Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > News in Short: પેટીએમનો આઇપીઓ ૧૮૦૦૦ કરોડથી વધુનો?

News in Short: પેટીએમનો આઇપીઓ ૧૮૦૦૦ કરોડથી વધુનો?

28 October, 2021 01:21 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પેટીએમ પોતાના આઇપીઓનું કદ ૧૬,૬૦૦ કરોડ રૂપિયાથી વધારીને ૧૮,૩૦૦ કરોડ રૂપિયા કરી દે એવી સંભાવના છે. 

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


પેટીએમ પોતાના આઇપીઓનું કદ ૧૬,૬૦૦ કરોડ રૂપિયાથી વધારીને ૧૮,૩૦૦ કરોડ રૂપિયા કરી દે એવી સંભાવના છે. 
ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રની આ કંપનીમાંથી સૌથી મોટી શૅરધારક કંપની - અલીબાબા ગ્રુપની એન્ટ ફાઇનૅન્શિયલ તથા અન્ય રોકાણકારો પોતાનો હિસ્સો વેચી દેવા માગતા હોવાથી કંપની આઇપીઓનું કદ વધારી શકશે, એમ સૂત્રોએ જણાવ્યું છે. 
અત્યાર સુધીની માહિતી મુજબ પેટીએમ ૮૩૦૦ કરોડ રૂપિયાની નવી શૅરમૂડી અને એટલા જ પ્રમાણમાં ઑફર ફૉર સેલ મારફતે કુલ ૧૬,૬૦૦ કરોડ રૂપિયા એકઠા કરવા માગે છે. હવે એન્ટ ફાઇનૅન્શિયલ તથા સોફ્ટબૅન્ક સહિતના મોટા રોકાણકારો ઑફર ફૉર સેલ દ્વારા વધુ હિસ્સો વેચવા માગતા હોવાથી આઇપીઓનું કદ ૧૭૦૦ કરોડથી ૧૦,૦૦૦ કરોડ જેટલું વધી જવાની શક્યતા છે. 
સૂત્રોએ જણાવ્યા મુજબ ઑફર ફૉર સેલમાં અડધા જેટલો હિસ્સો એન્ટ ફાઇનૅન્શિયલ તથા બાકીનો હિસ્સો અલીબાબા, એલીવેશન કૅપિટલ, સોફ્ટબૅન્ક તથા અન્ય વર્તમાન શૅરધારકોનો હશે. 
કંપનીએ આઇપીઓ માટે દસ્તાવેજો સેબીને સુપરત કર્યા એ વખતે સોફ્ટબૅન્ક પોતાનો હિસ્સો વેચવા તૈયાર ન હતી. અલીબાબા ગ્રુપની એન્ટફિન (નેધરલૅન્ડ્સ) હોલ્ડિંગ બીવી કંપની પોતાના હિસ્સામાંથી ઓછામાં ઓછો પાંચ ટકા હિસ્સો વેચશે, જેથી તેનું શૅરહોલ્ડિંગ ૨૫ ટકાની નીચે રાખીને નિયમનકારી ધોરણોનું પાલન કરી શકાય. 
સૂત્રોનું એમ પણ કહેવું છે કે પેટીએમનું લિસ્ટિંગ વ્યવસાયી સંચાલન ધરાવતી કંપની તરીકે થશે. સેબીના નિયમન મુજબ વ્યવસાયી રીતે સંચાલિત કંપનીમાં કોઈ પણ એન્ટિટી ૨૫ ટકા કરતાં વધારે માલિકી રાખી શકે નહીં.

મારુતિનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૬૬ ટકા ઘટ્યો



મારુતિ સુઝુકી ઇન્ડિયાએ ગત ૩૦ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા ક્વૉર્ટરમાં ૪૮૭ કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે પાછલા વર્ષે સમાન અરસામાં થયેલા નફાની તુલનાએ ૬૬ ટકા ઓછો છે. કૉમોડિટીના ભાવમાં વધારો થવા ઉપરાંત સેમિકન્ડક્ટરની અછતની અસર કંપનીનાં કામકાજ પર થઈ હોવાનું મનાય છે. 
ગયા વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં તેનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૧૪૨૦ કરોડ રૂપિયા હતો. સમીક્ષા હેઠળના ક્વૉર્ટરમાં કંપનીની કન્સોલિડેટેડ કામકાજી આવક ૨૦,૫૫૧ કરોડ રૂપિયા થઈ છે, જે ગયા વર્ષે ૧૮,૭૫૬ કરોડ રૂપિયા હતી. 


સાઇબર ફ્રોડ વિશે ગ્રાહકોને ચેતવતા ઍરટેલના સીઈઓ

ટેલિકૉમ ઓપરેટર ભારતી ઍરટેલના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરે (સીઈઓ) ગ્રાહકોને સાઇબર ફ્રોડના વધી રહેલા કિસ્સાઓથી સાવચેત કર્યા છે. 
સીઈઓ ગોપાલ વિઠ્ઠલે ગ્રાહકો જોગ મોકલેલા ઈ-મેઇલમાં કહ્યું છે કે તાજેતરમાં ઍરટેલના અૅક્ઝિક્યુટિવના નામે ફોન કરનાર સાઇબર ગુનેગારે કેવાયસી અપડેટ કરાવવાના બહાને ગ્રાહકની પાસેથી બૅન્કની વિગતો લઈ લીધી હતી અને એમના અકાઉન્ટમાંથી મોટી રકમ ઉપાડી લીધી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે એપીસીઆઇ, ભીમ તથા અન્ય લોગોનો ઉપયોગ કરીને અનેક બનાવટી યુપીઆઇ ઍપ બનાવવામાં આવી રહી છે. ઈ-કૉમર્સ વેબસાઇટ પર પણ આ જ રીતે લોકો સાથે છેતરપિંડી થાય છે. બૅન્કની વિગતો તથા એમપિન માગી લઈને લોકોનાં બૅન્ક ખાતાંમાંથી પૈસાનો ઉપાડ કરી લેવાય છે. 
ગુનેગારો બૅન્કના કે નાણાકીય સંસ્થાના પ્રતિનિધિ હોવાનું કહીને બૅન્ક અકાઉન્ટ અનબ્લોક કરવા માટે અકાઉન્ટની વિગતો અથવા ઓટીપી માગે છે.  


૪૮ કરોડ રૂપિયાની જીએસટીની ચોરી કરવા બદલ ત્રણની ધરપકડ

નાણાં મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે જીએસટી અધિકારીઓએ નકલી કંપનીઓ ચલાવીને ૪૮ કરોડ રૂપિયાથી વધુની જીએસટીની ચોરી કરવા બદલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે.
જીએસટી ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલના ગુરુગ્રામ ઝોનલ યુનિટે બે અલગ-અલગ કેસમાં નકલી દસ્તાવેજોના આધારે બહુવિધ નકલી કંપનીઓ ચલાવવાના આરોપમાં જીએસટી કાયદાની જોગવાઈઓ હેઠળ ત્રણ લોકોની ધરપકડ કરી છે.
૨૦થી વધુ નકલી કંપનીઓને સંડોવતા નકલી બિલિંગ રેકેટના આરોપસર ૫ અને ૯ ઑક્ટોબરના રોજ દિલ્હીથી બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ૨૨ કરોડ રૂપિયાથી વધુની ઇનપુટ ટૅક્સ ક્રેડિટ છેતરપિંડીથી લેવામાં આવી હતી. બન્ને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. એમને મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, બાદ તેમને ૧૪ દિવસની અદાલતી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
નકલી બિલિંગના અન્ય એક કેસમાં હરિયાણાના રહેવાસીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસે સરકારી વિભાગોના બનાવટી સ્ટેમ્પ, ચેકબુક અને બહુવિધ બનાવટી કંપનીઓના એટીએમ, ટોલ રિસિપ્ટ બુક, બનાવટી ટ્રાન્સપોર્ટર્સ બુકલેટ વગેરે જેવા વાંધાજનક દસ્તાવેજોનો મોટો જથ્થો હોવાનું જણાયું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

28 October, 2021 01:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK