Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > પ્રત્યાઘાતી સુધારો જાળવવામાં ભારતીય શૅરબજાર નિષ્ફળ, માર્કેટ બ્રેડ્થમાં સુધારો

પ્રત્યાઘાતી સુધારો જાળવવામાં ભારતીય શૅરબજાર નિષ્ફળ, માર્કેટ બ્રેડ્થમાં સુધારો

28 September, 2022 03:56 PM IST | Mumbai
Anil Patel

તામિલનાડુમાં ઑનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ નજારા ટેક્નૉલૉજીઝને નડ્યો : એચડીએફસી ટ‍્વિન્સમાં નબળાઈ, બજાજ ટ‍્વિન્સ સુસ્તીમાં : એમસીએક્સ ત્રણ ટકા ડાઉન

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


સિપ્લા નવી ટૉપ સાથે નિફ્ટીમાં ટૉપ ગેઇનર, હીરો મોટોકૉર્પ ટૉપ લૂઝર બન્યા : અદાણી ગ્રુપમાં બે શૅર ઘટ્યા, એક જાત સુધરી, રિલાયન્સમાં નરમાઈ અટકી : જીપીટી ઇન્ફ્રામાં શૅરદીઠ એક બોનસ, ભાવમાં નરમાઈ : ભારત ગિયર્સ એક્સ બોનસ થતાં તેજીમાં આવ્યો : તામિલનાડુમાં ઑનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ નજારા ટેક્નૉલૉજીઝને નડ્યો : એચડીએફસી ટ‍્વિન્સમાં નબળાઈ, બજાજ ટ‍્વિન્સ સુસ્તીમાં : એમસીએક્સ ત્રણ ટકા ડાઉન

અગામી ૨૦૨૩નુ વર્ષ રિસેશનનું હશે અને આ મંદી સામાન્ય નહીં, પણ આકરી હશે એવા વરતારા વચ્ચે મંગળવાર વિશ્વબજારો માટે થોડો રાહતદાયી નીવડ્યો છે. વેચવાલીનું પ્રેશર અટકતાં મોટા ભાગનાં બજારો પ્રત્યાઘાતી સુધારામાં જોવાયાં છે. સિંગાપોર અડધો ટકો, થાઇલૅન્ડ સામાન્ય અને ઇન્ડોનેશિયા નામજોગ નરમ હતા. સામે ચાઇના પાંચ દિવસની નબળાઈ બાદ ૧.૪ ટકા પ્લસ હતું. નિક્કી અડધો ટકો તો અન્ય એશિયન બજારો સાધારણ સુધર્યાં છે. યુરોપ ઘટાડાની હૅટ-ટ્રિક પછી પૉઝિટિવ ઓપનિંગ બાદ રનિંગમાં પોણાથી સવા ટકાની આસપાસ ઉપર દેખાયું છે. ક્રૂડમાં ઑપેક તરફથી ઉત્પાદનકાપની વિચારણા શરૂ થયાના અહેવાલ છે. ભાવ ૯ માસની બૉટમથી દોઢેક ટકો વધી ૮૫ ડૉલર ઉપર જોવાયો છે. નાયમેક્સ ક્રૂડ ૭૮ ડૉલર નજીક હતું. ડૉલર સે રૂપિયો ૮૧.૪૭ આસપાસ દેખાતો હતો. વિશ્લેષકો એકાદ સપ્તાહમાં ડૉલર વધીને ૮૨ રૂપિયાની પાર થવાની ગણતરી મૂકી રહ્યા છે. 



ઘરઆંગણે સરકારે એક્ઝિમ પૉલિસીની મુદત વધુ છ માસ લંબાવી છે એટલે નવી આયાત-નિકાસ નીતિ કે ટ્રેડ પૉલિસી હવે માર્ચ ૨૦૨૩ પર જાય છે. મૂળ આ પૉલિસી ૨૦૧૫–૨૦૨૦ માટેની હતી. સરકાર ૨૦૨૦ના એપ્રિલથી અહીં દરેક વખતે ઍડ-હૉક ધોરણે એની મુદત લંબાવતી આવી છે. ગજબની કામ કરતી સરકાર છે આ. બજાર આગલા બંધથી ૨૩૦ પૉઇન્ટ પ્લસમાં ખૂલી છેવટે ૩૮ પૉઇન્ટ અને નિફ્ટી ૯ પૉઇન્ટ ઘટીને બંધ આવ્યો છે. શૅરઆંક ઉપરમાં ૫૭,૭૦૫ તથા નીચામાં ૫૬,૯૫૦ થયો હતો. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ બની છે. એનસીઈમાં ૧૦૬૬ શૅર પ્લસ તો ૮૮૪ જાતો માઇનસ હતી. મોટા ભાગના સેક્ટોરલ પ્લસ થયા છે. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ સવા ટકા, એનર્જી બેન્ચમાર્ક એકાદ ટકા, નિફ્ટી આઇટી પોણા ટકા નજીકના સુધારામાં મોખરે હતા. બે દિવસમાં ૧૧.૪૪ લાખ કરોડના ધોવાણ પછી ગઈ કાલે બજારનું માર્કેટ કૅપ ૫,૦૦૦ કરોડ વધ્યું છે. 


સિપ્લા નવા શિખરે, પણ સંખ્યાબંધ ફાર્મા શૅરોમાં નવા નીચા ભાવ

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૮ તથા નિફ્ટીના ૫૦માંથી ૩૩ શૅર સુધર્યા છે. સિપ્લા ૩.૪ ટકાના ઉછાળે ૧૧૦૨, તાતા કન્ઝ્યુમર્સ અઢી ટકાની મજબૂતીમાં ૮૦૦ તથા શ્રી સિમેન્ટ ૨.૪ ટકા વધી ૨૧,૩૩૯ના બંધમાં નિફ્ટી ખાતે મોખરે હતા. આ ઉપરાંત અત્રે પાવરગ્રીડ, ઇન્ડસઇન્ડ બૅન્ક, ભારત પેટ્રો, ગ્રાસિમ, આઇશર, ડૉ. રેડ્ડીઝ લૅબ દોઢથી બે ટકા મજબૂત હતા. સેન્સેક્સમાં પાવરગ્રીડ ૧.૮ ટકા અપ હતો. તાતા સ્ટીલ સવાબે ટકા, ટાઇટન પોણાબે ટકા અને કોટક બૅન્ક અત્રે દોઢ ટકો ડાઉન હતા. નિફ્ટી ખાતે હીરો મોટોકૉર્પ ૨.૯ ટકા, અદાણી પોર્ટ્સ બે ટકા, ટાઇટન ૧.૯ ટકા માઇનસ થયા છે. તાજેતરની નબળાઈ બાદ રિલાયન્સ પોણો ટકો વધી ૨૩૯૫ થયો છે. અદાણી પાવર ૧.૪ ટકા, અદાણી ટોટલ ૦.૭ ટકા અને એસીસી નામ કે વાસ્તે પ્લસ હતા. અદાણી ગ્રુપના બાકીના છ શૅર એકથી ત્રણ ટકા ઘટ્યા છે. હિન્દુસ્તાન કન્સ્ટ્રકશન્સ ૧૧ ગણા કામકાજે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૪.૭૦ નજીક બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બન્યો છે. ગઈ કાલે બાલોક ટેક્સટાઇલ્સ, ઍલેમ્બિક ફાર્મા, આશાપુરા માઇનકેમ, અરબિંદો ફાર્મા, બાફના ફાર્મા, બાયોકૉન, દિશમાન કાબ્રો, ફ્યુચર લાઇફ, ગ્લેન્ડ ફાર્મા, ગ્રેફાઇટ ઇન્ડિયા, એસઆઇએલ, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ, જે. કે. ઍગ્રી, એલઆઇસી, માસ્ટેક મોરપેન લૅબ, નાટકો ફાર્મા, નેચરો ઇન્ડિયા બુલ્સ, નેક્ટર લાઇફ, ન્યુરેકા, શિલ્પા મેડી, સોના કૉમ સ્ટાર, સિમ્ફની, સુવેન ફાર્મા સહિત ૬૨ શૅર નવા ઐતિહાસિક તળિયે ગયા છે.


 અન્નપૂર્ણામાં ૮૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન, હર્ષા એન્જિનિયર્સની પીછેહઠ 

કલકત્તાની જીપીટી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સે ૧૦ના શૅરદીઠ એક લેખે બોનસ જાહેર કર્યું છે. શૅર પોણાબે ટકા ઘટીને ૧૧૫ બંધ થયો છે. ભારત ગિયર્સ બે શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થતાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૬૭ વટાવી અંતે ૧૯.૭ ટકા ઊછળી ૧૬૭ નજીક રહ્યો છે. બુધવારે ત્રણ કંપનીઓ એક્સ બોનસ થવાની છે, જેમાં રામરત્ન વાયર્સ શૅરદીઠ ૧ બોનસની પૂર્વસંધ્યાએ પાંચ ટકા ગગડી ૪૧૬ થયો છે. ફેસવૅલ્યુ પાંચની છે, તો પૉન્ડી ઓક્સાઇડ્સ ૧૦ના શૅરદીઠ એક બોનસમાં સવાબે ટકા ઘટીને ૧૦૬૧ બંધ હતો. એક્સેસલ રિયલ્ટીમાં ૧૦ના શૅરનું એકમાં વિભાજન તથા બે શૅરદીઠ એક બોનસ છે. બુધવારે શૅર એક્સ બોનસ અને એક્સ સ્પ્લિટ થશે. ભાવ ગઈ કાલે સવાબે ટકા ઘટી ૮.૮૦ બંધ હતો. આગલા દિવસે ૪૭ ટકા પ્લસનો લિસ્ટિંગ ગેઇન આપનાર હર્ષા એન્જિનિયર્સ મંગળવારે ઉપરમાં ૫૧૮ અને નીચામાં ૪૬૫ થઈ અંતે ૩.૨ ટકા ઘટીને ૪૭૦ બંધ થયો છે. ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવથી ૩૦૨૫ લાખ રૂપિયાનો NSE SME IPO લાવનારી કલકત્તાની અન્નપૂર્ણા સ્વાદિષ્ટ ગઈ કાલે લિસ્ટિંગમાં ૧૨૦ ખૂલી ઉપરમાં ૧૨૬ અને નીચામાં ૧૧૪ બતાવી ૧૨૬ બંધ રહેતાં અત્રે ૮૦ ટકાનું રિટર્ન મળ્યું છે. સામે મુંબઈના વર્સોવાની વેરેનિયમ ક્લાઉડ ૧૨૨ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૩૧ ખુલ્યા પછી ઉપરમાં ૧૩૬ અને નીચામાં ૧૨૪ થઈને માત્ર ૫.૪ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૧૨૮ બંધ આવી છે. 
આઇટી ફ્રન્ટલાઇનમાં ધીમો સુધારો આગળ વધ્યો, ટેક મહિન્દ્ર નરમઆઇટીમાં ધીમો સુધારો જળવાયો છે. આંક ૬૨માંથી ૪૫ શૅરના સથવારે ૧૮૧ પૉઇન્ટ કે ૦.૭ ટકા વધ્યો છે. ટીસીએસ પોણો ટકા વધીને ૩૦૧૯ , ઇન્ફોસિસ ૦.૯ ટકાના સુધારામાં ૧૩૯૨ તથા વિપ્રો ૦.૯ ટકા વધીને ૩૯૮ બંધ હતા. સોમવારે ઇન્ટ્રા-ડેમાં આ ત્રણેય કાઉન્ટર્સ ઐતિહાસિક તળિયે ગયાં હતાં. ટેક મહિન્દ્ર એક ટકો નરમ તો એચસીએલ ટેક્નો સવા ટકો પ્લસ હતા. ક્વીક હીલ ૫.૪ ટકા, આર. સિસ્ટમ્સ ૪.૬ ટકા, રેટગેઇન ૩.૭ ટકા, માઇન્ડ ટ્રી ચારેક ટકા વધ્યા છે. તાતા એલેક્સી ઘટાડાની ચાલ આગળ વધારતાં ૨.૩ ટકા ઘટીને ૮૩૩૬ હતો. આઇટીઆઇ, તેજસ નેટ, એચએફસીએલ, રાઉટ મોબાઇલ, ઇન્ડસ ટાવર, રેલટેલ, વોડાફોનના પોણાથી પાંચેક ટકાના સુધારા સાથે ટેલિકૉમ ઇન્ડેક્સ પોણો ટકો વધ્યો છે. ભારતી ઍરટેલ પોણો ટકો વધીને ૭૬૧ હતો. 

તામિલનાડુમાં ઑનલાઇન ગેમિંગ પર બૅન મૂકવામાં આવતાં નજારા ટેક્નૉ સવાત્રણ ટકા ઘટી ૬૫૮ તો સેવનસીઝ ૨.૭ ટકાની નરમાઈમાં ૧૮ રૂપિયા બંધ હતા. પીવીઆર એક ટકો અને આઇનોક્સ લિઝર અડધો ટકો ઘટ્યા છે. જસ્ટ ડાયલ, ટીવી૧૮, તાન્લા પ્લૅટફૉર્મ, સનટીવી, ટીએન્ટર અડધાથી ૨.૭ ટકા સુધર્યા છે. ડીશ ટીવી ૬.૬ ટકા તૂટ્યો હતો. ઝીલર્ન પાંચ ટકાની ઉપલી સર્કિટે ૭.૩૮ તથા ઝી મીડિયા એક ટકો વધી ૧૬.૬૫ હતા. એનડીટીવાય નીચલી સર્કિટે ૩૫૦ થયો છે.

સુસ્ત બજારમાં ગૅસ વિતરક કંપનીઓ લાઇમલાઇટમાં રહી 

મંગળવારે સિટી ગૅસ ડિસ્ટ્રિબ્યુટર્સ કંપનીઓ ડિમાન્ડમાં હતી. મહાનગર ગૅસ ૬.૭ ટકા ઊંચકાઈ ૮૫૧, ઇન્દ્રપ્રસ્થ ગૅસ ૬.૮ ટકાની મજબૂતીમાં ૪૨૩ તથા ગુજરાત ગૅસ ૫.૮ ટકા વધી ૫૧૬ બંધ રહ્યા છે. ગૅસ ઉત્પાદક ઓએનજીસી ૦.૯ ટકાના સુધારામાં ૧૨૪ અને ઑઇલ ઇન્ડિયા ૨.૧ ટકાની નરમાઈમાં ૧૭૫ બંધ હતી. અદાણી ટોટલ ૦.૭ ટકા વધ્યો છે. પેટ્રોનેટ એલએનજી સહેજ નરમ હતો. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧૦માંથી ૯ શૅરના સુધારામાં સવા ટકા વધ્યો છે. એનર્જી બેન્ચમાર્ક ૨૭માંથી ૨૪ શૅરના સથવારે એક ટકો જેવો પ્લસ થયો છે. જીએસપીએલ સવાત્રણ ટકા, ચેન્નઈ પેટ્રો પોણાત્રણ ટકા, ભારત પેટ્રો ૧.૯ ટકા, એમઆરપીએલ એક ટકા, ગેઇલ દોઢ ટકા, હિન્દુ પેટ્રો પોણો ટકા, ઇન્ડિયન ઑઇલ ૧.૧ ટકા, જિંદાલ ડ્રિલિંગ અડધો ટકો અપ હતા. યુટિલિટીઝ અને પાવર ઇન્ડેક્સ અડધો ટકો જેવા નરમ હતા. વારી રિન્યુએબલ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૪૫૧ થઈ છે. અદાણી પાવર ૧.૪ ટકા, ટૉરોન્ટો પાવર ૨.૭ ટકા, પાવરગ્રિડ ૧.૮ ટકા, જેએસડબ્લ્યુ એનર્જી સવા ટકા, રિલાયન્સ ઇન્ફ્રા પોણો ટકા, તાતા પાવર ૦.૯ ટકા વધ્યા છે. સિમેન્ટ પોણાબે ટકા ઘટી ૨૭૨૦ હતી. લાર્સન અડધો ટકો ઘટ્યો છે. હિન્દુ. ઍરોનોટિક્સ, ભારત ફોર્જ, સુઝલોન, એલજી ઇક્વિ, એઆઇએ એન્જિ. બેથી ત્રણ ટકા નરમ હતા. 

બૅન્ક નિફ્ટીમાં ફ્રન્ટલાઇનનો ભાર રહ્યો, પ્રુડેન્ટ કૉર્પોરેટમાં ઉછાળો 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૬ શૅરના ઘટાડા સાથે વધુ ૨૫૭ પૉઇન્ટ કે ૦.૭ ટકા ઘટ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના સુધારા વચ્ચે નહીંવત્ નરમ હતો. બૅન્કિંગ ઉદ્યોગના ૩૬માંથી ૧૮ શૅર માઇનસ થયા છે. જેકે બૅન્ક પોણાબે ગણા કામકાજે ૫.૭ ટકા ગગડી ૨૮ના બંધમાં વર્સ્ટ પર્ફોર્મર હતી. ફેડરલ બૅન્ક અને ડીસીબી બૅન્ક ત્રણ ટકાની આસપાસ પ્લસ હતા. કોટક બૅન્ક દોઢ ટકા, સ્ટેટ બૅન્ક ૧.૪ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક એક ટકા, ઍક્સિસ બૅન્ક ૦.૭ ટકા, એચડીએફસી બૅન્ક પોણો ટકા વધુ ડાઉન થયા છે. ઇન્ડસઇન્ડ બૅન્ક સવા ટકા સુધરી ૧૧૬૪ હતી. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૯માંથી ૭૧ શૅરના ઘટાડે અડધો ટકો નબળો પડ્યો છે. પ્રુડેન્ટ કૉર્પોરેટ ઍડ્વાઇઝરી ૧૩.૩ ટકાની તેજીમાં ૬૭૨ થઈ છે. મુથુટ ફાઇ છ ટકા, રેલિગેર ૪.૨ ટકા, મેક્સ વેન્ચર્સ ત્રણ ટકા તો પીએનબી હાઉસિંગ અઢી ટકા પ્લસ હતા. એચડીએફસી પોણો ટકો ઘટીને ૨૨૯૦ હતી. બજાજ ટ્વિન્સ સાધારણ વધઘટે હતા. એલઆઇસી ૬૨૭ના નવા ઑલટાઇમ તળિયે જઈને સામાન્ય ઘટાડે ૬૨૯ રહી છે. એમસીએક્સ ત્રણેક ટકા ખરડાઈને ૧૨૦૦ હતી. ઑટો ઇન્ડેક્સ ૧૫માંથી ૮ શૅરના ઘટાડે સાધારણ ડાઉન હતો. આગલા દિવસે ૫૧૩ રૂપિયા તૂટેલો મારુતિ ગઈ કાલે ૦.૭ ટકા ઘટી ૮૭૭૩ થયો છે હીરો મોટોકૉર્પ ત્રણ ટકા, અશોક લેલૅન્ડ ૨.૩ ટકા, બજાજ ઑટો એક ટકા નરમ હતા. 

Whatsapp-channel Whatsapp-channel

28 September, 2022 03:56 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK