Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ડેરિવેટિવ્ઝમાં મે વલણની પતાવટને પગલે બજારમાં નરમાઈને બ્રેક લાગી

ડેરિવેટિવ્ઝમાં મે વલણની પતાવટને પગલે બજારમાં નરમાઈને બ્રેક લાગી

27 May, 2022 06:17 PM IST | Mumbai
Anil Patel

ટૉરન્ટ ફાર્મા નફામાંથી ખોટમાં આવી છતાં શૅરદીઠ એક બોનસના કરન્ટથી તેજી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મેટલ ઇન્ડેક્સ વર્ષનું નવું તળિયું બનાવી ૩.૪ ટકા બાઉન્સ-બૅક થયો, તાતા સ્ટીલ ટૉપ ગેઇનર બન્યો : આઇડીબીઆઇ બૅન્ક અને એની પેરન્ટ્સ એલઆઇસી સારા બજારમાંય નવા તળિયે ગયા : ઇન્ડિગોએ ૮૩૦ કરોડની ધારણા સામે ૧૬૮૧ કરોડની તગડી ખોટ કરી અને શૅર સાડાદસ ટકા વધીને બંધ થયો

સ્ટેટ બૅન્કના વડા આર્થિક સલાહકાર સૌમ્ય ઘોષના નવા વરતારા પ્રમાણે માર્ચ ક્વૉર્ટરનો જીડીપી ગ્રોથ જેની સરકાર ૩૧ મેએ સત્તાવાર જાહેરાત કરવાની છે એ ૨.૭ ટકા રહેવાની આશંકા છે અને ૨૦૨૧-’૨૨ના સમગ્ર વર્ષનો આર્થિક વિકાસદર ૮.૨થી ૮.૫ ટકાની રેન્જમાં અપેક્ષિત છે. આ અગાઉ સરકારી ધારણા તથા વિશ્લેષકોની અપેક્ષા માર્ચ ક્વૉર્ટરમાં ત્રણથી સાડાત્રણ ટકાના આર્થિક વિકાસની હોવાના અહેવાલ આવી ચૂક્યા છે એટલે સૌમ્ય ઘોષનો વરતારો ખરેખર ચિંતાજનક કહી શકાય. બીજી તરફ મૂડીઝ તરફથી ૨૦૨૨ માટે ભારતનો આર્થિક વિકાસદર ૯.૧ ટકા રહેવાના અંદાજને ડી-ગ્રેડ કરીને હવે એ ૮.૮ ટકા કરાયો છે. એક વધુ ખરાબ સમાચાર એફઆઇઆઇના મોરચેથી છે. છેલ્લા આઠેક મહિનામાં આક્રમક વેચવાલી કરીને એણે લગભગ સવાત્રણ લાખ કરોડ રૂપિયા ઘરભેગા કરી લીધા છે. મતલબ કે અગાઉનાં સાત વર્ષમાં એફઆઇઆઇએ ભારતીય શૅરબજારમાં જેટલું નેટ રોકાણ કર્યું હતું એ બધું જ ફક્ત આઠ મહિનામાં પાછું ખેંચી લીધું છે. આવા માયૂસીભર્યા સમાચાર વચ્ચે શૅરબજાર ગુરુવારે ૫૦૩ પૉઇન્ટ વધીને ૫૪૪૫૨ તથા નિફ્ટી ૧૪૪ પૉઇન્ટના સુધારામાં ૧૬૧૭૦ બંધ થયો છે. જોકે ઇન્ટ્રા-ડેમાં શૅરઆંક નીચામાં ૫૩૪૨૫ અને નિફ્ટી ૧૫૯૦૩ થયા હતા. બજાજ નીચલા મથાળેથી ૯૨૧ પૉઇન્ટ ઊંચકાયું હતું. આ બાઉન્સ-બૅક બહુધા ગુરુવારે ડેરિવેટિવ્ઝમાં મે વલણનાં સેટલમેન્ટ એને લઈને જામતી રસાકસીને આભારી જણાય છે છતાં મે વલણમાં નિફ્ટી ૧૦૩૦ પૉઇન્ટ કે લગભગ ૬ ટકા જેવો ખરડાયો છે. બીજું, નિફ્ટી ભલે હજી સુધી વર્ષના તળિયે ગયો ન હોય, પરંતુ નિફ્ટી નેક્સ્ટ ૫૦ ઇન્ડેક્સ ગઈ કાલે ૩૬૫૩૪ની અંદર વર્ષનું બૉટમ બનાવી ૧.૪ ટકા કે ૫૧૬ પૉઇન્ટ વધીને ૩૭૭૮૪ બંધ થયો છે. ઍની વે, ગઈ કાલે સેન્સેક્સ નિફ્ટીના એક ટકા નજીકના સુધારાનું બહુધા રોકડા તથા બ્રૉડર માર્કેટમાં અનુસરણ થયું હતું એથી માર્કેટ-બ્રેડ્થ પૉઝિટિવ બની છે. એનએસઈમાં ૧૨૦૨ શૅર વધ્યા હતા અને ૮૬૬ જાતો નરમ હતી. એફએમસીજીના પરચૂરણ ઘટાડાને બાદ કરતાં બજારોના તમામ બેન્ચમાર્ક વધ્યા છે. મેટલ ઇન્ડેક્સ સર્વાધિક ૩.૪ ટકા કે ૫૭૫ પૉઇન્ટ બાઉન્સ-બૅક થયો છે. બૅન્કિંગ તથા ફાઇનૅન્સ આશરે બે ટકાની આસપાસ મજબૂત હતું. 
તાતા સ્ટીલ ટૉપ ગેઇનર, રિલાયન્સ નરમ, અદાણી ટોટલ ઉપલી સર્કિટે
ગુરુવારે સેન્સેક્સના ૩૦માંથી ૨૪ અને નિફ્ટીના ૫૦માંથી ૩૯ શૅર સુધર્યા હતા. સતત ત્રણ દિવસથી વર્ષનું નવું બૉટમ બનાવતો તાતા સ્ટીલ બમણા કામકાજમાં સવાપાંચ ટકાના પ્રત્યાઘાતી સુધારામાં ૧૦૫૨ બંધ આપી બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો છે. આ ઉપરાંત સ્ટેટ બૅન્ક, એચડીએફસી બૅન્ક, ઍક્સિસ બૅન્ક, નેસ્લે, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બૅન્ક, વિપ્રો, બજાજ ઑટો, ટીસીએસ લગભગ બે ટકાથી માંડીને સવાત્રણ ટકા સુધી મજબૂત હતા. જેએસડબ્લ્યુ સ્ટીલ સાડાચાર ટકા તો અપોલો હૉસ્પિટલ્સ પાંચ ટકાની તેજીમાં બંધ થયા છે. રિલાયન્સ નીચામાં ૨૫૪૭ થઈને એક ટકાની નજીકની નબળાઈમાં ૨૫૮૭ બંધ હતો. યુપીએલ બે ટકા, ડિવીઝ લૅબ પોણાબે ટકા તથા સન ફાર્મા એક ટકાથી વધુ ઢીલા થયા છે. આઇટીઆઇ દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં આવકમાં સામાન્ય વધારા સામે ૧૯૯ કરોડના અગાઉના નેટ પ્રૉફિટના મુકાબલે ૩૬૬ કરોડનો ચોખ્ખો નફો હાંસલ કરવામાં આવતાં શૅર ૨૫ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૦૦ વટાવી છેલ્લે ૧૮ ટકાના જમ્પમાં ૯૯ રૂપિયા બંધ આપી ‘એ’-ગ્રુપમાં આ કંપની ટૉપ ગેઇનર રહી છે. અદાણી ગ્રુપ ખાતે અદાણી પાવર પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૩૧૪, અદાણી ટ્રાન્સ. અઢી ટકા વધીને ૨૧૪૦ તો અદાણી ટોટલ ૧૦ ટકાની તેજીની સર્કિટમાં ૨૨૧ ઊછળી ૨૪૩૬ બંધ હતા. એશિયા ખાતે ટૉપ પર્ફોર્મિંગ આઇપીઓ બન્યાના પ્રચાર પાછળ અદાણી વિલ્મર પાંચ ટકાની ઉપલી સર્કિટે ૬૯૮ થયો છે. હરીફ રુચિ સોયા ઇન્ડ. પણ ૪.૭ ટકા ઊંચકાઈને ૧૦૯૪ રહી છે. 
બૅન્કિંગ શૅરોમાં સારા સુધારા વચ્ચે આઇડીબીઆઇ બૅન્ક સતત નવા તળિયે 
ગુરુવારે બૅન્ક નિફ્ટી બારેબાર શૅર પ્લસમાં આપીને સવાબે ટકા કે ૭૫૫ પૉઇન્ટ વધ્યો છે. બૅન્ક ઑફ બરોડા પાંચ ટકા, સ્ટેટ બૅન્ક તથા એયુ બૅન્ક સવાત્રણ ટકાથી વધુ અને એચડીએફસી બૅન્ક તેમ જ બંધન બૅન્ક ત્રણેક ટકા મજબૂત હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના વધારામાં ૩.૨ ટકા ઊંચકાયો છે. અહીં સેન્ટ્રલ બૅન્ક ૬.૯ ટકા, આઇઓબી ૬.૩ ટકા અને કૅનેરા બૅન્ક ૫.૯ ટકા તેજીમાં હતા. યુકો બૅન્ક સવાઅગિયાર રૂપિયાના આગલા લેવલે જૈસે-થે હતી. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રે ૩૬માંથી ૨૯ શૅર ગઈ કાલે સુધર્યા છે, પરંતુ આઇડીબીઆઇ બૅન્ક દોઢા વૉલ્યુમે ૩૨ ઉપરની ૧૩ મહિનાનું નવું બૉટમ બનાવી ઘટાડાની ચાલ જાળવી રાખતાં સવા ટકાની નબળાઈમાં ૩૩ ઉપર જોવાઈ છે. બાય ધ વે, એની પેરન્ટ્સ એલઆઇસી જેનો ભાવ ડ‌િસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થયા પછી અત્યાર સુધી ઘટાડામાં જ રહ્યો છે એ ગઈ કાલે ૮૦૧નું નવું ઑલટાઇમ બૉટમ બનાવી એક ટકાથી વધુની નરમાઈમાં ૮૧૨ નજીક બંધ આવી છે. એચડીએફસી બૅન્ક ત્રણેક ટકાની તેજીમાં ૧૩૬૮ બંધ આપી બજારને સર્વાધિક ૧૫૨ પૉઇન્ટ તો એચડીએફસી સવાબે ટકા વધી ૨૨૮૮ના બંધમાં ૮૨ પૉઇન્ટ લાભદાયી નીવડ્યા છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૨૮માંથી ૯૨ શૅરના સુધારામાં બે ટકા વધ્યો છે. સ્ટાર હેલ્થ તાજેતરની રૅલી બાદ સવા છ ટકા ગગડી ૬૬૩ બંધ હતો. આદિત્ય બિરલા સનલાઇફ સવાપાંચ ટકા લથડી ૪૧૩ના નવા વર્સ્ટ લેવલે બંધ હતો, સામે મહિન્દ્ર ફાઇનૅન્સ પોણાસાતેક ટકા, પૂનાવાલા ફ‌િનકૉર્પ ૫.૯ ટકા, ઇન્ડિયા બુલ્સ હાઉ. પોણાછ ટકા અને આઇઆઇએફએલ સાડાપાંચ ટકા અપ હતા. 
એઆઇએ એન્જિનિયરિંગ પરિણામ પાછળ ૧૭૦ રૂપિયા વધીને બંધ 
અમદાવાદી એઆઇએ એન્જિનિયરિંગે ઑપરેટિંગ માર્જિનમાં બે ટકા જેવા વધારા સામે માર્ચ ક્વૉર્ટરમાં ૪.૫૭ ટકાના વૃદ્ધિદરથી ૧૯૪ કરોડનો નેટ પ્રૉફિટ મેળવી સારાં પરિણામ તથા વિસ્તરણ જાહેર કર્યું છે. એની અસરમાં શૅર આઠ ગણા વૉલ્યુમમાં ૯ ટકા કે ૧૭૦ રૂપિયાની તેજીમાં ૨૦૫૫ બંધ આવ્યો છે. ઇન્ડિગો ફેમ ઇન્ટર ગ્લોબ એવિયેશન જેણે સાત ક્વૉર્ટરની સતત ખોટ પછી ડિસેમ્બર ક્વૉર્ટરમાં પ્રથમ વાર નફો કર્યો હતો એ માર્ચ ક્વૉર્ટરમાં ફરી પાછી ખોટમાં સરી પડી છે. ચોખ્ખી ખોટ ૧૬૮૧ કરોડ રૂપિયા થઈ છે છતાં શૅર ત્રણ ગણા કામકાજમાં ૧૦.૪ ટકા કે ૧૭૧ રૂપિયાના જમ્પમાં ૧૮૧૬ રૂપિયા બંધ રહ્યો છે. બજારની ધારણા ૮૩૦ કરોડની ચોખ્ખી ખોટની હતી એની અહીં ખાસ નોંધ લેવી રહી. ટૉરન્ટ ફાર્મા તરફથી માર્ચ ક્વૉર્ટરમાં આવકમાં ૧૦ ટકાના વધારા સામે અગાઉના ૩૨૪ કરોડ રૂપિયાના ચોખ્ખા નફાના મુકાબલે આ વખતે ૧૧૮ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ દર્શાવાઈ છે, પરંતુ શૅરદીઠ એક બોનસના કરન્ટમાં ભાવ ૨૦ ગણા કામકાજમાં દસ ટકા કે ૨૬૬ રૂપિયા ઊછળીને ૨૯૦૦ બંધ આવ્યો છે. કંપનીએ છેલ્લે ૨૦૧૩માં બોનસ આપ્યું હતું. આ એનું ત્રીજું બોનસ હશે. સીક્વન્ટ સાયન્ટિફિકનો માર્ચ ક્વૉર્ટરનો નફો અડધાથીય વધુ ધોવાઈને ૯ કરોડ રહેતાં શૅર ૧૦૧ની નવી નીચી સપાટી બનાવી ૧૧.૫ ટકા તૂટીને ૧૦૮ રૂપિયા બંધ હતો. આ કાઉન્ટર ૨૯ જૂને ગયા વર્ષે ૩૩૬ના બેસ્ટ લેવલે હતું. ડૉ. લાલ પૅથ લૅબ્સ ગઈ કાલે ૧૮૦૫નું વર્ષનનું બૉટમ દેખાડી બાઉન્સ-બૅકમાં ૨૧૯૧ થઈ પોણાદસ ટકા કે ૧૮૦ રૂપિયા ઊંચકાઈને ૨૦૧૪ બંધ આવ્યો છે. 
શુગર શૅરોમાં ખરાબી અટકીને નેસ્લે સતત પાંચમા દિવસે વધ્યો 
નિકાસ પર અંકુશ જાહેર થતાં શુગર શૅરો બે દિવસથી સતત કડવા બની રહ્યા હતા. ગઈ કાલે ખરાબી અટકી છે. ઉદ્યોગના ૩૫માંથી ૨૨ શૅર સુધર્યા છે. ઉત્તમ શુગર ૧૦ ટકા, બલરામપુર ચિની સાડાપાંચ ટકા, કે. એમ. શુગર પાંચ ટકા, ધામપુર સ્પે. ૪.૮ ટકા, સર શાદીલાલ ૪.૪ ટકા, રેણુકા શુગર ચાર ટકા મજબૂત હતા. મેટલ ખાસ કરીને સ્ટીલ શૅરો પણ ગુરુવારે વેચવાલીના પ્રેશર સામે ડિમાન્ડમાં હતા. મેટલ ઇન્ડેક્સ ૩.૪ ટકા કે ૫૭૫ પૉઇન્ટ વધી ૧૭૫૫૧ બંધ થયો છે. જોકે ઇન્ટ્રા-ડેમાં અહીં ૧૬૯૫૩નું નવું ઐતિહાસિક બૉટમ બન્યું હતું. હિન્દાલ્કો, જિન્દલ સ્ટીલ, વેદાન્તા સેઇલ, એનએમડીસી, હિન્દુસ્તાન કૉપર બેથી ચાર ટકા પ્લસ હતા. સાંડૂર મૅન્ગેનીઝ સવાછ ટકા, આશાપુરા માઇનકેમ સાડાપાંચ ટકા અને જીએમડીસી પોણાબે ટકા વધ્યા છે.
આઇટી ઇન્ડેક્સ આગલા દિવસની ખુવારી બાદ ગુરુવારે સવા ટકો વધ્યો છે. અહીં ૬૨માંથી ૪૦ શૅર સુધર્યા હતા. ટીસીએસ બે ટકા, ઇન્ફોસિસ પોણા ટકાથી વધુ અને વિપ્રો અને ટેક મહિન્દ્ર ૧.૯ ટકા અપ હતા. એપટેક સાડાત્રણ ટકા બાઉન્સ-બૅક થઈ ૨૨૯ હતો. લાર્સન ઇન્ફો સવા ટકો વધ્યો હતો. સામે લાર્સન ટેક્નૉલૉજીઝ સવા ટકો ડાઉન હતો. એફએમસીજીમાં ડીએફએમ ફૂડ્સ ૧૦.૭ ટકા ગગડીને ૨૦૫ થયો છે. આઇટીસી નહીંવ‌ત્ તો હિન્દુસ્તાન યુનિલીવર પોણો ટકો ઢીલા હતા. નેસ્લેમાં ૧૯ મેએ ૧૬૦૦૦નું વર્ષનું બૉટમ બન્યા પછી સુધારાની ચાલ જારી રહી છે. ભાવ ગઈ કાલે ૪૦૪ રૂપિયા કે ૨.૩ ટકાના વધુ સુધારામાં ૧૭૬૮૭ રૂપિયા બંધ આવ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2022 06:17 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK