Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો બિઝનેસ સમાચાર

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો બિઝનેસ સમાચાર

30 November, 2021 03:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશમાં વેપાર સાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે શરૂ થઈ રહ્યો છે ‘લેવલ નેક્સ્ટ’ પ્રોજેક્ટ; જિઓએ ૧ ડિસેમ્બરથી મોબાઇલ સર્વિસ ટૅરિફમાં ૨૧ ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશમાં વેપાર સાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે શરૂ થઈ રહ્યો છે ‘લેવલ નેક્સ્ટ’ પ્રોજેક્ટ

ભારતમાં વેપાર સાહસિકતાને પ્રોત્સાહન આપવાની દૃષ્ટિએ ‘લેવલ નેક્સ્ટ’ નામે પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે, જેની બેઠકનું રવિવારે ૫ ડિસેમ્બરે મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું છે.
‘લેવલ નેક્સ્ટ’ના નિવેદનમાં જણાવાયા મુજબ દેશના યુવાનો તથા મહિલાઓને વેપાર સાહસિક (ઑન્ટ્રપ્રનર) અને પહેલેથી વેપાર કરનારાઓને મોટા વેપારી બનાવવાના લક્ષ્ય સાથે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. 
બિનસરકારી ધોરણે શરૂ થઈ રહેલા પ્રોજેક્ટ માટે જૈન ઇન્ટરનૅશનલ ઓર્ગેનાઇઝેશન સહકાર આપી રહ્યું છે. તેના વિશે માહિતી આપવા માટે મુંબઈ તથા મહારાષ્ટ્રનાં તમામ વેપારી સંગઠનો, ઔદ્યોગિક સંગઠનો તથા જ્ઞાતિઓનાં સંગઠનોની બેઠક ૫ ડિસેમ્બરે મુંબઈની લાલા લજપતરાય કૉલેજમાં સવારે ૧૧થી બપોરે ૧ વાગ્યા સુધી રાખવામાં આવી છે. આ બેઠક ભોજન સાથેની હશે. 
યાદીમાં જણાવાયા મુજબ કોરોના રોગચાળાને અનુલક્ષીને બેઠકમાં મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો હોવાથી સંસ્થાઓના પ્રમુખો તથા ડિરેક્ટરોને નિમંત્રણ આપવામાં આવ્યું છે, જેના માટે મોબાઇલ નંબર ૭૬૦૦૧૩૯૯૧૧ અથવા ૯૦૯૯૦૫૫૬૭ ઉપર નામ નોંધાવવાનાં રહેશે. આ પ્રોજેક્ટ હેઠળ એક સંપૂર્ણપણે નિઃશુલ્ક અભ્યાસક્રમ પણ હાથ ધરવામાં આવશે. 
દેશમાં ઉદ્યમશીલતાને પ્રોત્સાહન મળે એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્યને સાકાર કરવા તથા ગુરુ નયપદ્મસાગર મહારાજ અને સાધ્વી મયનાશ્રીના આશીર્વાદથી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં કોઈ પણ જ્ઞાતિબાધ નથી. વેપારીઓ તથા વેપાર સાહસિક બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓ આમાં જોડાઈ શકે છે. આઇઆઇએમ અમદાવાદે પણ તેમાં સહકાર આપ્યો છે. 



 


રિઝર્વ બૅન્કે રિલાયન્સ કૅપિટલનું બોર્ડ સુપરસીડ કર્યું : ટૂંક સમયમાં નાદારીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે

રિઝર્વ બૅન્કે રિલાયન્સ કૅપિટલ લિમિટેડના બોર્ડને સુપરસીડ કર્યું હોવાનું સોમવારે જાહેર કરાયું હતું. અનિલ અંબાણી રિલાયન્સ ગ્રુપની આ કંપનીએ પેમેન્ટની જવાબદારીઓ પૂરી કરવામાં ડિફૉલ્ટ કર્યું હોવાથી નિયમનકાર કેન્દ્રીય બૅન્કે આ પગલું ભર્યું છે. રિઝર્વ બૅન્કે જણાવ્યા મુજબ રિલાયન્સ કૅપિટલ અનેક પ્રકારે ક્રેડિટર્સને કરવાનાં પેમેન્ટની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગઈ છે તથા તેના સંચાલન બાબતે ગંભીર ચિંતાજનક મુદ્દાઓ સામે આવ્યા છે અને બોર્ડ એને સંભાળી શક્યું નહીં હોવાથી બોર્ડ સુપરસીડ કરવામાં આવ્યું છે.  બૅન્ક ઑફ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ અૅક્ઝિક્યુટિવ ડિરેક્ટર નાગેશ્વર રાવને આ નોન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીના વહીવટદાર બનાવવામાં આવ્યા છે. રિઝર્વ બૅન્કના નિવેદનમાં જણાવાયા મુજબ ટૂંક સમયમાં આ કંપની માટે ઇનસૉલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડ હેઠળ રેઝોલ્યુશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કંપની માટે ઇનસૉલ્વન્સી રેઝોલ્યુશન પ્રોફેશનલની નિમણૂક કરવા માટે મુંબઈની નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલને અરજી કરવામાં આવશે.


 

જિઓએ ૧ ડિસેમ્બરથી મોબાઇલ સર્વિસ ટૅરિફમાં ૨૧ ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી

ભારતી ઍરટેલ અને વોડાફોન આઇડિયા પછી ભારતની સૌથી મોટી મોબાઇલ ઓપરેટર રિલાયન્સ જિઓએ આવતા મહિનાથી તેના પ્રિપેડ ટેરિફમાં ૨૧ ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. જોકે જિઓ ફોનના ઉપયોગકર્તાઓ માટે ૨૮ દિવસની વૈધતા ધરાવતા પ્લાનનો દર ૯૧ રૂપિયા જ રાખવામાં આવ્યો છે, જે તમામ સ્પર્ધકોમાં સૌથી નીચો છે. ઍરટેલ અને વોડાફોન આઇડિયાએ ૨૮ દિવસની વૈધતા ધરાવતા પ્લાન માટે લઘુતમ દર ૯૯ રૂપિયા રાખ્યો છે. જિઓફોન પ્લાન, અનલિમિટેડ પ્લાન અને ડેટા એડ ઓન પ્લાનના દરમાં ૧૯.૬થી ૨૧.૩ ટકા સુધીનો ભાવવધારો કરવામાં આવ્યો છે. નવા પ્લાન ૧ ડિસેમ્બર, ૨૦૨૧થી અમલી બનશે.

 

જ્યુટ કમિશનરે કાચા શણના ઉચિત ભાવમાં સુધારો કરવાની દરખાસ્તને નકારી કાઢી

જ્યુટ કમિશનરે કાચા શણના ઉચિત ભાવમાં ફેરફાર કરીને પ્રતિ ક્વિન્ટલ ૭૨૦૦ રૂપિયા કરવાનું ઇન્ડિયન જ્યુટ મિલ્સ અસોસિએશન (આઇજેએમએ)નું સૂચન ફગાવી દીધું છે. ઊલટાનું કમિશનરે શણની તૈયાર ગૂણીઓના ભાવની મહત્તમ મર્યાદા નિશ્ચિત કરવાની ભલામણ કરવાનું કહ્યું છે.
જ્યુટ મિલોની ઉક્ત સંસ્થાએ કાચા શણનો ઉચિત ભાવ ૬૫૦૦થી વધારીને ૭૨૦૦ રૂપિયા કરવા માટે નિયમનકાર, જ્યુટ કમિશનરને સૂચન સુપરત કર્યું હતું.

 

નવેમ્બરમાં એફપીઆઇ નેટ ખરીદદાર રહ્યા

ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ) નવેમ્બર મહિનામાં ભારતીય ઇક્વિટી માર્કેટમાં નેટ ખરીદદાર રહ્યા હતા. તેમણે નેટ ૫૩૧૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. નોંધનીય છે કે ઑક્ટોબરમાં તેઓ ૧૨,૪૩૭ કરોડ રૂપિયાની સિક્યૉરિટીઝના નેટ વેચાણકર્તા રહ્યા હતા. ડિપોઝિટરીઝ પાસે ઉપલબ્ધ આંકડાઓ અનુસાર વિદેશી રોકાણકારોએ પહેલીથી ૨૬ નવેમ્બર સુધીમાં ઇક્વિટીઝમાં ૧૪૦૦ કરોડ અને ડેટમાં ૩૯૧૯ કરોડ રૂપિયાનું નેટ રોકાણ કર્યું હતું.

 

એલઆઇસી કોટક બૅન્કમાં હિસ્સો વધારીને ૧૦ ટકા કરશે

રિઝર્વ બૅન્ક પાસેથી મંજૂરી મળવાને પગલે એલઆઇસી (લાઇફ ઇન્સ્યૉરન્સ કૉર્પોરેશન) ખાનગી ક્ષેત્રની બૅન્ક - કોટક મહિન્દ્ર બૅન્કમાં તેનો હિસ્સો વધારીને લગભગ ૧૦ ટકા કરશે. કોટક મહિન્દ્ર બૅન્કે જણાવ્યું હતું કે તેને એલઆઇસી તરફથી આ અંગેની સૂચના મળી છે. ‘કોટક મહિન્દ્ર બૅન્કને લાઇફ ઇન્સ્યોરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા પાસેથી મળેલી સૂચના મુજબ રિઝર્વ બૅન્કે એલઆઇસીને પોતાનું હોલ્ડિંગ પેઇડ-અપ ઇક્વિટી શૅરના ૯.૯૯ ટકા સુધી વધારવાની મંજૂરી આપી છે,’ એમ કોટકે સોમવારે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું. કોટકે જણાવ્યું હતું કે આ મંજૂરી એક વર્ષના સમયગાળા માટે માન્ય છે.

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2021 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK