સોમવારના ધબડકા પછી અને બુધવારની રજા પૂર્વે બજારમાં સુસ્તી, બૅન્ક નિફ્ટી અને નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસનું વીકલી ઑપ્શન્સ સેટલમેન્ટ પૂર્ણ, આજે ગાંધી જયંતીની રજા, જપાનનો નિક્કી સુધર્યો, એફઆઇઆઇની વેચવાલી ચાલુ
માર્કેટ મૂડ
સ્ટોક માર્કેટ
મંગળવારે મિડ-વીક બૅન્ક નિફ્ટી અને નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસના વિક્લી ઑપ્શન્સની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે સુસ્ત બજારમાં મિડકૅપ શૅરોમાં પ્રમાણમાં સારાં કામકાજ થયાં હતાં. નિફ્ટી માત્ર 13.95 પૉઇન્ટ્સના ઘટાડે 25,796.90 બંધ રહ્યો હતો. 25,788.45 ખૂલી શરૂઆતમાં જ વધીને 25,9707.60 સુધી ગયા બાદ આખો દિવસ સોમવારના ક્લોઝિંગથી થોડા પૉઇન્ટ્સ ઉપર-નીચે થઈ 25,739.20નો લો બનાવી અંતે 0.05 ટકાના લોસે 25,796.90 બંધ રહ્યો હતો. 26,277.35નો નવો રેકૉર્ડ હાઈ હવે રેઝિસ્ટન્સની ગરજ સારશે. સેન્સેક્સનો આવો હાઈ 85,978.25ના સ્તરે છે. સેન્સેક્સ 84,266.29ના સ્તરે 35.49 પૉઇન્ટ્સ, 1.49 ટકાના મામૂલી નુકસાને બંધ રહ્યો હતો. આમ સોમવારે જોવા મળેલા ઝંઝાવાત પછી બજારે મંગળવારે રાહત અનુભવી હતી. રિલાયન્સે પોતાના 24 પૉઇન્ટ્સ સામે સેન્સેક્સના 70 પૉઇન્ટ્સ અને એચડીએફસી બૅન્કે પોતાના 6 પૉઇન્ટ્સ સામે સેન્સેક્સના 38 પૉઇન્ટ્સ તોડી એમનું ઇન્ડેક્સમાં વેઇટેજ કેવું કામ કરે છે એનો ડેમો આપ્યો હતો. આવા જ વજનદાર શૅરો ઇન્ફોસિસે 28 રૂપિયા વધી સેન્સેક્સના 28 પૉઇન્ટ્સ અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રએ 68 પૉઇન્ટ્સ વધી સેન્સેક્સના 57 પૉઇન્ટ્સ વધાર્યા હતા. ઉપરાંત આઇસીઆઇસીઆઇ બૅન્ક પોતે માત્ર 7 રૂપિયા વધ્યો હતો પણ તેણે સેન્સેક્સના 49 પૉઇન્ટ્સ વધાર્યા હતા. એવી જ રીતે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના 9 રૂપિયાના સુધારાના પરિણામે સેન્સેક્સ 31 પૉઇન્ટ્સ સુધર્યો હતો. બૅન્ક નિફ્ટીના વિક્લી ઑપ્શનની એક્સપાયરીને એન્કૅશ કરવા કોલ-પુટ રાઇટર્સે કોટક મહિન્દ્ર બૅન્કને પણ 27 રૂપિયા સુધાર્યો એના કારણે સેન્સેક્સમાં 31 પૉઇન્ટ્સનો સુધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં બે ટકાથી વધુનો સુધારો નોંધાવનાર શૅરો હતા - ટેક મહિન્દ્ર 1622.35 રૂપિયા, 2.93 ટકા અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર 3164.85 રૂપિયા, 2.22 ટકા. સામે બે ટકા બગડનારો એક માત્ર શૅર ઇન્ડ્સઇન્ડ બૅન્ક હતો જે 2.68 ટકા તૂટી 1409.15 રૂપિયા પર આવી ગયો હતો. સેન્સેક્સના 30માંથી 13 શૅરો સુધર્યા હતા. ચીનનાં બજારો મંગળવારથી એક સપ્તાહ માટે રજા પર છે. જપાનમાં સત્તાધારી પક્ષે ઇસીબાને વડા પ્રધાન બનાવ્યા, તેમની આર્થિક નીતિઓ માર્કેટ ફ્રેન્ડ્લી ન હોવાનું માની જપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ સોમવારે 4.80 ટકા તૂટ્યો હતો એ મંગળવારે 1.93 ટકા સુધરી 38,651.97 બંધ રહ્યો હતો. ડૉલર સામે યેન મજબૂત થવાથી મોટા ભાગે નિકાસો પર નિર્ભર જૅપનીઝ કંપનીઓના શૅરોમાં સોમવારે વેચવાલી આવી હતી એ ટ્રેન્ડ મંગળવારે યેન 0.17 ટકા નરમ રહી એક ડૉલરના 143.9525ની સપાટીએ પહોંચતાં ટોયોટામાં 2.10 ટકા, હોન્ડામાં સવાબે ટકા અને નિસ્સાનમાં પોણાબે ટકાનો સુધારો જોવાયો હતો. ઘરઆંગણે નિફ્ટીનો હીરો મોટોકૉર્પ પણ 0.92 ટકા વધી 5765 રૂપિયા બંધ હતો. જોકે ઑટો જાયન્ટ બજાજ ઑટો નિફ્ટી લુઝર્સની યાદીમાં આવી સવા ટકો ઘટી 12,175 બંધ હતો. હૉન્ગકૉન્ગ બજારમાં આજે હૉલીડે હતો. નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી અને મિડકૅપ સિલેક્ટમાં સુધારો એક ટકાથી ઓછો હતો. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ 0.25 ટકા વધી 77,284 અને મિડકેપ સિલેક્ટ ઇન્ડેક્સ 0.55 ટકા વધી 13,296ના સ્તરે બંધ રહ્યા હતા. બૅન્ક નિફ્ટી 0.10 ટકા અને નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ 0.01 ટકા ઘટી અનુક્રમે 52,922 અને 24,477ના લેવલે બંધ હતા. નિફ્ટીના ઓએનજીસી 1.75 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.63 ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક 2.66 ટકા, બજાજ ઑટો 1.38 ટકા અને ટાટા સ્ટીલ 1.10 ટકા ઘટતાં ભાવ અનુક્રમે 292, 3275, 1409, 12,175 અને 166 રૂપિયા બંધ રહ્યા હતા.
એનએસઈના 77માંથી 49 ઇન્ડેક્સ પ્લસમાં વિરમ્યા એમાં મીડિયા ઇન્ડેક્સ 1.6 ટકા સૌથી વધુ સુધર્યો હતો તો સૌથી વધુ 0.76 ટકાના પ્રમાણમાં નિફ્ટી સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇસિસ ઇન્ડેક્સ (સીપીએસઈ) ઘટ્યો હતો.
નિફ્ટીના 21 (10) શૅર વધ્યા અને 29 (39) ઘટ્યા હતા. નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 25 (11), નિફ્ટી બૅન્કના 12માંથી 5 (3), નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસના 20માંથી 8 (1) અને મિડકૅપ સિલેક્ટના 25માંથી 16 (10) શૅરો સુધર્યા હતા. સેન્સેક્સના 30માંથી 13 (5) અને બૅન્કેક્સના 10માંથી 5 (1) શૅરો વધ્યા હતા. એનએસઈના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2874 (2896) ટ્રેડેડ શૅરોમાંથી 1639 (1154) વધ્યા, 1137 (1668) ઘટ્યા અને 98 (74) સ્થિર રહ્યા હતા. બાવન સપ્તાહના નવા હાઈ 101 (160) શૅરોએ અને નવા લો 33 (72) શૅરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કિટે 154 (125) તો નીચલી સર્કિટે 54 (108) શૅરો ગયા હતા.