Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મહામારીનું ત્રીજું મોજું નિશ્ચિત જ છે, પણ ક્યારે તે અનિશ્ચિત

મહામારીનું ત્રીજું મોજું નિશ્ચિત જ છે, પણ ક્યારે તે અનિશ્ચિત

31 May, 2021 12:42 PM IST | Mumbai
JItendra Sanghvi

વૅક્સિનેશન અને અન્ય રાહત માટે સરકારે નાણાંની કોથળી ખુલ્લી મૂકવાનો આ સમય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોનાનો કેર ઓછો થતો જાય છે. રોજના નવા નોંધાતા કેસ બે લાખની અંદર ઊતરી ગયા છે (મે ની ૨૮મી એ ૧.૭૩ લાખ નવા કેસ). આ વધારો એપ્રિલ ૧૨ પછીનો એટલે કે છેલ્લા દોઢ મહિનાનો સૌથી ઓછો છે. બીજા મોજાના પીક સમયે આવા કેસ ચાર લાખનો આંક ઓળંગી ગયો હતો (મે ૬).

મહારાષ્ટ્ર સહિતના વધારે સંક્રમિત થયેલાં રાજ્યોમાં નવા કેસ ઘટતા જાય છે. ૨૪ જેટલાં રાજ્યોમાં અૅક્ટિવ કેસની સંખ્યા ઘટવા માંડતાં દેશમાં આવા કેસ ઘટીને ૨૨ લાખ જેટલા થયા છે (મે ૯ના રોજ આ આંક ૩૭ લાખ ઉપર હતો). પૉઝિટિવિટી દર પણ છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી ઘટી રહ્યો છે. મે ૨૨થી ૨૮ના અઠવાડિયાનો આ દર ૯.૮ ટકા હતો ( મે ૧થી ૭ના અઠવાડિયે ૨૨.૬ ટકા). મે ૨૮ના દિવસનો આ દર તો ૮.૪ ટકા જેટલો નીચો હતો. 



બીજાં મોજાંએ કર્યું ભારે નુકસાન 
આ બધા આંકડાઓ અને નિષ્ણાતોના અહેવાલો એમ દર્શાવે છે કે પાંચ-દસ દિવસ આમતેમ પણ કોરોનાનું બીજું મોજું પૂરું થવામાં છે એ હકીકત છે. જોકે વિદાય લેતાં પહેલાં આ મોજાએ દેશને પારાવાર આર્થિક નુકસાન પહોંચાડ્યું છે અને જાનહાનિ પણ, આ વાસ્તવિકતા નકારી શકાય તેમ નથી. 


છેલ્લા ૧૫ મહિનામાં મહામારીને કારણે ભારતમાં થયેલ કુલ ત્રણ લાખ મરણમાં પ્રથમ બે લાખનો આંક પહોંચતાં ૪૦૦ દિવસ લાગ્યા; જ્યારે તે પછીના એક લાખ મૃત્યુ માત્ર ૨૬ દિવસમાં થયા. આ સમય દરમ્યાન રોજના સરેરાશ મોતની સંખ્યા ૪૦૦૦ ઉપરની રહી. 

વિદેશોમાં થયેલ અભ્યાસોના અનુમાન પ્રમાણે ભારતમાં સંક્રમિત થયેલ દરદીઓના અને મોતના સાચા આંકડા પ્રસિદ્ધ કરાયેલ આંકડા કરતાં અનેકગણા વધારે હોઈ શકે. 


આપણે આ અહેવાલોને પક્ષપાતભર્યા માની તેની અવગણના કરીએ તો પણ મૃતદેહોના નિકાલના પ્રસિદ્ધ થયેલ નદીઓમાં વહેતી લાશો સહિતના અહેવાલો પરથી આપણી પરિસ્થિતિ ગંભીર હતી એ વાતનો સ્વીકાર કરવો રહ્યો.

સદીઓમાં એકાદ વાર ઊભી થતી આવી અસાધારણ પરિસ્થિતિ અને આપણી તદ્દન અપૂરતી તબીબી સગવડો એ બન્નેને કારણે આપણે માટે આ ઘા વધુ જીવલેણ પુરવાર થયો.

આપણે માટે આજની પરિસ્થિતિ વેકઅપ કૉલનું કામ કરે તો એ આપણે માટે છૂપા આશીર્વાદરૂપ સાબિત થશે. ભવિષ્યમાં આવી શકનાર આવી કે બીજી કોઈ પણ અણધારી આફતના સામના માટે આપણે વધુ સજ્જ બની શકીશું.

મહામારી પછીનું વિશ્વ  
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક વિધાન પ્રમાણે આ મહામારીને લીધે પહોંચેલ આર્થિક ફટકો જબરદસ્ત અને અકલ્પનીય છે. મહામારી પછીનું વિશ્વ મહામારી પહેલાંના વિશ્વથી તદ્દન ભિન્ન હશે.

૨૦૨૦માં આ મહામારીએ વિશ્વના બધા દેશોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું પણ ૨૦૨૧ની પરિસ્થિતિ જુદી છે. અમેરિકા અને મોટા ભાગના અન્ય વિકસિત દેશો તથા કેટલાક ઇમર્જિન્ગ દેશોના અર્થતંત્ર મજબૂતીપૂર્વક બેઠા થઈ રહ્યાં છે. અમેરિકાનો આર્થિક વિકાસનો દર છ ટકાથી વધુ રહેવાની સંભાવના છે. ભારત સહિત વિશ્વના બાકીના  દેશોને આર્થિક રીતે બેઠા થતાં હજી ઘણી વાર લાગશે.

મહામારીના બીજા મોજાએ જુદાં જુદાં રાજ્યો દ્વારા નખાયેલ પ્રાદેશિક લૉકડાઉન અને અન્ય રિસ્ટ્રિકશન્સને કારણે ભારતને કલ્પના બહારનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. આ બીજા મોજાના વળતાં પાણીની શરૂઆત થઈ હોવા છતાં જે ઝડપે તે આપણાં ગામડાંઓ સુધી પહોંચી ગયું છે તેને કારણે આપણા અર્થતંત્રની ગાડી પાટે ચડવાની શરૂઆત પણ પાછળ ધકેલાશે. જુદી જુદી પ્રોફેશનલ એજન્સીઓએ ૨૦૨૧-’૨૨નો ભારતનો આર્થિક વિકાસનો સંભવિત દર ૧૧-૧૨ ટકામાંથી ઘટાડીને ૯-૧૦ ટકાનો કર્યો છે. 

આ ઘટાડેલા દર સામે પણ જાતજાતની અનિશ્ચિતતાઓ અને જોખમો ઊભાં છે એટલે આ દર આખરે કેટલો રહી શકે તેના અંદાજો રોજેરોજ બદલાતા રહેવાના, પણ એક વાત નક્કી કે મહામારી પહેલાંની આર્થિક સદ્ધરતાએ પહોંચવામાં સારો એવો સમય નીકળી જવાનો.

ત્રીજું મોજું અનિશ્ચિતતા સતત ડરાવી રહી છે
ભારત સરકારના વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવનના મતે સામાન્ય રીતે આવી મહામારીનું બીજું મોજું પહેલા મોજાં કરતાં નાનું હોય છે. એમના અને અન્ય નિષ્ણાતોના મતે જે ઝડપે અને જે સ્તરે વાઇરસ ફેલાઈ રહ્યો છે તે જોતાં આ મહામારીનું ત્રીજું મોજું પણ અનિવાર્ય છે. એ આવશે તે નિશ્ચિત પણ ક્યારે તે અનિશ્ચિત. એ નિશ્ચિતરૂપે આજે નહીં તો કાલે આપણને સ્પર્શવાનું જ હોય તો એ વખતે આપણે ઊંઘતા ન ઝડપાઈએ પણ તેના સામના માટે પૂરેપૂરા સજ્જ હોઈએ તે માટેની તૈયારી આજથી જ કરવી પડે.

અનુભવના અભાવે પહેલા મોજાં પછી બીજાં મોજાંની અપેક્ષા નહોતી. આવે તો પણ તે આટલું ઘાતક હોવાની ગણતરી નહોતી. એટલે આપણે થોડા લાપરવા પણ બન્યા, પણ બીજાં મોજાંના જાત-અનુભવ પછી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને પ્રજા થોડાં વધુ સતર્ક બન્યાં છે. રાજ્ય સરકારો જરાપણ ચાન્સ લેવાના અને પાછળથી પસ્તાવાના મૂડમાં નથી.

 રાજ્યની અને મુંબઈની પરિસ્થિતિના સારા એવા સુધારા પછી પણ મહારાષ્ટ્ર સરકાર લૉકડાઉન સંપૂર્ણપણે તો નહીં પણ આંશિક રીતે હળવો કરવામાં પણ ગંભીરપણે વિચારે છે અને ધીમે પગલે આગળ વધે છે. અન્ય રાજ્ય સરકારો પણ આમ જ વિચારે છે. એવી વિચારણા અને અગમચેતી પ્રજાના વિશાળ હિતમાં આવકાર્ય પણ છે.

...પણ હવે પેચીદો અને મિલ્યન ડૉલરનો પ્રશ્ન એ છે કે ક્યાં સુધી આપણને આર્થિક પ્રવૃત્તિઓ, આંશિક રીતે બંધ રાખવાનું પણ પરવડી શકે? છેલ્લા ૧૫ મહિનામાં દેશને ભારે આર્થિક નુકસાન થયું છે. નાના વેપાર ઉદ્યોગો ખલાસ થઈ ગયા, તેમાં કામ કરતા નાના કામદારોની નોકરીઓ અને રોજી-રોટી છીનવાઈ ગઈ, તેમને અને અન્ય નીચલા વર્ગને ગુજરાન ચલાવવું અસહ્ય બની ગયું.  

આર્થિક પ્રવૃત્તિઓ ખોલવામાં જાનહાનિનું જોખમ છે તો તે બંધ રાખીને નાગરિકોની હાલત વધુ દયનીય કરવાનું પણ તો ન જ પરવડે ને? પસંદગી કોના પર ઉતારવી? એક બાજુ ડેવિલ છે તો બીજી બાજુ ડીપ-સી. એટલે સરકાર પણ નિર્ણય લેવામાં મીઠી મૂંઝવણ અનુભવતી હોય એમ બને.

બેટલ જીત્યા, વૉર જીતવાની બાકી છે 
પુનરાવર્તનના ભોગે પણ એક જ વાત દોહરાવવી પડે કે પુખ્ત ઉમરના બધા લોકોને બનતી ત્વરાએ વૅક્સિન આપવાનું આયોજન કરાય એ જ આપણા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. અન્ય દેશોનો અનુભવ પણ કાંઈક આવો જ છે.

એ સંદર્ભમાં કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર ૨૦૨૧ના અંત સુધીમાં પુખ્ત વયના ૧૦૮ કરોડ લોકોને વૅક્સિનના જરૂરી ડોઝ અપાઈ જવાની અપાયેલ હૈયાધારણ આપણે માટે સૌથી વધુ રાહત અને આનંદના સમાચાર છે. આ માટેના જરૂરી ડોઝની ઉપલબ્ધિ માટે દેશમાં તેનું ઉત્પાદન વધારાશે અને ફાઇઝર, મૉડર્ના અને જે અૅન્ડ જેની રસીના ડોઝ આયાત પણ કરાશે. પરિણામે ઑગષ્ટ સુધીમાં વૅક્સિનેશનની ઝડપ વધવાની સંભાવના છે. 

સરકારે આ ધ્યેયની સિદ્ધિને ટોપમોસ્ટ પ્રાયોરિટી આપવી પડશે. એ માટેની જરૂરી માળખાકીય સવલતો ( લોજિસ્ટિક સપોર્ટ અને જરૂરી મૅન પાવર) ઊભી કર્યા સિવાય આ હર્ક્યુલિઅન ઉદ્દેશ સિદ્ધ કરવાનું અશક્ય નહીં તો મુશ્કેલ તો છે જ. તે માટેના મૅચિંગ રિસોર્સિસ ઊભા કરવા પડશે.

આપણાં ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં પહોંચવું ભારે કઠિન છે. દેશવ્યાપી ચૂંટણીઓ યોજવા માટેના નેટવર્ક જેવું જ નેટવર્ક ઊભું કરવું પડશે. મર્યાદિત સાધનોનો મહત્તમ ઉપયોગ થાય એ માટે ચૂંટણીઓ જેમ વૅક્સિનેશનનો પણ તબક્કાવાર દેશવ્યાપી પ્રોગ્રામ તૈયાર કરાય તો શબ્દોમાં કરાયેલ જાહેરાતનો અમલ શક્ય બને. રાજકીય મતભેદોને થોડા સમય માટે હોલ્ડ પર રાખી કો-ઑપરેટિવ ફેડરાલિઝમની ભાવનાથી કામ કરાય એ આપણી સ્ટ્રેટેજીની સફળતા માટે અનિવાર્ય છે. 

...અને છેલ્લે સૌથી અગત્યની વાત - સાધનવિહોણા વર્ગને વૅક્સિનેશનના ભાવ ન પરવડે એ દયનીય સ્થિતિ ટાળવી પડશે. કામ અતિ દુષ્કર છે. સમયનો તકાદો જાણી સરકાર નાણાંની કોથળી ખુલ્લી મૂકી બધાને સાથે જોડીને આગળ વધશે તો કોરોના સામેની વૉરમાં આપણી જીત થઈ શકે. અત્યારે નહીં તો ક્યારે? કોરોના સામેની બેટલ જીત્યા હોઈએ તો પણ વૉર જીતવાની તો હજી બાકી જ છે.

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2021 12:42 PM IST | Mumbai | JItendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK