° °

આજનું ઇ-પેપર
Sunday, 26 September, 2021


માર્કેટમાં મૅડનેસ ચાલી રહી છે!

02 August, 2021 04:20 PM IST | Mumbai | Jayesh Chitalia

નેગેટિવ સંજોગો-પરિબળોની તો જાણે બજારને ફિકર જ નથી. અહીં તો ચીનમાં કંઈક થયું ને એશિયન માર્કેટ ગબડ્યું, યુએસમાં કંઈક બન્યું ને ભારતીય માર્કેટ તૂટ્યું અને રિકવર પણ થઈ ગયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

માર્કેટમાં છેલ્લાં દોઢેક વરસથી તેજી ચાલી રહી છે એ તો નજર સામે છે, પરંતુ હવે તો જે પ્રમાણે આઇપીઓ છલકાય છે અને તેના ભાવ ઉછાળા મારે છે એ જોતાં માર્કેટ મૅડ થયું હોવાનું લાગે છે, જે કારણ સાથે અને કારણ વિના પણ વધે છે. નેગેટિવ સંજોગો-પરિબળોની તો જાણે બજારને ફિકર જ નથી. અહીં તો ચીનમાં કંઈક થયું ને એશિયન માર્કેટ ગબડ્યું, યુએસમાં કંઈક બન્યું ને ભારતીય માર્કેટ તૂટ્યું અને રિકવર પણ થઈ ગયું. અલબત્ત હાલ લોકલ કરતાં ગ્લોબલ ચિંતા વધુ છે, પરંતુ માર્કેટનો મૂડ તેજીનો જ છે, ભલે હોય, પણ ગાંડાનો ભરોસો કેટલો કરાય?

ગયા સોમવારે બજારનો ટ્રેન્ડ વૉલેટાઇલ રહ્યો હતો, નબળાં ગ્લોબલ સંકેતોને લીધે ભારતીય માર્કેટમાં છેલ્લા કલાકમાં વેચવાલી આવતાં સેન્સેક્સ ૧૨૩ પૉઇન્ટ અને નિફ્ટી ૩૧ પૉઇન્ટ નીચે બંધ રહ્યા હતા. ચીને તેના રેગ્યુલેશન કડક કરતાં ત્યાં શિક્ષણ, ટેક અને પ્રૉપર્ટી સેક્ટરના સ્ટૉક્સમાં કડાકા બોલાયા હતા. જ્યારે કે બજારની નજર યુએસ ફેડરલ રિઝર્વની આગામી બેઠકમાં એસેટ્સ ખરીદી વિશે શું નિર્ણય આવે છે તેના પર હતી. બાકી ક્વૉર્ટરલી પરિણામની મોસમ ચાલુ થઈ ગઈ હોવાથી તેની પણ અસર હતી. અલબત્ત પ્રૉફિટ બુકિંગની ભૂમિકા પણ ખરી. મંગળવારે પણ એશિયન બજારોની નરમાઈને પગલે ભારતીય

શૅરબજારમાં પણ ઢીલાશ હતી. સાધારણ વધઘટ સાથે સેન્સેક્સ ૨૭૩ પૉઇન્ટ અને નિફ્ટી ૭૮ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા.

ચીન-હૉન્ગકૉન્ગની અસર

બુધવારે ચીન-હૉન્ગકૉન્ગ ઇફેક્ટ વધુ જોવાઈ હતી, માર્કેટે કડાકાના દર્શન કરાવ્યા હતા. આમાં પ્રૉફિટ બુકિંગનો હાથ પણ ખરો. સેન્સેક્સ ૫૨૦૦૦ની નીચે ઊતરી ગયો હતો. ચીન સરકાર દ્વારા ત્યાંની ટેક કંપનીઓ-એજ્યુકેશન કંપનીઓ પર મુકાયેલા અંકુશોને પરિણામે યુએસમાં લિસ્ટેડ ચાઇનીઝ કંપનીઓ પર પણ અસર થઈ હતી. ચીનની બજાર એટલી વિશાળ છે કે તેના પગલાંની ગ્લોબલ અસર થયા વિના રહી શકે નહીં. ૬૦૦ પૉઇન્ટથી વધુ તૂટીને ૫૨૦૦૦ની નીચે ગયેલો સેન્સેક્સ રિકવર થઈને અંતમાં માત્ર ૧૩૫ પૉઇન્ટ માઇનસ રહ્યો હતો. ૨૦૦ પૉઇન્ટ જેટલો નીચે જઈને નિફ્ટી માત્ર ૩૭ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યો હતો. ગુરુવારે બજારની શરૂઆત પૉઝિટિવ થઈ હતી. ચીન અને યુએસ ફેડરલની મેટર ઠંડી પડતાં ગ્લોબલ માર્કેટમાં પણ રિકવરીના અણસાર આવ્યા હતા, જ્યારે કે ભારતીય માર્કેટમાં ગુરુવારે તેજીવાળાઓએ પુનઃ બાજી હાથમાં લઈ લેતાં સેન્સેક્સ ૨૦૯ પૉઇન્ટ અને નિફ્ટી ૬૯ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. શુક્રવારે માર્કેટ ફરી પૉઝિટિવ ખૂલ્યું હતું. ચીનની અસર બદલાઈ અને યુએસ ફેડરલે તેની હળવી નીતિ ચાલુ રાખવાના સંકેત આપતા ભારતીય બજારને ઘટતાં અટકી જવાનું કારણ મળ્યું. બીજી બાજુ વિવિધ મોટાં શહેરોમાં અનલૉકનો આરંભ થતાં બિઝનેસ વધવાની આશા સક્રિય બની. ઇકૉનૉમીની રિકવરીના સંકેત સારી અસર કરશે. અલબત્ત માર્કેટ બંધ થતી વખતે સેન્સેક્સ ૬૬ પૉઇન્ટ ઘટી ૫૨૫૮૬ અને નિફ્ટી ૧૫ પૉઇન્ટ ઘટીને ૧૫૭૬૩ બંધ રહ્યા હતા. ટ્રેડિગ સમય દરમ્યાન સેન્સેક્સ ૫૨૯૧૦ સુધી જઈને પાછો ફર્યો હતો. હવે નવા સપ્તાહમાં મહત્તમ નજર આઇપીઓ પર રહેશે. પરિણામે બજારની વધઘટ પણ વીતેલા સપ્તાહ જેવી જ રહે તો નવાઈ નહીં. નવા કોઈ ટ્રિગર પૉઇન્ટ દેખાતા નથી.

માર્કેટ માટે બૅડ ન્યુઝ, નો ન્યુઝ

૨૦૨૧-’૨૨ માટે ભારતના જીડીપી ગ્રોથરેટનો અંદાજ આઇએમએફ (ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડ) એ અગાઉના ૧૨.૫ ટકા સામે ઘટાડીને ૯.૫ ટકા કરી દીધો હોવાના અહેવાલ બહાર આવ્યા હતા, જોકે ફન્ડે વૈશ્વિક ગ્રોથરેટનો અંદાજ છ ટકા જાળવી રાખ્યો. વિશ્વના ચોક્કસ દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટના ફેલાવાનો ભય પણ માથે ઊભો છે જે રિકવરી અંગેની આશા પર પાણી ફેરવી શકે છે. દરમ્યાન ભારતના જીડીપી અંદાજના ઘટાડા માટે સેકન્ડ વેવને મુખ્ય કારણ ગણાવવામાં આવવા ઉપરાંત ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડે ભારતની ઇકૉનૉમિક રિકવરી ધીમી પડવાની નિરાશા પણ દર્શાવી છે. જોકે શૅરબજારને આવા સમાચારોની કોઈ અસર થતી નથી.

ઝોમૅટોના ભાવ સામે સવાલ થવા જોઈએ

ઝોમૅટોના આઇપીઓને ભલે અસાધારણ સફળતા મળી, તેનું માર્કેટ કૅપ એક લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું, તેના ભાવ સતત વધતા રહ્યા, તેમ છતાં આ સફળતા સામે શંકા થાય એવું છે, કારણ કે આ કંપની ખોટ કરતી કંપની છે, એટલું જ નહીં તેની ખોટ હજી આગામી વર્ષોમાં પણ ચાલુ રહેવાની ધારણા મુકાય છે. જો જંગી ખોટ સાથે પણ કંપની સફળ થઈ જતી હોય તો એ વિચારવાનો ગંભીર મુદો બને છે, જાણે ફન્ડામેન્ટલ્સનો કોઈ અર્થ જ નથી. આવી તો ઘણી ખોટ કરતી કંપનીઓ હવે પછી મૂડીબજારમાં આવવાની છે. આવા શૅરના ભાવઉછાળા સંબંધી કોઈ ઑપરેટરોની રમત હોવાની શંકા પણ થઈ શકે, કારણ કે અત્યાર સુધી તેમાં રોકાણ ધરાવનાર વેન્ચર ફન્ડસ સહિતના મોટા ઇન્વેસ્ટરોએ તેમાંથી છૂટા થવું હોય તો ભાવ ઉછાળવાનો માર્ગ તેમની માટે જરૂરી હતો. આમ થાય તો જ તેઓ કમાણી કરી શકે. અત્યારે પણ ઝોમૅટોના શૅરને મલ્ટિબેગર ગણાવી તેની ભલામણ થઈ રહી છે. લોકો લિસ્ટિંગ બાદ વધેલા ભાવે પણ તે ખરીદવા લાગ્યા છે. આ જોખમ આગળ જતા કયા ભાવે ભારે પડશે તે કળવું કઠિન છે.  

ટૂંકમાં વધુ આઇપીઓ

માર્કેટ સેન્ટિમેન્ટને ધ્યાનમાં રાખી આઇપીઓની લાઇન તો લાગી જ છે, તેમાં વળી કંપનીઓને દોડવું હતું ને ઢાળ મળ્યો. આગામી ૧૬ ઑગસ્ટ સુધીમાં આશરે ૨૦,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવા કેટલીક કંપનીઓ આઇપીઓ લાવી રહી છે, તેમાં  વિન્ડલાસ બાયોટેક, દેવયાની ઇન્ટરનૅશનલ, કારટ્રેડ, નુવાકો, એપ્ટસ વૅલ્યુ હાઉસિંગ, રુચિ સોયા, ક્રિષ્ના ડાયગ્નોસ્ટીકસ અને આરોહણ ફાઇનૅન્શિયલનો સમાવેશ થાય છે. યાદ રહે, રુચિ સોયા હવે બાબા રામદેવના પતંજલિ ગ્રુપની કંપની છે. હવે તો પેન્શન ફન્ડના આંશિક નાણાં પણ આઇપીઓમાં રોકવાની છૂટ આપવા વિચારણા થઈ રહી છે. જોકે તેની માટે પેન્શન રેગ્યુલેટર કડક શરતો-ધોરણો રાખશે, પરંતુ મજાની વાત એ છે કે આઇપીઓને તો છલકાવા માટે વધુ અવસર મળશે. અલબત્ત આ નિવૃત્તિકાળના ફન્ડના માથે જોખમ ન આવે તેની તકેદારી નિયમન તંત્રએ વિશેષ ગંભીરતા સાથે લેવાની રહેશે.

 ડેલ્ટાના દંડાની ચિંતા ખરી

દરમ્યાન સેબીએ બજારમાંથી ભંડોળ ઊભું કરવાના ધોરણો વધુ હળવા બનાવવાના સંકેત આપતા બજારમાં આઇપીઓની સંખ્યા હજી વધતી રહેશે એવો અંદાજ મૂકી શકાય. આનો બીજો અર્થ એ થાય કે માર્કેટ તેજીમાં રહે એવા પ્રયાસ સતત ચાલુ રહેશે. સિવાય કે કોઈ મોટી દુર્ઘટના ગ્લોબલ સ્તરે બને, જેમ કે ડેલ્ટા વેરિઅન્ટનો પ્રસાર વધે, જેણે હાલ ચિંતાનો વિષય બનવાનું શરૂ કરી દીધું છે. યુએસએ અને યુરોપ સહિતના ચોક્કસ દેશોમાં ડેલ્ટાનો દંડો વાગવાના ગંભીર સંકેત મળવા લાગ્યા છે. યુએસ ઇકૉનૉમી અંગે ચિંતા વધતી રહી છે અને ચીન જેવો મહાકાય-શક્તિશાળી દેશ પણ આક્રમક મૂડમાં જણાય છે, તેના આર્થિક કદમ બીજા બધાના દમ લઈ લે છે. આ બધાની અસર ભારતીય માર્કેટ પર થશે.

બાય ધ વે, બૅન્કો બાબતે નાણાપ્રધાને ડિપોઝિટ-ધારકોને પાંચ લાખ રૂપિયા સુધીની ગૅરન્ટેડ રાહત આપી દીધી છે, જેને લીધે બૅન્કોમાં ડિપોઝિટ મૂકવાનો વિશ્વાસ વધશે. બાકી હાલ તો આઇપીઓ ભરપૂર નાણાં લઈ જશે.

02 August, 2021 04:20 PM IST | Mumbai | Jayesh Chitalia

અન્ય લેખો

ડાયરેક્ટ ટૅક્સીસની વસૂલાત ૭૪ ટકા વધી ૫.૭૦ લાખ કરોડ રૂપિયા થઈ

નાણાં મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે પ્રત્યક્ષ કરવેરાની ચોખ્ખી વસૂલાત ૭૪.૪ ટકા વધીને ૫.૭૦ લાખ કરોડ રૂપિયા થઈ છે.

25 September, 2021 05:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અર્થતંત્ર પુનરુત્થાનના માર્ગે આગળ વધી રહ્યું છે: નિર્મલા સીતારમણ

જીએસટીનું કલેક્શન દર મહિને સરેરાશ ૧.૧૧ લાખ કરોડ અને ૧.૧૨ લાખ કરોડ રૂપિયાની રેન્જમાં છે

25 September, 2021 05:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પીપીઈ કિટના કચરામાંથી મોલ્ડેડ પ્લાસ્ટિકની ઉપયોગી વસ્તુઓ બનાવવાનો સફળ પ્રયોગ

સીએસઆઇઆરે નિવેદનમાં જણાવ્યા મુજબ આ પ્રાયોગિક પ્રયોગ હવે દેશભરમાં મૂકી શકાય એવો છે

25 September, 2021 05:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK