Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભવિષ્યને ઉજ્જવળ બનાવનારી પાંચ નાણાકીય આદતો કઈ?

ભવિષ્યને ઉજ્જવળ બનાવનારી પાંચ નાણાકીય આદતો કઈ?

04 July, 2022 02:13 PM IST | Mumbai
Khyati Mashru Vasani

બિનજરૂરી લાયેબિલિટી ઊભી કરવી નહીં

પ્રતીકાત્મક તસવીર

ફાઇનૅન્સ પ્લાન

પ્રતીકાત્મક તસવીર


આપણું જીવન સુવ્યવસ્થિત રીતે ચાલે અને આપણને સંતોષ થાય એવી દરેકની ઇચ્છા હોય છે. જોકે વધતી જતી મોંઘવારીને લીધે આપણા ખર્ચ વધી જવાને પગલે અમુક ઇચ્છાઓ પૂરી કરી શકાતી નથી અને આપણું આર્થિક આયોજન ખોરવાઈ જાય છે. આપણે પોતાના વ્યવહાર દ્વારા પણ ક્યારેક ગરબડ કરી દઈએ છીએ. આપણે પોતાની નાણાં સંબંધી આદતો તરફ ધ્યાન આપવાની જરૂર હોય છે. લાંબા ગાળે એ આપણને લાભ કરાવી આપે છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં કેળવવાની પાંચ મહત્ત્વપૂર્ણ આદતો વિશે આજે વાત કરીશું.

૧. બજેટ બનાવવું અને ઇમર્જન્સી ફન્ડ ભેગું કરવું



ઘરમાં કેટલી આવક થાય છે અને દર મહિનાના કેટલા ખર્ચ છે તથા વચ્ચે-વચ્ચે કેટલાક ખર્ચ આવી શકે છે એના વિશેનો ખ્યાલ રાખવો અત્યંત જરૂરી છે. આથી જ દરેક ઘરનું બજેટ તૈયાર થવું જોઈએ. બજેટ બનાવવા માટે આવક-જાવકની સ્પષ્ટ નોંધ કરવામાં આવવી જોઈએ. આપણી જરૂરિયાતો કેટલી છે અને ઇચ્છાઓ કઈ-કઈ છે એ ભેદ પણ સ્પષ્ટ રીતે કરવામાં આવવો જોઈએ. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે કુદરતે આપણી જરૂરિયાતો પૂરી થાય એટલું બધું આપ્યું છે, આપણા લોભ સંતોષાય એટલું નહીં. ખર્ચની નોંધ કરતી વખતે સાથે-સાથે એ પણ નોંધી લેવું કે કયા પ્રકારના ખર્ચ નિવારી શકાય છે અથવા તો ઓછા કરી શકાય છે.


જો શક્ય હોય તો કુલ આવકનો ચોથો ભાગ વિકાસલક્ષી રોકાણ માટે અલગ તારવી રાખવો જોઈએ. જો અત્યાર સુધી ઇમર્જન્સી ભંડોળ ભેગું કર્યું ન હોય તો સૌથી પહેલાં એ ભેગું થાય એ માટે પદ્ધતિસર શરૂઆત કરવી જોઈએ. આ રકમ બચત ખાતામાં અથવા ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે રાખી શકાય છે. સામાન્ય સંજોગોમાં આ રકમ ૬ મહિનાની આવક કરતાં ઓછી હોવી જોઈએ નહીં.

૨. બિનજરૂરી લાયેબિલિટી ઊભી કરવી નહીં


નાણાકીય જવાબદારીઓ જેટલી વધારે હોય એટલો જીવનમાં આનંદ ઓછો થઈ જતો હોય છે. આર્થિક દૃષ્ટિએ વાત કરીએ તો વધારે જવાબદારીઓ નાણાકીય આયોજન ખોરવી કાઢે છે. આથી ખપ પૂરતી જ વસ્તુઓ ખરીદવી અને લોન લેતી વખતે સત્તર વાર વિચાર કરવો. ખર્ચ વધારે હોય તો એની પ્રાથમિકતા નક્કી કરીને આગળ વધવું.

૩. નિયમિત બચત અને રોકાણ કરવાં

બચત અને રોકાણમાં નિયમિતતા રાખવી. આ નિયમ લાંબા ગાળે ઉત્તમ પરિણામ આપે છે. ‘ટીપે ટીપે સરોવર ભરાય’ એ ઉક્તિ અહીં ખાસ લાગુ પડે છે. નાણાકીય આયોજનમાં કહેવાય છે કે ચક્રવૃદ્ધિનો લાભ ચમત્કારિક હોય છે. આથી નિયમિત બચત કરવી. એટલું જ નહીં, આર્થિક સંરક્ષણ માટે પૂરતો મેડિક્લેમ અને જીવન વીમો પણ લઈને રાખવો જોઈએ. એનું પ્રીમિયમ પણ નિયમિત ભરવું, જેથી વખત આવ્યે પસ્તાવું ન પડે. જો લોન લીધી હોય તો ઈએમઆઇની ચુકવણીમાં અને ક્રેડિટ કાર્ડ વાપરતા હો તો એના બિલની ચુકવણીમાં જરા પણ ગફલત થાય નહીં એ વાતનું ધ્યાન રાખવું. સમયસર પેમેન્ટ કરી દેવાથી મોટી રાહત મળે છે. વળી, તમે નિયમિત કરજની ચુકવણી કરતા હો તો તમારી શાખ પણ વધે છે.

૪. અધૂરી મુદતે ઉપાડ કરવો નહીં

કોઈ પણ રોકાણ લક્ષ્ય આધારિત હોવું જોઈએ. નિશ્ચિત સમયગાળા માટેના રોકાણને અધવચ્ચેથી ઉપાડી લેવાનું ટાળવું. પ્રિમૅચ્યોર વિધડ્રૉઅલને લીધે આપણા વળતરમાં ઘટાડો થાય છે. ઇક્વિટી માર્કેટ ઘટવા માંડે ત્યારે મ્યુચ્યુઅલ ફન્ડમાંથી નાણાં ઉપાડી લેવાનું ટાળવું. એક વખત કાઢી લેવાયેલું રોકાણ ફરીથી કરવામાં મુશ્કેલી થાય છે અને લાંબા ગાળાનો લાભ ચૂકી જવાય છે. ટૂંકા ગાળાની જરૂરિયાત પૂરી કરવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થઈ શકે છે.

૫. ખર્ચ અને રોકાણની નિયમિત સમીક્ષા કરતા રહેવું

ઘણી વાર પરિવારમાં બિનજરૂરી ખર્ચ વધતા જાય છે. આથી ખર્ચની પણ નિયમિત સમયાંતરે સમીક્ષા કરવી જરૂરી છે. આ જ રીતે રોકાણ કર્યા બાદ વર્ષમાં ઓછામાં ઓછું એક વાર એની સમીક્ષા કરવી જોઈએ. ઘણા ફાઇનૅન્શિયલ પ્લાનર્સ ત્રણ મહિને સમીક્ષા કરવાની સલાહ આપે છે. અહીં ખાસ કહેવાનું કે આવક વધે એની સાથે રોકાણની રકમ પણ વધારતા જવામાં શાણપણ છે. વધુ નહીં તો પણ પગારના વીસેક ટકા જેટલી રકમની બચત અને એનું રોકાણ થાય તો સારું. આ દૃષ્ટિએ જોઈએ તો ૪૦,૦૦૦ રૂપિયાના પગારમાંથી ૮૦૦૦નું રોકાણ કરવું. આવક જો વધીને ૫૦,૦૦૦ થઈ જાય તો ૨૦ ટકાના હિસાબે ૧૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કરવું.

ઉપરોક્ત બાબતોનું ચુસ્તપણે પાલન કરવાનું કદાચ અઘરું લાગે તો પણ એનું પાલન કરવામાંથી વિચલિત ન થવું. આ આદતો ભવિષ્યને ઉજ્જ્વળ બનાવી શકે છે. 

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2022 02:13 PM IST | Mumbai | Khyati Mashru Vasani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK