° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


News in short: શ્રીલંકા આ વર્ષે નાદાર થઈ જવાની તૈયારીમાં

11 January, 2022 04:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિદેશી હૂંડિયામણ ઓછું અને વિદેશી કરજ ગળાડૂબ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

શ્રીલંકામાં નાણાકીય સ્થિતિ એટલી કથળી છે કે દેશ આ વર્ષે નાદાર બની જવાની આશંકા છે, ત્યાં ફુગાવો વિક્રમી સ્તરે પહોંચી ગયો હોવાનું પ્રસાર માધ્યમના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. 
નોંધનીય છે કે ગયા વર્ષે ૩૦ ઑગસ્ટે શ્રીલંકાએ રાષ્ટ્રીય નાણાકીય ઇમર્જન્સી જાહેર કરી હતી. દેશના ચલણનું મૂલ્ય એકદમ ઘટી જવાને પગલે ખાદ્યપદાર્થોના ભાવમાં ધરખમ વધારો થયો હતો અને તેને પગલે ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. 
સુહેલ ગુપ્તિલે કોલંબો ગૅજેટમાં પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે શ્રીલંકામાં રાજકોષીય અને વેપારખાધ મોટા પ્રમાણમાં છે. દેશનું વિદેશી કરજ વર્ષ ૨૦૧૯માં કુલ રાષ્ટ્રીય પેદાશ (જીડીપી)ના ૪૨.૬ ટકા થઈ ગયું હતું. દેશ પરનું કુલ વિદેશી કરજ એ જ વર્ષે ૩૩ અબજ ડૉલર થઈ ગયું હતું. ત્યાર બાદ અનેક ક્રેડિટ રૅટિંગ એજન્સીઓએ દેશનું ક્રેડિટ રૅટિંગ ઘટાડી દેતાં એને આંતરરાષ્ટ્રીય સોવરિન બૉન્ડ મારફતે નાણાં પ્રાપ્ત થવામાં મુશ્કેલી પડવા લાગી હતી. 
શ્રીલંકામાં વૃદ્ધિદર ઓછો છે અને કરજ ભરપૂર મોટું છે તેથી પરિસ્થિતિ વણસી રહી છે. નવેમ્બર ૨૦૨૧માં વિદેશી હૂંડિયામણ ફક્ત ૧.૬ અબજ ડૉલર જેટલું હતું, જે ફક્ત ૧૨ મહિના ચાલે એમ છે. શ્રીલંકાના ખાનગી ક્ષેત્ર પર પણ સ્થાનિક અને વિદેશી કરજ મળીને ૭.૩ અબજ ડૉલરનો બોજ છે. એમણે આ મહિને આંતરરાષ્ટ્રીય સોવરિન બૉન્ડનું ૫૦૦ મિલ્યન ડૉલરનું રિપેમેન્ટ કરવાનું છે. 
દેશ પરનું કરજ ખાસ કરીને ચીનનું છે. ચીનને એણે ૫ અબજ ડૉલરનું કરજ ચૂકવવાનું છે. ગયા વર્ષે એણે વધુ એક અબજ ડૉલરની લોન લઈને નાણાકીય કટોકટીને નિવારી હતી. 
ઉક્ત અહેવાલ મુજબ દેશનું વિદેશી હૂંડિયામણ ફેબ્રુઆરીથી ઑક્ટોબર, ૨૦૨૨ના ગાળામાં ચૂકવવાના કરજ જેટલું નથી.

નવ ક્ષેત્રોમાં કુલ રોજગારનું પ્રમાણ ૩.૧૦ કરોડનો આંક વટાવી ગયું

દેશનાં નવ નિશ્ચિત ક્ષેત્રોમાં ગત જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં રોજગારમાં વૃદ્ધિ થઈને કુલ આંક ૩.૧૦ કરોડને પાર કરી ગયો હતો. ગયા જૂનના અંતે રહેલા આંકડામાં બે લાખની વૃદ્ધિ થઈ હતી, એમ શ્રમ મંત્રાલયે સોમવારે જાહેર કરેલા ત્રિમાસિક રોજગાર સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે. 
શ્રમપ્રધાન ભૂપેન્દર યાદવે જાહેર કરેલા અહેવાલ મુજબ અનેક રાજ્યોમાં કોરોનાની સ્થિતિ હળવી થયા બાદ નિયંત્રણો ઉઠાવી લેવાયાં હતાં અને આર્થિક પ્રવૃત્તિઓ વધી હતી. એને પગલે રોજગારનું પ્રમાણ વધ્યું હતું. ઉક્ત નવ ક્ષેત્રોમાં મૅન્યુફૅક્ચરિંગ, બાંધકામ, 
વેપાર, પરિવહન, શિક્ષણ, આરોગ્ય, પ્રવાસનમાં રહેવા-જમવાનું, આઇટી/બીપીઓ તથા નાણાકીય સર્વિસિસનો સમાવેશ થાય છે. ભારત ટૂંક સમયમાં કોરોના રોગચાળાના ત્રીજા મોજાની અસરમાંથી બહાર આવી જશે એવો વિશ્વાસ પ્રધાને વ્યક્ત કર્યો હતો.

કોવિડના પડકાર છતાં વિસ્તારાએ કર્યો વિમાનોના કાફલાનો વિસ્તાર

વિસ્તારા ઍરલાઇન્સે કોવિડ-19ના પડકારો વચ્ચે પણ વિસ્તાર કર્યો છે. કંપનીએ સોમવારે જણાવ્યા મુજબ ગત ૨૧ મહિનાના ગાળામાં એણે પોતાના વિમાનોના કાફલામાં ૧૨ વિમાનનો ઉમેરો કર્યો છે. હવે તેનાં વિમાનોની સંખ્યા ૫૧ થઈ ગઈ છે.
કંપનીના નિવેદનમાં જણાવાયા મુજબ ૯ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ સેવા શરૂ કર્યા બાદ તેણે સ્થાનિક અને વિદેશી માર્કેટમાં કુલ ૩ કરોડ મુસાફરોને પ્રવાસ કરાવ્યો છે. 
દિલ્હીસ્થિત આ ઍરલાઇન્સ તાતા ગ્રુપ અને સિંગાપોર ઍરલાઇન્સનું સંયુક્ત સાહસ છે. તેના કાફલામાં ઍરબસ એ૩૨૦, એ૩૨૦ નિઓ, એ૩૨૧ નિઓ, બોઇંગ ૭૩૭ અને બી૭૮૭ પ્લેનનો સમાવેશ થાય છે. તેણે એશિયા, યુરોપ અને મધ્ય પૂર્વમાં સાત નવાં સ્થળો ઉમેર્યાં છે.

ઍક્સિસનું ૫૦૦ કરોડ એકઠા કરવાનું લક્ષ્ય

ઍક્સિસ મ્યુચ્યુઅલ ફન્ડ સીપીએસઈ પ્લસ એસડીએલ ડેટ ઇન્ડેક્સ ફન્ડમાં ૫૦૦ કરોડ રૂપિયા એકઠા કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ ફન્ડની પાકતી તારીખ ૩૦ એપ્રિલ, ૨૦૨૫ છે. વીસમી જાન્યુઆરીએ બંધ થનારી આ ન્યુ ફન્ડ ઑફરનું ફન્ડ ક્રિસિલ આઇબીએક્સ ૭૦:૩૦ સીપીએસઈ પ્લસ એસડીએલ-એપ્રિલ ૨૦૨૫ બેન્ચમાર્કને અનુસરશે. મુખ્યત્વે એએએ રેટિંગ ધરાવતી કેન્દ્ર સરકારની કંપનીઓની સિક્યૉરિટીઝ તથા રેટેડ એસડીએલ સિક્યૉરિટીઝમાં રોકાણ કરશે. દેવાંગ શાહ અને કૌસ્તુભ સુળે એના મૅનેજર છે.

એલઍન્ડટીને હાઈ સ્પીડ રેલવેનો ઑર્ડર

લાર્સન ઍન્ડ ટુબ્રો (એલઍન્ડટી)ને નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ પાસેથી મોટો ઑર્ડર મળ્યો હોવાનું સોમવારે જણાવવામાં આવ્યું છે. કંપનીએ નિવેદનમાં જણાવ્યા મુજબ ૮.૧૯૮ કિલોમીટર લંબાઈની ડબલ લાઇન હાઈ સ્પીડ રેલવેની ડિઝાઇન બનાવવાનું અને બાંધકામ કરવાનું કાર્ય આ પ્રોજેક્ટમાં સામેલ છે, જે ૪૯ મહિનાના સમયગાળામાં પૂરો કરવાનો છે. 

ફાઇવ સ્ટાર બિઝનેસ ફાઇનૅન્સ અને વારી એનર્જીસને આઇપીઓ માટે મળી મંજૂરી

સેબીએ નૉન-બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપની - ફાઇવ સ્ટાર બિઝનેસ ફાઇનૅન્સને અને સૌર ઊર્જા ક્ષેત્રની વારી એનર્જીસ કંપનીને આઇપીઓ મારફતે મૂડી ઊભી કરવા માટે મંજૂરી આપી છે. આ કંપનીઓએ આઇપીઓ માટે ગયા સપ્ટેમ્બરથી નવેમ્બરના ગાળામાં દસ્તાવેજો નોંધાવ્યા હતા. ફાઇવ સ્ટાર બિઝનેસ ફાઇનૅન્સને ટીપીજી, મેટ્રિક્સ પાર્ટનર્સ, નોરવેસ્ટ વેન્ચર્સ અને કેકેઆર જેવા રોકાણકારોનું પીઠબળ છે. કંપની આઇપીઓ મારફતે ૨૭૫૨ કરોડ રૂપિયા એકઠા કરવા માગે છે. વારી એનર્જીસના આઇપીઓમાં ૧૩૫૦ કરોડ રૂપિયાના નવા શૅર ઇશ્યુ કરવામાં આવશે. વર્તમાન શૅરધારકો અને પ્રમોટરો ૪૦,૦૭,૫૦૦ ઇક્વિટી શૅરની ઑફર ફૉર સેલ હશે. કંપની આ નાણાંનો ઉપયોગ ઉત્પાદન કેન્દ્ર સ્થાપવા માટે તથા સામાન્ય કૉર્પોરેટ હેતુસર કરશે, એમ જણાવવામાં આવ્યું છે.

એમજી મોટરનાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ૧૪૫ ટકા વધ્યું

એમજી મોટર ઇન્ડિયાનાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કૅલેન્ડર વર્ષ ૨૦૨૧માં ૧૪૫ ટકા વધીને ૨૭૯૮ યુનિટ થયું હતું. વર્ષ ૨૦૨૦માં એણે ૧૧૪૨ યુનિટનું વેચાણ કર્યું હતું. કંપનીએ જણાવ્યા મુજબ ભારતમાં એનાં ઇલેક્ટ્રિક વેહિકલના પોર્ટફોલિયોમાં ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ ઝેડએસ ઈવીનો સમાવેશ થાય છે. દર મહિને આ વાહનનાં ૭૦૦ બુકિંગ થઈ રહ્યાં છે.

ઑસ્ટ્રેલિયા સાથે એફટીએમાં ભારત સંવેદનશીલ કૃષિ અને ડેરી પ્રોડક્ટ્સને બાદ કરશે

ભારત ખેડૂતોના હિત સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા માગતું નથી એથી ઑસ્ટ્રેલિયા સાથેના ફ્રી ટ્રેડ ઍગ્રિમેન્ટ (એફટીએ)માં સંવેદનશીલ કૃષિ અને ડેરી પ્રોડક્ટ્સને બાદ કરવામાં આવશે. જોકે ભારત અમુક કૃષિ જણસોમાં મર્યાદિત બજાર એક્સેસ ઑસ્ટ્રેલિયાને આપી શકે છે, એમ વાટાઘાટો સાથે જોડાયેલાં સૂત્રોએ કહ્યું હતું.
આ સૂત્રોએ કહ્યું કે ભારત દૂધ, બટર, મિલ્ક પાઉડર અને ઘઉં જેવી કૃષિ જણસો કે ડેરી પ્રોડક્ટ્સમાં કન્સેશન ઑફર કરી રહ્યું નથી, કારણ કે આમાં લાખો લોકોનું જનજીવન જોડાયેલું છે. ઑસ્ટ્રેલિયાને સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે ખેડૂતો પર કોઈ પણ પ્રકારની પ્રતિકૂળ અસર પડવી જોઈએ નહીં.
જોકે ટૅરિફમાં ઘટાડો અથવા અન્ય આયાત નિયંત્રણો હળવા કરીને બજારને એક્સેસ આપવામાં આવી શકે છે તેમ જ એવી જણસો જેનું ઉત્પાદન પણ વધુ થતું નથી અને વપરાતી પણ સારા પ્રમાણમાં નથી એવી કૃષિ જણસોમાં આયાત નિયંત્રણો હળવા કરવામાં આવશે. દાખલા તરીકે બ્લ્યુ ચીઝ અથવા મેકાડામિયા નટ્સ જેનું ઉત્પાદન ભારતમાં થતું નથી તેમ જ વપરાશ પણ ઓછો થાય છે અને આ નટ્સની સ્થાનિક ખેડૂતો કે ડેરી ઉત્પાદકો પર પ્રતિકૂળ અસર પડશે નહીં.હાલમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વચગાળાની એફટીએ માટે વાટાઘાટો ચાલુ છે. બંને દેશો એવી રીતે ઍગ્રિમેન્ટ તૈયાર કરી રહ્યા છે જેનાથી બંને દેશના ખેડૂતો અને નાગરિકોને ફાયદો થાય અને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં.

11 January, 2022 04:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

શેરબજાર ખૂલતાની સાથે જ ગબડી પડ્યું, સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો

બાદમાં બજારની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો.

25 January, 2022 01:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

News In Short: સ્વિગી બની ગઈ ડેકાકૉર્ન : ભેગું કર્યું ૭૦૦ મિલ્યન ડૉલરનું ભંડોળ

આમ આ કંપની હવે ડેકાકૉર્ન (જેનું મૂલ્ય ૧૦ અબજ ડૉલરથી વધારે હોય એવી કંપની) બની ગઈ છે. 

25 January, 2022 12:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફેડરલ રિઝર્વની આગામી બેઠકે બન્ને માર્કેટમાં અજંપો વધાર્યો

ટેલિગ્રામના સ્થાપકે ક્રિપ્ટો પર પ્રતિબંધના રશિયાના પ્રસ્તાવનો વિરોધ કર્યો : આઇસી૧૫ ઇન્ડેક્સમાં ૮.૬ ટકા કરતાં વધુનો ઘટાડો

25 January, 2022 12:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK