Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મુકેશ અંબાણીએ ડેટા પ્રાઇવસી અને ક્રિપ્ટોકરન્સીના ખરડાને આપ્યું સમર્થન

મુકેશ અંબાણીએ ડેટા પ્રાઇવસી અને ક્રિપ્ટોકરન્સીના ખરડાને આપ્યું સમર્થન

04 December, 2021 11:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતનો ડેટા ભારતમાં જ રહેવો જોઈએ અને એના સંગ્રહ તથા ઉપયોગની બાબતે દેશની અંદર જ કડક નિયમ ઘડવામાં આવવા જોઈએ એવો અંબાણીનો મત રહ્યો છે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીએ ડેટા પ્રાઇવસી અને ક્રિપ્ટોકરન્સીને લગતા ખરડાને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે આ ખરડા દ્વારા ભારત અદ્યતન વિચારસરણીનું અનુકરણ કરનારી નીતિઓ અને ધારાધોરણોને અમલમાં લાવવા માગે છે.
ભારતનો ડેટા ભારતમાં જ રહેવો જોઈએ અને એના સંગ્રહ તથા ઉપયોગની બાબતે દેશની અંદર જ કડક નિયમ ઘડવામાં આવવા જોઈએ એવો અંબાણીનો મત રહ્યો છે. તેમણે કહ્યું છે કે દરેક રાષ્ટ્રને વ્યૂહાત્મક દૃષ્ટિએ અગત્યના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રચના કરવાનો તથા એનું રક્ષણ કરવાનો અધિકાર છે. 
મુકેશ અંબાણીએ ઇન્ટરનૅશનલ ફાઇનનૅન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઑથોરિટીના યજમાનપદે યોજાયેલા ઇન્ફિનિટી ફોરમ નામના કાર્યક્રમમાં બોલતાં કહ્યું હતું કે ભારતમાં આધાર કાર્ડ, ડિજિટલ બૅન્ક અકાઉન્ટ અને ડિજિટલ પેમેન્ટ સ્વરૂપે ઘણું સરસ ડિજિટલ ઓળખનું માળખું છે. આપણે ડેટા પ્રાઇવસી ખરડો અને ક્રિપ્ટોકરન્સી ખરડો લાવીને યોગ્ય માર્ગે જઈ રહ્યા છીએ. 
સરકાર સંસદમાં રજૂ કરવા માટે ક્રિપ્ટોકરન્સીને લગતો નવો ખરડો તૈયાર કરી રહી છે એવા સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅનનું મંતવ્ય મહત્ત્વપૂર્ણ બની જાય છે. 
તેમણે વધુમાં કહ્યું હતું કે સરહદ પારના વ્યવહારો, સહયોગ તથા ભાગીદારીમાં ક્યાંય અવરોધ આવે નહીં એ રીતે સમાન વૈશ્વિક ધારાધોરણો ઘડવાની જરૂર છે. દરેક વ્યક્તિના ગોપનીયતાના અધિકારનું રક્ષણ થવું જોઈએ. એનું સંતુલન દેશની ડેટાના રક્ષણ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતો સાથે કરવામાં આવવું જોઈએ. 
પોતે બ્લૉકચેઇન ટેક્નૉલૉજીમાં ઘણો વિશ્વાસ ધરાવે છે, એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે બ્લૉકચેઇન વિશ્વાસપાત્ર અને સમાનતા પર આધારિત સમાજ માટે ઘણી મહત્ત્વપૂર્ણ ટેક્નૉલૉજી છે. 
અહીં જણાવવું રહ્યું કે રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાન્ત દાસ પણ અગાઉ કહી ચૂક્યા છે કે બ્લૉકચેઇન ટેક્નૉલૉજી સ્વયં અલગ અસ્તિત્વ ધરાવી શકે છે, એના માટે કોઈ કરન્સીની જરૂર નથી. 
આ સંબંધે અંબાણીએ વધુમાં કહ્યું હતું કે આપણે બ્લૉકચેઇન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રકારના વ્યવહારમાં અભૂતપૂર્વ સલામતી, ઑટોમેશન અને કાર્યક્ષમતા આપી શકીએ છીએ. આપણાં અર્થતંત્રોની ધોરી નસ સમાન સપ્લાય ચેઇનનું આધુનિકીકરણ કરવા માટે પણ એનો ઉપયોગ કરી શકાય છે. ભારત હવે અગ્રણી ડિજિટલ સમાજ બનવા તરફ આગળ વધી રહેલો દેશ છે. ડેટા ખરેખર નવું ઑઇલ છે. જોકે નવું ઑઇલ પરંપરાગત ઑઇલ કરતાં મૂળભૂત રીતે અલગ પડે છે. પરંપરાગત ઑઇલ અમુક જ સ્થળેથી ખોદી કઢાતું હતું અને એને લીધે અમુક જ દેશોમાં સંપત્તિનું સર્જન થયું છે, જ્યારે નવું ઑઇલ એટલે કે ડેટા દરેક જગ્યાએ સર્જી શકાય છે અને દરેક જણ એનું સર્જન કરી શકે છે. અલગ-અલગ ક્ષેત્રોમાં, અલગ-અલગ પ્રદેશોમાં અને અલગ-અલગ આર્થિક વર્ગોમાં સમાનતાપૂર્વક મૂલ્યની વહેંચણી કરવાની ક્ષમતા આ ટેક્નૉલૉજીમાં રહેલી છે. 
અંબાણીએ કહ્યા મુજબ ભારતમાં હવે કનેક્ટિવિટી દ્વારા યંત્રો, ઉપકરણો અને વાહનોને સાંકળવામાં આવશે. ભારતમાં આવતા વર્ષે 5G ટેક્નૉલૉજી આવશે ત્યારે આપણે વિશ્વમાં સૌથી વધુ પ્રગત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા હોઈશું. 
તેમણે વધુમાં કહ્યું કે ફાઇનૅન્સ દરેક વસ્તુના કેન્દ્રમાં હોય છે. આપણે છૂટાછવાયા ડિજિટાઇઝેશનના ઘણા પ્રારંભિક તબક્કામાં છીએ એવું લાગે છે. હવે અદ્યતન ટેક્નૉલૉજી આવી રહી છે ત્યારે ફાઇનૅન્સનું વિકેન્દ્રિત મૉડલ અપનાવવામાં મોટી તક રહેલી છે. કેન્દ્રીય સરકાર અને કેન્દ્રીય બૅન્કની નીતિઓ પણ હશે અને સાથે-સાથે વિકેન્દ્ર‌િત ટેક્નૉલૉજિકલ ઉપાયો પણ હશે, જેના દ્વારા દરેક જણ સુધી ફાઇનૅન્સના લાભ પહોંચાડી શકાશે. રિયલ ટાઇમ ટેક્નૉલૉજીની મદદથી રિયલ ટાઇમ ધોરણે વેપારનું સેટલમેન્ટ થશે. સ્માર્ટ કૉન્ટ્રૅક્ટ પણ વાસ્તવિકતા બની જશે. 
આપણે ક્યારેય વિચાર્યું નહીં હોય એ રીતે રિયલ ટાઇમ ટેક્નૉલૉજી, ડિસ્ટ્રિબ્યુટેડ લેજર, બ્લૉકચેઇન, સ્માર્ટ ટોકન વગેરેનો ઇન્ટરનેટ ઑફ થિંગ્સ મારફત સમન્વય સધાશે. આમ વિકેન્દ્ર‌િત નાણાકીય ક્ષેત્રનું નિર્માણ થશે, એમ તેમણે ઉમેર્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2021 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK