° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


લૉકડાઉનના ડરે યુરોમાં કડાકો : ડૉલર અને સ્વિસ ફ્રાન્કમાં સૅફહેવન બાઇંગ

22 November, 2021 01:36 PM IST | Mumbai | Biren Vakil

ટર્કી લીરામાં કારમી મંદી : રૂપિયો સ્ટેબલ, સ્ટિમ્યુલસ અને કોરોના પર બજારની નજર

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર

પેટીએમના સુપરમેગા આઇપીઓમાં લિસ્ટિંગ પછી બે દિવસમાં જ ૨૭ ટકાનો ઘટાડો, અમેરિકામાં ૧.૭૫ ટ્રિલ્યન ડૉલરનું ઇન્ફ્રા બિલ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ દ્વારા મંજૂર, ટેક્નોલૉજી શૅરોનો બેન્ચમાર્ક નૅસ્દેકમાં ૧૬૦૦૦ની સર્વોચ્ચ સપાટી સાથે અવિરત તેજી, યુરોપમાં ફરીવાર લૉકડાઉનની ભીતિથી બૉન્ડ અને શૅરોમાં વેચવાલી, જપાન દ્વારા તોતિંગ સ્ટિમ્યુલસનું એલાન, ટર્કી લીરામાં એકધારો ઘટાડો, અમેરિકામાં વિસ્ફોટક ફુગાવો, ચીન અમેરિકા વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં વિસંવાદિતાના દર્શન, આવી અનેક ઘટનાઓ ગત સપ્તાહમાં બજારો માટે મહત્ત્વની રહી. 
વૈશ્વિક બજારોના સંદર્ભમાં ડૉલરથી શરૂઆત કરીએ તો ડૉલર ઇન્ડેકસ ૯૬.૨૪ સુધી પહોંચ્યો પણ એ પછી ૯૫.૫૦ આસપાસ રહ્યો. શૅરબજારોની તેજી, રીટેલ સેલ્સ, આર્થિક વિકાસદર અને મૅન્યુ સેક્ટરના જોરદાર દેખાવ સામે ડૉલરની તેજી તકલાદી લાગે છે. શાસક તરીકે પ્રમુખ બાઇડનનું રેટિંગ સતત ઘટતું જાય છે. અફઘાનિસ્તાનમાં અમેરિકાની શર્મનાક પીછેહઠ, વૈશ્વિક ફલક પર ચીનની આગેકૂચ રોકવામાં નબળાઈ, જી-૨૦ અને ક્લાયમેટ પરિષદમાં પણ અમેરિકાનો નબળો દેખાવ અને તાજેતરમાં ચીન અમેરિકાની દ્વિપક્ષીય બેઠકમાં તાઇવાન મામલે અમેરિકાનું બેકફુટ હોવું, સંભવિત લશ્કરી સંઘર્ષના મામલે પારોઠનાં પગલાંના સંકેત, મતબૅન્ક જાળવવા અર્થતંત્ર સાથે સમાધાન જેવા અનેક પગલાંઓ જોતા બાઇડન ઘણા કમજોર શાસક પુરવાર થયા છે. કરન્સી બજારો કમજોર શાસકોને માન નથી આપતા. બાઇડને ક્રૂડતેલની તેજી રોકવા ઑપેકને ઘણીવાર અપીલ કરી. ક્રૂડની તેજી રોકવા બાઇડને ચીનને વિનંતી કરવી પડી છે કે ચીન તેના તેલ રિઝર્વમાંથી ક્રૂડઑઇલ છૂટું કરે. અંકલ સામને આટલા લાચાર ક્યારેય નથી જોયા. 
વૈશ્વિક ફલક પર રાજનીતિ અને અર્થનીતિના મામલે ખરા અર્થમાં ડાઇવર્સિટી દેખાઈ રહી છે. અમેરિકામાં અર્થતંત્ર મજબૂત પણ રાજનીતિ કમજોર છે, તો ચીનમાં રાજનીતિ મજબૂત, અર્થનીતિ કમજોર છે. યુરોપમાં રાજનીતિ અને અર્થનીતિ બન્ને કમજોર છે. જપાનમાં તો ૩૦ વર્ષથી મંદી ઘર કરી ગઈ છે.  અમેરિકામાં જૉબ માર્કેટ, રીટેલ સેલ્સ, શૅરબજારમાં ફેન્ટાસ્ટિક તેજી છે. ફેડને ટેપરિંગ ઝડપી વધારવું પડે એવી હાલત છે. જૂન ૨૦૨૨ સુધીમાં એક વ્યાજદર પાક્કો દેખાય છે. યુરોપમાં ઑસ્ટ્રિયામાં ફુલ લૉકડાઉન આવી ગયું છે. હોલૅન્ડમાં લૉકડાઉન મામલે દેખાવકારો અને પોલીસ વચ્ચે સંઘર્ષ છે. લૉકડાઉનની ભીતિથી યુરો કડાકા સાથે તૂટ્યો છે. યુરો છ માસમાં ૧૦૦૦ પૉઇન્ટ ઘટી ૧.૧૨૨૦ થયો છે. 
  ઇમર્જિંગ બજારોમાં ટર્કી લીરામાં કારમી મંદી છે. લીરા એક દાયકામાં ૧.૧૫થી ઘટીને ૧૧.૫૦ની  ઑલટાઇમ લો પર છે. પ્રમુખ અર્દોગનની આત્મઘાતી આર્થિક નીતિઓથી લીરાના લીરેલીરા ઊડી ગયા છે (બેઅદબી માફ). એશિયામાં થાઈ ભાત સ્ટાર પર્ફોર્મર રહ્યો છે. રેન્ડમાં કમજોરી છે. રેન્ડ ૧૫.૫૫ થયો છે. ઇન્ડો રૂપિયામાં પણ મામૂલી કમજોરી છે. ફ્રેજાઇલ ફાઇવ તરીકે ઓળખાતી ઉક્ત કરન્સી બાસ્કેટ (રૂપિયો, રિયાલ, લીરા, રેન્ડ અને ઇન્ડો રૂપિયા) પૈકી લીરા, રેન્ડ, રિયાલ ઘણા કમજોર છે. માત્ર રૂપિયો જ મજબૂત છે. આ પાંચ કરન્સી પર વૉચ રાખવી જરૂરી છે. ડૉલેકસ હાલપૂરતો ૯૪.૪૦-૯૬.૬૬ની રેન્જમાં દેખાય છે. ૯૬.૭૦ વટાવે તો ૯૮.૨૦-૯૮.૮૦ થઈ શકે. જો ૯૪.૪૦ તોડે તો તેજી પૂરી થઈ ફરી ૯૧-૯૧.૪૦ થાય. લૉન્ગ ટર્મ સપોર્ટ ૮૯.૫૦ છે.
  સ્થાનિક બજારોની વાત કરીએ તો પેટીએમના લિસ્ટિંગ પછી મૂડીધોવાણ, કૃષિ કાનૂનોની વાપસી પછી સરકાર સુધારામાં બેકફુટ પર અને ચૂંટણીઓ અગાઉ લોકભોગ્ય પગલાંઓની વણઝાર નોંધનીય છે. રૂપિયાની નાની રેન્જ ૭૪-૭૫ અને બ્રોડ રેન્જ ૭૩.૩૭-૭૫.૫૫ છે. વૈશ્વિક સંજોગો જોતા હાલની સ્થિરતા તોફાન પહેલાંની શાંતિ દેખાય છે. ફેડનું ઝડપી ટેપરિંગ કે માર્ચ-જૂન સુધીમાં વ્યાજદર વધારો આવે તો એશિયાઈ ચલણો દબાણમાં આવશે. હાલમાં મુખ્ય કરન્સીમાં યુરોની રેન્જ ૧.૧૧૩૦-૧.૧૪૪૦, યેન ૧૧૨.૮૦-૧૧૪.૪૦ છે, પાઉન્ડની રેન્જ ૧.૩૨૨૦-૧.૩૫૮૦ છે. સ્વિસ ફ્રાન્કમાં સૉલિડ તેજી છે. યુકે વ્યાજદર વધારે એવી અટકળે પાઉન્ડ મક્કમ છે. ઇમર્જિંગ યુરોપનાં કેટલાંક ચલણો-હંગેરી ફોરિન્ટ, પોલિશ ઝલોટી તૂટ્યાં છે. ક્રિપ્ટોકરન્સીમાં બીટકૉઇન, ઇથર વગેરે પણ થોડા ઘટ્યાં છે. સોલાના, શિબા જેવા ઓલ્ટકૉઇન, મેમે કૉઇનમાં અફરાતફરી ચાલુ છે.

22 November, 2021 01:36 PM IST | Mumbai | Biren Vakil

અન્ય લેખો

યુવા ઉદ્યમીઓને કારણે ભારતનું ભાવિ ઉજ્જવળ છે : માસાયોશી સોન

તેમણે જણાવ્યામુજબ આ વર્ષે એમના સોફ્ટબૅન્ક ગ્રુપે ભારતમાં ત્રણ અબજ ડૉલરનું રોકાણ કર્યું છે

04 December, 2021 11:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં જૂની કારના ખરીદદારોમાં યુવાનો સૌથી વધારે છે : કાર્સ-૨૪ના અભ્યાસનું તારણ

ની કારના ખરીદદારોમાં યુવાનોનું પ્રમાણ ૮૦ ટકા છે

04 December, 2021 11:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મુકેશ અંબાણીએ ડેટા પ્રાઇવસી અને ક્રિપ્ટોકરન્સીના ખરડાને આપ્યું સમર્થન

ભારતનો ડેટા ભારતમાં જ રહેવો જોઈએ અને એના સંગ્રહ તથા ઉપયોગની બાબતે દેશની અંદર જ કડક નિયમ ઘડવામાં આવવા જોઈએ એવો અંબાણીનો મત રહ્યો છે

04 December, 2021 11:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK