાર્યવાહીનો હુકમ સબ-સેક્શન (૨)ની જોગવાઈ મુજબ કેવળ એક વર્ષ માટે અમલમાં રહી શકે છે અને ત્યાર બાદ એ કાયદેસર દૃષ્ટિએ આપોઆપ રદબાતલ થઈ જાય છે. સેક્શન ૮૩(૨)ની આ જોગવાઈના પરિપ્રેક્ષ્યમાં ૯ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ પંજાબ ઍન્ડ હરિયાણા હાઈ કોર્ટે પાર્વતી સ્ટીલ રિ-રોલિંગ મિલ્સના કેસમાં ચુકાદો આપતાં જણાવ્યું હતું કે સેક્શન ૮૩ હેઠળ પ્રોવિઝનલ કાર્યવાહીનો હુકમ કાયદેસર દૃષ્ટિએ કેવળ એક વર્ષ માટે અમલમાં રહી શકે છે અને એક વર્ષ સમાપ્ત થયે એ આપોઆપ રદબાતલ થઈ જાય છે. હાઈ કોર્ટે પોતાના ચુકાદામાં આ મુદ્દે કર્ણાટક હાઈ કોર્ટ દ્વારા મેસર્સ એ. પી. સ્ટીલ અને સંજયકુમાર મિશ્ર વિરુદ્ધ ઍડિશનલ ડિરેક્ટરના કેસમાં આપેલા ચુકાદાની તથા ગુજરાત હાઈ કોર્ટે નમસ્કાર એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ કમિશનરના કેસમાં આપેલા ચુકાદાની નોંધ લીધી હતી અને અરજદારોના બૅન્ક અકાઉન્ટને અટેચ કરવા માટેના કમિશનરના હુકમને ગેરકાયદે ઠેરવી રદ કર્યો હતો.

અન્ય એક મહત્ત્વનો ચુકાદો દિલ્હી હાઈ કોર્ટે રોશની સાના જયસ્વાલ વિરુદ્ધ કમિશનરના કેસમાં ૧૨ મે, ૨૦૨૧ના રોજ આપ્યો છે, જેમાં કરપાત્ર વ્યક્તિ સિવાય અન્ય વ્યક્તિની પ્રૉપર્ટીના પ્રોવિઝનલ અટેચમેન્ટની કાર્યવાહીને હાઈ કોર્ટે ગેરકાયદે ઠેરવી છે.


ઉપરોક્ત કાનૂની ચુકાદા અને અન્ય ચુકાદાઓ પરથી એ ફલિત થાય છે કે સેક્શન ૮૩ અંતર્ગત ઉપલબ્ધ અબાધિત સત્તાનો અપવાદરૂપ ઉપયોગ કરવાને બદલે અવિચારીપણે બેફામ ઉપયોગ થઈ રહ્યો છે અને આ જોગવાઈ કાયદાની ઉપરવટ જઈને ‘રિકવરી’ માટેનું હાથવગું સાધન બની ગઈ છે. ‘કરચોરો’ માટે કોઈ સહાનુભૂતિ ન હોઈ શકે, પરંતુ તેમની સામેની કાર્યવાહી દરમિયાન કાયદેસર જોગવાઈઓ અને કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતોને નેવે ન મૂકી શકાય! કમનસીબે, હાઈ કોર્ટમાં વિવિધ ચુકાદાઓ પરથી બોધપાઠ લેવાને બદલે ફાઇનૅન્સ ઍક્ટ, ૨૦૨૧ દ્વારા સેક્શન ૮૩માં નોકરશાહી અને તાનાશાહીનું પ્રતિબિંબ પાડતા ધરખમ સુધારા કરવામાં આવ્યા છે, જેના વિશે ભવિષ્યમાં ચર્ચા કરીશું. 

Whatsapp-channel Whatsapp-channel

11 June, 2021 12:53 PM IST | Mumbai | Shailesh Sheth

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK