Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મ્યુચ્યુઅલ ફન્ડના રોકાણકારોને વિવિધ રીતે ઉપયોગી થશે ‘એમએફસેન્ટ્રલ’

મ્યુચ્યુઅલ ફન્ડના રોકાણકારોને વિવિધ રીતે ઉપયોગી થશે ‘એમએફસેન્ટ્રલ’

25 November, 2021 01:05 PM IST | Mumbai
Amit Trivedi

‘મ્યુચ્યુઅલ ફન્ડમાં કરેલા રોકાણ સંબંધે નવા તથા વર્તમાન રોકાણકારોને વ્યવહાર કરવામાં અને સેવાઓ પ્રાપ્ત કરવામાં વધુ સુવિધા રહે એ માટે...’

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


‘મ્યુચ્યુઅલ ફન્ડમાં કરેલા રોકાણ સંબંધે નવા તથા વર્તમાન રોકાણકારોને વ્યવહાર કરવામાં અને સેવાઓ પ્રાપ્ત કરવામાં વધુ સુવિધા રહે એ માટે...’
સેબીએ ૨૬ જુલાઈ, ૨૦૨૧ના રોજ બહાર પાડેલા પરિપત્રની શરૂઆત આ શબ્દોથી થઈ હતી. મ્યુચ્યુઅલ ફન્ડના રોકાણકારોને વ્યવહાર કરવામાં તથા વિવિધ સેવાઓ પ્રાપ્ત કરવામાં સરળતા રહે એ હેતુથી સર્વસામાન્ય સુવિધા શરૂ કરવા માટેનું આ પરિપત્ર હતું. આ ઉદ્યોગમાં કાર્યરત રજિસ્ટ્રાર ઍન્ડ ટ્રાન્સફર એજન્સીસ (આરટીએ)નું પરસ્પર સંકળાયેલું પ્લૅટફૉર્મ રચવાનું તેમાં કહેવામાં આવ્યું હતું. સેબીએ તમામ આરટીએને સૂચના આપી છે કે તેમણે સંયુક્તપણે સમગ્ર ઉદ્યોગ માટેનું સર્વાંગી પ્લૅટફૉર્મ રચવું જે રોકાણકારોને ઉપયોગી થઈ રહે. આ કાર્યમાં
એમને ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓ (એએમસી) અને ડિપોઝિટરીઓએ સહકાર આપવો એમ પણ નિયમનકારે કહ્યું છે. 
ઉક્ત માધ્યમની મદદથી રોકાણકારો મ્યુચ્યુઅલ ફન્ડમાં ખરીદી, સ્વિચ, રિડમ્પશન વગેરે વ્યવહાર કરી શકશે. એ ઉપરાંત ઈ-મેઇલ એડ્રેસ, સંપર્ક માટેનો નંબર, બૅન્ક અકાઉન્ટની વિગતો વગેરેમાં ફેરફાર કરવો, ફરિયાદ કે પૂછપરછ કરવી, રોકાણને લગતા રિપોર્ટ પ્રાપ્ત કરવા જેવી સુવિધાઓ પણ તેઓ આ માધ્યમથી પ્રાપ્ત કરી શકે એવી વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ માધ્યમ રોકાણકારોને કૅપિટલ ગેઇન-લોસનો રિપોર્ટ મેળવવામાં, ક્લેમ કરવાનું રહી ગયેલું ડિવિડન્ડ મેળવવામાં, રિડમ્પશન કરવામાં પણ મદદરૂપ થઈ શકશે. 
સમય જતાં આ માધ્યમ મ્યુચ્યુઅલ ફન્ડ ડિસ્ટ્રિબ્યુટર્સ, રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ ઍડવાઇઝર્સ, ઍસેટ મૅનેજમેન્ટ કંપની, સ્ટૉક એક્સચેન્જનાં માધ્યમ તથા મ્યુચ્યુઅલ ફન્ડના વ્યવહાર કરવા માટેનાં ડિજિટલ માધ્યમને પણ સેવાઓ પૂરી પાડશે. 
સેબીએ નિર્દેશ આપ્યો છે કે આ પ્લૅટફૉર્મ આવશ્યકતા મુજબના ફેરફાર કરી શકાય એવું અને સાઇબર સિક્યૉરિટીથી સજ્જ હોવું જરૂરી છે. તેનું સિસ્ટમ ઑડિટ અને સાઇબર સિક્યૉરિટી ઑડિટ કરાવવા સહિતના તમામ નિયમનોનું અનુપાલન કરવાની આરટીએએ કરવાની રહેશે. 
નોંધનીય છે કે આ માધ્યમથી સંકળાવવા માટે રોકાણકારોએ અલગથી કેવાયસી કરાવવાની જરૂર નહીં રહે. કોઈ પણ રોકાણકાર પોતાનો પૅન નંબર અને મોબાઇલ નંબર આપીને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. સેબીના નિર્દેશને પગલે www.mfcentral.com નામની વેબસાઇટ મારફતે આ સુવિધા શરૂ કરી દેવાઈ છે. તેમાં અલગ અલગ સેવાઓ-સુવિધાઓ સમયાંતરે ઉમેરવામાં આવતી રહેશે. પ્રથમ તબક્કામાં આ પ્રમાણેની બિનનાણાકીય સેવાઓ પ્રાપ્ત કરી શકાય છે : 
તમામ મ્યુચ્યુઅલ ફન્ડ હાઉસિસમાં કરેલાં રોકાણોનો સંકલિત પોર્ટફોલિયો જોઈ શકાય છે.
અલગ અલગ ઍસેટ ક્લાસ, અલગ અલગ ફન્ડ હાઉસ અને અલગ અલગ સ્કીમમાં કરાયેલાં રોકાણની વિગતો જોઈ શકાય છે.
ઈ-મેઇલ ઍડ્રેસ, મોબાઇલ નંબર અને સરનામું બદલી શકાય છે.
નોમિની ઉમેરી શકાય છે અથવા એની વિગતોમાં ફેરફાર કરી શકાય છે.
ફોલિયોમાં કોઈ ખોટી વિગત આવી ગઈ હોય તો એમાં સુધારો કરી શકાય છે.
બૅન્ક અકાઉન્ટની વિગતોમાં ફેરફાર કરી શકાય છે.
બૅન્કનો આઇએફએસસી કોડ નોંધાવી શકાય છે.
સગીર વયમાંથી પ્રૌઢાવસ્થામાં આવી ગયાની નોંધ કરાવી શકાય છે.
ફોર્મ ૧૫જી/એચ આપી શકાય છે.
ફરિયાદ કરી શકાય છે અને (ઉપર જણાવાયેલી) સેવાઓ માટેની રિક્વેસ્ટ આપી શકાય છે.
ક્લેમ કરાયા વગરનાં ડિવિડન્ડ અને રિડમ્પશન તપાસી શકાય છે.
થોડા સમય પછી રોકાણકારો પોતાના ટૅક્સ સ્ટેટસ (રહીશ કે બિનરહીશ ભારતીય તરીકેનું)માં ફેરફાર પણ કરાવી શકશે અને બીજી સેવાઓ મેળવી શકશે.

સવાલ તમારા…



મ્યુચ્યુઅલ ફન્ડમાં ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કીમ (ઇએલએસએસ)ની કામગીરી નબળી રહી છે, જ્યારે ગત એક વર્ષમાં કેટલાંક ઇન્ફ્રા ફન્ડમાં ૧૦૦ ટકા કરતાં વધારે વળતર મળ્યું છે. શું મારે ઇએલએસએસની એસઆઇપી બંધ કરાવીને ઇન્ફ્રા ફન્ડમાં એસઆઇપી શરૂ કરાવવી જોઈએ?
સૌથી પહેલાં કહેવાનું કે મ્યુચ્યુઅલ ફન્ડની ઉક્ત બન્ને શ્રેણીઓ અલગ અલગ છે. ઇએલએસએસ કરની બચતની સાથે સાથે ઇક્વિટીમાં ડાઇવર્સિફાઇડ રોકાણ કરવાની તક પણ આપે છે. ઇન્ફ્રા ફન્ડ થિમેટિક ફન્ડ છે, જે એક જ ક્ષેત્રના સ્ટૉક્સમાં રોકાણ કરે છે.
જો તમે કરની બચત માટે ઇએલએસએસમાં રોકાણ કર્યું હશે તો તમારે ઇન્ફ્રા ફન્ડમાં રોકાણ ખસેડ્યા બાદ કરબચત માટે બીજો કોઈ ઉપાય કરવો પડશે. જો કરબચત માટે એ રોકાણ ન કર્યું હોય તો તમે ડાઇવર્સિફાઇડ ઈક્વિટી ફન્ડમાં એસઆઇપી ખસેડી શકો છો. જો તમે એક જ ક્ષેત્રમાં રોકાણ કરવું છે એવી સ્પષ્ટતા ધરાવતા હો તો તમે ઇન્ફ્રા ફન્ડમાં રોકાણ કરી શકો છો, કારણ કે એ થિમેટિક પ્રકારનું ફન્ડ છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2021 01:05 PM IST | Mumbai | Amit Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK