Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઓમાઇક્રોન આવ્યો, કરેક્શન લાવ્યો : સેન્સેક્સ ‘૫૭’ અને નિફ્ટી ‘૧૭’ની અંદર

ઓમાઇક્રોન આવ્યો, કરેક્શન લાવ્યો : સેન્સેક્સ ‘૫૭’ અને નિફ્ટી ‘૧૭’ની અંદર

07 December, 2021 03:53 PM IST | Mumbai
Anil Patel

એરિસ લાઇફ દસેક ટકા ઊંચકાઈને પોણો ટકો માઇનસમાં બંધ, ફ્રન્ટલાઇન ફાર્મા શૅર નોંધપાત્ર નરમ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સેન્સેક્સ ખાતેના તમામ તો યુપીએલ સિવાય નિફ્ટીના બધા શૅર રેડ ઝોનમાં બંધ : બન્ને બજારોના સેક્ટોરલ્સ સાગમટે માઇનસ ઝોનમાં : ખરાબ બજારમાં એમટીએનએલ ૨૦ ટકા ઊછળ્યો, એચએફસીએલ ઉપલી સર્કિટમાં અને વોડાફોનમાં ઐતિહાસિક ટૉપ : એરિસ લાઇફ દસેક ટકા ઊંચકાઈને પોણો ટકો માઇનસમાં બંધ, ફ્રન્ટલાઇન ફાર્મા શૅર નોંધપાત્ર નરમ : કૅલ્ટ્રોન, ૬૩ મૂન્સ, હૅપિએસ્ટ માઇન્ડ, બ્રાઇટ કૉમ, તાન્લા જેવી જાતો આઇટી સેગમેન્ટમાં વ્યાપક ખરાબી વચ્ચે લાઇમલાઇટમાં રહી

ઓમાઇક્રોનના કેસની સંખ્યા વધવા માંડી છે. તેની સાથે જ સાચા-ખોટા નિષ્ણાતોનો ફાલ પણ ઝડપથી વધવા માંડ્યો છે. જોકે આમાંથી કોઈને કશી જ ખબર નથી. બધાની હાલત જ્યોતિષીઓ જેવી છે, પરંતુ એક વાત ચોક્કસ છે, અને એ છે ઔફ! વિશ્વ સ્તરે ફુગાવો માથું ઊંચકી રહ્યો છે એની વચ્ચે ઓમાઇક્રોનનું આગમન આમઆદમીના જીવતરને ઓર બહેતર બનાવશે. શૅરબજાર જે અત્યાર સુધી તેની આગવી વર્ચ્યુઅલ દુનિયામાં મહાલતું રહ્યું હતું એને વાસ્તવિક ધરાતલ પર ઊતરવાની (પાંચ ટકાની?) ફરજ પડશે. બહુ જલસા કરી લીધા, નાઉ ઇટ્સ પે બૅક ટાઇમ, ઍની વે, બજાર સોમવારે એકધારા ધીમા ઢાળમાં ઘટતું રહી ૯૪૯ પૉઇન્ટ ખરડાઈ ૫૬૭૪૭ તથા નિફ્ટી ૨૮૪ પૉઇન્ટના ધોવાણમાં ૧૬૯૧૨ બંધ આવ્યા છે. સેન્સેક્સ હવે ૫૭૦૦૦ અને નિફ્ટી ૧૭૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટીને તોડી સારા એવા નીચે આવી ગયા છે અને હવા પ્રમાણે રૂખ બદલનારા વિશ્લેષકો હવે બજેટ સુધીમાં નિફ્ટીમાં એકાદ હજાર પૉઇન્ટનું વધુ કરેક્શન ભાખવા માંડ્યા છે. મતલબ કે સેન્સેક્સ ૫૩૫૦૦ને તોડી શકે છે. 
સોમવારની વરવી ઘટના એ હતી કે સેન્સેક્સ ખાતેનો ૩૦માંથી એક પણ શૅર વધ્યો નથી. તો નિફ્ટી ખાતે ૫૦માંથી ૪૯ જાત માઇનસ હતી, એકમાત્ર યુપીએલ ત્રણેક રૂપિયા સુધરીને ૭૧૬ નજીક બંધ હતો. બન્ને બજારના તમામ ઇન્ડાઇસિસ કે સેક્ટોરલ રેડ ઝોનમાં જોવાયા છે. ઇન્ડસ ઇન્ડ પૉઇન્ટ સર્વાધિક પોણાચાર ટકાના ધોવાણમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. રિલાયન્સ ૧.૯ ટકા ગગડી ૨૩૬૩ બંધ આપીને બજારને ૧૩૧ પૉઇન્ટ નડ્યો છે જ્યારે ઇન્ફી ૨.૪ ટકા તૂટી ૧૬૯૩ થતાં માર્કેટને સૌથી વધુ એવી ૧૩૭ પૉઇન્ટની હાનિ થઈ છે. સ્મૉલ કૅપ તથા મિડ કૅપ ઇન્ડેક્સ મેન બેન્ચમાર્ક કરતાં ઓછા એવા ૧.૪ ટકા જેવા ઢીલા હતા. બીએસઈ-૫૦૦ અર્થાત્ બ્રૉડર માર્કેટ ૫૦૧માંથી ૮૪ શૅર પ્લસમાં આપીને ૧.૭ ટકા ડાઉન થયું છે.
વોડાફોન સુધારાની ચાલમાં ૩૧ માસની નવી સપાટીએ
સોમવારે ટેલિકૉમ ઇન્ડેક્સ ૧૬માંથી ૬ શૅરના સુધારા વચ્ચે બે ટકા ડાઉન હતો. એમટીએનએલ ૧૫ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૨.૬૫ બતાવી ત્યાં જ બંધ થયો છે. સરકાર ઍસેટ્સ  મૉનેટાઇઝેશન તેમ જ અન્ય પગલાં લઈ કંપનીને રિવાઇવ કરવા સક્રિય બની હોવાની હવા છે. ભાવ ૨૪ ઉપર બંધ આવે તો ઝડપથી ૩૦-૩૧ સુધી જઈ શકે છે. એચએફસીએલ પણ છ ગણા કામકાજમાં ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૭૮ ઉપર જઈ ત્યાં જ બંધ થયો છે. કંપની અૅડિશનલ સર્વિલિયન્સ મિઝર્સ (એએસએમ)માંથી બંધનમુક્ત થવાના પગલે તેજી આવી છે. કહે કે હજી બે-ત્રણ સર્કિટ લાગશે. આજ ગ્રુપની મીડિયા મેટ્રિક્સ વર્લ્ડવાઇડ પણ ગઈ કાલે પાંચ ટકાની તેજીની સર્કિટમાં સાડાઆઠ નજીક બંધ રહી છે, ફેસવૅલ્યુ એકની છે. વોડાફોનમાં ચાર્ટવાળા કહે છે કે બુલિશ કેન્ડલ પૅટર્ન બની રહી છે. જાન્યુઆરી તથા ફેબ્રુઆરી એફઅૅન્ડઓમાં શૅર પ્રીમિયમે છે. એટલે ભાવ વધ-ઘટે તેજીતરફી જોવાશે. શૅર સોમવારે સારા વૉલ્યુમ સાથે ઉપરમાં ૧૫.૮૮ની મે-૨૦૧૯ પછીની ટૉપ બનાવી ચાર ટકા ઊંચકાઈ ૧૫ રહ્યો છે. તાતા ટેલિ સતત ૧૫મા દિવસે તેજીની સર્કિટ મારીને પાંચ ટકા વધી ૧૩૬ની નવી વિક્રમી સપાટીએ ગયો છે. ભારતી અૅરટેલ ત્રણ ટકા ઘટી ૬૯૭ રૂપિયા તો તેનો પાર્ટ પેઇડ શૅર પાંચ ટકા તૂટીને ૩૬૭ રૂપિયા બંધ હતા. ઇન્ડ્સ ટાવર ૪ ટકા નરમ હતો. આર.કૉમ સાધારણ ઘટ્યો હતો.
ઓમાઇક્રોનના ઊથલામાં આઇટી શૅર મુરઝાયા
પશ્ચિમી દેશોમાં કોરોનાના નવા વર્ઝન ઓમાઇક્રોનનો ઉપાડો વધતાં આઇટી શૅરોમાં માનસ બગડ્યું છે. ગઈ કાલે આંક નીચામાં ૩૪૧૪૦ થઈ અઢી ટકા કે ૮૭૩ પૉઇન્ટ ખરડાઈ ૩૪૧૭૭ બંધ આવ્યો છે. તેના ૬૦માંથી ૧૪ શૅર પ્લસ હતા. ફ્રન્ટલાઇનમાં ઇન્ફોસિસ ૨.૪ ટકાની નબળાઈમાં ૧૬૯૩ રૂપિયા, ટીસીએસ ૨.૯ ટકાની ખરાબીમાં ૩૫૩૪ રૂપિયા, વિપ્રો અઢી ટકા ઘટીને ૬૨૪ રૂપિયા, ટેક મહિન્દ્ર ૨.૬ ટકાની પીછેહઠમાં ૧૫૫૨ રૂપિયા, એચસીએલ ટેક્નૉલૉજઝીસ ત્રણ ટકા તૂટીને ૧૧૩૭ રૂપિયા બંધ હતા, લાર્સન ઇન્ફોટેક સવાચાર ટકા તો લાર્સન ટેક્નો ત્રણ ટકા ડાઉન હતા. એકસેલ્યા, નઝારા ટેક્નો, વકરાંગી, કૉફોર્જ, તાતા એલેક્સી, માસ્ટેક, ડેટા મેટિક્સ બેથી ચાર ટકા ઢીલા હતા. તાન્લા પ્લૅટફૉર્મ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૫૯૬ રૂપિયા દેખાયો છે. હેપ્પી બેસ્ટ માઇન્ડ અને બ્રાઇટકૉમમાં પણ ઉપલી સર્કિટ હતી. ૬૩ મૂન્સ એક વધુ તેજીની સર્કિટે ૧૨૮ નજીક ગયા બાદ ત્યાં જ બંધ હતો. કૅલ્ટ્રોન ટેક સૉલ્યુશન નવ ટકાના ઉછાળે ૫૩ નજીક હતો. આઇટીના ભારમાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ૨.૪ ટકા નરમ હતો. અત્રે ૨૮માંથી આઠ શૅર પ્લસ હતા. ઝી એન્ટર. બમણા કામકાજમાં ૩૬૪ની સવા બે વર્ષની ટૉપ બનાવી ૧.૭ ટકાના સુધારામાં ૩૫૬ થયો છે. ઝી મીડિયા ૧.૯ ટકા વધી ૧૨.૬૦, ઝી લર્ન પોણા બે ટકાની આગેકૂચમાં ૧૪ તથા ડીશ ટીવી પોણા ટકાના સુધારામાં ૧૯ રૂપિયા જોવાયો છે. ઇપીએલમાં ત્રણ ટકાની નબળાઈ હતી. ઓમાઇક્રોનના ખૌફમાં પીવીઆર નીચામાં ૧૩૩૨ બતાવી ૪.૬ ટકા ગગડી ૧૩૭૫ રૂપિયા તો આઇનોક્સ લિઝર ૩.૮ ટકા ઘટી ૩૪૩ રૂપિયા બંધ હતા.
જેબીએમ ઑટો સપ્તાહમાં ૩૪ ટકા વધી નવા શિખરે 
ઑટો એન્સિલિયરી કંપની જેબીએમ ઑટોમાં શૅર વિભાજન માટે બુધવારે બોર્ડ મિટિંગ છે. ભાવ ગઈ કાલે ૧૧૮૮ની ઑલટાઇમ હાઈ બતાવી ૧૧ ટકાના જમ્પમાં ૧૧૫૩ બંધ થયો છે. પાંચની ફેસવૅલ્યુ સામે બુકવૅલ્યુ ૧૫૮ રૂપિયા નજીક છે. છેલ્લું બોનસ ઑગસ્ટ ૨૦૧૪માં આવ્યું હતું. ટાલબ્રોસ ઑટો ૪૧૩ની નવી ટોચ બતાવી સાત ટકા વધી ૩૯૧ તથા ટાલબ્રોસ એન્જિનિયરિંગ ૩૩૧ના બેસ્ટ લેવલ બાદ ૧૩.૮ ટકાની તેજીમાં ૩૧૮ બંધ હતા. ટ્રાઇટન વાલ્વ ૬.૭ ટકા કે ૯૬ રૂપિયા ઊંચકાઈને ૧૫૩૪ હતો. ઑટો મોબાઇલ કૉર્પો. ઑફ ગોવા ઉપરમાં ૧૦૨૪ થઈ સહેજ ઘટી ૯૫૬ તથા ઑટોમોટિવ સ્ટેમ્પિંગ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૬૦ની નવી ટોચે બંધ હતો. તાતા ગ્રુપની આ બન્ને કંપનીઓ જંગી ખોટમાં છે. નેટવર્થ ક્યારનીય ભૂંસાઈ ગઈ છે, પરંતુ વધતી જ જાય છે. ઑટો ઇન્ડેક્સ ૧૫માંથી બે શૅરના સુધારા વચ્ચે ૧.૭ ટકા કે ૪૨૨ પૉઇન્ટ જેવો ઘટ્યો છે. મહિન્દ્ર બે ટકા, મારુતિ સુઝુકી ૨.૨ ટકા, તાતા મોટર્સ ૨.૭ ટકા, હીરો મોટોકોર્પ ૧.૮ ટકા, અશોક લેલૅન્ડ સવા ટકો નરમ હતા. બાલક્રિશ્ના ઇન્ડ. ૩.૨ ટકા તો બોશ અઢી ટકા ડાઉન હતા. બજાજ ઑટો એક ટકો ઘટી ૩૨૫૪ બંધ હતો. ટીવીએસ મોટર દોઢ ટકો ઢીલો હતો. બિરલા ટાયર્સ દોઢ ટકા વધ્યો છે. એપોલો ટાયર્સ, સિએટ, પિક્સ ટ્રાન્સમિશન, ટીવીએસ, શ્રીચક્ર સવાથી અઢી ટકા માઇનસ હતા.
આઇસીઆઇસીઆઇ બૅન્કમાં વિદેશી બ્રોકરેજ હાઉસ સુપર બુલિશ
આઇસીઆઇસીઆઇ બૅન્કમાં એક્સીસ સિક્યુ., એમ્કે ગ્લોબલ જેવા બ્રોકરેજ હાઉસિંગ ૯૫૦થી ૯૭૫ની ટાર્ગેટ પ્રાઇસમાં બાયની સલાહ આપી રહ્યા છે. ત્યાં વિદેશી બ્રોકરેજ હાઉસ CLSA તરફથી બાર મહિનામાં ૧૧૦૦ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસમાં બુલિશ વ્યૂ જારી થયો છે. શૅર બે દિવસની કમજોરી બાદ ગઈ કાલે પણ એક ટકો ઘટી ૭૧૦ રૂપિયા બંધ આવ્યો છે. વૉલ્યુમ દોઢ ગણું હતું. સેન્સેક્સ પેકમાં ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક ૩.૮ ટકા ગગડીને ૯૧૫ હતો. કોટક મહિન્દ્ર બૅન્ક દોઢ ટકા નરમ હતો. સ્ટેટ બૅન્ક ૧.૭ ટકા ઘટી ૪૬૫ રૂપિયા, એચડીએફસી બૅન્ક ૦.૪ ટકા ઘટીને ૨૭૬૦ રૂપિયા તો એક્સીસ બૅન્ક ૧.૪ ટકા ઘટી ૬૬૩ રૂપિયા બંધ હતા. બૅન્ક નિફ્ટી બારમાંથી બાર શૅરના ઘટાડા વચ્ચે ૪૬૧ પૉઇન્ટ જેવો નોંધપાત્ર ઘટ્યો છે. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૩૬માંથી પાંચ શૅર પ્લસ હતા. ડીસીબી બૅન્ક પોણો ટકો, યસ બૅન્ક ૦.૩ ટકા, ઇન્ડિયન બૅન્ક દોઢ ટકા અપ હતા. ફીનો પેમેન્ટ બૅન્ક સવા પાંચ ટકા તૂટીને ૪૦૧ હતો. કરૂર વૈશ્ય બૅન્ક ૩.૧ ટકા, સીએસબી બૅન્ક દોઢ ટકા, બંધન બૅન્ક ૩.૧ ટકા, સીએસબી બૅન્ક દોઢ ટકા, બંધન બૅન્ક ૨.૧ ટકા તથા યુનિયન બૅન્ક અઢી ટકા માઇનસ થયા છે. રિલાયન્સ કેપિટલ, આવાસ, માસ ફાઇ., રેલીગેર, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, શ્રીરામ સીટી યુનિયન જેવી જાતોના ત્રણથી છ ટકાના ઘટાડા વચ્ચે બીએસઈનો ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૨૦માંથી ૧૮ શૅરના સુધારા વચ્ચે ૯૩ પૉઇન્ટ નરમ હતો. આઇએફસીઆઇ નવ ટકાની તેજીમાં ૧૫ નજીક જોવાયો છે. પુનાવાલા ફ્રિનકોર્પ પાંચ ટકાની ઉપલી સર્કિટ ૨૧૬ દેખાયો છે. બજાજ ફિનસર્વ ૩.૪ ટકા તેમ જ બજાજ ફાઇ. ૧.૬ ટકા ડાઉન હતા.
એનએમડીસી ૯૦૦ ટકાના ઇન્ટરિમ વચ્ચે ઘટીને બંધ
કેન્દ્રીય બજેટ નજીક આવી રહ્યું છે, તેની સાથે સરકારી સાહસોને ખંખેરી લેવાની સરકારની ક્વાયત પણ શરૂ થઈ ગઈ છે. તેની ૬૦.૮ ટકા માલિકીની એનએમડીસી તરફથી શૅરદીઠ નવ રૂપિયા કે ૯૦૦ ટકાનું ઇન્ટરિમ જાહેર કરાયું છે. રેકૉર્ડ ડેટ ૧૫ ડિસેમ્બરની છે, જોકે શૅરનો ભાવ સોમવારે દોઢા કામકાજમાં નીચામાં ૧૪૧ થઈ ૨.૨ ટકા ઘટી ૧૪૩ બંધ થયો છે. અન્ય સરકારી કંપનીઓમાં ગઈ કાલે રાઇટ્સ, પાવરગ્રીડ, હિન્દુસ્તાન કોપર, ઓએનજીસી, ગેઇલ, શિપિંગ કૉર્પોરેશન, નાલ્કો, મઝગાંવ ડોક, આઇઆરસીટીસી, એનટીપીસી, આરએફસી, રેલ વિકાસ નિગમ, ભારત ડાયનામિક્સ, કોન્કર, સેઇલ ઇત્યાદી દોઢથી ત્રણેક ટકા જેવી ઢીલી હતી. એનએમટીસી છ ટકા ઊછળી ૪૩ તો ભારત અર્થમૂવર ૬.૭ ટકા વધી ૨૦૧૩ હતી. ભેલ અડધો ટકો અપ હતી. બીએસઈનો મેટલ ઇન્ડેક્સ ગઈ કાલે ૧.૪ ટકા પીગળ્યો છે. તેના ૧૦માંથી નવ શૅર નરમ હતા. હેલ્થકૅર ઇન્ડેક્સ પોણા બે ટકા ઢીલો હતો. અત્રે ૯૦માંથી ૨૧ શૅર સુધર્યા હતા. મોરપેન લૅબ ૧૦.૪ ટકાના ઉછાળે ૫૮ બંધ આપી અત્રે ટૉપ ગેઇનર બન્યો હતો. વિમતા લૅબ બાર ટકા, ઇન્ડોકો રેમેડીઝ ચાર ટકા, ગુજરાત થેમિસ ૨.૮ ટકા અપ હતા. યુનિકેમ, કોપરાન, પેનેસિયા પાંચ-પાંચ ટકા પટકાયા છે. દીવીસ લૅબ ૨.૪ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ બે ટકા, સનફાર્મા બે ટકા, સિપ્લા ૧.૮ ટકા, એપોલો હૉસ્પિટલ્સ અઢી ટકા માઇનસ હતા. એરિસ લાઇફ ઉપરમાં ૭૭૩ થયા બાદ છેલ્લે પોણા ટકાના ઘટાડામાં ૭૦૦ રૂપિયા બંધ હતો. 





 

Whatsapp-channel Whatsapp-channel

07 December, 2021 03:53 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK