Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ફુગાવાના ફંદામાં બજાર વધુ તરફડવા માંડ્યું, બે મહિનાના મોટા કડાકામાં ૯ મહિનાનું બૉટમ બન્યું

ફુગાવાના ફંદામાં બજાર વધુ તરફડવા માંડ્યું, બે મહિનાના મોટા કડાકામાં ૯ મહિનાનું બૉટમ બન્યું

13 May, 2022 02:49 PM IST | Mumbai
Anil Patel

પાકિસ્તાનનું બજાર વર્ષના અને અમેરિકન બજાર ૧૪ મહિનાના તળિયે

પ્રતીકાત્મક તસવીર માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


ઘરઆંગણે ફુગાવો ધારણાથી મોટો, ૭.૮ ટકાના ઉછાળે આઠ વર્ષની ટોચે, અસર આજે જોવા મળશે : સેન્સેક્સ ૫૩ અને નિફ્ટી ૧૬ની નીચે બંધ, વિપ્રો સિવાય સેન્સેક્સના બધા જ શૅર અને સેક્ટોરલ રેડ ઝોનમાં, રોકાણકારોના ૫.૪૨ લાખ કરોડ ડૂલ : રિલાયન્સ સતત ચોથા દિવસે દબાણમાં, અદાણી ગ્રુપના શૅરો કરેક્શનમાં : પાકિસ્તાનનું બજાર વર્ષના અને અમેરિકન બજાર ૧૪ મહિનાના તળિયે : ડૉલર સામે રૂપિયામાં ૭૭.૬૩નું લાઇફ ટાઇમ બૉટમ દેખાયું : પરિણામ પૂર્વે તાતા મોટર્સ અને લાર્સન નોંધપાત્ર નરમાઈમાં બંધ

અમેરિકામાં એપ્રિલમાં ૮.૩ ટકાનો ફુગાવો નોંધાયો છે, જે ધારણા કરતાં વધુ હોવાથી અમેરિકન ફેડ આગામી બેઠકમાં અડધા ટકાને બદલે સીધો પોણા ટકાનો વ્યાજદરમાં વધારો કરશે એવી આશંકા જાગી છે. એના પગલે બુધવારની રાતે અમેરિકન વધુ એક ટકો ઘટી ૩૧૮૩૪ની ૧૪ મહિનાની નીચી સપાટીએ બંધ થયું હતું. નૅસ્ડૅક લગભગ સવાત્રણ ટકાની વધુ ખુવારીમાં ૧૧૩૬૪ રહ્યો છે, જે ૧૮ મહિનાનું બૉટમ છે. અમેરિકન બજાર પાછળ વિશ્વભરનાં બજારો ફુગાવાની ત્રાડથી ધ્રૂજ્યાં છે. એશિયન બજારો ગુરુવારે દોઢ ટકાથી લઈને સવાત્રણ ટકા સુધી ધોવાયા છે. એકમાત્ર શાંઘાઈ બજાર નામ કે વાસ્તે ઘટાડામાં અપવાદ હતું. યુરોપ પણ વીક ઓપનિંગ બાદ રનિંગ ક્વોટમાં બેથી અઢી ટકા નીચે ઊતરી ગયું હતું. પાકિસ્તાનનું શૅરબજાર ૪૨૨૭૩ની વર્ષની નીચી સપાટી બતાવી નજીવા સુધારામાં ૪૨૮૯૮ દેખાતું હતું. બ્રેન્ટ ક્રૂડ સવા ટકા જેવી નરમાઈ છતાં ૧૦૬ ડૉલર ઉપર ટકેલું હતું. કૉપર સાડાત્રણ ટકા વધુ ગગડ્યું છે, જ્યારે અન્ય ઇન્ડસ્ટ્રિયલ મેટલ્સમાં પોણાથી બે ટકા જેવો પ્રત્યાઘાતી સુધારો હતો. ઘરઆંગણે ફુગાવાના આંકડા મોડી સાંજે અપેક્ષિત હતા. બજારની ધારણા એપ્રિલનો ગ્રાહક ભાવાંક સાત ટકાના દરે વધવાની હતી. ડૉલરની સામે રૂપિયો ઇન્ટ્રા-ડેમાં ૭૭.૬૩ના નવા લાઇફટાઇમ બૉટમ બાદ રિઝર્વ બૅન્કની દરમ્યાનગીરીમાં ૭૭.૪૧ આસપાસ જણાતો હતો. ક્રિપ્ટો સેગમેન્ટમાં બીટકૉઇનમાં ૨૬૯૯૮ ડૉલરની ૨૮ ડિસેમ્બર ૨૦૨૦ પછીની નીચી સપાટી બની છે. રનિંગમાં એ ૨૮૮૧૧ દેખાતો હતો. બીટકૉઇન પાછળ ઇથર, ડેશ, લાઇટકોન, બીએનબી, રિપલ, ડોજીકૉઇન, કાર્નાડો સહિત અનેક કૉઇન ખરડાયા છે.



બજારમાં બે મહિનાનો મોટો ધબડકો, વિપ્રો સિવાયના શૅર રેડ ઝોનમાં 
ગુરુવારે સન્સેક્સ ૪૮૦ પૉઇન્ટ ગૅપ ડાઉન ખૂલી છેક સુધી માઇનસ ઝોનમાં રહ્યો છે, જેમાં ઇન્ટ્રા-ડેમાં બજાર ૧૩૮૬ પૉઇન્ટ લથડી ૫૨૭૦૨ના તળિયે જઈ છેવટે ૧૧૫૮ પૉઇન્ટ ખરડાઈ ૫૨૯૩૦ બંધ થયું છે. નિફ્ટી ૧૫૭૩૬ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૩૫૯ પૉઇન્ટની ખરાબીમાં ૧૫૮૦૮ રહ્યો છે. બે મહિનાના મોટા ધબડકામાં નિફ્ટી હવે ૯ મહિનાની નીચી સપાટીએ આવી ગયો છે. બજારનું માર્કેટ કૅપ ગઈ કાલે ૫.૪૨ લાખ કરોડ રૂપિયા ધોવાયું છે. બન્ને બજારના તમામ ઇન્ડેક્સ રેડ ઝોનમાં બંધ થયા છે. માર્કેટ-બ્રેડ્થ ખાસ્સી બગડેલી રહી છે. એનએસઈ ખાતે વધેલા ૪૪૭ શૅર સામે ૧૬૭૬ જાતો ઘટીને આવી છે. ૩૩૦ શૅર બીએસઈ ખાતે નવા ઐતિહાસિક તળિયે ગયા છે. સેન્સેક્સના ૩૦માંથી ૨૯ શૅર ઘટ્યા છે. એકમાત્ર વિપ્રો અડધો ટકો સુધરી ૪૭૪ નજીક બંધ રહ્યો છે. જોકે ઇન્ટ્રા-ડેમાં એ પણ ૪૬૨ની વર્ષની નવી નીચી સપાટીએ ગયો હતો. નિફ્ટીના ૫૦માંથી પાંચ શૅર પ્લસ હતા. વિપ્રો સિવાય અતહીં આઇશર, એચલીએલ ટેક્નૉ, ટીસીએસ અને ડૉ. રેડ્ડીઝ લૅબ સુધર્યો હતા. જોકે આ સુધારો લગભગ નામ પૂરતો હતો. અદાણી પોર્ટ્સ પોણાછ ટકાથી વધુની ખુવારીમાં ૭૧૬ નીચે બંધ આપીને નિફ્ટી ખાતે, તો ઇન્ડસઇન્ડ બૅન્ક પોણાછ ટકાના ધોવાણમાં ૮૬૯ના બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ લુઝર બન્યા છે. રિલાયન્સ રિઝલ્ટ પછી સતત ચોથા દિવસની નબળાઈમાં નીચામાં ૨૩૭૦ બતાવી બે ટકા ગગડીને ૨૪૦૧ બંધ થયો છે, જેને લીધે સેન્સેક્સને ૧૪૯ પૉઇન્ટની હાનિ થઇઈ છે. જોકે એચડીએફસી બૅન્ક સવાત્રણ ટકાથી વધુ તૂટી ૧૩૦૩ બંધ રહેતાં બજારને ૧૭૪ પૉઇન્ટનો સર્વાધિક માર પડ્યો હતો. એચડીએફસી પણ સવાત્રણ ટકા નજીક ખરડાઈને ૨૧૫૦ થઈ છે. એને લીધે સેન્સેક્સને ૧૧૩ પૉઇન્ટનો ફટકો પડ્યો છે. અદાણી ગ્રુપના શૅરોમાંય વેચવાલીનું ભારે પ્રેશર યથાવત્ છે. અદાણી પાવર પાંચ ટકાની નીચલી સર્કિટે, અદાણી ટ્રાન્સમિશન પોણાપાંચ ટકા, અદાણી પોર્ટ્સ છ ટકાથી વધુ, અદાણી ગ્રીન સાડાઆઠ ટકા કે ૨૨૮ રૂપિયા, અદાણી ટોટલ બે ટકા અને અદાણી એન્ટર સાડાત્રણ ટકા ડૂલ થયા છે. અદાણી વિલ્મર ફરી પાછો પાંચ ટકાની મંદીની સર્કિટમાં આવી ૫૮૨ની અંદર ઊતરી ગયો છે. 
બૅન્કિંગમાં એક શૅર વધ્યો, સામે


૧૧ શૅર માઇનસમાં ગયા 
બૅન્કિંગ સેક્ટરના ૩૬માંથી ફક્ત ત્રણ શૅર સુધર્યા છે. ધનલક્ષ્મી બૅન્ક અડધો ટકો, ડીસીબી બૅન્ક પોણો ટકો અને ઇક્વિટાસ સ્મૉલ બૅન્ક સવાબે ટકા અપ હતા. સરકારી ક્ષેત્રની તમામ ડઝન બૅન્કો રેડ ઝોનમાં બંધ રહી છે. પંજાબ નૅશનલ બૅન્ક ભંગાર પરિણામ પાછળ સાતેક ગણા કામકાજમાં ૨૮.૫૦ની ઐતિહાસિક બૉટમ બનાવી સાડાતેર ટકા તૂટીને ૨૮.૬૦ બંધ રહી છે. બૅન્ક ઑફ ઇન્ડિયા વધુ સાડાછ ટકા તૂટી ૪૧ના નવા તળિયે ગઈ છે. પંજાબ સિંધ બૅન્ક સવાછ ટકા, બૅન્ક ઑફ બરોડા સવાપાંચ ટકા અને કૅનરા બૅન્ક સાડાચાર ટકા ડૂલ થયા છે. બૅન્ક નિફ્ટી ૩૪૦૦૦ના મજબૂત સપોર્ટની વાતો વચ્ચે નીચામાં ૩૩૨૯૭ થઈ ૧૧૬૧ પૉઇન્ટ કે ૩.૪ ટકાના કડાકામાં ૩૩૫૩૨ થયો છે. અહીં તમામ ડઝન શૅર ડૂલ થયા છે. સેન્સેક્સ પૅકમાં એચડીએફસી બૅન્ક ઉપરાંત ઇન્ડસઇન્ડ બૅન્ક ૫.૮ ટકા, ઍક્સિસ બૅન્ક સાડાત્રણ ટકા, સ્ટેટ બૅન્ક ત્રણેક ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક ૨.૭ ટકા અને આઇસીઆઇસીઆઇ બૅન્ક અઢી ટકા ડાઉન થતાં બજારને કુલ મળીને ૪૭૫ પૉઇન્ટની હાનિ થઈ છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ત્રણ ટકાથી વધુ કપાયો છે. અહીં ૧૨૮માંથી ૧૩ શૅર પ્લસ હતા. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ આગલા દિવસના ૨૦.૫ ટકાના કડાકા બાદ ગઈ કાલે ૧૦૬ના નવા તળિયે જઈ બાઉન્સ બૅકમાં સવાસાત ટકા વધીને ૧૧૯ થયો છે. કામકાજ સાડાત્રણ ગણા હતા. વીએલએસ ફાઇ. સાત ટકા ડાઉન હતો. આરબીએલ બૅન્ક ૧૦૧ની અંદર નવા તળિયે જઈ ૬ ટકા તૂટીને ૧૦૨ની નજીક જોવા મળ્યો છે. બજાજ ટ્વ‌િન્સ સાડાત્રણથી પોણાચાર ટકા ધોવાઈ જતાં અહીં સેંકડા ફરી ગયા હતા. એમસીએક્સ ૧૧૫૩ની નવી નીચી સપાટી દેખાડી ત્રણ ટકાની નબળાઈમાં ૧૧૫૮ થયો છે. બાય ધ વે, પીએસયુ બૅન્ક નિફ્ટી ૫.૪ ટકા લથડ્યો છે. 

લાર્સન અને તાતા મોટર્સના ભારમાં ઑટો તથા કૅપિટલ ગુડ્સમાં ખરાબી 
તાતા મોટર્સ માર્ચ ક્વૉર્ટરમાં અગાઉના ૭૬૦૫ કરોડની ચોખ્ખી ખોટ સામે આ વખતે ૧૦૩૩ કરોડની નેટ લૉસ કરી છે. પરિણામ બજાર બંધ થયા પછી આવ્યાં હતાં, પરંતુ શૅર ગઈ કાલે ચાર ટકાથી વધુના ગાબડામાં ૩૭૨ રૂપિયા બંધ થયો હતો એની સાથે હીરો મોટોકૉર્પ, ટીવીએસ મોટર્સ, મહિન્દ્ર, એસ્કોર્ટ્સ, મારુતિ સુઝુકી જેવી જાતો પોણાબેથી પોણાત્રણ ટકા ડાઉન થતાં ઑટો ઇન્ડેક્સ બે ટકા કે ૪૭૯ પૉઇન્ટ બગડ્યો છે. અશોક લેલૅન્ડ પોણો ટકો વધીને ૧૧૭ હતી. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ અઢી ટકા કે ૬૨૯ પૉઇન્ટ ખરડાયો છે. એના ૨૪માંથી ૨૦ શૅર નરમ હતા. લાર્સનનાં રિઝલ્ટ બંધ બજારે હતાં. કંપનીએ માર્ચ ક્વૉર્ટરમાં ધારણા કરતાં નબળો દેખાવ કર્યો છે. આવક નફો દસેક ટકા જેવો જ વધ્યો છે. શૅર વધુ ત્રણ ટકાની નરમાઈમાં ૧૫૨૪ બંધ આપી કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સને ૩૭૭ પૉઇન્ટ નડ્યો છે. પ્રાજ ઇન્ડ. ૫.૯ ટકા, શેફલર સાડાચાર ટકા, ભારત ફોર્જ સવાચાર ટકા, ભેલ સવાત્રણ ટકા ઘટ્યા હતા. મેટલ ઇન્ડેક્સ તમામ ૧૦ શૅરની નબળાઈમાં પોણાચાર ટકા કે ૭૧૬ પૉઇન્ટ કટ થયો છે. તાતા સ્ટીલ ચાર ટકાથી વધુ, વેદાન્તા ચાર ટકા, હિન્દાલ્કો ચાર ટકાની નજીક, સેઇલ અને જેએસડબ્લ્યુ સ્ટીલ પોણાચાર ટકા ગગડ્યા છે. હિન્દુસ્તાન કૉપર ૯૧નું નવું બૉટમ બનાવી ત્રણ ટકા ઘટીને ૯૨ થયો છે. 


અદાણીના નેજા હેઠળ પાવર તથા યુટિલિટીઝમાં કરેક્શન જારી
ગુરુવારે પાવર ઇન્ડેક્સ ૧૨માંથી ૧૧ શૅરના ઘટાડામાં ચાર ટકાથી વધુ તો યુટિલિટીઝ ઇન્ક્સ ૨૩માંથી ૧૮ શૅરની નબળાઈમાં ચાર ટકા નજીક વધુ ડાઉન થયા છે. અહીં અદાણી ગ્રુપના એનર્જી શૅર ઉપરાંત રિલાયન્સ પાવર, જેપી પાવર, બીએફ યુટિલિટી, તાતા પાવર, ટૉરન્ટ પાવર, એનટીપીસી જેવી જાતો અઢી ટકાથી લઈને પાંચ ટકા સુધી અંધારપટમાં હતી. એનએચપીસી સર્વાધિક સવાબે ટકા તથા સીઈએસસી બે ટકા કરતાં વધુ અપ હતા. એનર્જી ઇજેક્સ દોઢ ટકા કરતાં ઓછો ઘટ્યો છે, પરંતુ એના ૨૬માંથી ૨૨ શૅર માઇનસ હતા. ગુજરાત ગૅસ સાડાપાંચ ટકાના ઉછાળે ૫૬૭, જીએમડીસી ૪.૮ ટકા ઊંચકાઈને ૧૮૧ તથા ઇન્ડિયન ઑઇલ સવા ટકો વધી ૧૨૨ હતા. ચેન્નઈ પેટ્રો, જિન્દલ ડ્રિલિંગ, મહાનગર ગૅસ, ભારત પેટ્રો, એમઆરપીએલ બે ટકાથી માંડીને પાંચ ટકા લપસ્યા છે. ઓએનજીસી પોણાબે ટકા ઘટ્યો છે. આઇટી બેન્ચમાર્ક એક ટકાથીય ઓછો, ૦.૯ ટકા કમજોર હતો, પરંતુ એના ૬૨માંથી ૪૯ શૅર ડાઉન હતા. ઇન્ફોસિસ સવા ટકા જેવી નરમાઈમાં ૧૫૦૯ થયો છે, જે ૨૨ જૂન પછીનું બૉટમ છે. નીટ બીજા દિવસની બૂરાઈમાં વધુ સાડાસાત ટકા લથડી ૪૩૬ થયો છે. ૬૩ મૂન્સ ફરી પાછો પાંચ ટકાની મંદીની સર્કિટમાં આવી ગયો છે. એપટેક પોણાપાંચ ટકા નરમ હતો. ઝેનસાર ટેક્નૉ ચાર ટકા અને સોનાટા સૉફ્ટવેર સાડાત્રણ ટકા વધ્યા હતા. રાકેશ ઝુનઝુનવાલાની નજારા પોણાપાંચ ટકાની વધુ ખુવારીમાં ૧૦૯૬ના નવા તળિયે પહોંચ્યો છે. તાતા કમ્યુનિકેશન્સના નહીંવત્ સુધારાને બાદ કરતાં ટેલિકૉમ ઇન્ડેક્સ બાકીના ૧૬ શૅરની નબળાઈમાં પોણાત્રણ ટકા કટ થયો છે. આર.કૉમ તથા વોડાફોન સવાપાંચ ટકાથી વધુ, ભારતી ઍરટેલ ૨.૪ ટકા તથા ઇન્ડસ ટાવર સવાત્રણ ટકા નરમ હતા. 

Whatsapp-channel Whatsapp-channel

13 May, 2022 02:49 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK