કઠોળની સતત વધતી આયાતને ઘટાડીને આત્મનિર્ભર બનવાનો લક્ષ્યાંક : તુવેર, અડદ અને મસૂરની ૧૦૦ ટકા ખરીદી કરીને ઉત્પાદન વધારાશે : આયાત માટે લાલ જાજમ બિછાવી હોવાથી ભારત હાલ વિશ્વમાં કઠોળનું ડમ્પિંગ-સ્ટેશન બન્યું
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પ્રોટીનની ભરપૂર માત્રા ખોરાકમાં પૂરાં પાડતાં દાળ-કઠોળના ઉત્પાદનક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા સરકારે હવે કમર કસી છે. ચાલુ વર્ષે કઠોળના ખેડૂતોને પ્રોત્સાહન આપીને વાવેતરમાં વધારો કરવા સરકારે સરકારી ખરીદીમાં મોટો વધારો કરવાનો નિર્ણય લીધો છે. વિશ્વમાં ભારત દાળ-કઠોળનું સૌથી મોટું ઉત્પાદક હોવાની સાથે સૌથી મોટું વપરાશકાર પણ હોવાથી કઠોળની આયાત કૂદકે ને ભૂસકે વધી રહી છે. BJP સરકારે ૨૦૧૪માં સત્તાનાં સૂત્રો સંભાળ્યાં ત્યારે કઠોળના ઉત્પાદનની સ્થિતિ એકદમ નાજુક હતી. દેશમાં દાળ-કઠોળના ભાવની ઊતર-ચડ મોટી હતી. એક સીઝનમાં ખેડૂતોને સાવ નીચા ભાવ મળતાં તો બીજી સીઝનમાં દાળ-કઠોળના ભાવ આસમાની ઊંચાઈએ પહોંચતા હતા. સરકારે આયાતની નીતિને ભાવની સાથે જોડીને ત્વરિત નીતિવિષયક નિર્ણયો લેવાના ચાલુ કરતાં સ્થિતિ ધીમે-ધીમે થાળે પડતી જતી હતી, પણ કોરોનાના સમયગાળા બાદ ફરી સ્થિતિ બગડતી જતી હતી. સરકારે ફરી પ્રયાસો હાથ ધરતાં એક તબક્કે કઠોળમાં ભારત આત્મનિર્ભર બનવાની એકદમ નજીક પહોંચી જતાં નાણાપ્રધાને બજેટ-પ્રવચનમાં ભારતે કઠોળની આયાતમાં આત્મનિર્ભર બની ગયાની પણ જાહેરાત કરી હતી, પણ છેલ્લાં બે વર્ષથી ફરી આયાત કૂદક ને ભૂસકે વધી રહી છે ત્યારે સરકારે હવે ચાલુ વર્ષે ખેડૂતોને કઠોળનું વધુ વાવેતર કરવા પ્રોત્સાહન આપવાની પૉલિસી બનાવી છે જેને કારણે આગામી ત્રણથી પાંચ વર્ષમાં ભારત કઠોળના ઉત્પાદનક્ષેત્રે આત્મનિર્ભર બની શકે છે.
રવી સીઝનમાં ૩૨ લાખ ટન ખરીદીનું લક્ષ્ય
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે ચાલુ રવી સીઝન માટે કઠોળની ખરીદીનો અંદાજ જાહેર કરી દીધો છે. સરકાર ચાલુ રવી ૨૦૨૫ માર્કેટિંગ સીઝનમાં ભાવસહાય યોજના હેઠળ લઘુતમ ટેકાના ભાવ પર ૩૨ લાખ ટનથી વધુ કઠોળ ખરીદવાની યોજના ધરાવે છે. કૃષિમંત્રાલય દ્વારા પીએસએસ હેઠળ ખરીદી માટે મંજૂર કરાયેલ જથ્થો જે સીઝન માટે મુખ્ય કઠોળ પાક છે, ચણા માટે ૨૧.૬૪ લાખ ટનથી વધુ છે, ત્યાર બાદ ૯.૪૦ લાખ ટનથી વધુ મસૂર અને લગભગ ૯૦.૧૦૮ ટન અડદ અને ૧૩,૫૭૫ ટન મગ છે. પીએસએસ અમલીકરણ માટે કેન્દ્રીય નોડલ એજન્સી નાફેડ અનુસાર તેલંગણમાં ચણાની ખરીદી પહેલાંથી જ શરૂ થઈ ગઈ છે, જ્યાં ૧૨ માર્ચ સુધીમાં પ્રગતિશીલ ખરીદી ૧૦૫૫.૨૫ ટન હતી.
સૌથી મોટા ચણા ઉત્પાદક રાજ્ય મધ્ય પ્રદેશમાં સરકાર આ વર્ષે ૨૫ માર્ચથી ૩૧ મે દરમ્યાન ૭.૨૮ લાખ ટનથી વધુ ખરીદી કરવાનું લક્ષ્ય રાખે છે. મહારાષ્ટ્રમાં સરકાર ૭.૦૮ લાખ ટનથી વધુ, ગુજરાત ૨.૬૬ લાખ ટનથી વધુ અને ઉત્તર પ્રદેશ ૧.૯૬ લાખ ટનથી વધુ ચણા ખરીદવાની યોજના ધરાવે છે. અન્ય રાજ્યો જ્યાં સરકાર ચણા ખરીદવા માગે છે એમાં કર્ણાટક ૯૬,૪૯૮ ટન, આંધ્ર પ્રદેશ ૭૪,૯૪૫ ટન, તેલંગણ ૩૭,૦૮૩ ટન, છત્તીસગઢ ૫૨,૭૩૮ ટન અને હરિયાણા ૨૭૧૮ ટનનો સમાવેશ થાય છે. બીજા આગોતરા અંદાજ મુજબ રવી ૨૦૨૪-’૨૫ સીઝન માટે ચણાનું ઉત્પાદન ૧૧૫.૩૫ લાખ ટન થવાનો અંદાજ છે જે પાછલા વર્ષના ૧૧૦.૩૯ લાખ ટન કરતાં લગભગ ૪.૪૯ ટકા વધુ છે. મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ચણાની આવક શરૂ થઈ ગઈ છે અને મંડીઓમાં મોડલ ભાવ (જે દરે મોટા ભાગનો વેપાર થાય છે) પ્રતિ ક્વિન્ટલ ૫૬૫૦ રૂપિયાના ટેકાના ભાવની નીચે ચાલી રહ્યા છે. ઑસ્ટ્રેલિયા અને ટાન્ઝાનિયા જેવા દેશોમાંથી ડ્યુટી-ફ્રી આયાત સાથે સ્થાનિક ચણાનો પાક વધુ હોવાથી સ્થાનિક ભાવ પર અસર પડી રહી છે. હાલ ચણાની ડ્યુટી-ફ્રી આયાત ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી માન્ય છે. ડિસેમ્બર ૨૦૨૩થી અત્યાર સુધીમાં ૩૦ લાખ ટનથી વધુ અંદાજિત પીળા વટાણાની વિશાળ આયાત ચણાના ભાવને અસર કરતી જોવા મળે છે. સરકારે ગયા અઠવાડિયે ચણાના વિકલ્પ તરીકે પીળા વટાણા માટે ડ્યુટી-ફ્રી આયાત મુદત મે મહિનાના અંત સુધી ત્રણ મહિના માટે લંબાવી હતી, જ્યારે મસૂર પર ૧૦ ટકા ડ્યુટી લાદી હતી.
સરકાર આ રવી સીઝનમાં પીએસએસ યોજના હેઠળ મધ્ય પ્રદેશમાંથી લગભગ ૭.૭૯ લાખ ટન અને ઉત્તર પ્રદેશમાંથી ૧.૫૬ લાખ ટન મસૂર ખરીદવાની અપેક્ષા રાખે છે. મધ્ય પ્રદેશમાં આ મહિનાના અંતમાં ખરીદી શરૂ થવાની સંભાવના છે. ચાલુ રવી સીઝનમાં મસૂરનું ઉત્પાદન ૧૮.૧૭ લાખ ટન જેટલું નજીવું વધીને જોવા મળી રહ્યું છે જે પાછલા વર્ષના ૧૭.૯૧ લાખ ટન હતું. મસૂર માટે ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ ૬૭૦૦ રૂપિયા છે. મધ્ય પ્રદેશમાં મસૂરના ભાવ વિવિધ મંડીઓમાં પ્રતિ ક્વિન્ટલ ૫૧૦૦-૬૦૦૦ રૂપિયાની વચ્ચે છે.
તુવેર-અડદ-મસૂરની ૧૦૦ ટકા ખરીદી
કેન્દ્ર સરકાર દેશમાંથી કઠોળની ઉત્પાદન જેટલી જ ખરીદી કરવા માટે તૈયાર છે. કૃષિમંત્રાલયે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે લઘુતમ ટેકાના ભાવ પર તુવેર, અડદ અને મસૂરના ઉત્પાદનનો ૧૦૦ ટકા હિસ્સો ખરીદવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે મુખ્ય કઠોળ ઉત્પાદક રાજ્યોમાં તુવેરની ખરીદી વધારી દીધી છે. કૃષિપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે નવ રાજ્યો – આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગણ અને ઉત્તર પ્રદેશમાં ૧૩.૨૨ લાખ ટન તુવેરની ખરીદીને મંજૂરી આપી છે. આંધ્ર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગણમાં ખરીદ-કામગીરી પહેલાંથી જ ચાલી રહી છે, જેમાં ૧૧ માર્ચ સુધીમાં ૧.૩૧ લાખ ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે, જેનાથી લગભગ ૮૯,૨૧૯ ખેડૂતોને ફાયદો થયો છે. અન્ય રાજ્યોમાં આ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે એવી સરકારની ધારણા છે. આ પગલું સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PM-AASHA) યોજનાને ૨૦૨૫-’૨૬ સુધી લંબાવવાના નિર્ણય સાથે સુસંગત છે, જેનાથી ખેડૂતો પાસેથી સીધી ખરીદી સુનિશ્ચિત કરીને ભાવ સ્થિર થાય અને આયાત પર નિર્ભરતા ઓછી થાય. ૨૦૨૪-’૨૫ ખરીદી વર્ષ માટે રાજ્યોના ઉત્પાદનના ૧૦૦ ટકા જેટલી ખરીદીને મંજૂરી આપવા ઉપરાંત કેન્દ્રએ આગામી ચાર વર્ષ માટે ૨૦૨૮-’૨૯ સુધી આ પગલાને ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
ભાવસહાય યોજના હેઠળ ખરીદીનું સંચાલન રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (નાફેડ) અને રાષ્ટ્રીય સહકારી ગ્રાહક ફેડરેશન ઑફ ઇન્ડિયા (એનસીસીએફ) જેવી કેન્દ્રીય નોડલ એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે જે રાજ્ય-સ્તરીય એજન્સીઓ અને ઈ-સમૃદ્ધિ પોર્ટલ જેવા ડિજિટલ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરે છે. નિષ્ણાતો નિર્દેશ કરે છે કે આ મોટા પાયે ખરીદી પ્રતિબદ્ધતા સ્થાનિક અને વૈશ્વિક કઠોળ બજારોને પ્રભાવિત કરી શકે છે. ખાતરીપૂર્વક ટેકાના ભાવથી સમર્થિત ખરીદી સાથે ખેડૂતોને ભવિષ્યની સીઝનમાં વાવેતર-વિસ્તાર વધારવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે, જે સંભવિત રીતે દિલ્હી યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના સહાયક પ્રોફેસર આભાષ કુમારે જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવો જરૂરી છે.
તાજેતરમાં સરકારે મસૂરના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધવાના ભાગરૂપે મસૂરની આયાત પર દસ ટકા ડ્યુટી લાદી છે. આ પગલું ત્યારે લેવામાં આવ્યું છે જ્યારે સ્થાનિક ઉત્પાદનમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત મુખ્યત્વે મ્યાનમાર, મોઝૅમ્બિક, ટાન્ઝાનિયા અને માલાવીથી તુવેરની આયાત કરે છે. મ્યાનમાર પરંપરાગત રીતે સૌથી મોટો સપ્લાયર રહ્યો છે, જ્યારે આફ્રિકન રાષ્ટ્રોએ સ્ત્રોતોને વૈવિધ્યીકરણ કરવાના અને લાંબા ગાળાના પુરવઠા-કરારો સુરક્ષિત કરવાના સરકારી પ્રયાસોને કારણે મહત્ત્વ મેળવ્યું છે. ભારત કૅનેડા, રશિયા અને ઑસ્ટ્રેલિયાથી મસૂરની આયાત કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા કઠોળની ટેકાના ભાવથી જો પૂરતી ખરીદી થશે તો બજારમાં એની મોટી અસર થઈ શકે છે. હાલ તુવેરની ખરીદી ગોકળ ગતિએ ચાલી રહી છે અને ચણાની ખરીદી હજી ખાસ થઈ જ નથી.

