° °

આજનું ઇ-પેપર
Friday, 07 October, 2022


પ્રાઇવેટ બૅન્કો અને ફાઇનૅન્સના સહારે નિફ્ટી ૧૭,૫૦૦ની ઉપર બંધ થયો, સ્ટેટ બૅન્કને પરિણામ નડ્યાં

09 August, 2022 06:21 PM IST | Mumbai
Anil Patel

અદાણી એન્ટર અને અદાણી ટોટલ નવી વિક્રમી સપાટીએ, રિલાયન્સ સવા ટકાના સુધારામાં: પરિણામ નજીકમાં છતાં પૉલિસી બાઝાર ઘટાડાની ચાલમાં, કોરલ લૅબોરેટરીઝમાં ઐતિહાસિક બૉટમ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક) માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

તાતા ઍલેક્સીમાં નવી સર્વોચ્ચ સપાટીની આગેકૂચ, ઝેનસાર-સુબેક્સ અને ઍપટેક એ-ગ્રુપમાં ઘટાડામાં મોખરે: સંદેશ માથે પરિણામ વચ્ચે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં બંધ, સાંડૂર મૅન્ગેનીઝ સાડાઅગિયાર ટકા તૂટ્યોઃ અદાણી એન્ટર અને અદાણી ટોટલ નવી વિક્રમી સપાટીએ, રિલાયન્સ સવા ટકાના સુધારામાં: પરિણામ નજીકમાં છતાં પૉલિસી બાઝાર ઘટાડાની ચાલમાં, કોરલ લૅબોરેટરીઝમાં ઐતિહાસિક બૉટમ

સોમવારે એશિયન બજારો સાંકડી વધઘટે મિશ્ર વલણમાં બંધ રહ્યાં છે, સામે યુરોપ રનિંગમાં અડધો-પોણો ટકો અપ હતું. ઑપેક તરફથી ક્રૂડના દૈનિક ઉત્પાદનમાં એક લાખ બૅરલનો વધારો કરવાનું નક્કી થયું છે, જેના પગલે બ્રેન્ટ ક્રૂડ ૯૩ ડૉલર તથા નાયમેક્સ ક્રૂડ ૮૭ ડૉલરના લેવલે પોણાબે ટકા ઘટીને રનિંગમાં દેખાતાં હતાં. બેઝ મેટલમાં ટિન સિવાય અન્યત્ર સુધારો હતો. ઘરઆંગણે શૅરબજાર આગલા બંધથી ત્રીસેક પૉઇન્ટ જેવું મામૂલી સુધારામાં ખૂલ્યા પછી તરત ૧૫૧ પૉઇન્ટ ઘટી નીચામાં ૫૮,૨૬૭ની અંદર ગયું હતું. જોકે આ ઘટાડો ક્ષણિક હતો, પાછળથી માર્કેટ ક્રમશઃ સતત મજબૂત થતું રહી ૫૮,૯૩૫ થઈ ૪૬૫ પૉઇન્ટ વધીને ૫૮,૮૫૩ બંધ આવ્યું છે. નિફ્ટી ૧૨૮ પૉઇન્ટની આગેકૂચમાં ૧૭,૫૦૦ની ઉપર, ૧૭,૫૨૫ થયો છે. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી છે. એનએસઈમાં વધેલા ૧૦૮૩ શૅરની સામે ૮૯૦ જાતો માઇનસ હતી. સેન્સેક્સમાં નિફ્ટીના પોણા ટકા પ્લસના સુધારા સામે સોમવારે મોટા ભાગના બેન્ચમાર્ક પ્લસ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી અડધો ટકો તો નિફ્ટી આઇટી અને ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ નામ જોગ નરમ હતા. પાવર ઇન્ડેક્સ બે ટકા નજીક, યુટિલિટીઝ ઇન્ડેક્સ બે ટકા અને ઑટો ઇન્ડેક્સ એક ટકાથી વધુ મજબૂત હતા. બીએસઈ ખાતે ભાવની રીતે ૧૪૨ શૅર એક વર્ષ કે તેથી વધુ સમયગાળાની રીતે નવા શિખરે ગયા છે, સામે ૪૨ કાઉન્ટરમાં નવાં ઐતિહાસિક બૉટમ દેખાયાં હતાં. સંદેશ લિમિટેડનાં પરિણામ ૧૧ ઑગસ્ટે આવવાનાં છે. શૅર ૧૮ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૪૩ રૂપિયાની છલાંગ મારીને ૮૫૮ રૂપિયા બંધ થયો છે. આ ઉપરાંત  બિન્ની લિમિટેડ, મૅગ્ના ઇલેક્ટ્રૉકાસ્ટિંગ્સ, તાલબ્રોસ એન્જિનિયરિગ, માધવ માર્બલ્સ જેવા અન્ય શૅર પણ ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ગયા છે સાંડૂર મૅન્ગેનીઝમાં પરિણામ ૧૧ ઑગસ્ટે આવશે. ભાવે ૮૦૧નું વર્ષનું બૉટમ બનાવી સાડાઅગિયાર ટકા કે ૧૧૫ રૂપિયા ગગડીને ૮૮૨ બંધ થયો છે. 

મહિન્દ્ર નવા બેસ્ટ લેવલ સાથે બંને બજારમાં ટૉપ ગેઇનર 

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૦ અને નિફ્ટીના ૫૦માંથી ૩૬ શૅર પ્લસ હતા. મહિન્દ્ર પરિણામની તેજી આગળ ધપાવતાં ૧૨૮૦ની નવી વિક્રમી સપાટી બનાવી ત્રણ ટકાથી વધુની તેજીમાં ૧૨૭૪ ઉપર બંધ આવ્યો છે. ઉપરાંત બજાજ ફિનસર્વ ત્રણેક ટકા, એચડીએફસી બૅન્ક અઢી ટકા નજીક, ઍક્સિસ બૅન્ક ૨.૪ ટકા, લાર્સન સવાબે ટકાથી વધુ, એનટીપીસી ૨.૧ ટકા, કોલ ઇન્ડિયા ૩.૧ ટકા, હિન્દાલ્કો ૨.૬ ટકા ઊંચકાયા હતા. રિલાયન્સની એજીએમ ૨૯ ઑગસ્ટે નક્કી થઈ છે. શૅર સવા ટકો વધીને ૨૫૬૭ બંધ હતો. સ્ટેટ બૅન્ક નબળા રિઝલ્ટ પાછળ બે ટકા બગડીને સેન્સેક્સ ખાતે તો ભારત પેટ્રો તગડી ત્રિમાસિક ખોટમાં ત્રણ ટકા તૂટીને ૩૨૬ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર હતા. અન્યમાં બ્રિટાનિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, હીરો મોટોકોર્પ, પાવરગ્રીડ, નેસ્લે એકથી દોઢ ટકો કટ થયા છે. અદાણી પોર્ટ્સ દ્વારા ફૉરેક્સ લૉસમાં ત્રિમાસિક નેટ પ્રૉફિટ ૧૬ ટકા ઘટીને આવ્યો છે. શૅર એક ટકો પાછો પડીને ૮૦૧ બંધ હતો. અદાણી એન્ટર ૨૮૦૭ની વિક્રમી સપાટી બનાવી સાડાત્રણ ટકાની મજબૂતીમાં ૨૭૯૨ તો અદાણી ટોટલ ૨૪૭૧ની નવી ઑલટાઇમ હાઇ બતાવી ૦.૭ ટકા વધીને ૩૩૬૨ બંધ હતા. અદાણી પાવર એક ટકો અને અદાણી વિલ્મર ૧.૪ ટકા માઇનસ હતા. અદાણી ટ્રાન્સમિશન ૪.૪ ટકા કે ૧૪૪ રૂપિયા ઊછળીને ૩૪૪૫ તથા અદાણી ગ્રીન ત્રણ ટકા વધીને ૨૧૬૫ બંધ હતા. પાવર ઇન્ડેક્સ બે ટકા જેવો વધ્યો, જેમાં જેએસડબ્લ્યુ એનર્જી નવ ટકાના ઉછાળે ૩૧૨, સિમેન્સ ૪.૭ ટકા ઊંચકાઈને ૨૮૧૦, ટૉરન્ટ પાવર દોઢ ટકો વધી ૫૪૯ બંધ હતા. રિલાયન્સ સહિત સાત શૅર વધવા છતાં ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ સવાછ પૉઇન્ટ જેવો પરચૂરણ ઘટ્યો હતો, જે માટે ભારત પેટ્રો ઉપરાંત હિન્દુસ્તાન પેટ્રોની ૪.૭ ટકાની ખરાબી કારણભૂત હતી. કંપનીએ પાંચ આંકડામાં વિક્રમી ત્રિમાસિક ખોટ કરી છે. 

તાતા ઍલેક્સીમાં નવાં શિખર જારી: ભારતી પરિણામ પૂર્વે નહીંવત્ સુધર્યા 

કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ બે ટકા કે ૫૯૨ પૉઇન્ટ વધ્યો છે, જેમાં લાર્સનનું પ્રદાન ૩૩૧ પૉઇન્ટ હતું. આ શૅર ૨.૩ ટકાની મજબૂતીમાં ૧૮૨૯ હતો. હિન્દુસ્તાન ઍરોનોટિક્સમાં બિઝનેસ આઉટલુક બહેતર હોવાની થીમ કામે લાગતાં ભાવ ૮ ટકા ઊછળી ૨૧૫૯ના નવા શિખરે બંધ હતો ઑટો ઇન્ડેક્સ ૩૦૮ પૉઇન્ટ કે એક ટકો વધ્યો છે. મારુતિ, આઇશર, ટીવીએસ મોટર્સ, તાતા મોટર્સ અડધાથી એક ટકો અપ હતા. મેટલ ઇન્ડેક્સ સવા ટકો સુધર્યો છે. હિન્દાલ્કો સાડાત્રણ ટકાની તેજીમાં ૪૨૧ના બંધમાં અત્રે ટૉપ ગેઇનર હતો. કોલ ઇન્ડિયા પણ સાડાત્રણ ટકા ઊંચકાઈ ૨૧૫ થયો છે. એનએમડીસી પોણાબે ટકા, વેદાન્તા અને નાલ્કો ૧.૪ ટકા, સેઇલ પોણો ટકો પ્લસ હતા. તાતા સ્ટીલ નજીવા ઘટાડે ૧૦૭ હતો. 

આઇટી અને ટેલિકૉમ ઇન્ડેક્સ નામ કે વાસ્તે વધઘટે ફ્લૅટ હતા. ભારતી ઍરટેલનો ત્રિમાસિક નફો ૪૬૬ ટકાના જમ્પમાં ૧૬૦૭ કરોડ આવ્યો છે. શૅર પરિણામ પૂર્વે નજીવા સુધારામાં ૭૦૪ બંધ હતો. એચએફસીએલ સાડાત્રણ ગણા કામકાજે સાડાનવ ટકાની તેજીમાં ૭૪ ઉપર બંધ આપી એ-ગ્રુપ ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે. તેજસ નેટ, એમટીએનએલ, વિન્ધ્ય ટેલી બેથી ત્રણ ટકા નરમ હતા. આઇટી ઇન્ડેક્સના ૬૨માંથી ૩૪ શૅર ઘટ્યા છે. ઝેનસાર, સુબેક્સ તથા ઍપટેક સવાછથી પોણાઆઠ ટકાની ખરાબીમાં એ-ગ્રુપ ખાતે વર્સ્ટ પર્ફોર્મર હતા. તાતા ઍલેક્સી ૯૬૩૦ની ઑલટાઇમ હાઇ બનાવી અઢી ટકા વધી ૯૫૫૩ બંધ હતો.

પેટીએમમાં સારાં પરિણામને લઈ સુધારો, ફ્યુચર ગ્રુપના શૅર નવા તળિયે 

પેટીએમ તરફથી જૂન ક્વૉર્ટરમાં સારાં પરિણામ જારી થયાં છે. કંપનીએ માર્ચ ક્વૉર્ટરની ૭૬૧ કરોડની ચોખ્ખી ખોટ સામે જૂન ક્વૉર્ટરમાં ૬૪૪ કરોડની નેટ લૉસ કરી છે. બ્લૂમબર્ગની ધારણા ૭૮૯ કરોડની ચોખ્ખી ખોટની હતી. શૅર સોમવારે અઢી ગણા કામકાજ સાથે ૮૪૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૬.૫ ટકા વધી ૮૩૪ બંધ રહ્યો છે. શૅરદીઠ ૨૧૫૦ની ઇશ્યુ પ્રાઇસવાળો આ શૅર ૧૨ મેના રોજ ૫૧૧ના ઑલટાઇમ તળિયે ગયો હતો. અન્ય ફિનટેક કંપની નાયકાએ જૂન ક્વૉર્ટરમાં ૪૧ ટકાના વધારામાં ૧૧૪૮ કરોડની આવક ઉપર ૩૩ ટકાના વૃદ્ધિદરથી ૪૫૫ લાખ રૂપિયા ચોખ્ખો નફો કર્યો છે. શૅર ઉપરમાં ૧૪૭૩ થયા બાદ સાધારણ વધી ૧૪૧૬ બંધ હતો. વૉલ્યુમ સાડાચાર ગણું હતું. પૉલિસી બાઝારનાં રિઝલ્ટ ૧૦ ઑગસ્ટે છે. શૅર બે ટકાના ઘટાડે ૫૫૯ બંધ આવ્યો છે. ઝોમૅટો ૧.૭ ટકા વધીને ૫૫ ઉપર હતો. એલઆઇસીનાં પરિણામ ૧૨ ઑગસ્ટે જાહેર થવાનાં છે. ભાવ ગઈ કાલે એક ટકો ઘટી ૬૮૧ થયો છે. સ્ટાર હેલ્થ એક ટકો ઘટી ૭૦૦ નીચે હતો. ફ્યુચર ગ્રુપની ફ્યુચર એન્ટર., ફ્યુચર રીટેલ અને ફ્યુચર કન્ઝ્યુમર બેથી ચાર ટકા ગગડી નવા ઑલટાઇમ તળિયે પહોંચી ગયો છે. કોરલ લૅબોરેટરીઝનાં પરિણામ ૧૨ ઑગસ્ટે આવશે. શૅર સોમવારે સાડાછ ગણા કામકાજે ૨૨૨ની નવું ઐતિહાસિક બૉટમ બનાવી ૩.૭ ટકાની ખરાબીમાં ૨૬૦ હતો. ઍલેમ્બિક ફાર્મા દોઢા વૉલ્યુમે ૬૬૨ની વર્ષની નીચી સપાટી દેખાડી સવા ટકો ઘટીને ૬૬૪ હતો. ૨ નવેમ્બરે ૧૧૧૭ની ઑલટાઇમ હાઈ બનાવનાર ક્વૉલિટી ફાર્મા ૨૬૫નું મલ્ટિયર બૉટમ બનાવી ૨.૨ ટકા બાઉન્સ-બૅક થઈ ૩૦૦ હતો. એનાં પરિણામ ૧૩ ઑગસ્ટે આવશે. ફોર્ટિસ હેલ્થકૅરનો કૉન્સો. ત્રિમાસિક નેટ પ્રૉફિટ ૬૯ ટકાના ગાબડામાં ૧૩૪ કરોડ થયો છે. શૅર સાડાત્રણ ગણા કામકાજે ૨.૭ ટકા વધી ૨૭૨ બંધ થયો છે. 

સ્ટેટ બૅન્કમાં નબળાં પરિણામ નડ્યાં, બીએસઈનો શૅર વધુ ત્રણ ટકા ડાઉન 

સ્ટેટ બૅન્ક તરફથી જૂન ક્વૉર્ટરમાં પોણાસાત ટકાના ઘટાડે ૬૦૬૮ કરોડ રૂપિયા નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. બજારની એકંદર ધારણા ૭૫૦૦ કરોડ આસપાસના ચોખ્ખા નફાની હતી. શૅર નીચામાં ૫૧૪ થઈ બે ટકાની નરમાઈમાં ૫૨૦ બંધ રહ્યો છે. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના સુધારા સાથે ૩૧૭ પૉઇન્ટ કે પોણો ટકા વધ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી જોકે બારમાંથી ૩ શૅર પ્લસમાં આપીને અડધો ટકો નરમ હતો. બૅન્કિંગ ક્ષેત્રના ૩૬માંથી ૨૦ શૅર સુધર્યા હતા. આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ત્રણ ટકા, આરબીએલ બૅન્ક ૧.૯ ટકા, ધનલક્ષ્મી બૅન્ક પોણો ટકા, કૅનરા બૅન્ક ૧.૭ ટકા, કર્ણાટકા બૅન્ક એક ટકા પ્લસ હતા. સેન્સેક્સ પૅકમાં એચડીએફસી બૅન્ક અઢી ટકા, ઍક્સિસ બૅન્ક ૨.૪ ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૧.૩ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક એક ટકા પ્લસ હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક નહીંવત્ ઘટી ૮૩૬ રહ્યો છે. એચડીએફસી બૅન્કની અઢી ટકાની મજબૂતી બજારને ૧૩૪ પૉઇન્ટ ફળી છે. એચડીએફસી ૧.૭ ટકા વધી ૨૩૯૪ બંધ રહેતાં તેમાં બીજા ૬૫ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. 

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૨૮માંથી ૭૭ શૅરના સુધારા સાથે ૦.૯ ટકા વધ્યો છે. વીએલએસ ફાઇનૅન્સ નવ ટકાના જમ્પમાં ૧૫૯ હતો. મુથુટ ફાઇ. ૫.૯ ટકા, મેક્સ વેન્ચર્સ ૪.૮ ટકા, પીરામલ એન્ટર ૩.૯ ટકા, ઇક્વિટાસ હોલ્ડિંગ્સ અઢી ટકા અપ હતા. ઇન્ડોસ્ટાર કૅપિટલ વધુ સાત ટકા ગગડી ૧૨૭ થયો છે. યસ બૅન્ક ૩.૯ ટકા ડાઉન હતી. બજાજ ફિનસર્વ ૩ ટકા કે ૪૪૫ રૂપિયા ઊંચકાઇને ૧૫,૫૩૪ તો બજાજ ફાઇનૅન્સ અડધા ટકાના સુધારામાં ૭૩૪૨ બંધ હતા. દરમ્યાન બીએસઈ લિમિટેડનો શૅર ભાવઘટાડાની ચાલ આગળ ધપાવતાં ૩ ટકાની નબળાઈમાં ૬૪૬ રહ્યો છે. ૨ ઑગસ્ટે ભાવ ૭૦૯ રૂપિયા હતો. એમસીએક્સ સામાન્ય ઘટી ૧૨૮૪ થયો છે. એલઆઇસી હાઉસિંગ અડધો ટકો સુધરીને ૩૮૧ થયો છે.

09 August, 2022 06:21 PM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

વૈશ્વિક બજારોની જબરી હૂંફને પગલે બજારે દશેરાના ઘોડા દોડાવ્યા, બૅન્કિંગ આઇટીનેજોર

બુધવારે દશેરા નિમિત્તે શૅરબજાર બંધ : સેન્સેક્સની ૧૨૭૭ પૉઇન્ટની ઑલરાઉન્ડ મજબૂતીથી માર્કેટકૅપ ૫.૬૭ લાખ કરોડ વધ્યું : સિપ્લામાં નવાં શિખર જારી

05 October, 2022 03:13 IST | Mumbai | Anil Patel

વ્યાપક નબળાઈ સાથે સેન્સેક્સમાં ‘૫૭’ અને નિફ્ટીમાં ‘૧૭’નાં લેવલ ગયાં

ટીસીએસ, વિપ્રો અને ઇન્ફીનાં પરિણામ આગામી સપ્તાહે, શૅરોમાં નરમ વલણ : નાયકામાં એક શૅરે પાંચ બોનસનો મોટા ભાગનો ઊભરો શમી ગયો

04 October, 2022 03:17 IST | Mumbai | Anil Patel

નિફ્ટી ફ્યુચર ૧૭,૨૧૨ ઉપર ૧૭,૨૯૨ મહત્ત્વની પ્રતિકારક સપાટી

નીચામાં ૧૬,૪૬૪.૨૫ સુધી આવી ગયું. લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી જ છે.

03 October, 2022 06:11 IST | Mumbai | Ashok Trivedi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK