મંદીના તોફાન પછીની શાંતિ : મિડકૅપ, બૅન્કિંગ, ફાઇનૅન્સમાં સુધારો : અદાણી ગ્રીનની સ્ટેપ ડાઉન સબસિડિયરીની ક્ષમતા વધી, એચસીએલ ટેકમાં સાડાઆઠ ટકાનું ગાબડું, અદાણી પાવર ૨૦ ટકાની ઉપલી સર્કિટે
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મંગળવારે મકરસંક્રાન્તિની ઉજવણી બજારે થોડો સુધારો દેખાડીને કરી હતી. બૅન્કિંગ અને ફાઇનૅન્સ શૅરો વધ્યા હતા. મિડ-સ્મૉલકૅપને પણ કળ વળતાં એમના પ્રતિનિધિ નિફ્ટી નેક્સ્ટ 50 અને મિડકૅપ સિલેક્ટ ઇન્ડેક્સો પણ બે-અઢી ટકા સુધર્યા હતા. અદાણી જૂથના શૅરોમાં પણ સારો સુધારો જોવા મળ્યો હતો. આઇટી ક્ષેત્રનો અગ્રણી એચસીએલ ટેક સોમવાર સુધી અડીખમ રહ્યા બાદ ત્રિમાસિક પરિણામોની જાહેરાત અને ઍનલિસ્ટોના ઇન્ટર-ઍક્શન પછી મંગળવારના બજારમાં ઢીલોઢફ થઈ ગયો હતો. શૅર સાડાઆઠ ટકાના ગાબડાએ 1819 રૂપિયાના સ્તરે આવી ગયો હતો.
FIIની નેટ વેચવાલી યથાવત્
મંગળવારે એફઆઇઆઇની રૂ. 8132 કરોડની નેટ વેચવાલી રહી હતી. ડીઆઇઆઇની રૂ. 7901 કરોડની નેટ લેવાલી જોવા મળી હતી. પરિણામે કેશ સેગ્મન્ટમાં ઓવરઓલ રૂ. 231 કરોડની નેટ વેચવાલી જોવા મળી હતી.
ADVERTISEMENT
ઍનલિસ્ટોના મતે નિફ્ટી વર્તમાન સુધારામાં 24,000થી 24,500 વચ્ચે જઈ શકે
નિફ્ટી ફિફ્ટી 23,085ના પુરોગામી બંધ સામે 23,165 ખૂલી ઘટીને 23,134 અને વધીને 23,264 થયા બાદ 90 પૉઇન્ટ્સ, 0.39 ટકા સુધરી 23,176 બંધ રહ્યો હતો. નિફ્ટીના અદાણી એન્ટરપ્રાઇજીઝ 7 ટકા વધી 2382 રૂપિયા અને અદાણી પોર્ટ્સ સવાપાંચ ટકા પ્લસ થઈ 1122 રૂપિયા રહ્યા હતા. શ્રીરામ ફાઇનૅન્સ 5 ટકા વધી 546 રૂપિયા, એનટીપીસી અને હિન્દાલ્કો બન્ને પોણાપાંચ ટકા વધી અનુક્રમે 312 અને 590 રૂપિયાની સપાટીએ વિરમ્યા હતા. ઘટવામાં એચસીએલ ટેક સાડાઆઠ ટકા તૂટી 1819.95 રૂપિયા અને હિન્દુસ્તાન યુનિલીવર 3.35 ટકા ઘટી 2369 રૂપિયા થઈ ગયા હતા. ઍનલિસ્ટો વર્તમાન સુધારો નિફ્ટીને 24,500 સુધી લઈ જઈ શકે છે એવો મત વ્યક્ત કરતા હતા. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ 2.61 ટકા વધ્યો એના કરતા પણ મહત્ત્વની બાબત એના પ્રતિનિધિ અદાણી પાવર 19.99 ટકા વધી 539 રૂપિયાની ઉપલી સર્કિટે, અદાણી ગ્રીન 13.52 ટકા સુધરી 1010 રૂપિયા અને અદાણી એનર્જી સૉલ્યુશન 12.23 ટકાના ગેઇને 773 રૂપિયા થઈ ગયાની હતી. અન્ય બે ગેઇનર્સ પાવર ફાઇનૅન્સ કૉર્પોરેશન સાડાસાત ટકા વધી 418 રૂપિયા અને રૂરલ ઇલેક્ટ્રિફિકેશન સવાસાત ટકા સુધરી 479 રૂપિયાના સ્તરે બંધ હતા. અદાણી ગ્રીન એનર્જીની સ્ટેપ ડાઉન સબસિડિયરી ગુજરાતમાં 11,666 મેગાવૉટના પ્રમાણમાં રિન્યુએબલ એનર્જીની વધુ ક્ષમતા કાર્યરત થયાની જાહેરાત અને આગામી બજેટમાં એનર્જી સેક્ટરને ફાયદો થાય એવી દરખાસ્તો આવે અને એનો ફાયદો અદાણી જૂથને વિશેષ થવાની ગણતરીએ લેવાલી નીકળી હોવાનું કહેવાતું હતું. નિફ્ટી નેક્સ્ટ 50ના ઘટેલા શૅરોમાં યુનાઇટેડ સ્પીરિટ સવાપાંચ ટકા ઘટી 1406 રૂપિયા બંધ આવ્યો હતો. કંપનીના સીઈઓ પદે માર્ચ એન્ડથી થનારા ફેરફારો બજારને બહુ પસંદ ન પડ્યા હોય એમ લાગે છે. એલટીઆઇ માઇન્ડ ટ્રી સાડાચાર ટકા ઘટી 5767 રૂપિયા થઈ ગયો હતો. ગુરુવારે પરિણામો પછી અર્નિંગ કૉન્ફરન્સ કૉલ યોજાયાની જાણ કંપનીએ એક્સચેન્જને કરી હતી. મિડકૅપ સિલેક્ટ 1.83 ટકા વધી 12,029ના સ્તરે વિરમ્યો હતો, એના ઘટક શૅરો આઇડિયા 7.11 ટકા વધી 8.29 રૂપિયા, ઇન્ડસ ટાવર સાડાછ ટકા સુધરી 340 રૂપિયા, કન્ટેનર કૉર્પોરેશન અને આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક બન્ને પોણાપાંચ ટકા વધી અનુક્રમે 762 અને 62 રૂપિયા બંધ હતા. કન્ટેનર કૉર્પોરેશનનાં ડિસેમ્બર ત્રિમાસિક અને નવમાસિક અપડેટ એટલા ઍન્કરેજિંગ નહોતા. અશોક લેલૅન્ડ પણ 4 ટકા વધી 210 રૂપિયા થયો હતો. આ ઇન્ડેક્સના ઘટેલા શૅરોમાં ખાસ કોઈની નોંધ લેવા જેવું નહોતું. નિફ્ટી બૅન્ક 1.43 ટકાના ગેઇને 48,729 થયો હતો. કૅનેરા બૅન્ક 5.76 ટકા સુધરી 93.62 રૂપિયા બંધ હતો. આ ઇન્ડેક્સના બારેય શૅરો પ્લસમાં હતા. નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસના પણ વીસેવીસ શૅરો ગેઇનર્સ હતા. ઇન્ડેક્સ 1.44 ટકા સુધરી 22,722ના સ્તરે બંધ હતો.
PSU બૅન્કોમાંનો હિસ્સો સરકાર વેચશે
5 પીએસયુ બૅન્કોમાંના સરકારના રોકાણનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરી 10,000 કરોડ રૂપિયાની QIP યોજનાને સરકારે મંજૂરી આપી હોવાના મીડિયામાં અહેવાલો હતા. આમાં બૅન્ક ઑફ મહારાષ્ટ્ર સિવાયની ચાર અન્ય બૅન્કો પંજાબ ઍન્ડ સિંધ બૅન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક, યુકો બૅન્ક અને સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયાને આ માટેની મંજૂરી મળી ગઈ હોવાનું પણ વધુમાં જણાવાયું હતુ. સરકારે ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) રૂટ દ્વારા ડિસઇન્વેસ્ટમેન્ટ કરી 10,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપી છે. નાણાકીય વર્ષ 2025ના ચોથા ક્વૉર્ટરથી શરૂ કરીને નાના-નાના તબક્કામાં ભંડોળ ઊભા કરાશે.
ડિસઇન્વેસ્ટમેન્ટ અને પબ્લિક ઍસેટ મૅનેજમેન્ટ વિભાગ (DIPAM)ને પણ ઑફર ફૉર સેલ (OFS) રૂટ દ્વારા ઉપરોક્ત ધિરાણકર્તાઓમાં હિસ્સો વેચવાનો આદેશ અપાયો હોવાનું પણ કહેવાય છે. ઑગસ્ટ 2026 સુધીમાં આ PSU બૅન્કોમાં 25 ટકાના લઘુતમ પ્રમાણ સુધી જાહેર શૅરહોલ્ડિંગ લાવવાના પ્રયાસ સરકાર કરી રહી છે. BSE પરથી મળતી શૅરહોલ્ડિંગ પૅટર્ન મુજબ, ડિસેમ્બર ક્વૉર્ટરના અંતે સરકાર બૅન્ક ઑફ મહારાષ્ટ્રમાં 79.6 ટકા, પંજાબ ઍન્ડ સિંધ બૅન્કમાં 98.25 ટકા, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કમાં 96.38 ટકા, UCO બૅન્કમાં 95.39 ટકા અને સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયામાં 93.08 ટકા હિસ્સો ધરાવે છે. મંગળવારે બૅન્ક ઑફ મહારાષ્ટ્ર 12.26 ટકા ઊછળી 52.30 રૂપિયા, પંજાબ ઍન્ડ સિંધ બૅન્ક 14.67 ટકાના હાઈ જમ્પે 48.30 રૂપિયા, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક 19.26 ટકાનો હનુમાન કૂદકો લગાવી 54.34 રૂપિયા, UCO બૅન્ક 18 ટકાના ગેઇને 45.50 રૂપિયા અને સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા 19.99 ટકા સુધરી 56.24 રૂપિયાના સ્તરે બંધ હતા.
ઇન્વેસ્ટરોની વેલ્થ 3 લાખ કરોડ રૂપિયા વધી
નિફ્ટીના 50માંથી 34, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીના 50માંથી 43, મિડકૅપ સિલેક્ટના 25માંથી 21, નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસના 20માંથી 20 અને બૅન્ક નિફ્ટીના 12માંથી 12 શૅરો વધીને બંધ રહ્યા હતા. 0.22 ટકા સુધરી 76,499.63 બંધ આપનાર સેન્સેક્સના 30માંથી 19 શૅરો અને 1.22 ટકા વધી 55,284 બંધ આપનાર બૅન્કેક્સના 10માંથી 10 શૅરો વધ્યા હતા. એનએસઈ લીસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન વધીને 414.24 (426.78) લાખ કરોડ રૂપિયાના સ્તરે તો બીએસઈ લીસ્ટેડ શૅરોનું 423.23 (420.33) લાખ કરોડ રૂપિયા હતું. એનએસઈના 2882 ટ્રેડેડ શૅરોમાંથી 2117 તથા બીએસઈના 4073 ટ્રેડેડ શૅરોમાંથી 2823 વધીને બંધ આવતાં માર્કેટ બ્રેડ્થ થોડી સુધરી હતી. એનએસઈ ખાતે 14 અને બીએસઈમાં 80 શૅરો બાવન સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 152 અને 221 શૅરો 52 વીક લો પર હતા. એનએસઈના 124 શૅરો ઉપલી સર્કિટે અને 111 શૅરો નીચલી સર્કિટે પહોંચ્યા હતા.
આ શૅરોનાં ડિસેમ્બર ત્રિમાસિક પરિણામો અને એની અસર
ગયા વર્ષના સમાન ત્રિમાસિકની તુલનાએ એચડીએફસી એએમસીનો ચોખ્ખો નફો 31 ટકા વધી 671.3 કરોડ રૂપિયા અને આવક 39 ટકા વધી 934.6 કરોડ રૂપિયા થઈ હતી. શૅરનો ભાવ પોણાબે ટકા વધીને 3899 રૂપિયા બંધ હતો.
શૉપર્સ સ્ટૉપની આવક ગત ડિસેમ્બર ક્વૉર્ટરની તુલનાએ 12 ટકા વધી 1380 કરોડ રૂપિયા અને નેટ પ્રૉફિટ 42 ટકા વધી 52 કરોડ રૂપિયા થયો હતો. ભાવ સવાત્રણ ટકા વધી 625 રૂપિયા બંધ હતો.
એચસીએલ ટેકનાં પરિણામોમાં રેવન્યુ ગ્રોથ અપેક્ષાથી ઓછો અને મોટા રીટેલ પ્રોજેક્ટ પૂરા થવાની વાતે વસવસો રહેતાં ઍનલિસ્ટો બહુ અપસાઇડની ધારણા નથી રાખતા.

