Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રસીના ૧૦૦ કરોડ ડોઝ આપીને વિશ્વનો બીજા નંબરનો દેશ બનવાનો ભારતે વિક્રમ સ્થાપ્યો

રસીના ૧૦૦ કરોડ ડોઝ આપીને વિશ્વનો બીજા નંબરનો દેશ બનવાનો ભારતે વિક્રમ સ્થાપ્યો

25 October, 2021 04:26 PM IST | Mumbai
JItendra Sanghvi

માગ વધારવા માટે સરકારનાં પગલાંઓ અને સુધારાઓ ચાલુ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોના મહામારીને અંકુશમાં રાખવાનો રામબાણ ઇલાજ છે વૅક્સિનેશનના ડૉઝનું કવરેજ વધારવાનો. આ વૅક્સિનેશનના ૧૦૦ કરોડ ડોઝ આપીને ગયે અઠવાડિયે ભારતે એક નવો વિક્રમ સ્થાપ્યો છે. નવ મહિના પહેલાં (જાન્યુઆરી ૧૬) દેશની પુખ્ત વયની ૯૪ કરોડની વસ્તીને બન્ને ડોઝ ડિસેમ્બરના અંત પહેલાં આપવાના લક્ષ્યાંક સાથે શરૂ કરેલ ભગીરથ કાર્ય પૂરું કરવાની દિશામાં આપણે મક્કમ રીતે આગળ વધી રહ્યા છીએ.

છેલ્લા ૫૦ કરોડ ડોઝ ૭૬ દિવસમાં અપાયાનો વિક્રમ



શરૂઆતના તબક્કે અનેક મુશ્કેલીઓ વચ્ચે વૅક્સિનેશનની ઝડપ ઉપર-નીચે થતી રહી. કારણ? કોઈક વાર વૅક્સિનના પુરવઠાની અછત તો કોઈક વાર એના અમલ માટેની માળખાકીય સવલતોની ખામી કે તેની અપૂરતી સગવડો. એ બધી મર્યાદાઓ વચ્ચે માર્ગ કાઢીને પહેલાં ૫૦ કરોડ ડોઝ ૨૦૩ દિવસમાં અપાયા (જાન્યુઆરી ૧૬ - ઑગસ્ટ ૬); તો પછીના ૫૦ કરોડ ડોઝ માત્ર ૭૬ દિવસ (ઑગસ્ટ ૭-ઑકટોબર ૨૧)માં. સપ્ટેમ્બર ૧૭મીએ એક દિવસમાં ૨.૫ કરોડ ડોઝ આપવાનો નવો વિક્રમ પણ આપણે સ્થાપ્યો.


હવે પછીના ૮૮ કરોડ ડોઝ ૭૧ દિવસમાં આપવાનું લક્ષ્યાંક

પુખ્ત વયની પૂરી વસ્તીને આપણા લક્ષ્યાંક મુજબ ડિસેમ્બર ૩૧ સુધીમાં કવર કરવા માટે હવે ૭૧ દિવસમાં ૮૮ કરોડ ડોઝ આપવા પડે. લક્ષ્યાંક ખાસ્સું એવું ઊંચું અને મુશ્કેલ છે. તો પણ અત્યાર સુધીનો અનુભવ આપણને એમ માનવા પ્રેરે છે કે તે તદ્દન અશકય તો નથી જ.


શરૂઆતના તબક્કે પહેલા 10 કરોડ ડોઝ આપતા ૮૫ દિવસ લાગ્યા. તો વચ્ચેના એક તબક્કે વધારાના ૧૦ કરોડ ડોઝ (૭૦ કરોડથી ૮૦ કરોડ પહોંચતા) ફકત ૧૧ દિવસમાં અપાયા.

સરકારનો પુખ્ત વયની પૂરી વસ્તીને વૅક્સિનેશનથી આવરી લેવાનો દૃઢ નિર્ધાર, તેની વહીવટી કુશળતા, રાજ્ય સરકારોનો બિનશરતી ટેકો અને મહામારી સામેની લડતમાં સરકારનો સાથ આપવાની દેશવાસીઓની મજબૂત ઇચ્છાશક્તિ આ પડાવ પર પહોંચવાનો મૂળભૂત આધાર ગણાય.

આવી અભૂતપૂર્વ સિદ્ધિનો આનંદ મનાવતી વખતે આત્મસંતોષી બની જવાને બદલે હવે પછીના લક્ષ્યે પહોંચવાનો પણ આ અવસર છે.

કોરોનાના દૈનિક ધોરણે નોંધાતા કેસ સતત ઘટી રહ્યા હોય (છેલ્લા સાત દિવસની સરેરાશ રોજના ૧૫,૦૦૦ની) કે મુંબઈમાં એકાદ દિવસ (ઑકટોબર ૧૭) કોરોનાથી એક પણ મરણ નોંધાયા સિવાયનો ગયો હોય તો પણ સદીમાં એકાદ વાર અનુભવાતી આવી મહામારી અંગેની આપણી સજાગતા અને સતર્કતા અકબંધ જળવાઈ રહેવા જોઈએ.

૧૦૦ કરોડ ડોઝ આપવામાં ચીન પછી ભારત વિશ્વમાં બીજા નંબરે

કોરોનાની રસીના ૧૦૦ કરોડ ડોઝ અપાયા હોય એવા એકમાત્ર દેશ ચીન પછી ભારત વિશ્વનો બીજા નંબરનો દેશ બન્યો છે. દેશની ૭૫ ટકા પુખ્ત વયની વસ્તીને એક ડોઝ અપાયો છે (કુલ ડોઝ ૭૧ કરોડ) અને ૩૧ ટકા વસ્તીને બન્ને ડોઝ અપાયા છે (કુલ ડોઝ ૨૯ કરોડ). આપણે આ સમય દરમ્યાન બે વિશ્વ કક્ષાની ‘મેઇડ ઇન ઇન્ડિયા’ રસી પણ સફળ રીતે ડેવલપ કરી. નવી રસી ડેવલપ કરવા માટેનો એક વર્ષથી ઓછો સમય એ ખૂબ ટૂંકો ગાળો ગણાય.

રસીના સૌથી વધુ ડોઝ અપાયા છે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં.

ગામડાઓમાં વસતા એક ઉપખંડ જેવા મોટા દેશની આ સિદ્ધિની નોંધ પૂરા વિશ્વએ લીધી છે.

નવી વૅક્સિન ડેવલપ કરનાર વૈજ્ઞાનિકો, ઉત્પાદક કંપનીઓ, ડૉક્ટરો, સાહસિક ઉદ્યોગપતિઓ, ફ્રંટલાઇન અને હેલ્થવર્કરો, હૉસ્પિટલો અને અંતરિયાળ ગામડાઓ સુધી રસીનો જથ્થો સમયસર પહોંચાડનાર ટ્રાન્સપોર્ટ વર્કરો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરી તેમનો હોંસલો વધારવાનો આ અવસર છે. જે આપણા આગળના લક્ષ્યની ઞડપી સિદ્ધિમાં સહભાગી બની શકે. છેલ્લા નવ મહિનાના અનુભવમાંથી બોધપાઠ લઈ સરકારી વહીવટના ક્ષેત્રે કે બીજા કોઈ પણ ક્ષેત્રે થોડી પણ લાપરવાહીનું પુનરાવર્તન ન થાય એ જોવું રહ્યું.

ભારત માટે વિશ્વગુરુ બનવાનો સોનેરી અવસર

આપણી વસ્તીના સારા એવા પ્રમાણને કવર કર્યા પછી હવે ભારત વૅક્સિનની નિકાસ દ્વારા ઓછા વિકસિત દેશોની વસ્તીને કવર કરવાનો પ્રયાસ કરશે. જે તેની વિશ્વગુરુ (ગ્લોબલ લીડર) તરીકેની છબી ઊભી કરવામાં સહાય કરશે. ગ્લોબલાઇઝેશનનાં વળતાં પાણી થયાં છે એવા સમયે ‘બિગ બ્રધર’નો રોલ ભજવીને ભારત વૈશ્વિકીકરણના પ્રવાહને ફરી ચેતનવંતો કરવાનું કામ કરશે. એમ કરીને સરકાર ભારતની વિશ્વકલ્યાણની પ્રણાલીને પણ જીવંત બનાવશે.

સરકાર અને પ્રજા ખભેખભા મિલાવીને કામ કરે તો કેવા મિરેકલ સર્જાઈ શકે એનો દાખલો ભારતે વિશ્વને પૂરો પાડ્યો છે. આ જ જુસ્સો હવે પછીના આર્થિક વિકાસનાં કામોમાં ચાલુ રહ્યો તો ‘વિશ્વની આર્થિક મહાસત્તા’ બનવાનું ભારતનું લક્ષ્ય ધાર્યા કરતાં વહેલું સિદ્ધ થઈ શકે.

આર્થિક રિકવરીના માર્ગમાં થંભી જવાનું હવે આપણને પરવડે તેમ નથી મહામારીના ૧૮ મહિનાથી વધુ સમય સુધી ઝઝૂમ્યા પછી પણ આપણે હજી ‘બૅક ટુ નોર્મલ’ બન્યા નથી. વૅક્સિનના એક ડોઝને વૅક્સિનેશન સેન્ટર પર પહોંચતા પહેલાં લાંબી ટ્રાન્સપોર્ટ ચેઇનમાંથી (અને તે પણ અમુક ચોક્કસ ઉષ્ણતામાને) પસાર થવાનું હોય ત્યારે ઉપલબ્ધ ટેક્નોલૉજીના મહત્તમ ઉપયોગ દ્વારા વૅક્સિનની ઝડપ અને રસી આપવા માટેની માળખાકીય સવલતો વધારીને જ આપણે આર્થિક વિકાસના જુદા-જુદા ક્ષેત્રો કે શૈક્ષણિક ક્ષેત્રને ખોલવાનું સાહસ કરી શકીએ. મહામારીના ત્રીજાં મોજાં સામે (આખા દેશમાં નહીં, પણ જ્યાં વૅક્સિનેશન ઓછું થયું હોય કે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા કલસ્ટરોમાં) અસરકારક લડત પણ તો જ આપી શકાય.

ક્રિકેટ મૅચ જીતવા માટે શરૂઆતના સારા દેખાવ પછી દાવ ડિકલેર કરી દેવો અને પછી આસાન કૅચ છોડીને પ્રતિસ્પર્ધીને રન ઝડપી કરવા દેવાનું કોઈ ટીમને પોષાય નહીં. એવું જ આર્થિક વિકાસની મૅચ જીતવા બાબતે ગણાય. ફલાઇટ ટેક ઑફ કર્યા પછી પણ સીટ બેલ્ટ ખોલી નાખવાનું પૂરેપૂરું સહીસલામત તો નથી જ ને.?

માગ નબળી છે ત્યારે કાચા માલસામાનનો ભાવવધારો જોખમી બની શકે ક્રૂડ ઑઇલના ઇન્ડિયન બાસ્કેટના સરેરાશ માસિક ભાવમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમ્યાન ૩૩ ટકાનો વધારો થયો છે. જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૧માં ડાય એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી)ના સરેરાશ ભાવમાં જાન્યુઆરી-માર્ચ ૨૦૨૧ના ભાવ કરતાં ૨૫ ટકાનો વધારો થયો છે. કોલસો, વેજિટેબલ ઑઇલ અને કેટલીક ધાતુઓના ભાવમાં આવું જ વલણ જોવા મળે છે. કોર ઇન્ફલેશન (ફૂડ અને ફયુઅલ સિવાયના ભાવ)નો છ ટકા જેટલો વધારો, માગ નબળી હોવા છતાં જોખમી સાબિત થઈ શકે. રિઝર્વ બૅન્કના એક સર્વે પ્રમાણે આર્થિક આઉટલુક સુધર્યું હોવા છતાં મોટા ભાગના વપરાશકારો આવતા થોડા મહિનાઓમાં ભાવવધારાની ધારણા રાખે છે.

અમેરિકા સહિતના અનેક દેશો ભાવવધારાથી ચિંતિત છે, પણ રિઝર્વ બૅન્કના મતે ભાવવધારાની પરિસ્થિતિ કાબૂમાં છે એટલે હાલપૂરતા વ્યાજના દર વધારીને આર્થિક વિકાસના વધતા જતા ગ્રાફને ડેમેજ કરવો ન જોઈએ. લાંબા સમયના આર્થિક વિકાસ માટે પૉલિસીનો ટેકો ચાલુ રાખવો જોઈએ. નાણાં મંત્રાલય પણ થોડા વધુ સમય માટે આર્થિક રાહતનું પૅકેજ ચાલુ રાખવાનો અને મૂડીરોકાણ (ખાસ કરીને સ્વાસ્થ્ય અંગેની માળખાકીય સવલતો સુધારવા અને વધારવા માટે) વધારવાનો મત ધરાવે છે.

ભારત સરકાર ઑપેક પ્લસ દેશો સાથે ક્રૂડનું ઉત્પાદન વધારીને તેના ભાવ સીમિત કરવાની વાટાઘાટ ચલાવે છે, જેથી ભાવ એટલા ન વધી જાય કે ઑઇલની માગ ઘટે અને વિશ્વનો આર્થિક વિકાસ પણ ધીમો પડે.

આવકો ઘટી હોય ત્યારે અસરકારક માગ વધારવા માટે કેન્દ્રીય પ્રધાન મંડળે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના લાભ માટે જુલાઈ ૨૦૨૧થી તેઓનું મોંઘવારી ભથ્થું ૨૮ ટકાથી વધારીને ૩૧ ટકા કરવાનું નક્કી કર્યું છે. જોકે આનો ફાયદો ખાનગી ક્ષેત્રના અને અસંગઠિત ક્ષેત્રના નોકરિયાત વર્ગને નહીં થાય તે ધ્યાનમાં રહેવું જોઈએ.

વડા પ્રધાનનો ‘ગતિશક્તિ નૅશનલ માસ્ટર પ્લાન’ ગતિને શક્તિ આપી સપ્લાય ચેઇન મજબૂત કરશે

માગ વધવાની શરૂઆત થઈ છે ત્યારે સપ્લાય ચેઇનની ઓછી કાર્યક્ષમતાને કારણે પુરવઠાની અછત મોટું જોખમ સાબિત થઈ શકે. 

વડા પ્રધાનનો ‘ગતિશક્તિ નૅશનલ માસ્ટર પ્લાન’ માળખાકીય પ્રકલ્પોના અમલ આડે આવતા અંતરાય દૂર કરશે. સરકારના જુદા જુદા ડિપાર્ટમેન્ટ હાલમાં એકબીજાથી તદ્દન સ્વતંત્ર રીતે કામ કરે છે. આ માસ્ટર પ્લાન જુદા જુદા ડિપાર્ટમેન્ટ એકબીજાના સહયોગમાં કામ કરે તેવું આયોજન કરશે. કો-ઓર્ડિનેશનના અભાવે સરકારના મોટા ભાગના પ્રકલ્પો ‘ટાઇમ ઓવર રન’ અને ‘કોસ્ટ ઓવર રન’નો ભોગ બને છે. પરિણામે આપણે ત્યાં લોજિસ્ટીક કોસ્ટ રાષ્ટ્રીય આવકના ૧૩-૧૪ ટકા જેટલી ઊંચી હોય છે. જે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી નિકાસોની હરીફશક્તિ ઘટાડે છે. કિસાનો પણ ટ્રાન્સપોર્ટની નબળી કડીઓને કારણે વિકાસની તકો ગુમાવે છે. ગંતવ્ય સ્થાન સુધીની (છેલ્લા માઇલ સુધીની) કનેક્ટિવિટી સુધારી શકવાની ક્ષમતાવાળો આ પ્લાન આપણા આર્થિક વિકાસની ધીમી શરૂઆતને વેગ આપી શકે. તે દ્વારા કરાતાં મૂડીરોકાણને કારણે નવી રોજગારીનું સર્જન થઈ શકે તથા આવક અને માગમાં વધારો પણ. એટલું જ નહીં, તે આપણા અર્થતંત્રમાં કિંમતોના ઘટાડામાં પરિણમી શકે, જે આપણી આર્થિક રિકવરીની ઝડપમાં સાતત્ય લાવી શકે.

Whatsapp-channel Whatsapp-channel

25 October, 2021 04:26 PM IST | Mumbai | JItendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK