Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > પિક્ચર તો અભી બાકી હૈ: અદાણી ગ્રુપના શૅરોમાં ભયંકર ઊથલપાથલ

પિક્ચર તો અભી બાકી હૈ: અદાણી ગ્રુપના શૅરોમાં ભયંકર ઊથલપાથલ

15 June, 2021 07:22 AM IST | Mumbai
Anil Patel

અદાણી ગ્રુપના શૅરોમાં જે કાંઈ થયું એ કશીક કચાશનું પરિણામ માનવું ભૂલભરેલું છે. કોઈક મોરલો કશીક કળા કરી ગયો છે. આ ખેલ આગળ ઉપર પણ ચાલવાનો છે. એક પ્રકારની ‘વૉર’ જોવા મળશે.

ગૌતમ અદાણી

ગૌતમ અદાણી


અદાણી ગ્રુપના શૅરોમાં ગઈ કાલે મસમોટાં ગાબડાં પડ્યાં હતાં, જેમાં માર્કેટ કૅપની રીતે સરવાળે અદાણી ગ્રુપને ૫૩,૬૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો. અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરનાર ‘વિદેશી ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ્સ’માંથી ત્રણ ફન્ડ્સ કે એન્ટિટીના અકાઉન્ટ એનએસડીએલ દ્વારા ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે. ‘બેનિફિશ્યલ ઓનરશિપ’ને લગતી અધૂરી અને અપૂરતી માહિતી આપવા બદલ આ પગલું લેવામાં આવ્યું છે. એને કારણે ત્રણ ફન્ડોના અકાઉન્ટમાં રહેલું અદાણી ગ્રુપના શૅર પેટેનું આશરે ૪૩,૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ ફ્રીઝ થઈ ગયું છે. અકાઉન્ટ ફ્રીઝ થઈ જતાં આ ત્રણ ફન્ડ્સ બજારમાં નવી લે-વેચ નહીં કરી શકે.’ આ મતલબનો એક અહેવાલ એક અંગ્રેજી પિન્ક પેપરમાં છપાયો અને એની અસરમાં બજાર ખૂલતાંની સાથે જ અદાણી ગ્રુપના તમામ ૬ શૅર ઊંધા માથે પટકાયા હતા. કંપની તરફ બજાર બંધ થવાના થોડા સમય પૂર્વે સ્પષ્ટીકરણ જારી થયું. અહેવાલ અધૂરો, ભૂલ ભરેલો અને ગેરમાર્ગે દોરનારો છે. ‘જે ખાતાં ફ્રીઝ થયાં છે એમાં અદાણી ગ્રુપના શૅર નથી.’ આ સ્પષ્ટીકરણને પગલે ૨૫ ટકા તૂટેલો અદાણી એન્ટરપ્રાઇઝ રિકવર થઈ છેવટે સવાછ ટકા અને ૧૯ ટકા ગગડેલો અદાણી મોટર્સ છેવટે સાડાઆઠ ટકા ઘટીને બંધ રહ્યો, પરંતુ અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગૅસ તો પાંચ-પાંચ ટકાની મંદીની સર્કિટમાં જ બંધ થયા હતા.

ગઈ કાલે અદાણી ગ્રુપના શૅરો જે કાંઈ થયું તે કશીક કશાચનું પરિણામ માનવું ભૂલભરેલું છે. કોઈક મોરલો કશીક કળા કરી ગયો હોય એ પણ અહીં શક્ય છે. સમગ્ર મામલો કેટલાક પ્રશ્ન ઊભા કરે છે.



૧. છેલ્લા એક વર્ષમાં અદાણી એન્ટરપ્રાઇઝનો શૅર લગભગ ૧૦ ગણો, અદાણી ટ્રાન્સમિશન આઠ ગણો, અદાણી પાવર ચાર ગણો, અદાણી પોર્ટ્સ ૧૪૮ ટકા, અદાણી ગ્રીન ૨૬૭ ટકા અને અદાણી ટોટલ ૧૧૧૪ ટકા વધી ગયો હતો. આવો વધારો થવાનાં વાજબી કારણ છે ખરાં?


૨. જે ત્રણ ફન્ડ્સનાં અકાઉન્ટ એનએસડીએલ તરફથી ફ્રીઝ કરવામાં આવ્યાં છે એ ઘટના મે મહિનાના આખરની છે. એનએસડી્એલની વેબસાઇટ પર તારીખ મોજૂદ છે. બે સપ્તાહ પછી આ ઘટનાને ‘સ્ટોરી’ બનાવવાની પ્રેરણા ક્યાંથી અને કોણે આપી?

૩. ગયા ગુરુવારે બ્લૂમબર્ગ પર અદાણી ગ્રુપના શૅરોમાં રૉકેટગતિએ તેજી અને અદાણીની નેટવર્થમાં અસામાન્ય વૃદ્ધિનો ચિતાર આપતો રસપ્રદ આર્ટિકલ પ્રસિદ્ધ થયો હતો, જેમાં આંગળીના વેઢે ગણી શકાય એટલાં ‘વિદેશી ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ્સ’ અદાણીની કંપનીમાં નોંધપાત્ર હોલ્ડિંગ ધરાવતાં હોવાથી તેમ જ આ ફન્ડ્સની ઍસેટ્સમાં અદાણીમાંના રોકાણનો હિસ્સો ૯૫ ટકા કે એથી વધુ હોવાની વાત થઈ હતી. અદાણી ગ્રુપમાં રોકાણ કરનાર મોટા ભાગના વિદેશી ઇન્વેસ્ટર્સ ચોક્કસ કારણસર પંકાયેલા મૉરેશ્યસના છે એ પણ કહેવાયું હતું.


૪. બ્લૂમબર્ગની સ્ટોરી ઘણાં આર્થિક અખબારો તથા અન્ય મીડિયાએ ‘એઝ ઇટ ઇઝ’ પબ્લિશ કરી હતી. તેની સાથે જ કેટલાકને ‘કૉર્પોરેટ વૉર’ જેવું કંઈક થવાની ગંધ આવી ગઈ છે. અદાણી તો બહુ કાબા છે, આ માણસને કશુંક રંધાઈ રહ્યાનો ખ્યાલ ન આવે એ કેવું.

૫. અદાણી ગ્રુપ ગુજરાત પૂરતું સીમિત નથી. અદાણી હવે ઇન્ટરનૅશનલ નામ બની ગયું છે. ત્રણ ફન્ડ્સનાં ખાતાં ફ્રીઝ કર્યાનો અહેવાલ અખબારમાં આવી ગયો ત્યાર પછી ખરેખર તો સ્પષ્ટીકરણ ત્વરિત એકાદ-બે કલાકમાં આવી જવું જોઈતું હતું, તો પછી આટલી વાર કેમ લાગી? કયા અવરોધ નડ્યા?

૬. મારું સ્પષ્ટ માનવું છે કે અદાણી ગ્રુપના શૅરોમાં ગઈ કાલે જે થયું એ તો ‘નાટક’ના પહેલા અંકનો પ્રથમ સીન માત્ર છે. આ ખેલ આગળ ઉપર પણ ચાલવાનો છે. એક પ્રકારની ‘વૉર’ જોવા મળશે. આ યુદ્ધમાં રાજકીય અને કૉર્પોરેટ ક્ષેત્રના કયા કયા કિરદારે કઈ ભૂમિકા ભજવી એનો ખ્યાલ વર્ષો પછી આવશે.

અદાણી ગ્રુપની માર્કેટ કૅપમાં ગઈ કાલે 53600 કરોડ રૂપિયાનું ધોવાણ થયું

ત્રણ ફન્ડ્સના અકાઉન્ટમાં રહેલું અદાણી ગ્રુપના શૅર પેટેનું 43500 કરોડ રૂપિયાનું રોકાણ ફ્રીઝ 

Whatsapp-channel Whatsapp-channel

15 June, 2021 07:22 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK