ચીનની રિઝર્વ માટેની ખરીદી જૂનમાં સતત બીજે મહિને અટકતાં સોનું ઘટી ગયું, ઇઝરાયલ-હમાસ યુદ્ધસમાપ્તિની મંત્રણામાં પ્રગતિ થતાં જિયોપૉલિટિકલ ટેન્શન ઘટ્યું
પ્રતીકાત્મક તસવીર
ચીને રિઝર્વ માટે સતત ૧૮ મહિના સોનું ખરીદ્યા બાદ મે અને જૂન એમ બે મહિના સોનાની ખરીદી અટકાવતાં તેમ જ ઇઝરાયલ-હમાસ યુદ્ધસમાપ્તિની મંત્રણામાં પ્રગતિ થતાં જિયોપૉલિટિકલ ટેન્શન ઘટવાથી સોનું ઘટ્યું હતું. હમાસે અમેરિકાની તમામ શરતો માનવાની તૈયારી બતાવતાં યુદ્ધસમાપ્તિ હવે નજીક દેખાવા લાગી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૬ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૦૨૪ રૂપિયા વધ્યો હતો. ચાંદીનો ભાવ સતત પાંચમા દિવસે વધ્યો હતો અને છેલ્લા પાંચ દિવસમાં ચાંદી ૩૯૩૧ રૂપિયા વધી હતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ADVERTISEMENT
ચીનની ફૉરેક્સ રિઝર્વ જૂન મહિનામાં ૯.૭ અબજ ડૉલર ઘટીને ૩.૨૨૨ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચી હતી જે મે મહિનાના અંતે ૩.૨૩૨ ટ્રિલ્યન ડૉલર હતી. ગયા મહિને યુઆનનું ૦.૩ ટકા ડેપ્રિસિયેશન થતાં તેમ જ ડૉલર ૧.૧ ટકા વધતાં ફૉરેક્સ રિઝર્વ ઘટી હતી. ચીનની ગોલ્ડ રિઝર્વ સતત બીજે મહિને ૭૨૮ લાખ ઔંસ એટલે કે ૨૨૭૫ ટને જળવાયેલી હતી. ગોલ્ડ રિઝર્વ સતત ૧૮ મહિના વધ્યા બાદ છેલ્લા બે મહિનાથી જળવાયેલી છે. યુઆનનું મૂલ્ય ઘટતાં ગોલ્ડ રિઝર્વની વૅલ્યુ ૧૭૦.૯૬ અબજ ડૉલરથી ઘટીને ૧૬૯.૭૦ અબજ ડૉલર થઈ હતી.
અમેરિકામાં જૂન મહિનામાં ૨.૦૬ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જે મે મહિનામાં ૨.૧૮ લાખ નોકરીઓ ઉમેરાઈ હતી. માર્કેટની ૧.૯૦ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની ધારણા કરતાં વધુ નોકરીઓ ઉમેરાઈ હતી, પણ એપ્રિલ અને મે મહિનાના જૉબરિપોર્ટ રિવાઇઝ્ડ કરતાં મોટો ઘટાડો થયો હતો તેમ જ અમેરિકાનો અનએમ્પ્લૉયમેન્ટ રેટ વધીને ૩૧ મહિનાની ઊંચાઈએ ૪.૧ ટકાએ પહોંચ્યો હતો. આમ ઓવરઑલ જૉબડેટા નબળા આવ્યા હતા.
ચાલુ સપ્તાહે ગુરુવારે અમેરિકાના જૂન મહિનાના હેડલાઇન અને કોર કન્ઝ્યુમર ઇન્ફ્લેશનના ડેટા જાહેર થશે. અમેરિકાનું ઇન્ફ્લેશન છેલ્લા ત્રણ મહિનાથી ઘટી રહ્યું છે. હેડલાઇન ઇન્ફ્લેશન માર્ચમાં ૩.૫ ટકા, એપ્રિલમાં ૩.૪ ટકા અને મે મહિનામાં ૩.૩ ટકા રહ્યું હતું. હવે જૂનમાં ઇન્ફ્લેશન વધુ ઘટીને ૩.૧ ટકા આવવાની માર્કેટની ધારણા છે. અમેરિકાના કન્ઝ્યુમર ઉપરાંત પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશનના ડેટા પણ ગુરુવારે જાહેર થશે. આ ઉપરાંત અમેરિકન સેનેટમાં બૅન્કિંગ કમિટી સમક્ષ ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલ સેમી ઍન્યુઅલ રિપોર્ટ જાહેર કરશે, જેમાં રેટકટ વિશે વધુ સ્પષ્ટતા થવાની ધારણા છે. અમેરિકાના કન્ઝ્યુમર કૉન્ફિડન્સ ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે.
ચીનના જૂન મહિનાના ઇન્ફ્લેશનના ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. આ ઉપરાંત ચીનના ઇમ્પોર્ટ-એક્સપોર્ટ ડેટા અને યુઆન લોનના ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
સોનાના ભાવ વર્લ્ડ માર્કેટમાં ગયા સપ્તાહે ૨૪૦૦ ડૉલરની નજીક પહોંચી ગયા હતા. અમેરિકાના ઇકૉનૉમિક ડેટા શ્રેણીબદ્ધ નબળા આવી રહ્યા હોવાથી રેટકટની શક્યતાઓ વધી રહી છે, પણ ઇન્ફ્લેશનના ડેટા અગત્યના છે, કારણ કે ફેડના મોટા ભાગના મેમ્બરો બે ટકા સુધી ઇન્ફ્લેશન ન આવે ત્યાં સુધી રેટકટનો નિર્ણય ન લેવાય એવો આગ્રહ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી અમેરિકાનું કન્ઝ્યુમર ઇન્ફ્લેશન ઘટી રહ્યું છે ત્યારે જૂન મહિનામાં કન્ઝ્યુમર ઇન્ફ્લેશન ઘટીને ૩.૧ ટકા આવવાની ધારણા છે, પણ જો ઇન્ફ્લેશન ધારણા કરતાં વધુ ઘટીને ત્રણ ટકાની નીચે આવશે તો ઇન્ફ્લેશનના ડેટા જાહેર થયાના ગણતરીના કલાકોમાં સોનું વધીને ૨૪૦૦ ડૉલરની સપાટીને પાર કરી જશે, પણ ઇન્ફ્લેશન ધારણા જેટલું કે એનાથી ઊંચું આવશે તો સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૨,૭૪૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૨,૪૫૫
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૧,૭૩૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

