Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > News in short : પૅસેન્જર વાહનોની ડિલિવરી ગયા મહિને ૧૩ ટકા ઘટી : એસઆઇએએમ

News in short : પૅસેન્જર વાહનોની ડિલિવરી ગયા મહિને ૧૩ ટકા ઘટી : એસઆઇએએમ

15 January, 2022 04:47 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એસઆઇએએમનું કહેવું છે કે ચિપની અછત ટૂંક સમયમાં દૂર થવાની શક્યતા નથી. જોકે થોડો સુધારો જરૂર થશે. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફૅક્ટરીઓમાંથી ડિલરોને કરવામાં આવતી પૅસેન્જર વાહનોની ડિલિવરી ગત ડિસેમ્બરમાં ૧૩ ટકા ઘટી હતી. છેલ્લાં પાંચ વર્ષનું આ સૌથી ઓછું પ્રમાણ હોવાનું સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરર્સે (એસઆઇએએમ) જણાવ્યું છે.
આ સંગઠને જણાવ્યા મુજબ ડિસેમ્બર ૨૦૨૦માં ૨,૫૨,૯૯૮ યુનિટ ડિસ્પેચ થયાં હતાં અને ડિસેમ્બર ૨૦૨૧માં એનું પ્રમાણ ૨,૧૯,૪૨૧ યુનિટ થયું હતું. 
એસઆઇએએમનું કહેવું છે કે ચિપની અછત ટૂંક સમયમાં દૂર થવાની શક્યતા નથી. જોકે થોડો સુધારો જરૂર થશે. 
ટૂ-વ્હીલર હોલસેલનું પ્રમાણ પણ ગયા મહિને ૧૧ ટકા ઘટીને ૧૦,૦૬,૦૬૨ યુનિટ હતું, જે એની પહેલાંના વર્ષે ૧૧,૨૭,૯૧૭ યુનિટ હતું. મોટરસાઇકલનું વેચાણ ૨ ટકા ઘટીને ૭,૨૬,૫૮૭ યુનિટ થયું હતું, જે ડિસેમ્બર ૨૦૨૦માં ૭,૪૪,૨૩૭ યુનિટ હતું. 
ડિસેમ્બર ૨૦૨૧માં વાહનોનું કુલ વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે ૨૨ ટકા ઘટીને ૪૬,૩૬,૫૪૯ યુનિટ થયું હતું, જે એક વર્ષ અગાઉ ૫૯,૪૬,૨૮૩ યુનિટ હતું.

જીવન વીમા કંપનીઓએ કોરોનામાંથી સાજા થયેલા લોકો માટે લાગુ કર્યો વેઇટિંગ પિરિયડ



જીવન વીમા કંપનીઓએ કોરોના વાઇરસના ચેપમાંથી સાજા થયેલા લોકો માટે નવી પૉલિસી લેવા ત્રણ મહિનાનો વેઇટિંગ પિરિયડ લાગુ કર્યો છે. આમ, આવા લોકોની પૉલિસી સાજા થયા બાદ ત્રણ મહિને લાગુ થશે. 
તમામ જીવન વીમા અને આરોગ્ય વીમા કંપનીઓ કેટલીક બીમારીઓ સંબંધે વેઇટિંગ પિરિયડ રાખે છે. કોરોના માટેનો વેઇટિંગ પિરિયડ ફક્ત જીવન વીમા પૉલિસીઓને લાગુ પડશે. 
વીમા ઉદ્યોગના નિષ્ણાતો કહે છે કે કોવિડ-19માંથી સાજા થયેલા લોકોમાં પણ ઊંચો મૃત્યુદર નોંધાયો હોવાથી કંપનીઓએ વેઇટિંગ પિરિયડ દાખલ કર્યો છે. એમને આ માટેની સૂચના રિઇન્શ્યૉરન્સ કંપનીઓએ આપી છે. અહીં જણાવવું રહ્યું કે વીમા કંપનીઓ જે પૉલિસીઓ આપે છે એમનો
વીમો રિઇન્શ્યૉરન્સ કંપનીઓ આપતી હોય છે. 
ઇન્શ્યૉરન્સ બ્રોકર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ સુમિત બોહરાએ કહ્યું છે કે ભારતીય વીમા કંપનીઓ મોટી રકમના વીમાનાં જોખમો સહન કરી શકતી ન હોવાથી ૧૦-૨૦ લાખ કરતાં વધુ રકમની પૉલિસીઓનું રિઇન્શ્યૉરન્સ કરાવવામાં આવે છે. 


દેશનાં નવ મોટાં શહેરોમાં ઑફિસ સ્પેસની માગ ૧૬ ટકા વધી

ગયા વર્ષે દેશનાં નવ મોટાં શહેરોમાં ઑફિસની જગ્યા ભાડે લેવાનું પ્રમાણ ૧૬ ટકા વધીને ૪૧.૧ મિલ્યન ચોરસ ફુટ થયું હતું. ખાસ કરીને હૈદરાબાદમાં માગ વધી હતી, એમ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ સીબીઆરઈએ શુક્રવારે જણાવ્યું હતું. 
સીબીઆરઈના અહેવાલ અનુસાર ૨૦૨૦માં ૩૫.૪ મિલ્યન ચોરસ ફુટ ઑફિસ-સ્પેસ ભાડે અપાઈ હતી. ઑફિસ ભાડે અપાવાના ક્ષેત્રે ૭૦ ટકા માગ બૅન્ગલોર, હૈદરાબાદ અને દિલ્હી-નૅશનલ કૅપિટલ રીજનમાં છે. કુલ માગમાં ૩૦ ટકા હિસ્સો ટેક્નૉલૉજી ક્ષેત્રની કંપનીઓનો હતો. એન્જિનિયરિંગ અને મૅન્યુફૅક્ચરિંગ કંપનીઓનો ૧૪ ટકા, બૅન્કિંગ, ફાઇનૅન્શિયલ સર્વિસિસ અને ઇન્શ્યૉરન્સ કંપનીઓનો ૧૩ ટકા તથા લાઇફ સાયન્સિસ કંપનીઓનો હિસ્સો ૬ ટકા હતો. 
દિલ્હી-નૅશનલ કૅપિટલ રીજનમાં ઑફિસ લીઝિંગ ૨૦૨૧માં થોડું વધીને ૫.૬ મિલ્યન ચોરસ ફુટ હતું, જે ૨૦૨૦માં ૫.૫ મિલ્યન ચોરસ ફુટ હતું. મુંબઈમાં એનું પ્રમાણ ૨.૮ મિલ્યન ચોરસ ફુટથી વધીને ૪.૧ મિલ્યન ચોરસ ફુટ થયું હતું.
ચેન્નઈમાં ૪.૨ મિલ્યન ચોરસ ફુટથી ઘટીને ૩.૮ મિલ્યન ચોરસ ફુટ થયું હતું. હૈદરાબાદમાં ૨૦૨૦માં ૭.૧ મિલ્યન ચોરસ ફુટ ઑફિસ-સ્પેસ ભાડે અપાઈ હતી, જેનું પ્રમાણ ૨૦૨૧માં વધીને ૧૦.૮ મિલ્યન ચોરસ ફુટ થયું હતું. 
ગયા વર્ષે નવી સપ્લાય ૧૮ ટકા વધીને લગભગ ૫૦ લાખ ચોરસ ફુટ થઈ હોવાનું સીબીઆરઈએ જણાવ્યું છે. એના અહેવાલમાં જણાઈ આવ્યું છે કે ઑફિસ ક્ષેત્રે સંસ્થાકીય રોકાણકારો તથા ડેવલપરોએ વધુ ધ્યાન આપ્યું છે. તેમણે લગભગ ૧.૪ અબજ ડૉલરનું રોકાણ કર્યું છે.


એચસીએલ ટેક્નૉલૉજીઝનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૧૩.૬ ટકા ઘટ્યો

ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ક્ષેત્રની અગ્રણી કંપની એચસીએલ ટેક્નૉલૉજીઝે શુક્રવારે જાહેર કરેલા નાણાકીય પરિણામો મુજબ તેનો ડિસેમ્બર ક્વૉર્ટરનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૧૩.૬ ટકા ઘટીને ૩૪૪૨ કરોડ રૂપિયા થયો હતો. પાછલા વર્ષે સમાન અરસામાં નફો ૩૯૬૯ કરોડ રૂપિયા હતો. કંપનીએ જણાવ્યા મુજબ તેની કામકાજી આવક ૧૫.૭ ટકા વધીને ૨૨,૩૩૧ કરોડ રૂપિયા થઈ છે. આ જ રીતે કુલ આવક ૮.૧ ટકા અને ચોખ્ખો નફો ૫.૪ ટકા વધ્યા છે. 

Whatsapp-channel Whatsapp-channel

15 January, 2022 04:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK