Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજાર ૭૨૪ પૉઇન્ટનો પ્રારંભિક આંચકો પચાવી નીચલા મથાળેથી ૧૨૪૩ પૉઇન્ટ વધ્યું

બજાર ૭૨૪ પૉઇન્ટનો પ્રારંભિક આંચકો પચાવી નીચલા મથાળેથી ૧૨૪૩ પૉઇન્ટ વધ્યું

30 November, 2021 09:52 AM IST | Mumbai
Anil Patel

ટીસીએસ, ઇન્ફી, એચસીએલની ત્રિપુટીના જોરમાં આઇટી ઇન્ડેક્સ પૉઝિટિવ ઝોનમાં બંધ આવ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


માર્કેટ બ્રેડ્થમાં ભારે ખરાબી, બ્રૉડર માર્કેટની ૮૦ ટકા જાત ડાઉન : કોટક મહિન્દ્ર બૅન્કમાં એલઆઇસીને હોલ્ડિંગ વધારવાની છૂટ મળતાં શૅર ટૉપ ગેઇનર બન્યો : બૅન્કિંગ ક્ષેત્રે એક શૅર વધ્યો, સામે ૧૧ જાત ડાઉન, બજાજ-ટ્‍‍વિન્સના ટેકાથી ફાઇ. ઇન્ડેક્સ સુધર્યો : ટીસીએસ, ઇન્ફી, એચસીએલની ત્રિપુટીના જોરમાં આઇટી ઇન્ડેક્સ પૉઝિટિવ ઝોનમાં બંધ આવ્યો : તાતા ટેલિ એકધારી તેજીની સર્કિટે ૧૦૭ની વિક્રમી સપાટીએ : રિલાયન્સ સવા ટકો વધ્યો

સોમવારે શૅરબજાર સારી એવી તોફાની વધઘટ દર્શાવી છેલ્લે ૧૫૩ પૉઇન્ટ જેવા સામાન્ય સુધારે ૫૭૨૬૧ નજીક તો નિફ્ટી ૨૭ પૉઇન્ટ જેવો મામૂલી વધીને ૧૭૦૫૪ નજીક બંધ થયો છે. શુક્રવારના ૧૫૮૮ પૉઇન્ટમાં ચાલુ વર્ષના બીજા મોટા ધબડકા બાદ સેન્સેક્સ ગઈ કાલે સાધારણ નરમ ખૂલી માંડ પાંચેક મિનિટમાં જ ૫૬૩૮૩ની નીચે ચાલી ગયો હતો. ૭૨૪ પૉઇન્ટની આ ખરાબી જોકે ઘણી અલ્પજીવી હતી. માર્કેટ શાર્પ બાઉન્સબૅક દાખવી દસેક મિનિટમાં જ પૉઝિટિવ ઝોનમાં આવી ગયું હતું. ત્યાર પછી બહુધા પૉઝિટિવ ઝોનમાં જ હતું અને ઉપરમાં ૫૭૬૨૬ને વટાવી ગયું હતું. મતલબ કે નીચલા મથાળેથી ૧૨૪૩ પૉઇન્ટ ઊંચકાયું હતું. નિફ્ટી આંક ૧૬૭૮૨ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૧૭૧૬૧ જેવો થયો હતો. બજાર ઝડપી અને નોંધપાત્ર રિકવરીમાં આવવા છતાં આંતરપ્રવાહ ઢીલો ઢફ છે. સેન્સેક્સ-નિફ્ટીના સામાન્ય સુધારાની વચ્ચે સ્મૉલ કૅપ ઇન્ડેક્સ બે ટકાની નજીક તો મિડ કૅપ બેન્ચમાર્ક એકાદ ટકો ડાઉન થયા છે. બ્રોડર માર્કેટનો બીએસઈ-૫૦૦ ઇન્ડેક્સ આમ તો ૦.૩ ટકા કે ૭૫ પૉઇન્ટ જેવો જ નરમ હતો, પરંતુ તેની લગભગ ૮૦ ટકા જાત માઇનસ રહી છે. માર્કેટ બ્રેડ્થ ઘણી બગડેલી હતી. એનએસઈમાં વધેલા ૪૪૫ શૅરની સામે આશરે ૧૬૦૦ શૅર નેગેટિવ ઝોનમાં હતા. મુખ્યત્વે આઇટી અને મહેમાન ક્લાકાર તરીકે કન્ઝ્યુમર ડ્યુરેબ્લસ, અૅનર્જી, ટેલિકૉમ, ટેક્નોલૉજી ઇન્ડાઇસીસ થોડાક સુધર્યા હતા, બાકી બધું ખરડાયેલું હતું. ખાસ કરીને રિયલ્ટી, યુટિલિટીઝ, પાવર, ઑઇલ-ગૅસ, ફાર્મા, હેલ્થકૅર સવિશેષ નબળા હતા. સેન્સેક્સ-નિફ્ટીની રીતે બજાર સુધારામાં રહ્યું હોવા છતાં માર્કેટ કૅપ ગઈ કાલે ૧.૯૧ લાખ કરોડ ઘટીને ૨૫૬.૯૪ લાખ કરોડ નોંધાયું છે જે બજારનો અંડરટોન ખરાબ હોવાનું પુરવાર કરે છે. 
એલઆઇસી કોટક મહિન્દ્ર બૅન્કમાં હોલ્ડિંગ બેવડાવશે
રિઝર્વ બૅન્ક તરફથી એલઆઇસીને કોટક મહિન્દ્ર બૅન્કમાં હાલનો ૪.૯૬ ટકાનો હિસ્સો વધારીને ૯.૯૯ ટકા કરવાની મંજૂરી આપવામાં આવી છે. કોટક મહિન્દ્ર બૅન્ક બમણા વૉલ્યુમે ૨૦૪૩ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ત્રણેક ટકાની તેજીમાં ૨૦૨૦ બંધ આપી બન્ને મેન બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. એચડીએફસી બૅન્ક પોણો ટકો વધીને ૧૫૦૧ હતી. સામે પક્ષે એક્સીસ બૅન્ક ૧.૭ ટકા, સ્ટેટ બૅન્ક સવા ટકો, ઇન્ડ્સઇન્ડ બૅન્ક પોણા ટકાની નજીક તો આઇસીઆઇસીઆઇ બૅન્ક અડધો ટકો ડાઉન હતા. બૅન્ક નિફ્ટી બારમાંથી ૧૦ શૅરના ઘટાડે ૪૯ પૉઇન્ટ ઘટીને ૩૫૯૭૬ બંધ આપતાં પહેલાં ઇન્ટ્રા-ડેમાં ૩૫૩૨૮ની અંદર ઊતરી ગયો હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી બે ટકા ધોવાયો છે. પંજાબ-સિંધ બૅન્કના પાંચ પૈસાના પરચૂરણ સુધારાને બાદ કરતાં અત્રે બાકીના બાર શૅર માઇનસમાં હતા. સમગ્ર બૅન્કિંગ સેક્ટરમાં વધેલા પ્રત્યેક શૅર સામે ૧૧ જાતો નરમ હતી. અત્રે ૩૬માંથી ૩૩ શૅર ડાઉન હતા. આઇડીબીઆઇ બૅન્ક સર્વાધિક સવા પાંચ ટકા, ધનલક્ષ્મી બૅન્ક પાંચ ટકા, જેકે બૅન્ક તેમ જ કર્ણાટક બૅન્ક પોણા પાંચ ટકા, ઉજ્જીવન સ્મૉલ બૅન્ક તથા સૂર્યોદય સ્મૉલ બૅન્ક સાડા ચાર ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર અને સાઉથ ઇન્ડિયન બૅન્ક પોણા ચાર ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા તેમ જ સીએસબી બૅન્ક સવા ત્રણ ટકા તો કરૂર વૈશ્ય અને બૅન્ક ઑફ બરોડા ત્રણેક ટકા ધોવાયા હતા. 
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૨૦માંથી ૧૬ શૅર પ્લસમાં આપીને ૨૧ પૉઇન્ટ ઢીલો હતો. બજાજ ફાઇ. દોઢેક ટકા અને બજાજ ફિનસર્વ સવા ટકો વધ્યા છે. પલાની ઇન્વેસ્ટમેન્ટ ૧૬.૬ ટકાની તેજીમાં ૨૨૦૬, પીએનબી હાઉસિંગ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૫૨૫ તો પૈસા લો ડિજિટલ ત્રણ ટકા વધી ૯૯૪ બંધ હતા. એન્જલ વન, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, એડલવીસ, જિઓજિત, આઇઆઇએફએલ વેલ્થ, રિલાયન્સ કેપિટલ, પૂનાવાલા ફિનકોર્પ, આઇઆઇએફએલ, સ્પંદન, ધનવર્ષા, જેએમ ફાઇ. જેવી જાતો પાંચથી સાત ટકા તો ટુરિઝમ ફાઇ. કૉર્પોરેશન પોણા અગિયાર ટકા તૂટ્યા હતા.
ગણ્યા-ગાંઠ્યા હેવીવેઇટ્સે આઇટીની આબરૂ જાળવી
આઇટી ઇન્ડેક્સ સોમવારે ૨૨૦ પૉઇન્ટ કે ૦.૭ ટકા જેવો વધ્યો છે, જોકે અહીં ૬૦માંથી ૪૬ કાઉન્ટર માઇનસમાં હતા. ટીસીએસ દોઢ ટકાથી વધુના સુધારામાં ૩૫૦૧ નજીક બંધ થતાં આઇટી આંકને ૧૨૩ પૉઇન્ટનો ફાયદો થયો હતો. એચલીએલ ટેક્નોલૉઝીસ સવા બે ટકા અને ઇન્ફી ૦.૪ ટકા કે સાડા છ રૂપિયા સુધરતા તેમાં બીજા ૧૦૯ પૉઇન્ટનો ઉમેરો થયો છે. વિપ્રો દોઢ ટકો અને ટેક મહિન્દ્ર સવા ટકો અપ હતા. સામે પક્ષે ઓલસેક, કેપીઆઇટી ટેક્નો, એજીસી નેટ, બ્રાઇટકૉમ, ઓરમ પ્રોપટેક, તાન્લા પ્લૅટફૉર્મ, રામકો સિસ્ટમ્સ, ન્યુક્લીઅસ, સુબેક્સ, ઇન્ટલેક્ટ ડિઝાઇન, ઇક્લેરેક્સ, ડેટામેટિક્સ, એક્સેલ્યા, આરપીએસજી વેન્ચર્સ, ન્યુજેન, સાયબરટેક જેવા લગભગ બે ડઝન કાઉન્ટર સાડા ચાર ટકાથી લઈને સાડા આઠ ટકા સુધી ખરાબીમાં બંધ હતા. ટેલિકૉમમાં તાતા ટેલિ સર્વિસિસ સતત પાંચ ટકાની ઉપલી સર્કિટ મારતો રહી ગઈ કાલે ૧૦૭ નજીક નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. વોડાફોન ત્રણ ટકા, ઇન્ડ્સ ટાવર એક ટકો અને ભારતી અૅરટેલ સાધારણ વધ્યા હતા. તેજસ નેટ પાંચ ટકાની નીચલી સર્કિટે ૪૪૧ નીચે બંધ આવ્યો છે. જીટીપીએલ, આર.કોમ, વિન્દ્ય ટેલિ, એચએફસીએલ પોણા ચારથી સાડા ચાર ટકા સુધી કટ થયા હતા. આઇટી હેવીવેઇટ્સની હૂંફ તથા વોડાફોન અને ભારતીના ટેકાથી ટેક્નોલૉજી ઇન્ડેક્સ ૨૮માંથી ૧૮ શૅર ઘટવા છતાં ૧૦૨ પૉઇન્ટ વધ્યા છે. અત્રે નેટવર્ક-૧૮ મીડિયા આઠ ટકા, ડીશ ટીવી ૩.૭ ટકા, ઝી એન્ટર ૩.૭ ટકા, જસ્ટ ડાયલ ૩.૩ ટકા, પીવીઆર એક ટકો, એફલે ૫.૪ ટકા ડાઉન હતા. 
હેલ્થકૅરમાં પ્રૉફિટ બુકિંગ, સનફાર્મા ટૉપ લૂઝર
ગઈ કાલે બીએસઈનો હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૦માંથી ૬૯ શૅરની નબળાઈમાં અડધો ટકો કે ૧૫૧ પૉઇન્ટ ઢીલો પડ્યો છે. સનફાર્મા બે ટકાથી વધુની ખરાબીમાં ૭૫૧ નજીક બંધ આપી સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર તો નિફ્ટી ખાતે સેકન્ડ વર્સ્ટ પર્ફોમર બન્યો છે. લૌરસ લેબ ચાર ટકા, અરબિંદો ફાર્મા ૩.૩ ટકા, ડૉ. રેડ્ડીઝ લેબ એક ટકો, લુપિન અઢી ટકા, કેડિલા હેલ્થકૅર સાડા ત્રણ ટકા, ગ્લેનમાર્ક ફાર્મા ૩.૬ ટકા, એસ્ટરડીએમ સાડા છ ટકા, વિનસ રેમેડીઝ પાંચ ટકા તથા સિપ્લા નજીવો ઘટ્યો હતો. સામે ડૉ. લાલ પેથલેબ્સ સવા છ ટકા, પોલિમેડ પાંચ ટકા, ઇપ્કા લેબ પાંચ ટકા, પેનેસિયા બાયો પાંચ ટકા, નારાયણ હૃદયાલય સવા ત્રણ ટકા, ગ્લેન્ડ ફાર્મા ત્રણ ટકા, ફાઇઝર પોણા ત્રણ ટકા અને એસ્ટ્રાઝેનેકા અઢી ટકા વધ્યા છે. લાયકા લેબ્સ રાબેતા મુજબ ઉપલી સર્કિટે પાંચ ટકા વધી ૧૫૭ના નવા બેસ્ટ લેવલે બંધ હતો.
પાવર ઇન્ડેક્સ ખાતે એબીબી સાડા ચાર ટકા અને સિમેન્સ ૧.૭ ટકા વધ્યા છે, બાકીની બાર જાતો અંધારપટમાં હતી. અદાણી ટ્રાન્સમિશન પાંચ ટકાની નીચલી સર્કિટે ૧૯૦૩ બંધ હતો. તાતા પાવર ૩.૮ ટકા, અદાણી પાવર ત્રણ ટકા, આઇઇએક્સ ૨.૯ ટકા, ભેલ ૨.૯ ટકા, અદાણી ગ્રીન દોઢ ટકો, એનટીપીસી પોણા બે ટકા ડાઉન હતા. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ વિશ્વબજારમાં ક્રૂડના ધબડકાના પગલે દોઢ ટકો લપસ્યો છે. રિલાયન્સ સવા ટકો વધી ૨૪૪૨ તો ગુજરાત ગૅસ અડધો ટકો સુધરી ૬૬૦ બંધ હતા. બાકીની આઠ જાત નરમ હતી. અદાણી ટોટલ ગૅસ ચાર ટકા, ગેઇલ અને ભારત પેટ્રો અઢી ટકા, ઓએનજીસી ૨.૪ ટકા, હિન્દુ. પેટ્રો ૧.૯ ટકા, ઇન્ડિયન ઑઇલ પોણા બે ટકા ખરડાયા છે. અૅનર્જી ઇન્ડેક્સ ૨૫માંથી માત્ર ચાર શૅર (મુખ્યત્વે રિલાયન્સ) પ્લસમાં આવી ૩૨ પૉઇન્ટ વધીને બંધ રહ્યો છે. ઑઇલ ઇન્ડિયા પોણા ત્રણ ટકા જેવા સુધારામાં ૨૦૩ હતો. સામે પનામા પેટ્રો સવા સાત ટકા, મૅન્ગલોર રિફા. સવા પાંચ ટકા, જીએમડીસી પોણા ચાર ટકા, ચેન્નઈ પેટ્રો સાડા ત્રણ ટકા માઇનસ હતા. 





Whatsapp-channel Whatsapp-channel

30 November, 2021 09:52 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK