Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > જીએસટી હેઠળ ‘સેલ ઇન ટ્રાન્ઝિટ’ અથવા ‘બિલ ટુ શિપ ટુ’ વ્યવહારો સંબંધિત જોગવાઈઓ

જીએસટી હેઠળ ‘સેલ ઇન ટ્રાન્ઝિટ’ અથવા ‘બિલ ટુ શિપ ટુ’ વ્યવહારો સંબંધિત જોગવાઈઓ

12 August, 2022 04:48 PM IST | Mumbai
Shrikant Vaishnav | feedback@mid-day.com

પ્રથમ સપ્લાયરે ઈ-વે બિલ બનાવવું જરૂરી છે?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

સમજો જીએસટી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


એક સમયે લોકો માલના સંગ્રહ માટે વિશાળ વેરહાઉસનો ઉપયોગ કરતા અને એનો ખર્ચ વેચાણ ભાવમાં ઉમેરતા. એને લીધે ગ્રાહકો પર વધારે બોજ આવતો. હવે જીએસટી હેઠળ ‘સેલ ઇન ટ્રાન્ઝિટ’ અથવા ‘બિલ ટુ શિપ ટુ’ વ્યવહાર દાખલ કરવામાં આવ્યા છે, જેના વિશે આજે આપણે વાત કરીશું. 

એક સમયના સેન્ટ્રલ સેલ્સ ટૅક્સ ઍક્ટ હેઠળના આવા વ્યવહારો સંબંધે હવે જીએસટીમાં જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ દાખલ કરાવાને પગલે રજિસ્ટર્ડ પર્સન બારોબાર માલ વેચી શકે છે. આ રીતે તેમનો માલના સંગ્રહનો અને પરિવહનનો ખર્ચ બચી જાય છે. 



સેલ ઇન ટ્રાન્ઝિટ (માલ પહોંચે એની પહેલાં જ વેચાણ) અથવા બિલ ટુ શિપ ટુ (જેના નામે બિલ બનાવવાનું હોય એને બારોબાર માલ મોકલી આપવો) વ્યવહારોમાં માલ એક રાજ્યમાંથી બીજામાં જઈ રહ્યો હોય ત્યારે એના ટાઇટલના દસ્તાવેજો ટ્રાન્સફર કરીને વેચાણ કરવામાં આવે છે. માલના ખરીદદાર પોતાને ત્યાં માલ પહોંચે એની પહેલાં જ પોતે જેને એ માલનું વેચાણ કરવાના હોય એવા બીજા ખરીદદારને બારોબાર માલ મોકલી દેવાની સૂચના વેચાણકર્તાને આપતા હોય છે.


જીએસટી કાયદો આવવા પહેલાં એટલે કે ૩૦ જૂન, ૨૦૧૭ પહેલાં આવા વ્યવહારો સેન્ટ્રલ સેલ્સ ટૅક્સ ઍક્ટની કલમ ૬(૨) હેઠળ આવતા હતા. હવે જીએસટી ઍક્ટ્સની અલગ-અલગ જોગવાઈઓ હેઠળ એને આવરી લેવામાં આવ્યા છે. આવા વ્યવહારો ખાસ કરીને આઇજીએસટી ઍક્ટ, ૨૦૧૭ની કલમ ૧૦(૧)(બી) હેઠળ આવે છે. એને બિલ ટુ શિપ ટુ મૉડલ કહેવામાં આવે છે. 

સામાન્ય રીતે ટ્રાન્સપોર્ટના દસ્તાવેજોનું એન્ડોર્સમેન્ટ કરીને વેચાણ કરવામાં આવે છે. દસ્તાવેજની પાછળની બાજુએ વેન્ડર પોતાની સહી કરીને દસ્તાવેજો બીજા ખરીદદારના નામે ટ્રાન્સફર કરી દેતા હોય છે. 


હવે આ કાયદા હેઠળ એવી સ્પષ્ટતા પણ કરી દેવાઈ છે કે દસ્તાવેજોનું ટ્રાન્સફર સૂચનાઓ દ્વારા થઈ શકે છે. પ્રથમ વેચાણકર્તા અને પ્રથમ ખરીદદાર વચ્ચે વ્યવહાર થાય ત્યારે જ દસ્તાવેજોનું ટ્રાન્સફર કરવામાં આવે અને પછી પહેલાથી બીજા ખરીદદાર સુધી એ ટ્રાન્સફર કરી દેવામાં આવે એવું જરૂરી નથી. બિલ ટુ શિપ ટુ મૉડલ હેઠળ પ્રથમ વેચાણકર્તા માલને સીધો બીજા ખરીદદાર સુધી પહોંચાડવાની સૂચના આપી શકે છે. 

દા.ત. હરિયાણામાં કાર્યરત એબીસી પ્રાઇવેટ લિમિટેડ પોતાનો માલ બૅન્ગલોરસ્થિત બીસીડી લિમિટેડને વેચે છે. આ માલની હેરફેર શરૂ થાય એની પહેલાં જ અથવા તો માલ હરિયાણાથી બૅન્ગલોર પહોંચે એની પહેલાં જ બીસીડી લિમિટેડને એ જ માલ માટે મુંબઈના પીક્યુઆર પ્રાઇવેટ લિમિટેડ પાસેથી પર્ચેઝ ઑર્ડર મળે છે. આથી એબીસી પ્રાઇવેટ લિમિટેડ કન્સાઇનીના સરનામામાં પીક્યુઆર પ્રાઇવેટ લિમિટેડનું નામ લખીને મોકલે છે અને માલ ત્યાં જ પહોંચી જાય છે. 

અહીં નોંધવું ઘટે કે બીસીડી લિમિટેડને હરિયાણાથી બૅન્ગલોર સુધી માલ પહોંચે એ દરમ્યાન મુંબઈથી ઑર્ડર મળે છે અને તેઓ એ માલ મુંબઈ મોકલવા માટેની સૂચના આપી શકે છે. આ કામ અગાઉનું ઇન્વૉઇસ/ઈ-વે બિલ (જો લાગુ પડતું હોય અને તૈયાર થયું હોય તો) રદ કરીને થઈ શકે છે. 

ઉક્ત સ્થિતિમાં ટૅક્સ ઇન્વૉઇસ કેવી રીતે બનાવવું એ મોટો પ્રશ્ન ઊભો થાય છે. સેલ ઇન ટ્રાન્ઝિટ કે બિલ ટુ શિપ ટુ વ્યવહારોમાં સંપૂર્ણ વેચાણમાં બે અલગ-અલગ ટૅક્સ ઇન્વૉઇસ બનાવવાં પડે છે, કારણ કે વેચાણના બે અલગ-અલગ વ્યવહારો થાય છે. આમ કરવાનું કારણ જીએસટી હેઠળના નિયમોનું પાલન કરવાનું છે. એ ઉપરાંત, જેમને લાગુ પડતું હોય એ તમામ પાર્ટીઓ આઇટીસી ક્લેમ કરી શકે એ માટે આ જરૂરી છે. 

ઉપરોક્ત ઉદાહરણને આગળ વધારતાં કહેવાનું કે એબીસી પ્રાઇવેટ લિમિટેડ બીસીડી લિમિટેડના નામે ઇન્વૉઇસ બનાવે છે અને બીસીડી લિમિટેડ પીક્યુઆર પ્રાઇવેટ લિમિટેડના નામે ઇન્વૉઇસ બનાવે છે. માલનું પરિવહન ભલે એક જ વાર થતું હોય, પણ વેચાણના વ્યવહારો બે છે. 

એબીસી પ્રાઇવેટ લિમિટેડે બનાવેલા ટૅક્સ ઇન્વૉઇસના આધારે બીસીડી લિમિટેડ આઇટીસી ક્લેમ કરશે. બીસીડી લિમિટેડે પોતાને ઇશ્યુ કરેલા ટૅક્સ ઇન્વૉઇસના આધારે પીક્યુઆર પ્રાઇવેટ લિમિટેડ આઇટીસી ક્લેમ કરી શકે છે. 
(વધુ આવતા વખતે)

સવાલ તમારા…

પ્રથમ સપ્લાયરે ઈ-વે બિલ બનાવવું જરૂરી છે?
સેલ ઇન ટ્રાન્ઝિટ વ્યવહારોમાં સંકળાયેલા કોઈ પણ સપ્લાયર ઈ-વે બિલ બનાવી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2022 04:48 PM IST | Mumbai | Shrikant Vaishnav

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK