Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ફિસ્કલ ૨૦૨૧માં આર્થિક વિકાસના દરમાં ૪૦ વર્ષનો પહેલો ઘટાડો

ફિસ્કલ ૨૦૨૧માં આર્થિક વિકાસના દરમાં ૪૦ વર્ષનો પહેલો ઘટાડો

07 June, 2021 01:39 PM IST | Mumbai
JItendra Sanghvi

પહેલા મોજામાં આર્થિક નુકસાન વધુ થયું, તો બીજામાં જાનહાનિ

ઈન્ડિયન ઈકૉનોમી

ઈન્ડિયન ઈકૉનોમી


કોરોનાનું બીજું મોજું ક્યારે પૂરું થશે અને ત્રીજું મોજું ક્યારે આપણી મુલાકાત લેશે એના વિવિધ અડસટ્ટા વચ્ચે ગયા અઠવાડિયે સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાયેલ આંકડાઓ અને રિઝર્વ બૅન્કની મૉનેટરી પૉલિસીની જાહેરાતના લેખાંજોખાં અર્થતંત્રના ધૂંધળા ચિત્રને સ્પષ્ટ કરે છે.

નવી આશાનો સંચાર
અઠવાડિયા દરમ્યાન આર્થિક વિકાસના, નિકાસના, ઉત્પાદન ક્ષેત્રના પીએમઆઇના, વિદેશી હૂંડિયામણના અને બેરોજગારીના આંકડાઓની વિગતમાં ઊતરીએ તો એક નવી આશાનો સંચાર થાય છે. થોડા માઇનસ અને થોડા પ્લસ વચ્ચે તારણ કાંઈક એમ નીકળે છે કે બીજા મોજાની અસરને કારણે જૂન ક્વૉર્ટરમાં આર્થિક વિકાસ ધીમો પડે (કદાચ જૂન ૨૦૨૦ના કવૉર્ટરના ૨૪ ટકાના મોટા ઘટાડાને કારણે (બેઝ ઇફેક્ટ) થોડો ઊંચો દેખાય) તો પણ સપ્ટેમ્બર ક્વૉર્ટરથી આર્થિક વિકાસની ગતિ ચોક્કસપણે ઉપરની દિશાની હશે.



ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી એ હકીકતમાં એક જ વાત છે, પણ જે માનવું હોય એ રીતે આંકડાઓની સરખામણી કરી શકાય.


હાલના અર્થતંત્રની નિરાશાજનક સ્થિતિમાં રૂપેરી કોર જેવા કેટલાક આંકડાઓ પર એક દૃષ્ટિપાત કરીએ :
૧. દૈનિક ધોરણે ચોથી જૂને કોરોનાના નવા કેસ બે મહિનામાં સૌથી ઓછા (૧.૨૦ લાખ). રોજના મૃત્યુનો આંક દોઢ મહિનાનો સૌથી નીચો (૨૨૬૧). નવા કેસની અઠવાડિક સરેરાશ (૧.૩૮ લાખ) મે આઠની ટોચ (૩.૯૧ લાખ) ના ૩૩ ટકા. કુલ અૅક્ટિવ કેસ ૧૫ લાખ જેટલા જ. નવા કેસ બાબતે સૌથી વધુ સંક્રમિત પાંચ રાજ્યો (તામિલનાડુ, કેરલા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ)નો હિસ્સો ૬૬ ટકા જેટલો છે. આ પાંચ રાજ્યોમાં ચાર રાજ્યો દક્ષિણનાં છે એ નોંધપાત્ર છે.

આ પાંચ રાજ્યો સિવાય દેશના બાકીના ૨૪ રાજ્યોમાં રોજના નવા કેસ એક હજારથી ઓછા થઈ ગયા છે (જૂન ૪).
૨. વૅક્સિનનો એક ડોઝ લીધેલ નાગરિકોની સંખ્યા (૧૭.૨ કરોડ) અમેરિકામાં એક ડોઝ લીધેલની સંખ્યા કરતાં વધુ છે. અલબત્ત આપણી વસતી વિશાળ હોઈ, આપણે ત્યાં માત્ર વસતીના ૧૩ ટકાને વૅક્સિનનો પહેલો ડોઝ મળ્યો છે, અમેરિકામાં આ ટકાવારી ૫૧ ટકાની છે.
૩. દેશની આર્થિક રાજધાની મુંબઈ (મહારાષ્ટ્રનો નંબર સૌથી વધુ સંક્રમિત પાંચ રાજ્યોમાં હોવા છતાં)માં નવા કેસ, પૉઝિટિવિટી રેટ (૫ થી ૧૦ ટકા વચ્ચે) અને ઑક્સિજન બેડ ઑક્યુપન્સી (૪૦થી ૬૦ ટકા વચ્ચે) ઘટતા લૉકડાઉનના રિસ્ટ્રિકશન્સ
ઘટાડીને આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરી શકાય તેવા ક્ષેત્રોનો વ્યાપ વધારાયો છે અને તે માટે કામના વધુ કલાકોની છૂટ અપાઈ છે.
જેને કારણે મધ્યમ વર્ગની રોજગારીમાં વધારો થશે.


અર્થતંત્રના પૉઝિટિવ
૧. દેશના વિદેશી હૂંડિયામણે ૬૦૦ બિલ્યન ડૉલરનો નવો વિક્રમ નોંધાવ્યો છે-(જૂન ૪). છેલ્લા બાર મહિનામાં વિદેશી હૂંડિયામણમાં ૧૦૫ બિલ્યન ડૉલર જેટલો વધારો થયો છે. 
અમેરિકન અર્થતંત્ર સુધરતું જાય છે અને ત્યાં ભાવવધારાનું દબાણ પણ છે. એ સંદર્ભમાં ફેડ વ્યાજના દર વધારે તો ભારતમાંથી વિદેશી મૂડી (ડૉલર)નો આઉટફ્લો વધી શકે, ત્યારે આપણું રેકૉર્ડ વિદેશી હૂંડિયામણ આપણને રૂપિયાની બાહ્ય કિંમત અને ઉત્પાદનના ક્ષેત્ર માટે જરૂરી આયાતોનું સ્તર જાળવવામાં બફર બની શકે.
છેલ્લા ૧૫ મહિનામાં દેશની આર્થિક હાલત ખાડે ગઈ હોવા છતાં ભારતે વિશ્વના સૌથી વધુ વિદેશી હૂંડિયામણ ધરાવતા પાંચ દેશોમાં સ્થાન મેળવ્યું છે. જે વિદેશી મૂડીરોકાણકારોના ભારતના અર્થતંત્રમાંના વિશ્વાસનું પ્રતીક છે. હાલના લેવલે આ વિદેશી હૂંડિયામણ આપણી ૧૨થી ૧૪ મહિનાની આયાતો ફાઇનૅન્સ કરી શકે.
૨. આપણી ફિસ્કલ ૨૨ના પ્રથમ બે મહિના (એપ્રિલ-મે)ની નિકાસો ગયા વર્ષ (જ્યારે બન્ને મહિનાઓમાં દેશવ્યાપી લૉકડાઉનની સ્થિતિ હતી)ની નિકાસો કરતાં તો વધુ હોય જ, પણ તે ૨૦૧૯ના પ્રથમ બે મહિનાની નિકાસ કરતાં પણ ૧૨ ટકા વધારે હતી.
એનું સામાન્ય અર્થઘટન એમ થાય કે નિકાસના ક્ષેત્રે થયેલ નુકસાન પ્રમાણમાં ઓછું છે અને આવતા થોડા મહિનાઓમાં મહામારીનું ત્રીજું મોજું આવે તો પણ તે પછીના મહિનાઓમાં નિકાસ ક્ષેત્રે આપણો દેખાવ સુધરશે.
બીજું મોજું વધુ ઝડપથી ફેલાતા મે મહિનો અર્થતંત્ર માટે નબળો રહ્યો. વિશ્વના અન્ય દેશોની આર્થિક રિકવરી ઝડપી બનશે તેમ આપણી નિકાસ માટેની માગ પણ વધવાની. પશ્ચિમના મોટા દેશોના અર્થતંત્ર સુધરવા માંડ્યા છે. આ બે મહિનાના ગાળામાં નોન-ઑઇલ આયાતોમાં ૫૦ ટકાથી વધુ વધારો થયો છે જે ઉત્પાદન ક્ષેત્રમાં વધતી માગનો અને અર્થતંત્રની રિકવરી નજીકમાં હોવાનો નિર્દેશ કરે છે. વેપારખાધ (૬.૩ બિલ્યન ડૉલર) આઠ મહિનાની સૌથી નીચી છે.
૩. આ મહિને શરૂ થનાર સાઉથ-વેસ્ટ ચોમાસું નોર્મલ રહેવાની સંભાવના વધુ છે. એટલું જ નહીં કૃષિ ક્ષેત્રનું પ્રાધાન્ય છે તેવાં રાજ્યોમાં વરસાદનું સમાન વિતરણ પણ પાક માટે લાભદાયક રહેવાનું. અને વરસાદ સારો તો વરસ સારું. તેનાથી ગ્રામ્યવિસ્તારમાં કન્ઝ્યુમર ગુડઝ માટેની માગ પણ સારી રહેવાની.
૪. એપ્રિલ ૨૦૨૧માં કોર સેક્ટર (સ્ટીલ, સિમેન્ટ, ઇલેક્ટ્રિસિટી, ક્રૂડ-ઑઇલ વગેરે)ના ઉત્પાદનમાં ૫૬ ટકાનો વધારો થયો (એપ્રિલ ૨૦૨૦ના નીચા બેઝને કારણે).
૫. માર્ચ ૨૦૨૧ના ક્વૉર્ટરમાં આર્થિક વિકાસના દરમાં ૧.૬ ટકાનો વધારો (ડિસેમ્બર ૨૦૨૦ના ક્વૉર્ટરમાં ૦.૫ ટકા) બીજા મોજાની શરૂઆત પહેલાં અર્થતંત્રની રિકવરીની ધીમી શરૂઆત થઈ હોવાનો નિર્દેશ કરે છે.
અર્થતંત્રનાં નબળાં પાસાં
૧. ૨૦૨૦-’૨૧ના વર્ષે આર્થિક વિકાસનો દર ૭.૩ ટકા જેટલો ઘટ્યો (૨૦૧૯-’૨૦માં ચાર ટકાનો વધારો). આ ઘટાડો સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટો અને છેલ્લા ૪૦ વર્ષનો પહેલો ઘટાડો છે. આ પહેલાં ૧૯૭૯-’૮૦માં આર્થિક વિકાસનો દર ૫.૨ ટકા ઘટ્યો હતો.
૨. ઉત્પાદન માટેનો પીએમઆઇ મે મહિને છેલ્લા ૧૦ મહિનાની નીચી સપાટીએ.
૩. મે મહિને વીજળીના વપરાશમાં ૧૦.૪ ટકાનો ઘટાડો.
૪. છેલ્લા ૧૨ વર્ષમાં પ્રથમ વાર ૨૦૨૦-’૨૧ના વર્ષે સરકારની કૉર્પોરેટ ટૅક્સની આવક (૪.૫૭ લાખ કરોડ) ઇન્કમ ટૅક્સની આવક (૪.૬૯ લાખ કરોડ) કરતાં ઓછી થઈ. જોકે લિસ્ટેડ કંપનીઓનો નફો (કુલ આવકના ટકા) એટલે કે નેટ માર્જિન ૯.૧ ટકા હતો જે ૨૦૦૭-’૦૮ પછીની સૌથી ઊંચી ટકાવારી છે. એટલે સરકારની કૉર્પોરેટ ટૅક્સની આવકના ઘટાડા માટે ટૅક્સના દરના ઘટાડા સિવાયનાં અન્ય કારણો પણ શોધવા રહ્યા.
રિઝર્વ બૅન્કે પૉલિસીના દર જાળવી રાખ્યા
આર્થિક વિકાસના દર આડેની અનેક અનિશ્ચિતતાઓ વચ્ચે રિઝર્વ બૅન્કે તેના પૉલિસીના રેટ્સ (વ્યાજના દર) જાળવી રાખ્યા છે. આમ કરીને ભાવવધારાના ઊભેલા જોખમ સામે આર્થિક વિકાસના દરના ઘટાડાના જોખમને બૅન્કે ગૌણ કર્યું છે. આમ મે ૨૦૨૦ પછી સતત છ વારની મૉનેટરી પૉલિસીની જાહેરાતમાં વ્યાજના દર યથાવત્ રખાયા છે.
પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવને લઈને ક્યારે પણ ચીજવસ્તુઓના ટ્રાન્સપોર્ટના ખર્ચમાં અણધાર્યો વધારો કરાય તો ભાવવધારાનું જોખમ વાસ્તવિક બને અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના વધારામાં પરિણમે.
સીએમઆઇઈના આંકડા પ્રમાણે મે ૩૦ના અઠવાડિયે શહેરી બેરોજગારીનો દર ૧૮ ટકા જેટલો ઊંચો હતો. તો પણ મહામારીના પહેલા મોજાની સરખામણીએ (જ્યારે અર્થતંત્ર તદ્દન ઠપ થઈ ગયેલ) ૨૦૨૧નું બીજું મોજું જલદી પૂરું થઈ શકે તેમ હોઈ ૨૦૨૦-૨૧ કરતાં ૨૦૨૧-’૨૨નું ચાલુ વર્ષ સારું રહેવાનું એ નક્કી. વિશ્વના અનેક દેશોના અર્થતંત્રનો સુધારો પણ આપણા અર્થતંત્ર માટે લાભદાયી બની શકે તે વિષે બેમત ન હોઈ શકે.

Whatsapp-channel Whatsapp-channel

07 June, 2021 01:39 PM IST | Mumbai | JItendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK