સાડાચાર વર્ષનાં નબળાં ત્રિમાસિક પરિણામ પાછળ તાતાની ટ્રેન્ટ લિમિટેડ લથડીને ૧૭ માસના તળિયે : ફ્લૅટ નફા વચ્ચે તગડા ઑર્ડરના અહેવાલમાં વૉલટૅમ્પમાં ૭૮૪ રૂપિયાની તેજી : નેટ નફામાં ૭ કરોડના ઘટાડામાં ટ્રાન્સ ઍન્ડ રેક્ટિફાયર્સ ૨૦ ટકા તૂટી
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- HBL એન્જિનિયરિંગ તગડા રિઝલ્ટમાં ઑલટાઇમ હાઈ, ટોરેન્ટ ફાર્મા નવા શિખર સાથે સિપ્લા કરતાં આગળ
- ફિઝિક્સવાલામાં પ્રીમિયમ ગગડી ૩ રૂપિયા
- રિઝલ્ટની અસરમાં નાયકા ઊંચકાયો, શિપિંગ કૉર્પોરેશન બગડ્યો
સેનેટમાં ઍડ્વાન્સ પ્લાનને કેટલાક ડેમોક્રેટ્સનું સમર્થન મળતાં અમેરિકા ખાતે ૪૦ દિવસથી ચાલુ સૌથી લાંબા શટડાઉનનો અંત આવવાની આશા જાગી છે. જોકે ખરેખર અંત ક્યારે આવે છે એ કહેવું હાલ મુશ્કેલ છે, પરંતુ નવા આશાવાદના પગલે વિશ્વબજારોએ સપ્તાહનો આરંભ સારી રીતે કર્યો છે. એશિયા ખાતે સોમવારે સાઉથ કોરિયન માર્કેટ ત્રણેક ટકા, જપાન સવા ટકો, હૉન્ગકૉન્ગ દોઢ ટકો, તાઇવાન પોણો ટકો તો ચાઇના અડધો ટકો વધીને બંધ થયું છે. એકમાત્ર સિંગાપોર નહીંવત્ નરમ હતું. યુરોપ પણ રનિંગમાં અડધાથી સવા ટકાની આસપાસ મજબૂત દેખાયું છે. બિટકૉઇન અઢી ટકા જેવા સુધારામાં ૧,૦૬,૪૬૫ ડૉલર ચાલતો હતો. બ્રૅન્ટક્રૂડ પોણો ટકો વધી ૬૪ ડૉલર વટાવી ગયું હતું. હાજર અને વાયદામાં સોનું બે ટકા જેટલી મજબૂતીમાં ૪૦૭૮-૪૦૯૧ ડૉલર જોવાયું છે. કૉમેક્સ સિલ્વર પોણાચાર ટકા ઊછળીને ૫૦ ડૉલર નજીક પહોંચી છે.
ઘરઆંગણે સેન્સેક્સ ૧૭ પૉઇન્ટના પરચૂરણ ઘટાડામાં ૮૩,૧૯૮ ખૂલી વિશ્વબજારો પાછળ સુધારાની ચાલમાં ૮૩,૭૫૪ થઈ છેવટે ૩૧૯ પૉઇન્ટ સુધરી ૮૩,૫૩૫ તથા નિફ્ટી ૮૨ પૉઇન્ટ વધી ૨૫,૫૭૪ બંધ થયો છે. બન્ને બજારનાં લગભગ તમામ સેક્ટોરલ પ્લસ હતાં. અમેરિકન શટડાઉનના ઉકેલની આશામાં IT બેન્ચમાર્ક દોઢેક ટકા કે ૫૪૧ પૉઇન્ટ ઊંચકાયો છે. એની હૂંફમાં ટેક્નૉલૉજી બેન્ચમાર્ક પણ ૧.૪ ટકા વધ્યો છે. અન્યમાં કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સવા ટકો કે ૮૫૯ પૉઇન્ટ, મેટલ ઇન્ડેક્સ અડધો ટકો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૬ ટકા તેમ જ નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧.૬ ટકા અપ હતો. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૫૦૨ શૅર સામે ૧૬૩૭ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૧.૨૮ લાખ કરોડ વધી ૪૬૮.૨૦ લાખ કરોડ રૂપિયા થયું છે.
ADVERTISEMENT
શૅરદીઠ ૧૮૦૦ના ભાવે ૧૮,૦૦૦ કરોડના વિક્રમી બાયબૅકની રેકૉર્ડડેટ માથે હોવાથી ઇન્ફોસિસ દોઢા વૉલ્યુમે ઉપરમાં ૧૫૨૦ બતાવી અઢી ટકા વધી ૧૫૧૪ બંધમાં બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની સેન્સેક્સને ૧૧૨ પૉઇન્ટ ફળી છે. HCL ટેક્નૉ બે ટકા, TCS ૧.૧ ટકા, વિપ્રો દોઢ ટકા, લાટિમ ૧.૧ ટકા ઊંચકાઈ હતી. IT ઇન્ડેક્સના ૭૭માંથી પચીસ શૅર વધ્યા હતા. સેન્સેક્સ નિફ્ટી ખાતે વધેલી અન્ય જાતોમાં ગ્રાસિમ ૧.૪ ટકા, તાતા મોટર્સ સવા ટકો, બજાજ ફાઇનૅન્સ પોણાબે ટકા, એશિયન પેઇન્ટ્સ સવા ટકો, લાર્સન પોણો ટકો, ભારતી ઍૅરટેલ ૦.૯ ટકા, કોલ ઇન્ડિયા દોઢ ટકા, જિયો ફાઇનૅન્સ ૦.૯ ટકા વધી છે. રિલાયન્સ પોણો ટકો વધી ૧૪૮૯ હતી.
તાતાની ટ્રેન્ટ લિમિટેડે ત્રિમાસિક ગાળામાં આવકમાં ૧૬ ટકા વધારા સાથે ૧૧ ટકાના વૃદ્ધિદરથી ૩૭૭ કરોડ નેટ નફો કર્યો છે, પરંતુ વિશ્લેષકોના મતે કંપનીનાં પરિણામ માર્ચ’૨૧ પછીના ૧૮ ત્રિમાસિક ગાળામાંનાં સૌથી નબળાં રિઝલ્ટ છે. સરવાળે શૅર ૧૭૭ ગણા જંગી વૉલ્યુમે ૪૨૬૪ની ૧૭ માસની બૉટમ બનાવી સાડાસાત ટકા કે ૩૪૨ રૂપિયાના કડાકામાં ૪૨૮૨ બંધ આપી બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. અન્યમાં પાવરગ્રીડ ૧.૪ ટકા, ઍટર્નલ દોઢ ટકા, મેક્સ હેલ્થકૅર સવાત્રણ ટકા, તાતા કન્ઝ્યુમર બે ટકા, અપોલો હૉસ્પિટલ્સ દોઢ ટકા ડાઉન હતા.
ઇન્ડિગો પેઇન્ટ્સનાં પરિણામમાં વાઉ-ફૅક્ટર જેવું કશું આવ્યું નથી, પરંતુ શૅર ગઈ કાલે ૭૦ ગણા કામકાજે ઉપરમાં ૧૧૭૦ બતાવી પંદર ટકા કે ૧૫૧ રૂપિયાની તેજીમાં ૧૧૫૬ બંધ આપી એ-ગ્રુપમાં ઝળક્યો છે. વૉલટૅમ્પ ટ્રાન્સફૉર્મે આવકમાં ૨૧ ટકા વધારા સાથે ૧૦૪ કરોડનો ફ્લૅટ નફો બતાવ્યો છે, પરંતુ ૧૩૭૭ કરોડનો ઑર્ડર મળવાના અહેવાલે ભાવ ૧૦ ગણા કામકાજે ઉપરમાં ૮૦૫૦ થઈ ૧૧ ટકા કે ૭૮૪ રૂપિયા ઊછળી ૭૯૫૨ થયો છે. સારાં રિઝલ્ટમાં નાલ્કો ૨૬૪ના શિખરે જઈને ૯.૮ ટકાના જમ્પમાં ૨૫૭ હતો. HBL એન્જિનિયરિંગ અગાઉના ૫૩૩ કરોડ સામે ૧૨૩૯ કરોડની આવક ઉપર ૭૬ કરોડના મુકાબલે ૩૮૭ કરોડના નેટ પ્રૉફિટ સાથે તગડાં પરિણામ રજૂ કરતાં ભાવ ૧૧૨૨ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૧૨.૩ ટકાની તેજીમાં ૧૦૯૯ થયો છે. ટ્રાન્સફૉર્મર્સ ઍન્ડ રેક્ટિફાયર્સે ફ્લૅટ આવક સામે ૪૬ કરોડની સામે ૩૭ કરોડ નેટ નફો બતાવતાં શૅર ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૩૧૪ની દોઢેક વર્ષની બૉટમ બનાવી ત્યાં જ બંધ થયો છે. આરતી ફાર્માલૅબ્સ બાર ટકા કે ૧૦૪ રૂપિયા તથા ઇન્ડોકો રેમેડીઝ ૧૦.૨ ટકા તૂટી છે.
ફિઝિક્સવાલા સહિત આજે કુલ ૪ નવાં ભરણાં ખૂલશે
નવા સપ્તાહમાં હાલની તારીખે કુલ છ ભરણાં નક્કી છે. એમાંથી ૪ ઇશ્યુ આજે ખૂલવાના છે. મેઇન બોર્ડમાં ઑનલાઇન તથા ઑફ લાઇન એજ્યુકેશન કંપની ફિઝિક્સવાલા લિમિટેડ એકના શૅરદીઠ ૧૦૯ની અપરબૅન્ડમાં કુલ ૩૪૮૦ કરોડનો IPO આજે કરશે, Sમાંથી ૩૮૦ કરોડ OFS છે. નોએડા ખાતેની આ કંપની સતત ખોટમાં હોવાથી ઇશ્યુમાં QIB પોર્શન ૭૫ ટકા રખાયો છે. કંપનીએ ગયા વર્ષે ૩૦૩૯ કરોડની આવક ઉપર અગાઉની ૧૧૩૧ કરોડની નેટ લૉસ સામે ૨૪૩ કરોડ ચોખ્ખી ખોટ કરી છે. ચાલુ વર્ષના ૩ માસમાં આવક ૯૦૫ કરોડ અને નેટ લૉસ ૧૨૭ કરોડ થઈ છે. છેલ્લાં સવાત્રણ વર્ષની કુલ નેટ લૉસ ૧૫૮૫ કરોડથીય વધુ છે. ઇશ્યુ બાદ ઇક્વિટી ૨૮૯ કરોડ વટાવી જશે. ગ્રેમાર્કેટમાં ૯થી શરૂ થયેલું પ્રીમિયમ તૂટી હાલ ૩ રૂપિયા બોલાય છે. બેન્ગલુરુની સોલર પીવી મૉડ્યુલ્સ બનાવતી કંપની એમવી ફોટોવોલ્ટિક બેના શૅરદીઠ ૨૧૭ની અપરબૅન્ડમાં ૨૯૦૦ કરોડનો ઇશ્યુ આજે લાવશે. એમાંથી ૭૫૬ કરોડ રૂપિયા પ્રમોટર્સના ઘરમાં જશે. QIB પોર્શન ૭૫ ટકા છે. ૨૦૦૭માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૧૪૭ ટકા વધારામાં ૨૩૬૦ કરોડ આવક ઉપર ૧૧૭૭ ટકાના વૃદ્ધિદરથી ૩૬૯ કરોડ નેટ નફો બતાવ્યો છે. પ્રથમ ૩ માસમાં આવક ૧૦૪૨ કરોડ અને નફો ૧૮૮ કરોડ નજીક દર્શાવ્યો છે. દેવું ૨૦૩૨ કરોડનું છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર ૨૧થી ૯૧ પૈસા છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધી ૧૩,૮૪૭ લાખ રૂપિયા થશે, ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૪૦.૭૧ તથા આ વર્ષના ૩ માસની કમાણી પ્રમાણે ૨૦નો PE સૂચવે છે. ગ્રેમાર્કેટમાં ૨૦થી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ત્યાં જ છે.
SME સેગમેન્ટમાં નવી દિલ્હીની મહામાયા લાઇફ સાયન્સ ૧૦ના શૅરદીઠ ૧૧૪ની અપરબૅન્ડમાં ૬૧૬ લાખની OFS સહિત કુલ ૭૦૪૪ લાખનો BSE SME IPO આજે કરશે. ૨૦૦૨માં સ્થપાયેલી આ કંપની પેસ્ટિસાઇડ્સ તથા એના ફૉર્મ્યુલેશન્સની ઇમ્પોર્ટ અને ટ્રેડિંગ કરે છે. ગયા વર્ષે ૬૪ ટકા વધારામાં ૨૬૭ કરોડની આવક ઉપર ૧૪૮ ટકાના વૃદ્ધિદરથી ૧૨૯૪ લાખ નેટ નફો કર્યો છે. આ વર્ષે ૩ માસમાં આવક ૮૪ કરોડ અને નેટ નફો ૪૧૦ લાખ થયો છે. દેવું ૫૭૭૨ લાખ છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી. કલકત્તાની વર્કમૅટ્સ કોરટૂ કલાઉડ સોલ્યુશન ૧૦ના શૅરદીઠ ૨૦૪ની અપરબૅન્ડમાં ૧૦૫૦ લાખની ઑફર ફૉર સેલ સહિત કુલ ૬૯૮૪ લાખના BSE SME IPO આજે કરશે. ૨૦૧૮માં સ્થપાયેલી આ કંપની દેશભરમાં કલાઉડ સોલ્યુશન ક્ષેત્રે કાર્યરત હોવાનો દાવો કરે છે. ગયા વર્ષે ૧૦૨ ટકા વધારામાં ૧૦૮ કરોડની આવક ઉપર ૧૬૦ ટકાના વૃદ્ધિદરથી ૧૩૯૩ લાખ નેટ નફો બતાવ્યો છે. ચાલુ વર્ષે પ્રથમ પાંચ માસમાં આવક ૫૯૫૫ લાખ તથા નફો ૭૨૨ લાખ થયો છે. દેવું પોણાનવ કરોડ જેવું છે. ગ્રેમાર્કેટમાં ૨૦થી શરૂ થયેલું પ્રીમિયમ હાલ પચીસ જેવું ચાલે છે.
રિઝલ્ટ પાછળ ન્યુલૅન્ડ લૅબ અને નાલ્કોમાં નવાં બેસ્ટ લેવલ બન્યાં
ઑલેકટ્રા ગ્રીનટેકની ત્રિમાસિક આવક પચીસ ટકા વધી છે, પણ નેટ નફો સવાચાર ટકાના સુધારામાં ૪૯ કરોડ આવ્યો છે. શૅર નીચામાં ૧૪૬૨ થઈ ૨.૩ ટકા ઘટી ૧૪૮૦ બંધ થયો છે. મેઘમણિ ઑર્ગેનિક્સ છ ટકા વધારામાં ૫૭૭ કરોડની આવક સાથે સવાનવ કરોડની નેટ લૉસમાંથી ૧૧૫૫ લાખના ચોખ્ખા નફામાં આવી છે. શૅર ઉપરમાં ૭૬ વટાવી સવાત્રણ ટકા ગગડી ૭૨ રહ્યા છે. શિપિંગ કૉર્પોરેશનની આવક પોણાઆઠ ટકા ઘટતાં નફો ૩૫ ટકા ગગડી ૧૮૯ કરોડ નોંધાયો છે. શૅર ગઈ કાલે નીચામાં ૨૪૩ થઈ પાંચ ટકા તૂટીને ૨૫૩ હતો. ટૉરન્ટ ફાર્માએ સવા ચૌદ ટકા વધારામાં ૩૩૦૨ કરોડની આવક ઉપર ૩૦.૫ ટકા વૃદ્ધિદરથી ૫૯૧ કરોડ નેટ પ્રૉફિટ બતાવ્યો છે. શૅર ૩૮૩૫ની ટોચે ૬.૭ ટકા ઊછળી ૩૮૨૦ રહ્યા છે. એનું માર્કેટકૅપ સિપ્લા કરતાંય વધી ગયું છે.
ફોર્સ મોટર્સની આવક સવાસાત ટકા વધીને ૨૦૮૧ કરોડ થઈ છે. નેટ નફો ૧૩૫ કરોડથી ઊછળી ૩૫૧ કરોડ નોંધાયો છે. શૅર બે ગણા કામકાજે ઉપરમાં ૧૯,૦૬૬ થઈ નજીવો ઘટીને ૧૮,૧૬૩ રૂપિયા બંધ થયો છે. નાયકાએ પચીસ ટકા વધારામાં ૨૩૪૬ કરોડની આવક ઉપર ૨૪૪ ટકા વધારામાં ૩૪૪૦ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર ઉપરમાં ૨૬૫ વટાવી છ ટકા ઊછળીને ૨૬૦ હતો. કલ્યાણ જ્વેલર્સે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૨૯.૭ ટકા વધારામાં ૭૮૫૬ કરોડની આવક ઉપર ૯૯.૫ ટકા વૃદ્ધિદરથી ૨૬૧ કરોડ ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. શૅર ઉપરમાં ૫૨૬ બતાવી અડધો ટકો ઘટીને ૫૧૦ બંધ આવ્યો છે. ન્યુલૅન્ડ લૅબોરેટરીઝે ૬૫ ટકા વધારામાં ૫૧૪ કરોડની આવક મેળવી છે. નેટ નફો ત્રેવડાઈને ૯૭ કરોડ નજીક જોવાયો છે. શૅર ત્રણ ગણા કામકાજમાં ઉપરમાં ૧૯,૭૪૮ના શિખરે જઈને દોઢ ટકો વધીને ૧૮,૧૦૯ થયો છે. નૅશનલ ઍલ્યુમિનિયમ અર્થાત્ નાલ્કોની આવક પોણા તર ટકા વધી છે. નેટ નફો ૩૭ ટકા વધી ૧૪૩૦ કરોડ આવ્યો છે. શૅર ૨૬૪ની ટૉપ દેખાડી ૯.૮ ટકા ઊછળીને ૨૫૭ રહ્યો છે.
સિગ્નેચર ગ્લોબલની ત્રિમાસિક આવક ૫૪.૮ ટકા ગગડી છે. કંપની ૪૧૦ લાખના નફામાંથી ૪૬૮૦ લાખની નેટ લૉસમાં સરી પડી છે. શૅર ૩.૩ ટકા બગડી ૧૦૨૨ થયો છે. ગરવારે ટેક્નિકલ ફાઇબર્સની આવક ૧૭ ટકા તથા નેટ પ્રૉફિટ ૫૧ ટકા ગગડ્યાં છે. શૅર ત્રણેક ટકા ઘટી ૭૧૭ રહ્યા છે. ગુજરાત આલ્કલીઝની આવક સવાનવ ટકા વધીને ૧૦૮૩ કરોડ થઈ છે. કંપની ૧૮ કરોડની ખોટમાંથી સવાસોળ કરોડના નેટ પ્રૉફિટમાં આવી છે. શૅર જોકે દોઢ ટકો ઘટી ૫૫૨ થયો છે. એસ્ટ્રાઝેનેકા ફાર્માની આવક ૩૭ ટકા વધી છે. નફો ૪૧ ટકા વધી બાવન કરોડને વટાવી ગયો છે. શૅર ઉપરમાં ૯૨૦૪ થયા બાદ નીચામાં ૮૮૦૪ બતાવી અડધો ટકો ઘટીને ૯૦૨૮ હતો.
લેન્સકાર્ટનું નબળું લિસ્ટિંગ, સ્ટડ્સ અને ઑર્કલામાં નવા નીચા ભાવ
મેઇન બોર્ડમાં પાઇન લૅબ્સનો એકના શૅરદીઠ ૨૨૧ની અપર બૅન્ડમાં આશરે ૩૯૦૦ કરોડનો ઇશ્યુ ગઈ કાલે બીજા દિવસના અંતે કુલ ૬૦ ટકા ભરાયો છે. ૬૦થી શરૂ થયેલું પ્રીમિયમ ગગડી ૪ થઈ ગયા પછી હાલ માત્ર બે રૂપિયા બોલાય છે. SME સેગમેન્ટમાં ગુજરાતના ગોંડલની શાઇનિંગ ટૂલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૧૪ના ભાવનો ૧૭૧૦ લાખનો BSE SME IPO બીજા દિવસના અંતે કુલ ૮૦ ટકા તથા સાણંદની ક્યુરિસ લાઇફ સાયન્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૮ના ભાવનો ૨૭૫૨ લાખનો NSE SME IPO કુલ પોણાપાંચ ગણો ભરાયો છે. શાઇનિંગ ટૂલ્સમાં ૭ રૂપિયા તથા ક્યુરિસ લાઇફમાં ૮ રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે. બેન્ગલુરુની ફિનબડ ફાઇનૅન્શિયલ સર્વિસિસનો ૧૦ના શૅરદીઠ ૧૪૨ની અપરબૅન્ડ સાથે ૭૧૬૮ લાખનો મોટો અને મોંઘો NSE SME IPO ગઈ કાલે આખરી દિવસે કુલ સાડાચાર ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ગ્રેમાર્કેટમાં અહીં પહેલેથી પ્રીમિયમનાં કામકાજ નથી.
દરમ્યાન અતિ મોંઘા વૅલ્યુએશનના ભારે વિવાદ વચ્ચે જેનો બે રૂપિયાના શૅરદીઠ ૪૦૨ના ભાવનો આશરે ૭૨૭૯ કરોડનો ઇશ્યુ રીટેલમાં સાડાસાત ગણા સહિત કુલ ૨૮.૩ ગણો છલકાઈને પૂરો થયો હતો એ લેન્સકાર્ટનું લિસ્ટિંગ ગઈ કાલે નબળું રહ્યું છે. અહીં ગ્રેમાર્કેટમાં પ્રીમિયમની શરૂઆત ૭૫થી થયા બાદ રેટ વધી ઉપરમાં ૧૦૮ બોલાયો હતો. પાછળથી પ્રીમિયમ ગગડતું રહીને સાડાછ રૂપિયે આવી ગયું હતું. ભાવ ગઈ કાલે ૩૯૦ ખૂલી ૩૫૬ નીચે ગયા બાદ ઉપરમાં ૪૧૪ બતાવી અંતે ૪૦૩ બંધ થતાં એમાં ૦.૩ ટકા કે શૅરદીઠ ૧૩૦ પૈસાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. લેન્સકાર્ટમાં લિસ્ટિંગ પહેલાં બ્રોકરેજ કંપની એમ્બિટ તરફથી બેરિશ વ્યુમાં ૩૩૭ની ટાર્ગેટ પ્રાઇસથી વેચવાનો કૉલ જાહેર થયો હતો. દરમ્યાન ગ્રેમાર્કેટમાં આરંભથી અંત સુધી પ્રીમિયમ કે પૉઝિટિવ વ્યુ વચ્ચે નેગેટિવ રિટર્નમાં લિસ્ટેડ થયેલી સ્ટડ્સ એસેસરીઝ ગઈ કાલે સવા બે ટકા ઘટી ૫૪૮ના તળિયે તથા MTR ફૂડ્સવાળી ઑર્કલા ઇન્ડિયા પણ સવાચાર ટકા તૂટી ૬૭૬ના તળિયે બંધ રહી છે.


