° °

આજનું ઇ-પેપર
Friday, 16 April, 2021

આર્થિક વિકાસનો પૉઝિટિવ દર સારી વાત છે

01 March, 2021 12:42 PM IST | Mumbai | Jitendra Sanghvi

આર્થિક વિકાસનો પૉઝિટિવ દર સારી વાત છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

સત્તાવાર જાહેર કરાયેલા આંકડાઓ પ્રમાણે ડિસેમ્બર ક્વૉર્ટરમાં આર્થિક વિકાસનો દર પૉઝિટિવ (૦.૪ ટકા) રહ્યો છે. આ ક્વૉર્ટરના અગાઉ જાહેર કરાયેલ અનેક મેક્રો-ઇકૉનૉમિક પૅરામીટર્સને ઉપલક્ષીને આ વધારો અપેક્ષિત હતો. અગાઉના બે ક્વૉર્ટર (જૂન અને સપ્ટેમ્બર)ના આર્થિક વિકાસના દરના ઐતિહાસિક ઘટાડા પછીનો આ વધારો ટેક્નિકલ રીતે ભારત આર્થિક મંદીમાંથી બહાર નીકળી ગયાનો નિર્દેશ કરે છે એટલે આનંદના સમાચાર ગણાય.

ડિસેમ્બર ક્વૉર્ટરમાં બહુ ઓછા દેશોમાં વિકાસનો દર પૉઝિટિવ રહ્યો છે. આવા દેશો (વિયેટનામ, ચીન અને તાઇવાન) સાથે ભારત જોડાયું છે.

ભારત  છ મહિનાના ટૂંકા સમયમાં આર્થિક ઝંઝાવાતમાંથી બહાર નીકળી શક્યું છે એ આપણી મોટી સિદ્ધિ ગણાય. મહામારીના શરૂઆતના તબક્કે આપણે રોજી-રોટી (લાઇવલી હૂડ) રળવા કરતાં જનજીવન (લાઇવ્સ) બચાવવાને પસંદગી આપી અને એ પછી તરત જ બન્નેનું (લાઇવલી હૂડ અને લાઇવ્સ)નું બેલેન્સ કર્યું. આપણી એ દૂરંદેશીએ દેશને મોટી જાનહાનિમાંથી બચાવી લીધો અને સાથે સાથે અભૂતપૂર્વ મોટા આર્થિક નુકસાનમાંથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જવાનો માર્ગ પણ બતાવ્યો.

ચીન અને વિયેટનામનો ૨૦૨૦ના પૂરા વર્ષનો આર્થિક વિકાસનો દર પૉઝિટિવ રહ્યો છે એટલે કે આ દેશો ખૂબ ઝડપથી કોરોનાની મહામારીને મહાત કરવામાં સફળ રહ્યા છે.

આપણે મોટી મહામારીના પ્રકોપમાંથી બહાર નીકળી રહ્યાનો અહેસાસ તો કર્યો પણ નજીકનું ભાવિ હજી પણ ધૂંધળું જણાય છે.

સરકારી આંકડાઓ પ્રમાણે ફિસ્કલ ’૨૧ના વર્ષે આપણા આર્થિક વિકાસમાં ૮ ટકાનો ઘટાડો અંદાજાયો છે. અગાઉના ત્રણ ક્વૉર્ટરના ઘટાડાને ધ્યાનમાં રાખીએ તો માર્ચ ’૨૧ના ક્વૉર્ટરમાં આર્થિક વિકાસનો દર ફરી એકવાર નેગેટિવ (૦.૭) થવાની ગણતરી આપણે મૂકી શકીએ, પણ  આ જ જાહેરાતમાં માર્ચ ક્વૉર્ટરમાં આર્થિક વિકાસનો દર પૉઝિટિવ રહેવાનો નિર્દેશ પણ કરાયો છે. એટલે આ આંકડાઓનો મેળ બેસતો નથી. ચાલુ માર્ચ ક્વૉર્ટરમાં આર્થિક વિકાસનો દર પૉઝિટિવ રહેશે કે નેગેટિવ તે અંગેની અવઢવ ચાલુ રહે છે.

આ આંકડાઓ હકીકતમાં કેવા રહેશે તેનો મોટો આધાર એક તરફ કોરોનાના વધી રહેલ કેસના સંદર્ભમાં રાજ્ય સરકારો કેવાં પગલાં લે છે અને તેને કારણે આર્થિક પ્રવૃત્તિઓ (ખાસ કરીને સેવાના ક્ષેત્રની) પર કેવી બ્રેક લાગે છે તેના પર છે. તો બીજી તરફ વૅક્સિનેશનના શરૂ થયેલ પ્રોગ્રામને કેટલી ઝડપે આગળ વધારીને મહામારીના ફરી વધી રહેલ નવા કેસને ઘટાડવામાં આપણે કેટલા સફળ રહીએ છીએ તેના પર છે.

નવા અસરગ્રસ્ત થતાં કેસની વાત કરીએ તો ફેબ્રુઆરી ૨૬ના રોજ સતત ત્રીજે દિવસે આ આંકડો ૧૬,૫૦૦ને ઓળંગી ગયો છે જે જાન્યુઆરી મહિનાના સરેરાશ રોજના ૧૦,૦૦૦ના આંકડા કરતાં ઘણો મોટો છે. આ સંદર્ભમાં હાલની પરિસ્થિતિ પર ચાંપતી નજર રહે અને તે વધુ વણસે નહીં પણ તેમાં સુધારો થાય તે માટે કેન્દ્ર સરકારે હાલની માર્ગદર્શિકાઓને માર્ચ ૩૧ સુધી લંબાવી છે.

નવા કેસના ૫૦ ટકાથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા હોવાથી રાજ્ય સરકાર સતર્ક બની છે. સતત ત્રીજા દિવસે આ સિલસિલો ચાલુ રહ્યો છે. મહામારીની શરૂઆતમાં (માર્ચ ૨૫થી મે ૩૧) દાખલ કરાયેલા સખત અને સંપૂર્ણ લૉકડાઉન તો નહીં પણ ઘણીબધી પ્રવૃત્તિઓ પરના રિસ્ટ્રિકશન્સ કડક બનાવવાની વિચારણા ચાલી રહી છે. સિનેમા થિયેટરો અને લગ્નપ્રસંગો અને મળવા-હળવાના અન્ય સામાજિક પ્રસંગો પરના રિસ્ટ્રિકશન્સ વધી શકે છે. એટલું જ નહીં, નવા કેસ વધારવામાં મુંબઈની લોકલ ટ્રેનોની વધેલ સંખ્યાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હોય તેમ મનાઈ રહ્યું છે એટલે આ  ટ્રેનોની સંખ્યા ચાલુ અઠવાડિયામાં ગમે ત્યારે ઘટી શકે તેમ છે. અતિ આવશ્યક સેવાઓ સિવાયની સેવાઓ માટેના કામદારો માટે ટ્રેન ટ્રાવેલ મર્યાદિત કરાય તેવી  સંભાવના છે. મુંબઈની લોકલ ટ્રેનોમાં બધા નાગરિકોને ફેબ્રુઆરીની પહેલી તારીખથી મર્યાદિત સમય માટે જ પ્રવાસની છૂટ આપવામાં આવી તો પણ તેના દસેક દિવસમાં જ નવા કેસમાં વધારો થવા માંડ્યો.

આવા બધા બંધનો અને આકરી શરતો આખરે તો અર્થતંત્રની તાકાત પર નાના-મોટા ઘા કરવાના જ. એટલે મહામારીના ટ્રાન્સમિશનની ચેઇન તોડવાનો બીજો અસરકારક ઉપાય વૅક્સિનેશનના કાર્યક્રમના અમલની ઝડપ વધારવાનો છે.

આ ઝડપ વધારવા માટે માર્ચની પહેલી તારીખથી સરકારની હેલ્થકૅર સ્કીમો અને આયુષ્માન ભારત સ્કીમ માટેની પૅનલ પર હોય તેવી ખાનગી હૉસ્પિટલોને વૅક્સિનેશન માટેની આ ઝુંબેશમાં જોડાવાની છૂટ અપાઈ છે. સરકારી હૉસ્પિટલોમાં વૅક્સિન મફતમાં અપાશે જ્યારે ખાનગી હૉસ્પિટલો તે માટેનો નક્કી કરાયેલ ચાર્જ લઈ શકશે.ખાનગી ક્ષેત્રની બધી હૉસ્પિટલોના બિનશરતી સંપૂર્ણ સહકાર સિવાય આ ભગીરથ કામ પાર પડે તેમ નથી.

સાધારણ રીતે નોર્મલ પરિસ્થિતિમાં પણ આપણા સ્વાસ્થ્ય ક્ષેત્રની સેવાઓ તદ્દન અપૂરતી છે. મહામારી જેવી અસાધારણ પરિસ્થિતિમાં તો ખાનગી ક્ષેત્ર તે માટે સજ્જ ન હોય તો આપણી હાલત બહુ કપરી બની શકે. આ મહામારી એ પ્રશ્નનો અંત નથી. આપણે હવે અન્ય વાઇરસ અને મહામારીનો સામનો કરવા હંમેશાં તૈયાર રહેવું પડશે. અલબત્ત ખાનગી ક્ષેત્ર દ્વારા વસૂલ કરાતા ચાર્જિસ સામાન્ય માણસની બિલકુલ પહોંચ બહારના છે એટલે એ વિષય ગંભીર વિચારણા માગી લે છે.

વૅક્સિનેશન દ્વારા મહામારીને અટકાવવાનો કોઠો પસાર કર્યા બાદ આર્થિક વિકાસ વધતો રહે તે માટે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ પરનો અંકુશ જરૂરી છે.

ક્રૂડ ઑઇલના આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સતત વધી રહેલ ભાવોને કારણે (અને તે ઘટતા હોય ત્યારે પણ) કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલિયમ પેદાશો પરની એક્સાઇઝ ડ્યુટી અને વૅટ વધારતા રહે છે. પરિણામે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં લગભગ ૬૦ ટકા જેટલો ફાળો આ કરવેરાઓનો છે. જેને કારણે ચીજવસ્તુઓના ભાવ અમર્યાદિત રીતે વધતા રહે છે.

આપણે અત્યાર સુધીમાં (ફેબ્રુઆરી ૨૬) ૧.૨૪ કરોડ લોકોને વૅક્સિન આપી છે જે આપણી વસ્તીના એક ટકાથી પણ ઓછી ગણાય. વૅક્સિનના ડોઝ અન્ય દેશોને ગિફ્ટ કરવાને બદલે આપણે તે આપણા નાગરિકો માટે વાપરવા જોઈએ. આમ પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી ખાસ કરીને ટ્રમ્પ અમેરિકામાં સત્તા પર રહ્યા તે વર્ષોમાં ગ્લોબલાઇઝેશનનાં વળતાં પાણી થતાં જોવા મળ્યાં છે. ભારત સહિતના ઘણા બધા દેશોએ ‘પોતાનો દેશ પહેલા’ની નીતિ અપનાવી છે ત્યારે આપણા દેશવાસીઓની જિંદગી બચાવવાના પ્રશ્ને આપણે રાષ્ટ્રવાદી બનીએ તેમાં કશું ખોટું નથી.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર  જનરલ છે)

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

01 March, 2021 12:42 PM IST | Mumbai | Jitendra Sanghvi

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:32 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:26 IST | Mumbai | Jitendra Sanghvi

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

15 March, 2021 10:25 IST | Mumbai | Anil Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK