° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

માર્કેટના મર્કટ જેવા કૂદકા-ભૂસકામાં પૅનિક થવાની આવશ્યકતા નથી!

01 March, 2021 12:38 PM IST | Mumbai | Jayesh Chitalia

માર્કેટના મર્કટ જેવા કૂદકા-ભૂસકામાં પૅનિક થવાની આવશ્યકતા નથી!

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

શૅરબજાર. ફાઇનૅન્શિયલ માર્કેટની ચાલ, તાલ અને હાલ ઇકૉનૉમીનાં ફન્ડામેન્ટલ્સ સાથે મેળ ખાતાં નથી, જેને લીધે માર્કેટમાં સિસ્ટમિક રિસ્ક ગણીને ચાલવું પડે, જે રીતે ભાવો કૂદકા મારે છે યા ક્યારેક કડાકા બોલાવી દે છે એ સવાલ ઉઠાવનારા બની શકે છે. જોકે અત્યારે તો વિશ્વ બજારોના હાલ અને તાલ પણ કંઈક આવા જ છે. આ વિધાન નિયમન સંસ્થા સેબીના ચૅરમૅન અજય ત્યાગીનું છે. આ વિધાનમાંથી રોકાણકારો ‘સમજને વાલે કો ઇશારા કાફી’નો મેસેજ મેળવી શકે છે. અગાઉ રિઝર્વ બૅન્કના ગવર્નરે પણ આવા મતલબનું વિધાન કર્યું હતું. આ ઉપરાંત ઘણા એક્સપર્ટ્સ પણ આવો જ મત વ્યક્ત કરી ચૂક્યા છે.

જીડીપીના સુધારાના શુભ સંકેત

મહામારીમાં શૅરબજારે મારેલા ઉછાળા સામે હજી પણ લોકો આશ્ચર્યમાં ગરકાવ છે, ત્યાં કોરોનાના બીજા આક્રમણની શક્યતાના ભય વચ્ચે પણ બજાર નવાં શિખર સર કરતું હતું, રોકાણકારોનો બહુ મોટો વર્ગ માથું ખંજવાળ્યા કરે છે સાલું, આપણે ક્યાં માર ખાઈ ગયા? કેમ નીચામાં ખરીદી કરી નહીં, કેમ નફો લેવાનું ચૂકી ગયા? નાણાંની જરૂર હોય તો ચોક્કસ નફો બુક કરી લેવાય, પરંતુ નફો લીધા બાદ એ નાણાં મૂકવા વિશે ક્લેરિટી ન હોય તો શું કરવું? હજી પણ નફો બુક કરવા બાબતે કન્ફ્યુઝ છીએ? હવે વર્તમાન ભાવે નવી ખરીદીની હિંમત કરાય? આવા વિવિધ સવાલ હજી પણ મૂંઝવણનો વિષય બની ચર્ચામાં છે ત્યારે શુક્રવારના બજારના કડાકાએ નવો જ ભય આપી દીધો હતો. અમેરિકન બૉન્ડ માર્કેટની ગંભીર અસરરૂપે ભારતીય માર્કેટ એક જ દિવસમાં ૨૦૦૦ પૉઇન્ટ ક્રૅશ થઈ ગયું હતું. જોકે શુક્રવારની સાંજે એક સારા અહેવાલ એ આવ્યા હતા કે ત્રીજા ક્વૉર્ટરનો જીડીપી ૦.૪ ટકા આવ્યો હતો, અગાઉના બે ક્વૉર્ટરના નેગેટિવ સામે આ નજીવો તો નજીવો પ્લસ જીડીપી આર્થિક રિકવરીની સાક્ષી પૂરતો કહી શકાય. રિઝર્વ બૅન્ક ૨૧-૨૨ માટે ૧૦.૫ ટકાના જ્યારે આઇએમએફ તરફથી ૧૧.૫ ટકાના જીડીપીની ધારણા મુકાઈ છે એ નોંધવું મહત્ત્વનું છે.

હવે નજર ગ્લોબલ સંજોગો પર

આગામી દિવસોમાં માર્કેટની વધઘટ માટે સૌથી મોટું પરિબળ ગ્લોબલ માર્કેટ રહેશે, જ્યાંથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો શું કરે છે, ખરીદીનો દોર ચાલુ રાખે છે કે પ્રૉફિટ-બુકિંગ પર જોર લગાવે છે એના પર રહેશે. દરમ્યાન માર્ચમાં સંખ્યાબંધ આઇપીઓ બજારમાં પ્રવેશવાની તૈયારીમાં છે, જેમાં રોકાણ કરવા નાણાં છુટાં કરવા સેકન્ડરી માર્કેટમાં ચોક્કસ સ્તરે પ્રૉફિટ-બુકિંગ આવી શકે છે. બજારમાં પ્રવાહિતાના જોરને, ઊંચા ભાવો સામે ગ્લોબલ સંકેત તેમ જ ભારતીય આર્થિક રિકવરીને ધ્યાનમાં રાખી માર્ચમાં ૧૦થી ૧૨ આઇપીઓનું આગમન પાકું મનાય છે.

ગયા સોમવારે કાતિલ કરેક્શન

ગયા સોમવારે બજારે વિચિત્ર વૉલેટિલિટી બતાવી હતી. ગણતરીની મિનિટોમાં બજાર ઉપર-નીચે થઈ રહ્યું હતું. અલબત્ત, વેચવાલીનું આક્રમણ કોરોના અને સંભવિત લૉકડાઉનના ભયને કારણે તેમ જ નબળા ગ્લોબલ સંકેતોને કારણે હતું. અલબત્ત, પેટ્રોલ-ડીઝલના આસમાને ગયેલા ભાવોએ પણ બળતામાં ઘી હોમવાનું કાર્ય કર્યું હતું. આમ ભારતીય અર્થતંત્રમાં ફરી વાર નેગેટિવ પરિબળો શરૂ થઈ ગયાં હોવાનું જોવાયું હતું. સેન્સેક્સ અંતમાં ૧૧૪૫ પૉઇન્ટ તૂટીને ૫૦,૦૦૦ નીચે ઊતરી ગયો હતો, જ્યારે નિફ્ટી ૩૦૬ પૉઇન્ટના ઘટાડા સાથે ૧૪,૭૦૦ની નીચે બંધ આવ્યો હતો. વૉલેટિલિટી ઇન્ડેક્સ ૧૪ ટકા ઉપર ઊછળી પડ્યો હતો. મંગળવારે પણ માર્કેટ વૉલેટાઇલ રહ્યું હતું, જેમાં સેન્સેક્સ ૪૫૦ પૉઇન્ટ તૂટીને રિકવર થઈ માત્ર સાત પૉઇન્ટ પ્લસ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૨૦ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યો હતો. સત્ર દરમ્યાન બજારમાં સતત ઊથલપાથલ થતી રહી હતી. તેજી માટે કોઈ ટ્રીગર નહોતું. ગ્લોબલ સ્તરે પણ કોઈ નક્કર પૉઝિટિવ સંકેત નહોતા. મોટા ભાગનાં સોમવારનાં પરિબળની જ અસર ચાલુ રહી હતી, ફરક માત્ર એટલો જ હતો કે બજાર સાધારણ તો સાધારણ પ્લસમાં બંધ રહ્યું હતું, એ ઘટતા કે તૂટતા અટક્યું એ આશ્વાસન ગણાતું હતું. કહેવાય છે કે બજારને-આખલાને થાક લાગ્યો છે અને એ હવે વિશ્રામના મૂડમાં છે. બજાર વધુ ઘટવાની શક્યતા ઊભી હોવાથી મોટો વર્ગ ખરીદી માટે હજી રાહ જોવાનું પસંદ કરી રહ્યો છે.

 ટેક્નિકલી બૂંદિયાળ,

માર્કેટ માટે શુકનિયાળ

બુધવારે બજારનો આરંભ કન્ફ્યુઝ મૂડમાં થયો હતો. જોકે એનએસઈમાં ગંભીર ટેક્નિકલ ખામી સર્જાતાં ટ્રેડિંગ કામકાજ શરૂઆતના અમુક જ કલાક બંધ કરવાની નોબત આવી હતી, જે લાંબો સમય બંધ રહ્યાં બાદ પુનઃ ચાલુ થયાં હતાં અને આ માટે કામકાજના કલાકો પાંચ વાગ્યા સુધી લંબાવવામાં પણ આવ્યા હતા. જોકે બીએસઈ પર કોઈ ટેક્નિકલ સમસ્યા નહોતી, પરિણામે ત્યાં કામકાજ ચાલુ રહ્યાં હતાં અને ત્યાં પણ સાંજે પાંચ વાગ્યા સુધી ટ્રેડિંગ ચાલુ રખાયું હતું. દરમ્યાન ગ્લોબલ માર્કેટમાં તેજીના ટોને ભારતીય માર્કેટમાં જબ્બર પૉઝિટિવ કરન્ટ આવ્યો હતો અને આગલા દિવસોમાં કરેક્શન-કન્સોલિડેશન તરફ આગળ વધી રહેલા બજારે પાવરફુલ રિકવરી તરફ ટર્ન લઈ લેતાં એ ઊછળીને બંધ રહ્યું હતું. સેન્સેક્સ ૧૦૩૦ પૉઇન્ટ વધીને ૫૦,૭૮૧ બંધ રહ્યો અને નિફ્ટી ૨૭૪ પૉઇન્ટ ઊછળીને ૧૫,૦૦૦ નજીક બંધ રહ્યો હતો. નાણાપ્રધાનનાં ખાનગી બૅન્કો સંબંધી સકારાત્મક નિવેદન બાદ આ બૅન્ક સ્ટૉક્સમાં તેજીએ જોર પકડ્યું હતું. બુધવારની તેજીનું એક કારણ ડેરિવેટિવ્ઝની એક્સપાયરી અગાઉના દિવસમાં શૉર્ટ કવરિંગનું પણ માનવામાં આવતું હતું. શૅરબજાર, માટે બુધવારનો દિવસ યાદગાર બની ગયો હતો.   

ગુરુવારે ૫૧,૦૦૦; શુક્રવારે ૪૯,૦૦૦

ગુરુવારે એશિયન અને ગ્લોબલ માર્કેટ્સના સંકેતો પૉઝિટિવ રહ્યા હતા, જેને પગલે બજારે રિકવરી ચાલુ રાખી હતી. બિઝનેસ કરવો એ સરકારનું કામ નથી એવા વડા પ્રધાનના અને બૅન્કો સંબંધી નાણાપ્રધાનના નિવેદનની સારી અસરે સેન્સેક્સ ૨૫૦ પૉઇન્ટ વધીને ૫૧,૦૦૦ની ઉપર બંધ રહ્યો અને નિફ્યી ૧૧૫ પૉઇન્ટના વધારા સાથે ૧૫,૦૦૦ ઉપર બંધ રહ્યો હતો. જોકે શુક્રવારે અમેરિકામાં ઊંચા ફુગાવાને કારણે બૉન્ડ માર્કેટમાં ઊપજ (વળતર) ઊંચે જતાં ઇક્વિટીમાં જબ્બર વેચવાલી આવી હતી. બજાર ખૂલતાની સાથે જ ૧૪૦૦ પૉઇન્ટ  ઉપરના ગૅપમાં નીચે રહ્યું હતું. હવે પછી પણ આ કરેક્શન ચાલુ રહ્યું તો નીચામાં ખરીદવાનો અવસર મળશે, કારણ કે બૉન્ડ માર્કેટની આ સ્થિતિ કેટલી લાંબી ચાલશે એ વિશે હાલમાં અનિશ્ચિતતા ગણાય. શુક્રવારે શરૂના બે જ કલાકમાં સેન્સેક્સ ૫૦,૦૦૦ની નીચે અને નિફ્ટી ૧૫,૦૦૦ની નીચે આવી ગયો હતો. માર્કેટની એકેક દિવસની ચાલ રોકાણકારો તેમ જ ટ્રેડર્સ વર્ગની માનસિકતા ઊંધી–ચત્તી કરી નાખે છે. એક જ દિવસમાં મૂડીધોવાણ પ્રૉફિટ બુક કરવાના મનસૂબા પર પાણી ફેરવી નાખે છે. આખરે શુક્રવારે સેન્સેક્સ ૧૯૩૯ પૉઇન્ટ તૂટીને ૪૯,૧૦૦ બંધ રહ્યો અને નિફ્યી ૫૬૮ પૉઇન્ટ તૂટીને ૧૪,૫૨૯ બંધ રહ્યો હતો. આમ આ એકદિવસીય વિક્રમી કડાકામાં પાંચ લાખ કરોડનું મૂડીધોવાણ થઈ ગયું હતું.

 કયા લેવલે ખરીદીની મૂંઝવણ

હવે રોકાણકાર વર્ગ અત્યારના લેવલે ખરીદી કરાય કે કેમ એ વિચારોમાં હજી અટકી રહ્યો છે અને વધુ કરેક્શનની રાહ જોઈ રહ્યો છે. આ સમયમાં કરેક્શનની રાહ જોવી આ સારી વાત છે, પરંતુ આ સાથે લગડી-ફન્ડામેન્ટલવાળા સ્ટૉક્સ થોડા-થોડા જમા કરતા જવામાં પણ સાર અને ડહાપણ ગણાય. આ ખરીદી લાંબા ગાળાની હોય તો જ કરાય. તેઓ પ્રૉફિટ બુકિંગ કરીને પણ એ નાણાં કયાં મૂકે એ સવાલ રહે છે, એને બદલે આવા સ્ટૉક્સ રાખી મૂકી લાંબા ગાળાનું હોલ્ડિંગ જાળવવામાં તેમને શાણપણ લાગે છે. યાદ રહે, હાલમાં બ્રોડર માર્કેટ હજી તેજીના ટ્રેન્ડમાં છે. બાકી ઇન્ડેક્સ સ્ટૉક્સનું કરેક્શન તો આમ પણ ક્યારનું પાકી ગયું હતું.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

01 March, 2021 12:38 PM IST | Mumbai | Jayesh Chitalia

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:32 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:26 IST | Mumbai | Jitendra Sanghvi

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

15 March, 2021 10:25 IST | Mumbai | Anil Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK