° °

આજનું ઇ-પેપર
Monday, 25 October, 2021


ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો બિઝનેસ સમાચાર

23 September, 2021 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

જીજીએન રિસર્ચના અંદાજ અનુસાર દેશની ખાદ્ય તેલોની આયાત સપ્ટેમ્બરમાં ૧૬.૦૦ લાખ ટન થવાનો અંદાજ છે જે ઑગસ્ટમાં  ૧૦.૧૫ લાખ ટન થઈ હતી.

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો

દેશની ખાદ્ય તેલોની આયાત સપ્ટેમ્બરમાં ૫૮ ટકા વધવાનો અંદાજ 

દેશની ખાદ્ય તેલોની આયાત સપ્ટેમ્બર મહિનામાં‍ અગાઉના મહિનાની સરખામણીમાં ૫૮ ટકા વધવાનો નવો અંદાજ જીજીએન રિસર્ચ દ્વારા મુકાયો હતો. જીજીએન રિસર્ચના અંદાજ અનુસાર દેશની ખાદ્ય તેલોની આયાત સપ્ટેમ્બરમાં ૧૬.૦૦ લાખ ટન થવાનો અંદાજ છે જે ઑગસ્ટમાં  ૧૦.૧૫ લાખ ટન થઈ હતી. જીજીએન રિસર્ચના અંદાજ અનુસાર ૧૬ લાખ ટનની આયાત થશે તો અત્યાર સુધીની બીજા ક્રમની સૌથી વધુ આયાત ગણાશે તેમ જ ઑકટોબર ૨૦૧૫ પછીની સૌથી વધુ મન્થ્લી ઇમ્પોર્ટ હશે. 
પામતેલની આયાતમાં ૫૩ ટકા, સોયાડીગમની આયાતમાં ૩૭ ટકા અને સનફલાવર ઑઇલની આયાતમાં ૧૫૪ ટકાનો વધારો થશે. સનફલાવર ઑઇલની આયાતમાં મોટો વધારો જોવા મળશે. પામતેલની આયાતમાં સૌથી વધુ વધારો થતાં સપ્ટેમ્બરમાં ૧૧.૫૦ લાખ ટનની આયાત થવાનો અંદાજ છે. જુલાઈમાં પામતેલની આયાત ૩.૫૦ લાખ ટન આસપાસ થઈ હતી જેમાં ત્રણ ગણો વધારો બે મહિનામાં જોવા મળશે. દેશની ખાદ્ય તેલોની આયાત તહેવારોના દિવસોમાં છેલ્લા બે મહિનાથી મોટા પાયે વધી રહી છે. 

ડાંગર અને ચોખાની સરકારી ખરીદીમાં ક્વૉલિટીના નવા નિયમો જાહેર

નવી સીઝનમાં ભેજ, બ્રોકન ચોખા સહિતના ગુણવત્તાના માપદંડો કડક બનાવ્યા

કેન્દ્ર સરકારે ચાલુ ખરીફ સીઝનમાં ડાંગર અને ચોખાની ટેકાના ભાવથી સરકારી ખરીદી માટેના નવા નિયમોની જાહેરાત કરી દીધી છે. એ ગ્રેડના ચોખા માટે ફોર્ટિફાઇડ ચોખાને લગતા નિયમો હવે એકસરખા લાગુ પાડવાની સિસ્ટમ દાખલ કરી રહ્યા છે. ફોર્ટિફાઇડ ચોખાના સ્ટૉક માટે કોમન ડાંગરની ખરીદી કરવામાં આવશે તો એમાં એક ટકો ફોર્ટિફાઇડ ડાંગરનું મિશ્રણ કરવામાં આવશે. આ ઉપરાંત બ્રોકન ચોખા, ભેજ સહિતના મુદ્દાને પણ કડક બનાવવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકાર નવા નિયમનો તબક્કા વાર ચોખા બાદ જુવાર, બાજરી, મકાઈ અને રાગીમાં પણ લાગુ પાડશે. સરકાર દ્વારા ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ અને બીજી સરકારી યોજનાની જરૂરિયાત માટે હવે ફોર્ટિફાઇડ અનાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારે નવો નિયમ ઘડ્યો છે. કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતના મંત્રાલયે દેશમાં આગામી ખરીફ સીઝનમાં એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)થી ખરીદી માટે જરૂરી નિયમોની યાદી જાહેર કરી દીધી છે અને એ માપદંડોને ધ્યાનમાં રાખીને જ નવી ખરીદી કરવામાં આવશે. નવા નિયમોમાં બ્રોકન ચોખાનો નિયમ પણ ૨૫ ટકાથી ઘટાડીને હવે ૨૦ ટકા કરવામાં આવ્યો છે. જ્યારે ભેજનું પ્રમાણ પણ ૧૫ ટકાથી ઘટાડીને ૧૪ ટકા કરવામાં આવ્યું છે. જ્યારે ડેમેજ દાણા ત્રણ ટકાથી ઘટાડીને હવે બે ટકા સુધી જ લેવામાં આવશે. લાલ દાણા અગાઉ ત્રણ ટકા સુધી સ્વીકારવામાં આવશે, પરંતુ હવે નવી ગાઇડલાઇન્સ પ્રમાણે લાલ દાણા હશે તો એની ખરીદી કરવામાં આવશે નહીં. ડાંગરમાં ભેજનું પ્રમાણ ૧૭ ટકાથી ઘટાડીને ૧૬ ટકા કરવામાં આવ્યું છે, જ્યારે ફૉરેન મેટરની માત્રા પણ બે ટકાથી ઘટાડીને એક ટકા કરવામાં આવી છે.  

સરકારની માર્ગદર્શિકા પછી જ ભંડોળ માટે બોર્ડનો સંપર્ક કરાશે : વોડાફોન આઇડિયા

સરકાર ટેલિકૉમ ક્ષેત્ર માટેના સુધારાઓની વિગતવાર માર્ગદર્શિકા જારી કરે ત્યાર બાદ વોડાફોન આઇડિયા ભંડોળ એકત્ર કરવા માટે ફરીથી બોર્ડની મંજૂરી લેશે. કંપનીના પ્રમોટરોને પણ ભંડોળ એકત્ર કરવાના રાઉન્ડમાં ભાગ લેવાની તક મળશે, એમ કંપનીના એક ઉચ્ચ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.
વોડાફોન આઇડિયાના એમડી અને સીઈઓ રવિન્દર ટક્કરે પીટીઆઇને જણાવ્યું હતું કે કંપની બિઝનેસમાં રોકાણ કરવા અને બજારમાં સ્પર્ધા કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે જ્યારે સરકાર તરફથી વાસ્તવિક માર્ગદર્શિકા આવશે ત્યારે કંપની બિઝનેસ પ્લાનમાં આવશ્યક સુધારા-વધારા કરશે.

ઑગસ્ટ મહિનામાં ભારતનું ક્રૂડ ઑઇલનું ઉત્પાદન ૨.૩ ટકા ઘટ્યું, ગૅસનું ઉત્પાદન વધ્યું

ઑગસ્ટમાં ભારતના ક્રૂડ ઑઇલના ઉત્પાદનમાં ૨.૩ ટકાનો ઘટાડો થયો છે, પરંતુ રિલાયન્સ અને બ્રિટિશ પેટ્રોલિયમના કેજી-ડી૬ ક્ષેત્રોમાં ઉત્પાદનમાં થયેલી વૃદ્ધિને પગલે નૅચરલ ગૅસનું ઉત્પાદન ૨૦ ટકા કરતાં વધુ વધ્યું છે. બુધવારે જાહેર થયેલા સરકારી આંકડાઓ પરથી આ માહિતી મળી છે. 
ઑગસ્ટમાં ક્રૂડ ઑઇલનું ઉત્પાદન ઘટીને ૨.૫૧ મિલ્યન ટન થયું હતું, કારણ કે સરકારી માલિકીની ઑઇલ એન્ડ નેચરલ ગૅસ કૉર્પોરેશન (ઓએનજીસી) કંપની દ્વારા સંચાલિત ક્ષેત્રોમાં ઉત્પાદન ઘટ્યું હતું.
ભારત તેની તેલની ૮૫ ટકા જરૂરિયાત પૂરી કરવા માટે આયાત પર નિર્ભર છે. સરકાર લાંબા સમયથી સ્થાનિક ઉત્પાદન વધારવાની રીતો શોધી રહી છે, જેથી આયાત પરની નિર્ભરતા ઘટાડી શકાય.

ઝી એન્ટરટેઇનમેન્ટ સોની પિક્ચર્સમાં ભળી જશે

ભારતની સૌથી મોટી લિસ્ટેડ ટીવી નેટવર્ક કંપની-ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝીસ સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયા (એસપીએનઆઇ) સાથે ભળી જવાની છે. 
ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે (ઝીલ) એક નિવેદનમાં જણાવ્યું હતું કે સોની કંપની તેમાં ૧.૫૭૫ અબજ ડૉલરનું રોકાણ કરશે અને એકત્રિત થયેલી કંપનીમાં ૫૨.૯૩ ટકા હિસ્સો પ્રાપ્ત કરશે. ઝીલ પાસે ૪૭.૦૭ ટકા હિસ્સો રહેશે. 
તાજેતરમાં ટોચના રોકાણકારો – ઇન્વેસ્કો ડેવલપિંગ માર્કેટ્સ ફન્ડ અને ઓએફઆઇ ગ્લોબલ ચાઇના ફન્ડ એલએલસીએ સંચાલકોમાં ફેરફાર કરવા માટે માગણી કરી હતી. એમણે ચીફ એક્ઝિક્યુટિવ પુનિત ગોએન્કાને હાંકી કાઢવાની માગણી કરી હતી. આ બન્ને રોકાણકારો મળીને ઝીલમાં ૧૭.૯ ટકા હિસ્સો ધરાવે છે. 
ઉક્ત સોદા દ્વારા એકત્રિત થનારી કંપનીના મોટા ભાગના બોર્ડ સભ્યોને સોની કંપની નામાંકિત કરશે. સોદાની શરતો અનુસાર ગોએન્કા બોર્ડનું નેતૃત્વ કરશે.
આ સોદાનો ઉદ્દેશ્ય ૧૯૯૨માં કંપની સ્થાપનારા સુભાષચંદ્રના પરિવારના કંપની પરના દબદબાનો અંત લાવવાનો હોવાનું કહેવાય છે. 

23 September, 2021 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રસીના ૧૦૦ કરોડ ડોઝ આપીને વિશ્વનો બીજા નંબરનો દેશ બનવાનો ભારતે વિક્રમ સ્થાપ્યો

માગ વધારવા માટે સરકારનાં પગલાંઓ અને સુધારાઓ ચાલુ

25 October, 2021 04:26 IST | Mumbai | JItendra Sanghvi

રશિયામાં વ્યાજદર વધતાં રૂબલમાં તેજી : બીટકૉઇન ૬૭૦૦૦

રૂપિયામાં વૉલેટિલિટી વધી : વિશ્વભરમાં ફુગાવો ચિંતાનું કારણ : યેનમાં કડાકો

25 October, 2021 04:25 IST | Mumbai | Biren Vakil

અર્થતંત્રમાં નાણાંની પ્રવાહિતા ઘટાડવા-વધારવા માટે રિઝર્વ બૅન્ક કયાં પગલાં લે છે?

નાણાકીય પ્રવાહિતા વધારવાનું મહત્ત્વ શું કામ?

25 October, 2021 04:23 IST | Mumbai | Khyati Mashru Vasani

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK