Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મુંબઈની ધબકતી કાપડ માર્કેટનો જાજરમાન ઇતિહાસ વારંવારના લૉકડાઉનથી ખંડેર બની જવાની નજીક

મુંબઈની ધબકતી કાપડ માર્કેટનો જાજરમાન ઇતિહાસ વારંવારના લૉકડાઉનથી ખંડેર બની જવાની નજીક

12 April, 2021 01:05 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

મુંબઈમાં હાલનું લૉકડાઉન કાપડ માર્કેટ માટે કમરતોડ બોજારૂપ : બેરોજગારીના મારથી અનેક કુટુંબો બરબાદ થયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોનાની મહામારીની અસર હવે વિકરાળ અને ભયાનક બની રહી છે. મુંબઈના રોજના ૯ થી ૧૦,૦૦૦ નવા કેસ નીકળી રહ્યા હોઈ કોરોનાના ભયથી હાલ ફફડાટ વધી રહ્યો છે. કોરોનાના કારણે હાલ આંશિક લૉકડાઉનમાં અનેક વ્યવસાયની દુકાનોનાં શટર બંધ થઈ ચૂક્યાં છે. દેશમાં સૌથી મોટી મુંબઈ કાપડબજારની હાલત દિવસેને દિવસે કથળી રહી છે. મૂળજી જેઠા માર્કેટ, સ્વદેશી માર્કેટ, સિલ્ક માર્કેટ વિગેરે સહિત ડઝન કરતાં પણ વધુ કાપડ માર્કેટ મુંબઈમાં સંગઠનાત્મક કાર્ય કરીને અનેક મુંબઈગરાને રોજી-રોટી પૂરી પાડે છે. એક વર્ષ પહેલાં આવેલા લૉકડાઉનની પછડાટમાંથી કાપડબજાર માંડ-માંડ બેઠું થવા જઈ રહ્યું હતું ત્યારે જ બીજું લૉકડાઉન આવી પડતાં હવે કમરતોડ માર પડ્યો છે.

કાપડબજારના અગ્રણીઓના કહેવા પ્રમાણે હવે મહામુસીબતમાં ફસાયેલી માર્કેટને ઊભી કરવાનું કામ અશક્ય બની ચૂક્યું છે. નાના વેપારીઓ, દલાલો અને દુકાને-દુકાને ફરીને ઓર્ડર લઈને કામ કરનારાઓ હવે નાણાકીય બોજ હેઠળ એટલા બધા દબાઈ ચૂક્યા છે કે તેઓને માટે ઊભા થવું હવે લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ કામ બની ગયું છે.



કોરોનામાંથી સાજા થવાશે, પણ બેરોજગારીના મારથી ઊભા થવું મુશ્કેલ


કનુભાઈ નરસાણા

પ્રેસિડન્ટ, મુંબઈ ટેક્સટાઇલ મર્ચન્ટ મહાજન-મૂળજી જેઠા માર્કેટ


‘ગયા વર્ષે આવેલા લૉકડાઉનમાં મોટા ભાગના નાના વેપારીઓ ઓલમોસ્ટ ખતમ થઈ ચૂક્યા હતા. સવારે શો-રૂમમાં ફરી-ફરીને ઓર્ડર લઈ આવનારા અનેક નાના વેપારીઓ કાપડબજારમાંથી ગાયબ થઈ ચૂક્યા છે. અમારી ૧૫૦ વર્ષ જૂની સંસ્થા મુંબઈ ટેક્સટાઇલ મર્ચન્ટ મહાજનના ૧૨૦૦થી વધુ મેમ્બરો છે. મૂળજી જેઠા કાપડ માર્કેટનો એક જાજરમાન ઇતિહાસ છે. હાલ રમઝાનના તહેવારોની ઘરાકીના દિવસો આવ્યા છે ત્યારે અગાઉના લૉકડાઉનમાં પડેલા મારને સરભર કરવાની આશા ઊભી થઈ હતી, પણ પાછું લૉકડાઉન આવતાં હવે રહીસહી આશા પર પાણી ફરી વળ્યું છે. સુરત-અમદાવાદ તેમ જ યુપી-એમપીમાં લૉકડાઉન ન હોઈ મુંબઈ કાપડબજારનો બિઝનેસ હવે મુંબઈ બહાર જવા લાગ્યો છે. અમારા અસોસિએશનના નેજા હેઠળ અમે આર્બિટ્રેજ અને ડિસ્પુટનું નિવારણ કરીએ છીએ, ૯૦ ટકા મામલામાં, પાર્ટીઅ ધંધો બંધ કરી દીધો હોય અથવા નાણાં આપવાની ઇચ્છા હોવા છતાં મજબૂરીમાં નાણાં આપી શકે તેવી સ્થિતિ જ ન હોય તેવા આવી રહ્યા છે.’

કાપડના વેપારીના સ્ટાફના કુટુંબની હાલત બદતર બની

નરેન્દ્રભાઈ મહેતા

પ્રેસિડન્ટ, શ્રી માર્કેટ સિલ્ક મર્ચન્ટ અસોસિએશન

‘મુંબઈનો કાપડનો બિઝનેસ ધીમે ધીમે નોર્મલ થવા તરફ જઈ રહ્યો હતો ત્યાં નવો અપસેટ આવી ગયો છે. ખાસ કરીને દુકાનોમાં કામ કરતાં કારીગરોની દશા વધુ કફોડી બની છે. હાલ તેઓ અહીં રહી શકે તેવી સ્થિતિ નથી અને પોતાના વતન પણ જાય તો રોજબરોજના ખર્ચા પૂરા કરવાની મુશ્કેલી છે. વૉટ્સઅૅપ, ઈ-મેઇલ વિગેરે ચાલુ હોઈ મોટા વેપારીઓનાં કામકાજ થોડે-ઘણે અંશે ચાલી રહ્યાં છે, પણ સૌથી મોટો પ્રશ્ન ઉઘરાણીનો છે. છેલ્લા આઠ-દસ મહિનાથી ઉઘરાણી અટકેલી પડી છે, ફરી કોરોનાની અસર શરૂ થતાં હવે જૂની ઉઘરાણી માગવાની સ્થિતિ જ રહી નથી. હાલ આવશ્યક ચીજવસ્તુઓનો વેપાર કરનારાઓની દુકાનો ચાલુ છે, પણ કાપડનો બિઝનેસ કરનારાની ગણતરી આવશ્યક ચીજવસ્તુઓમાં થતી નથી આથી કાપડબજાર હાલ સાવ બંધ છે. માથાડી કામગારો, ટ્રાન્સપોર્ટરો અને આંગડિયા સર્વિસ ચાલુ છે, પણ દુકાનો બંધ હોઈ વેપારીઓ તેના સ્ટાફને પગાર આપી શકે તેમ નથી, કારણ કે તમામ નાના-મોટા વેપારીઓ હાલ નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.’ 

કાપડ માર્કેટની દુકાનોનાં ભાડાં ૩૦-૩૫ ટકા ઘટી ગયા

સુધીરભાઈ શાહ

પ્રેસિડન્ટ, સ્વદેશી માર્કેટ ટેક્સટાઇલ મર્ચન્ટ અસોસિએશન

કાપડ માર્કેટમાં કામ કરનારા તમામ ત્રાહિમામ પોકારી ગયા છે. ગયા વર્ષના લૉકડાઉન પછી પૈસા ફરતાં બંધ થયા છે. ઓર્ડર લાંબા સમયથી પેન્ડિંગ ચાલ્યા આવે છે, કોઈના ઓર્ડર પૂરા થતા જ નથી, આથી પેમેન્ટ માટે તારીખ પે તારીખ પડી રહી છે. ટેક્સટાઇલ મિલોને પેમેન્ટ જોઈએ છે પણ વેપારીઓ પેમેન્ટ આપી શકે તેમ નથી. સ્ટાફને પગાર આપી શકે તેમ નથી તો મિલોને પેમેન્ટ ક્યાંથી આપી શકાય. મુંબઈ કાપડ માર્કેટમાં સૌથી મોટી ઘરાકી ઇદમાં જોવા મળે છે. રમઝાનના તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે જ લૉકડાઉનને કારણે આખી કાપડ માર્કેટ બંધ છે. મુંબઈની જાજરમાન ઇતિહાસ ધરાવતી કાપડ માર્કેટ લૉકડાઉનના મારથી ખંડેર બનવા જઈ રહી છે. અનેક વેપારીઓએ પોતાના બિઝનેસ ભીવંડી અને દાદર-બોરીવલી ટ્રાન્સફર કરી નાખ્યા છે. કાપડબજારની દુકાનોનાં ભાડાં ૩૦થી ૩૫ ટકા ઘટી ગયા છે. ભીવંડીમાં ગોડાઉનો સસ્તાં મળતાં હોઈ અનેક વેપારીઓ અહીંથી ધંધા બંધ કરીને પલાયન થવા લાગ્યા છે. કરફ્યુને કારણે જૂના ઓર્ડરોની પણ ડિલિવરી થઈ શકે તેમ નથી.’

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2021 01:05 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK