Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > એનએફઓમાં રોકાણ કરવા માટે ધસારો કરવો શું યોગ્ય છે?

એનએફઓમાં રોકાણ કરવા માટે ધસારો કરવો શું યોગ્ય છે?

16 September, 2021 02:12 PM IST | Mumbai
Amit Trivedi

કોઈ ચોક્કસ એનએફઓમાં રોકાણ કરવું જોઈએ કે નહીં એ સવાલનો જવાબ જોઈતો હોય ત્યારે એનએફઓ વિશે સર્વસાધારણ સવાલ પૂછવાનો કોઈ અર્થ હોતો નથી. રોકાણકારો ઘણી વાર આવી ભૂલ કરતા હોય છે.

પ્રતિકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

પ્રતિકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક


તાજેતરમાં મ્યુચ્યુઅલ ફંડની બે ન્યુ ફંડ ઑફર (એનએફઓ)માં વિક્રમી રોકાણ આવ્યું હોવાના સમાચાર હતા. ભૂતકાળમાં પણ આવો સમય આવ્યો હતો, જ્યારે એનએફઓમાં રોકાણ કરવા માટે લોકો ધસારો કરતા. હાલના સંજોગોમાં પણ એવો જ ધસારો થતો જોવા મળ્યો. 
આ પાર્શ્વભૂમાં બે દિવસ પહેલાં કોઈકે મને એનએફઓમાં રોકાણ કરવા વિશે સવાલ પણ પૂછ્યો. કોઈ ચોક્કસ એનએફઓમાં રોકાણ કરવું જોઈએ કે નહીં એ સવાલનો જવાબ જોઈતો હોય ત્યારે એનએફઓ વિશે સર્વસાધારણ સવાલ પૂછવાનો કોઈ અર્થ હોતો નથી. રોકાણકારો ઘણી વાર આવી ભૂલ કરતા હોય છે. અમુક રોકાણ સમાનતા ધરાવતાં હોય છે, સમાન હોતાં નથી. તાજેતરમાં પણ લોકોએ એવી ભૂલનું પુનરાવર્તન કર્યું. એમની નજરમાં બધી જ એનએફઓ સરખી હતી. 
બીજો નોંધપાત્ર મુદ્દો એ છે કે લોકો એનએફઓને પણ આઇપીઓની નજરે જુએ છે. આઇપીઓમાં રોકાણ કરવા માટે લોકોનો ધસારો થતો જોઈને બધા એનએફઓ તરફ દોટ મૂકવા લાગે છે. એનએફઓને ઇક્વિટી શૅરના આઇપીઓની નજરે જોવામાં જોખમ હોવાથી સેબીએ થોડાં વર્ષો પહેલાં એક પરિપત્ર બહાર પાડીને ન્યુ ફંડ ઑફરને નવું નામ આપ્યું હતું. 
ઉક્ત ચર્ચાના અંતે એ સમજવું જરૂરી છે કે એનએફઓ ખરેખર શું છે. મ્યુચ્યુઅલ ફંડ પોતાની કોઈ નવી સ્કીમ શરૂ કરે ત્યારે લોકો પાસેથી રોકાણ આમંત્રિત કરે એને એનએફઓ કહેવાય છે. એ સ્કીમ ઓપન એન્ડેડ અથવા ક્લૉઝ એન્ડેડ હોઈ શકે છે. કોઈ પણ કંપની પોતાના ઇક્વિટી શૅર માટે આઇપીઓ બહાર પાડે અને મ્યુચ્યુઅલ ફંડ એનએફઓ લાવે એ બન્ને વચ્ચે મોટો તફાવત છે. કંપની શૅર ઇશ્યુ કરે પછી વારંવાર આઇપીઓ લાવતી નથી, પણ ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડમાં નવાં યુનિટ ઇશ્યુ કરી શકાય છે. અમુક યુનિટ રદ પણ કરી શકાય છે. નવાં યુનિટ ઇશ્યુ કરવાં અને યુનિટ રદ કરવાં એ બન્ને નિર્ણય માગ અને પુરવઠાના આધારે લેવામાં આવે છે. 
કંપનીના શૅરબજારમાં શૅરના ભાવમાં એની મૂળ કિંમત કરતાં ઘણો તફાવત આવી શકે છે, પરંતુ ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડનાં યુનિટના વ્યવહારો એનએવીના આધારે જ થઈ શકે છે. 
આથી જ એવા શૅર ખરીદવા જોઈએ જેનો બજારભાવ એના વાસ્તવિક મૂલ્ય કરતાં સારો એવો ઓછો હોય. બીજી બાજુ મ્યુચ્યુઅલ ફંડનો સવાલ છે ત્યાં સુધી એનું ખરું મૂલ્ય એનએવીમાં વ્યક્ત થઈ જાય છે. આથી મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ ડિસ્કાઉન્ટ મળતું નથી. 
મ્યુચ્યુઅલ ફંડ તો રોકાણ માટેનું માધ્યમ છે. આથી દરેક ફંડના ફંડ મૅનેજરનું કૌશલ્ય મહત્ત્વપૂર્ણ બને છે. ફંડની રોકાણ માટેની વિચારધારા, રોકાણની શૈલી, સંબંધિત ફંડ મૅનેજર કે કંપનીનું વર્તન, ફંડની ભૂતકાળની કામગીરી એ બધાં પરિબળોને જોઈને ફંડ મૅનેજરની નિપુણતાનો અંદાજ આવે છે. 
એનએફઓમાં સ્કીમનાં યુનિટ પહેલી વાર ઇશ્યુ કરવામાં આવે છે એનો અર્થ એવો નથી હોતો કે એમાં રોકાણ કરવું જ જોઈએ. નજીકમાં કિડનીની નવી હૉસ્પિટલ ખૂલવાની હોય અને એ પ્રસંગનું આમંત્રણ મળે તો શું આપણે ત્યાં ડાયાલિસીસ કરાવવા પહોંચી જઈએ છીએ? વળી, એ પણ એટલું જ સાચું છે કે જેને ડાયાલિસીસની જરૂર હોય એ વ્યક્તિ કોઈ નવી હૉસ્પિટલ ખૂલવાની રાહ જોતી નથી. ન્યુ ફંડ ઑફરનું મૂલ્યાંકન આ જ બાબતને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. 
તમે કયા નાણાકીય લક્ષ્ય માટે રોકાણ કરવા માગો છો, કઈ ઍસેટમાં રોકાણ કરવા માગો છો એ બધાનો વિચાર કર્યા બાદ તમારે સ્કીમની પસંદગી કરવાની હોય છે. એ સ્કીમ નવી હોઈ શકે છે અથવા પહેલેથી ચાલતી આવી હોય એ પણ હોઈ શકે છે. ખરું પૂછો તો, સ્કીમ પહેલેથી ચાલતી આવી હોય તો એની કામગીરીનું વિશ્લેષણ કરી શકાય છે. નવી સ્કીમ માટે એ શક્ય હોતું નથી. 

સવાલ તમારા...



હું મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઇપી શરૂ કરવા માગું છું, પરંતુ ઘણા નિષ્ણાતો શૅરબજારમાં કરેક્શન આવશે એવું કહી રહ્યા છે. આ સ્થિતિમાં શું મારે એસઆઇપી શરૂ કરવા માટે બજાર ઘટવાની રાહ જોવી જોઈએ?
એસઆઇપી નિયમિત સમયાંતરે કરવાની હોય છે. બજાર નીચે હોય ત્યારે તમે ખરીદી કરો તો તમને ફાયદો થાય એ વાત નક્કી છે, પરંતુ બજાર ક્યારે અને કેટલું ઘટશે કે વધશે એનો ચોક્કસ અંદાજ કોઈ બાંધી શકતું નથી. આથી એવો પ્રયાસ પણ કરવો જોઈએ નહીં. એસઆઇપી ‘રૂપી કોસ્ટ ઍવરેજિંગ’ના સિદ્ધાંત પર કામ કરે છે. એસઆઇપીમાં અલગ-અલગ ભાવે ખરીદી થતી હોવાથી તમે બજાર વધવાની કે ઘટવાની રાહ જુઓ એ બરોબર ન કહેવાય. જેઓ લાંબા સમય માટે રોકાણ કરવા તૈયાર હોય તેઓ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની એસઆઇપી કરાવી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2021 02:12 PM IST | Mumbai | Amit Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK