Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મેટલ, ઑટો અને આઇટીના સથવારે બજારે સુધારાની ચાલ જાળવી રાખી

મેટલ, ઑટો અને આઇટીના સથવારે બજારે સુધારાની ચાલ જાળવી રાખી

07 May, 2021 10:25 AM IST | Mumbai
Anil Patel

પરિણામ પૂર્વે હીરોમોટો કૉર્પમાં સાડાચાર ટકાનો ઊભરો આવ્યો, ઑટો શૅરોમાં દેખીતા કારણ વગરની તેજી : એન્જલ બ્રોકિંગ ૨૦ ટકાની ઉપલી સર્કિટે નવા શિખરે, કોફોર્જ તગડા વૉલ્યુમ સાથે ૧૭.૫ ટકા અપ

બીએસઈ

બીએસઈ


બે-ત્રણ દિવસની નહીંવત્ રાહત આપીને કોરોના ફરીથી એના વરવા સ્વરૂપમાં આવી ગયો છે. નવા કેસની સંખ્યામાં બિહામણો વધારો શરૂ થઈ ગયો છે. ચૂંટણી પછી કેન્દ્ર સરકાર કોરોનાના મામલે ગંભીરતાથી સત્વર કામે લાગશે, યુદ્ધના ધોરણે પગલાં લેશે એવી આશા હજી સુધી ઠગારી નીવડી છે. કાં તો સરકાર ઘટતું કરવા સક્ષમ નથી, અગર તો તેની દાનત નથી. બસ એ જ, બુદ્ધિ-શૂન્ય લવારાબાજી અને ખુદગર્જીનું જથ્થાબંધ ઉત્પાદન કરતા પ્રચારતંત્રના પ્રૉપગૅન્ડા સિવાય નક્કર કશું જ નહીં. બિહાર પછી હરિયાણા અને હિમાચલ પ્રદેશ લૉકડાઉનના માર્ગે આવ્યા છે. ગુજરાતમાં બહુ વિચિત્ર હાલત છે. અહીં એમ્બ્રૉઇડરી મશીનો ચાલુ છે, ટેક્સટાઇલ માર્કેટ બંધ છે. હીરાનાં કારખાનાં ચાલુ છે, હીરાબજાર બંધ છે. વાહનવ્યવહાર ચાલુ છે, ગૅરેજ બંધ છે. કન્સ્ટ્રક્શન સાઇટ્સ ચાલુ છે, સિમેન્ટ, લોખંડ અને મટીરિયલ્સની દુકાનો બંધ છે. ફી ચાલુ છે, શાળા-કૉલેજો બંધ છે. અંધેરનગરીનો વહીવટ પણ કદાચ આનાથી સારો હશે. સંપૂર્ણ લૉકડાઉન નાખવા સામે સરકારને ખરેખર વાંધો શો છે એ જ સમજાતું નથી.

કોરોનાની સેકન્ડ વેવનું પિક આવ્યું નથી ત્યાં હવે થર્ડ વેવ આવવાના અમંગળ વરતારા વૈજ્ઞાનિકો તરફથી આવવા લાગ્યા છે. દેશના આર્થિક વિકાસના અંદાજોમાં ડી-ગ્રેડિંગ શરૂ થઈ ગયાં છે. આગળ ઉપર ૧૧-૧૨ ટકાના જીડીપી ગ્રોથનું સ્થાન ૮-૯ ટકાની ધારણા લે તો નવાઈ નહીં. પરિસ્થિતિ નાજુક છે અને વધુ ને વધુ બદતર બનવાની દહેશત છે. આમ છતાં શૅરબજાર કાંઈક અલગ દુનિયામાં જીવે છે. મીનિંગફુલ કરેક્શન ક્યારનુંય પાકી ગયું છે, પરંતુ કયાંક કંઈક ખેલ ચાલે છે. બજારને ટકાવી રાખવાની મમત કામે લાગી છે. કરેક્શન જેટલું લેટ થશે એટલી ખુવારી વધુ મોટી હશે એ ખાસ યાદ રાખજો.



અદાણી પોર્ટ્સ અને તાતા મોટર્સ નેગેટિવ સમાચારથી બે-અસર
બજારો ગુરુવારે ૨૦૦ પૉઇન્ટ જેવી ગૅપમાં ઉપર ખૂલ્યા બાદ ઉપરમાં ૪૯૦૧૧ અને નીચામાં ૪૮૬૧૪ થઈ અંતે ૨૭૨ પૉઇન્ટ વધીને ૪૮૯૫૦ નજીક બંધ આવ્યું છે. નિફ્ટી ૧૦૭ પૉઇન્ટ વધી ૧૪૭૨૫ રહ્યો છે. સેન્સેક્સમાં ૩૦માંથી ૧૮ અને નિફ્ટીના ૫૦માંથી ૩૫ શૅર પ્લસ હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ જોવા મળી છે. એનએસઈમાં ૧૦૬૭ શૅર પ્લસ હતા સામે ૭૯૦ જાતો ડાઉન હતી. દરમ્યાન ગંગાવરમ પોર્ટને ટેકઓવર કરવાની અદાણી પોર્ટ્સની યોજનામાં અવરોધ આવ્યો હોવાના અહેવાલ છે. ગંગાવરમમાં ૫૮.૧ ટકા હોલ્ડિંગ ધરાવતા પ્રમોટર ડીવીએસ રાજુને ડીલની રકમના ૫૦ ટકા હવે કૅશ જોઈએ છે. ૩૬૦૪ કરોડની આ ડીલમાં અગાઉ રોકડને બદલે અદાણી પોર્ટ્સના શૅર આપવાનું નક્કી થયું હતું. અદાણી પોર્ટનો શૅર ગઈ કાલે સહેજ વધીને ૭૪૦ રૂપિયા બંધ હતો. એક અન્ય મહત્ત્વના અહેવાલ પ્રમાણે કૉમ્પિટિશન કમિશન (સીસીઆઇ) તરફથી તાતા મોટર્સ સામે અનુચિત વ્યાપાર પ્રયુક્તિ અને પ્રવૃત્તિ બદલ તપાસનો આદેશ જારી કરાયો છે. તાતા મોટર્સનો ભાવ નીચામાં ૨૯૦ અને ઉપરમાં ૩૦૨ થઈ અંતે ૩.૩ ટકા વધીને ૩૦૧ રૂપિયા બંધ આવ્યો છે. કોવિડ ટ્રીટમેન્ટ માટેની કૉકટેલ ડ્રગ્સ બનાવતી જર્મન મ‌લ્ટિ નૅશનલ રોશની પ્રોડક્ટસના ભારતમાં વેચાણ માટેના હક્ક સિપ્લાએ મેળવ્યા હોવાના સમાચારમાં શૅર પ્રારંભિક મજબૂતીમાં ૯૧૬ વટાવી ગયો હતો. ભાવ છેલ્લે અડધો ટકો ઘટી ૮૮૫ રૂપિયા બંધ આવ્યો છે.


તાતા સ્ટીલ પરિણામ પાછળ નવા શિખરે, મેટલ શૅર તેજીમાં
તાતા સ્ટીલે માર્ચ ક્વૉર્ટરમાં અગાઉની ૧૪૮૧ કરોડની નેટલૉસ સામે આ વખતે ૬૬૪૪ કરોડનો કન્સોલિડેટેડ ધોરણે નેટ પ્રૉફિટ કરી ધારણા કરતાં સારો દેખાવ કરતાં શૅર ગઈ કાલે બમણા કામકાજમાં ૧૧૨૯ના નવા બેસ્ટ લેવલે જઈ અંતે ૩.૨ ટકા વધી ૧૧૦૩ રૂપિયા બંધ રહ્યો છે. એની લગભગ ૭૩ માલિકીની સબસિડિયરી તાતા સ્ટીલ બીએસએલ જોકે ૬.૮ ટકા ઘટી ૮૭ રૂપિયા તો લગભગ ૭૫ ટકા માલિકીવાળી તાતા સ્ટીલ લૉન્ગ પ્રોડક્ટ્સ ૧૦૨૪ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી બે ટકા વધી ૯૯૫ રૂપિયા બંધ આવી છે. પિયર ગ્રુપમાં સેઇલ ૩.૬ ટકા ઊછળી ૧૩૫ રૂપિયા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૭૪૨ પ્લસની નવી ટૉપ બનાવી બે ટકા વધીને ૭૩૧ રૂપિયા, જિન્દલ સ્ટીલ પાંચ ટકાના જમ્પમાં ૪૬૧ રૂપિયા બંધ હતા. ટિનપ્લેટ ઉપરમાં ૨૧૫ થઈ પાંચ ટકા વધીને ૨૧૩ હતો. મુકંદમાં ત્રણ ટકાની નરમાઈ હતી. નૉન-ફેરસ મેટલ સેગમેન્ટમાં હિન્દાલ્કો ૩૮૯ થઈ છેલ્લે ૫.૭ ટકાની મજબૂતીમાં ૩૮૮ રૂપિયા, નાલ્કો ૨.૯ ટકા વધી ૬૯ રૂપિયા, વેદાન્તા દોઢ ટકો સુધરી ૨૬૯ રૂપિયા, હિન્દુસ્તાન ઝિન્ક ૨.૭ ટકા વધી ૨૯૬ રૂપિયા, હિન્દુસ્તાન કૉપર ૩.૫ ટકાના ઉછાળે ૧૫૭  રૂપિયા બંધ હતા. એનએમડીસી બમણા કામકાજમાં ૧૭૫ની વર્ષની ટૉપ બતાવી ૧.૭ ટકા વધી ૧૭૦ હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ ૫૧૧૮ની નવી ઊંચી સપાટી હાંસલ કરી અંતે અઢી ટકા ઊછળી ૫૦૯૫ બંધ રહ્યો છે. એની ૧૫માંથી ૧૨ જાતો પ્લસ હતી. બીએસઈનો મેટલ ઇન્ડેક્સ પણ ૧૮૭૬૫ની મલ્ટિયર ટૉપ બાદ ૨.૭ ટકા વધી ૧૮૬૬૮ હતો.

આઇડીબીઆઇ બૅન્કમાં ૧૫ ટકાનો કરન્ટ ટક્યો નહીં, બૅન્ક નિફ્ટી ફ્લૅટ
આઇડીબીઆઇ બૅન્કમાં સરકાર ૪૫.૫ ટકા તથા એલઆઇસી ૪૯.૨ ટકા એમ બન્ને મળીને ૯૪.૭ ટકાનો હિસ્સો ધરાવે છે. સરકારે એનો હિસ્સો વેચી મારવા તથા એલઆઇસીએ એનું હો‌લ્ડિંગ ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ અહેવાલ પાછળ શૅર ગઈ કાલે પ્રારંભે ૧૫ ટકા જેવા ઉછાળામાં ૪૩.૫૦ થઈ ગયો હતો. જોકે પછીથી ભાવ ૬.૭ ટકા વધીને ૪૦.૫૦ રૂપિયા જ બંધ રહી શક્યો છે. રિઝર્વ બૅન્કના સ્ટિમ્યુલસ પૅકેજની ખુશી આગલા દિવસે સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક શૅર પ્રમાણમાં સારા વધ્યા હતા, પણ ગઈ કાલે સ્થિતિ નૉર્મલ થઈ ગઈ છે. એયુ બૅન્ક દોઢ ટકો વધીને ૯૫૭ રૂપિયા, ઉજ્જીવન સ્મૉલ ફાઇ. બૅન્ક ૧.૭ ટકા ઘટી ૨૯ રૂપિયા, ઇક્વિટાસ સ્મૉલ બૅન્ક સાધારણ નરમાઈમાં ૫૮ રૂપિયા તો સૂર્યોદય સ્મૉલ બૅન્ક બે ટકા ઘટીને ૨૪૧ બંધ હતા. બૅન્ક નિફ્ટી ઉપરમાં ૩૨૯૫૬ થયા બાદ ૪૪ પૉઇન્ટ વધીને ૩૨૮૨૮ બંધ રહ્યો છે. એની ૧૨માંથી ૭ જાતો પ્લસ હતી. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૩માંથી ૭ શૅરની નરમાઈ વચ્ચે સવા ટકો નરમ હતો. સમગ્ર બૅન્કિંગ સેગમેન્ટની ૩૫માંથી ૨૦ સ્ક્રિપ્સ ગુરુવારે પ્લસ હતી. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, યુકો બૅન્ક, કરુર વૈશ્ય, પંજાબ-સિંધ બૅન્ક, જેકે બૅન્ક એકથી પોણાબે ટકા પ્લસ હતા. બંધન બૅન્ક ઘટાડાની ચાલ આગળ ધપાવતાં ૫.૪ ટકા ડૂલ થઈને ૨૯૫ હતો. પીએનબી, યસ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, યુનિયન બૅન્ક, કૅનેરા બૅન્ક, સાઉથ ઇન્ડિયન દોઢથી ૨.૮ ટકા માઇનસ હતા. ફાઇનૅન્સ સેગમેન્ટમાં એન્જલ બ્રોકિંગ પરિણામના જોરમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૫૦૮ રૂપિયાની નવી ટોચે બંધ આવ્યો છે.


કોફોર્જ ઇન્ટ્રા-ડેમાં વૉલ્યુમ સાથે ૫૫૬ રૂપિયા ઊછળ્યો
કોફોર્જ (અગાઉની નીટ ટેક્નૉલૉજીઝ) સારા પરિણામના જોરે ૨૮૯૨ના આગલા બંધ સામે ગઈકાલે ૩૪૪૮ની સર્વોચ્ચ સપાટી નોંધાવી અંતે ૧૭.૫ ટકાની તેજીમાં ૩૩૯૭ રૂપિયા બંધ રહ્યો છે. વૉલ્યુમ સરેરાશ કરતાં ૧૬ ગણું હતું. ડેટામેટિક્સ ૧૬.૫ ટકા, સુબેક્સ ૧૨.૬ ટકા, માસ્ટેક ૧૩.૫ ટકા અને ઇન્ટલેક્ટ ડિઝાઇન ૧૪.૨ ટકા મજબૂત હતા. હેવીવેઇટ્સમાં ઇન્ફી ઉપરમાં ૧૩૬૪ થઈ દોઢ ટકો વધીને ૧૩૬૧ રૂપિયા, ટીસીએસ ૩૧૩૪ થયા બાદ અડધો ટકો વધી ૩૧૧૧ રૂપિયા, તો વિપ્રો ૫૧૫ના બેસ્ટ લેવલને હાંસલ કરી ૫૧૨ રૂપિયા બંધ હતા. લાર્સન ઇન્ફોટેક પરિણામના વસવસામાં અઢી ટકા ડાઉન હતો. તાતા ઍલેક્સી પ્રૉફિટ-બુકિંગમાં ૩૭૫૬ રહ્યો છે. ટેક મહિન્દ્રામાં ૧.૭ ટકાનો સુધારો હતો. બીએસઈનો આઇટી ઇન્ડેક્સ ઉપરમાં ૨૬૮૯૦ બનાવી અંતે દોઢ ટકો વધી ૨૬૭૯૮ બંધ આવ્યો. નિફ્ટી આઇટી બેન્ચમાર્ક ૧૦માંથી ૮ શૅરની આગેકૂચ વચ્ચે ૪૭૧ પૉઇન્ટ કે ૧.૮ ટકા લૉગ-ઇન થયો છે.

હીરો મોટોકૉર્પ રિઝલ્ટ પૂર્વે સાડાચાર ટકા મજબૂત
કોરોના અને લૉકડાઉનના પગલે ઑટો કંપનીઓએ ઉત્પાદન હંગામી ધોરણે બંધ કર્યું છે. ડિમાન્ડ સાઇકલ નૉર્મલ થતાં વાર લાગશે. જૂન ક્વૉર્ટરનાં પરિણામ ઝમકવિહોણા હશે. કૉમોડિટીના વધતા ભાવનો સંપૂર્ણ બોજ ગ્રાહકો પર નાખવાની સ્થિતિમાં ન હોવાથી ઑટો કંપનીઓ એક વધુ ગેરલાભમાં છે. ઇન શૉર્ટ, ઑટો શૅરમાં ફૅન્સી માટે કોઈ જ કારણ દેખાતું નથી. વધ-ઘટે ઘસારાને મોટો અવકાશ દેખાય છે. જોકે ગઈ કાલે બીએસઈનો ઑટો ઇન્ડેક્સ ૧.૮ ટકા વધીને બંધ રહ્યો છે. પરિણામ પૂર્વે હીરો મોટોકૉર્પ બમણા કામકાજમાં ઉપરમાં ૨૯૨૨ થઈ ૪.૫ ટકાની મજબૂતીમાં ૨૯૧૩ બંધ હતો. જોકે આ ઉછાળો ઊભરા જેવો નીવડવાનો છે એ લખી રાખજો. ટીવીએસ મોટર ૩.૭ ટકા, આઇશર મોટર ત્રણ ટકા, બજાજ ઑટો અઢી ટકા અપ હતા. મારુતિ સુઝુકી એક ટકો વધીને ૬૬૬૬ રૂપિયા બંધ રહ્યો છે. મહિન્દ્ર ફ્લૅટ હતો. અશોક લેલૅન્ડમાં દોઢ ટકાનો સુધારો થયો છે. નિફ્ટી ઑટો ઇન્ડેક્સ ૧૫માંથી ૧૩ શૅર પ્લસમાં આવીને ૧.૮ ટકા ઊંચકાયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2021 10:25 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK