° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


સાત માસના મોટા ગાબડામાં બજાર ૧૧૭૦ પૉઇન્ટ ડૂલ, ૮૦ ટકા શૅર રેડ ઝોનમાં બંધ

23 November, 2021 12:38 PM IST | mumbai | Anil Patel

સોમવારે માર્કેટ કૅપની રીતે રોકાણકારોને ૮.૧૩ લાખ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

સોમવારે માર્કેટ કૅપની રીતે રોકાણકારોને ૮.૧૩ લાખ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો : ટેલિકૉમ સિવાયના તમામ સેક્ટોરલ ડાઉન, રિલાયન્સ તાજેતરની ટોચથી ૧૪ ટકા નીચે આવી જતાં બેર માર્કેટના ઝોનમાં આવ્યો : પેટીએમમાં રોકાણકારોની ૩૭ ટકા મૂડી કે શૅરદીઠ ૭૯૦ રૂપિયા બે દિવસમાં સાફ : અદાણી ટોટલ સિવાય અૅનર્જી તથા ઑઇલ-ગૅસ ઇન્ડેક્સના બધા શૅર માઇનસ : કોલગેટ, હીરો મોટોકોર્પ, લુપિન, પ્રોક્ટર-ગેમ્બલ હેલ્થ, યુનિકેમ લેબ, બૉમ્બે બર્મા, અરબિંદો ફાર્મા સહિત ૭૭ શૅરમાં નવું ઐતિહાસિક બૉટમ : બૅન્કિંગ ખાતે તમામ ત્રણ ડઝન શૅર નેગેટિવ ઝોનમાં બંધ

 

શૅરબજાર નરમાઈની હેટટ્રિકમાં ૧૦૮૬ પૉઇન્ટ ડાઉન થયા પછી સોમવારે લપસણીની ચાલમાં ૧૧૭૦ પૉઇન્ટ તો નિફ્ટી ૩૪૮ પૉઇન્ટ વધુ બગડ્યા છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૫૯૭૭૮ની ટૉપથી લથડીને નીચામાં ૫૮૦૧૨ની અંદર ઊતરી ગયો હતો, છેલ્લે ૫૮૪૬૬ બંધ આવ્યો છે. નિફ્ટી નીચામાં ૧૭૨૮૦ થઈ છેલ્લે ૧૭૪૧૭ નજીક રહ્યો છે. ગત કાલની બજારની ખરાબી ચાલુ વર્ષના એપ્રિલ પછીનો સૌથી મોટો ધબડકો છે, જેમાં માર્કેટ કૅપની રીતે રોકાણકારોને ૮.૧૩ લાખ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે. સેન્સેક્સના ૩૦માંથી ત્રણ તથા નિફ્ટીના ૫૦માંથી નવ શૅર પ્લસ હતા. ભારતી અૅરટેલ ૩.૯ ટકા વધી ૭૪૨ના બંધમાં બન્ને બજારમાં ટૉપ ગેઇનર હતો. બજાજ ટ્વીન્સ વર્સ્ટ પર્ફોમર જોવાયા છે. ટેલિકૉમ સિવાય માર્કેટના તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં હતા. સેન્સેક્સ-નિફ્ટીના બે ટકા જેવા ધબડકાની સામે બૅન્કિંગ, ઑટો, ફાઇનૅન્સ, મીડિયા, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑઇલ-ગૅસ, હેલ્થકૅર જેવા બેન્ચમાર્ક સવા બે ટકાથી લઈ સાડા ચાર ટકા સુધી ધોવાયા છે. બ્રોડર માર્કેટનો બીએસઈ-૫૦૦ ઇન્ડેક્સ ૫૧૮ પૉઇન્ટ કે ૨.૧ ટકા માઇનસ થયો છે. તેની ૫૦૧માંથી ૪૪૨ આઇટમ ડાઉન હતી. મિડ કૅપ ઇન્ડેક્સ ૧૦૬માંથી ૧૦ શૅરના સુધારા વચ્ચે ૬૮૦ પૉઇન્ટ કે ત્રણેક ટકા તૂટ્યા છે, સરવાળે આવી બ્રેડ્થમાં ભારે બગાડ દેખાયો છે. એનએસઈમાં કુલ ૨૧૦૪ શૅરમાં કામકાજ થયાં હતાં જેમાંથી ૮૦ ટકા જાતો માઇનસ હતી. પીએસયુ ઇન્ડેક્સ ખાતે ૬૦માંથી ફક્ત ૪ શૅર પ્લસ હતા. એન્જિનિયર્સ ઇન્ડિયા બે ટકા વધી ૭૧ના બંધમાં મોખરે હતો. નાલ્કો બે ટકાની નજીક સુધર્યો છે. એસ્કોર્ટસ પરચૂરણ સુધારામાં ૧૮૦૩ બંધ હતો. ઑટો ઇન્ડેક્સ બાકીની ૧૪ જાતોની બુરાઈમાં ૮૧૩ પૉઇન્ટ કે ૩.૧ ટકા ડૂલ થયો છે. તાતા મોટર્સ ૪.૭ ટકા, અશોક લેલેન્ડ ૪.૨ ટકા, મારુતિ ૩.૧ ટકા, બજાજ ઑટો ત્રણ ટકા, મહિન્દ્ર અઢી ટકા કટ થયા છે. વેદાન્તા છ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ એક ટકો અને હિન્દાલ્કો અડધો ટકો વધ્યા છે. 

ભારતીને ટેરિફ વધારાનો ટેકો, ટેલિકૉમ ઇન્ડેક્સ બેસ્ટ લેવલે
બીએસઈનો ટેલિકૉમ ઇન્ડેક્સ સાર્વત્રિક નબળાઈ વચ્ચે સોમવારે ૧૮૬૬ની ઑલટાઇમ હાઈ બનાવી ૨.૯ ટકા વધી ૧૮૩૬ બંધ આવ્યો છે. જોકે તેના ૧૬માંથી ૧૦ શૅર ડાઉન હતા. ભારતી અૅરટેલ દ્વારા પ્રી-પેઇડ ટેરિફ રેટસ વીસેક ટકા વધારવાની જાહેરાત થઈ છે, જે ૨૬મીથી અમલી બનશે. આની અસરમાં ભાવ ૭૫૬ની નવી ઊંચી સપાટી બનાવી ૩.૯ ટકા ઊછળી ૭૪૨ બંધ થયો છે. વૉલ્યુમ ત્રણ ગણું હતું. વોડાફોન પણ ટૂંકમાં ટેરિફ વધારશે એવી ગણતરી છે. શૅર ઉપરમાં ૧૦.૮૮ થઈ સવા છ ટકા વધી ૧૦.૬૦ બંધ રહ્યો છે. એમટીએનએલમાં એસૅટસ મૉનેટાઇઝેશનના પગલે ભાવ છ ગણા કામકાજે ઉપરમાં ૨૦.૪૦ બનાવી ૫.૮ ટકાની મજબૂતીમાં ૨૦ નજીક બંધ આવ્યો છે. તાતા ટેલિમાં ઉપલી સર્કિટની હારમાળા ચાલુ છે. ભાવ ૮૪ નજીક નવી વિક્રમી સપાટી દેખાડી પાંચ ટકા વધી ત્યાં જ હતો. ઘટેલી ૧૦ જાતોમાં ઓનમોબાઇલ સવા છ ટકા, એચએફસીએલ ૩.૪ ટકા, વિન્દ્ય ટેલિ ત્રણ ટકા, આઇટીઆઇ ૩.૩ ટકા, તેજસ નેટ ૪ ટકા, તાતા કૉમ્યુ. ત્રણ ટકા ડાઉન હતા. આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૫૩ શૅરના ઘટાડે ૪૭૨ પૉઇન્ટ કટ થયો છે. ઇન્ફી સવા ટકો ઘટી ૧૭૫૮, ટીસીએસ અડધો ટકો ઘટી ૩૪૬૧, વિપ્રો એક ટકાના ઘટાડે ૬૪૪, એચસીએલ ટેક્નો એકાદ ટકો ઘટી ૧૧૧૦, ટેક મહિન્દ્ર સવા ટકો ઘટી ૧૫૪૬ બંધ હતા.    

રિલાયન્સમાં માયૂસી વધી, પાવર, ઑઇલ-ગૅસ તથા એનર્જી ઢીલા ઢફ
બે વર્ષ પહેલાં જેની ગાઇવગાડીને જાહેરાત કરાઈ હતી તે સાઉદી આર્મેકો સાથેની ડીલ ફોક થયાની જાહેરાત પાછળ રિલાયન્સ ગઈ કાલે નીચામાં ૨૩૫૧ થઈ છેલ્લે ૪.૪ ટકા ૨૩૬૩ બંધ આવ્યો છે. ગત સપ્તાહે આ શૅર સળંગ બે દિવસ જે રીતે ટૉપ લૂઝર બનવાની વરવી સિદ્ધિ મેળવી હતી તે જોતાં કશાક ખરાબ સમાચારની દહેશત જાગી હતી તે સાચી ઠરી છે. રિલાયન્સની ખરાબી સેન્સેક્સને ૩૧૮ પૉઇન્ટ, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સને ૧૫૮ પૉઇન્ટ તથા અૅનર્જી ઇન્ડેક્સને ૨૫૬ પૉઇન્ટ નડી છે. બીએસઈનો અૅનર્જી ઇન્ડેક્સ ૨૫માંથી ૨૪ શૅરની નરમાઈમાં ચાર ટકા કે ૩૧૨ પૉઇન્ટ માઇનસ હતો. ઑઇલ ઇન્ડિયા આઠ ટકા, હિન્દુ ઑઇલ એકસ્પ્લોરેશન ૫.૨ ટકા, ગલ્ફ ઑઇલ કોર્પો. ૧.૮ ટકા, ચેન્નઈ પેટ્રો ૨.૯ ટકા, કોલ ઇન્ડિયા ૧.૮ ટકા, સવિતા ઑઇલ સવા ટકા ગગડ્યા હતા. ઓએનજીસી ઉપરમાં ૧૫૪ નજીક ગયા બાદ દોઢ ટકો ઘટીને ૧૪૭ નીચે બંધ આવ્યો છે. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧૦માંથી નવ શૅરની ખરાબીમાં ૫૫૫ પૉઇન્ટ લપસ્યો છે. ઇન્દ્રપ્રસ્થ ગૅસ ૩.૩, ગેઇલ ૨.૬ ટકા, ઇન્ડિયન ઑઇલ ૩.૮ ટકા, ભારત પેટ્રો ૨.૪ ટકા, હિન્દુ. પેટ્રો બે ટકા, ગુજરાત ગૅસ અઢી ટકા ઢીલા હતા. અદાણી ટોટલ સાધારણ વધીને ૧૬૫૫ હતો. પાવર ઇન્ડેક્સ દોઢ ટકા કે બાવન પૉઇન્ટ કટ થયો છે. પાવરગ્રીડ એક ટકો વધી ૧૯૪ બંધ આવ્યો છે. થેમેક્સ ૪.૮ ટકા, અદાણી ટ્રાન્સ સવા ટકો વધ્યા છે. તાતા પાવર ચાર ટકા, ઇન્ડિયન એનર્જી ૨.૨ ટકા, ભેલ ૩.૬ ટકા, એનટીપીસી ૩.૮ ટકા, અદાણી પાવર બે ટકા, અદાણી ગ્રીન અડધો ટકો, ટોરન્ટ પાવર ૨.૯ ટકા, કેઇસી ઇન્ટર ૨.૯ ટકા, એબીબી અઢી ટકા અંધારપટમાં જોવાયા છે. 

પેટીએમમાં ખુવારી જારી, ફીનો પેમેન્ટ બૅન્ક સતત નવા તળિયે
એક રૂપિયાના શૅરદીઠ ૨૧૫૦ની ઇશ્યુ પ્રાઇસથી મૂડીબજારમાં ૧૮,૩૦૦ કરોડની ધોળા દિવસની કાયદેસરની બેરહેમ લૂંટ ચલાવનાર પેટીએમમાં ખુવારી વધી રહી છે. ૨૭ ટકાથી વધુ કે શૅરદીઠ ૫૮૬ રૂપિયા લિસ્ટિંગ લોસ સાથે આ કાઉન્ટર ગુરુવારે ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૧૫૬૪ બંધ થયું હતું. દેશના ઇતિહાસનો સૌથી મોટો આઇપીઓ લાવનારી આ કંપનીએ લિસ્ટિંગના દિવસે વિક્રમી ખરાબી કે ખુવારીનો પણ રેકૉર્ડ નોંધાવ્યો છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ધબડકો અટક્યો નથી, આગળ વધ્યો છે. શૅર સોમવારે નીચામાં ૧૨૭૧ થઈ અંતે તેર ટકા કે ૨૦૪ રૂપિયા લથડી ૧૩૬૦ બંધ આવ્યો છે. એનએસઈમાં ૧૨૭૧નું નવું બૉટમ દેખાડી ૧૨.૯ ટકા ખરડાઈ ૧૩૫૯ હતો. બન્ને બજાર ખાતે કુલ મળીને ૨૭૯ લાખ શૅરના કામકાજ હતા. કંપનીનું માર્કેટ કૅપ ગગડીને ૮૮૧૮૫ કરોડે આવી ગયું છે. પિન્ક મીડિયા અને બિઝનેસ ચૅનલોની જમાત કહે છે કે પેટીએમના ધબડકાથી તેના સીઈઓ કે વડા વિજય શેખર શર્માને આશરે ૭૮ કરોડ ડૉલર એટલે કે ૫૮૬૦ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે, બિચ્ચારો આ વાયડી જમાતને એ ખબર છે કે તેની શૅરદીઠ પડતર માંડ ૫૦ પૈસા જેવી જ છે, તો પછી ફટકો પડવાનો સવાલ જ ક્યાં આવ્યો? આ માણસ તો સાવ મફતના ભાવે બિલ્યોનર બની ગયો છે. તેના માટે તો શૅર ગગડીને ૧૦૦ રૂપિયા થઈ જાય તોય ફાયદો જ ફાયદો છે.

ફીનો પેમેન્ટ બૅન્ક સતત પાંચમા દિવસે લથડી ૩૬૬ની વરવી વિક્રમી બૉટમ બતાવી ૧૧.૮ ટકાના કડાકામાં ૩૯૭ રહ્યો છે. વિરારની નિદાન લેબ લિસ્ટિંગ પછી પાંચ ટકાની મંદીની સર્કિટનો શિરસ્તો જાળવી રાખતાં પાંચ ટકા ખરડાઈને ૯૧ બંધ હતો. નાયકા નીચામાં ૨૦૮૧ થઈ એક ટકો ઘટીને ૨૦૯૮ હતો. કારટ્રેડ ૯૯૫ની ઑલટાઇમ નવી બૉટમ બાદ સાડાચાર ટકા વધીને ૧૦૦૩, વિન્ડલાસ બાયો ૨૭૮ના નવા નીચા તળિયે જઈ ૩.૨ ટકા તૂટી ૨૮૫, સેફાયર ફૂડ્સ ૧૦૪૬ની સૌથી નીચી સપાટી દેખાડી ૩.૭ ટકા ઘટી ૧૧૭૧, સિગાચી ઇન્ડ પાંચ ટકાની મંદીની એક વધુ સર્કિટમાં ૫૪૩, એસજેએસ એન્ટર. ૪૧૯નું લોએસ્ટ લેવલ બનાવી સવા છ ટકાના ગાબડામાં ૪૪૦ તો પૉલિસી બાઝાર નીચામાં ૧૧૯૨ બતાવી ૬.૬ ટકાની ખરાબીમાં ૧૨૪૩ બંધ હતો. 

બૅન્ક નિફ્ટી ૮૪૭ પૉઇન્ટ ડાઉન, ૩૬માંથી ૩૬ બૅન્કો બુરાઈમાં બંધ
સોમવારે બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરની ખરાબીમાં નીચામાં ૩૬૬૫૫ બતાવી ૨.૩ ટકા કે ૮૪૭ પૉઇન્ટ તૂટી ૩૭૧૨૯ બંધ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી તમામ ૧૩ શૅરની તારાજીમાં સાડા ચાર ટકા ખાબક્યો છે. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૩૬માંથી ૩૬ શૅરમાં ધબડકો જોવાયો છે. ફીનો પેમેન્ટ બૅન્ક ઉપરાંત ઇન્ડિયન બૅન્ક સવા દસ ટકા, આઇડીબીઆઇ બૅન્ક ૭.૬ ટકા, યુનિયન બૅન્ક સાડા છ ટકા, કર્ણાટકા બૅન્ક છ ટકા, બૅન્ક ઑફ બરોડા ૫.૬ ટકા, ડીસીબી બૅન્ક ૫.૭ ટકા, આરબીએલ બૅન્ક પાંચ ટકા, જેકે બૅન્ક ૫.૪ ટકા, પીએનબી ૪.૩ ટકા, સીએસબી બૅન્ક ૩.૮ ટકા, કરૂર વૈશ્ય બૅન્ક ૪.૪ ટકા માઇનસ હતા. સ્ટેટ બૅન્ક ૩.૫ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક ત્રણ ટકા, એક્સીસ બૅન્ક ૨.૯ ટકા, એચડીએફસી બૅન્ક દોઢ ટકા અને આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૩ ટકા ગગડ્યા. બજારને કુલ મળી આ પાંચ શૅર ૩૪૧ પૉઇન્ટ નડ્યા છે. બીએસઈનો ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૨૦માંથી ૧૧૩ શૅરની ખરાબીમાં ૨.૩ ટકા ધોવાયો છે. બજાજ ફાઇનૅન્સ પોણા છ ટકા તૂટી ૭૦૬૨ તો બજાજ ફિનસર્વ ૪.૭ ટકા ગગડી ૧૭૦૭૩ બંધ હતા. એચડીએફસીમાં ૧.૧ ટકાની નબળાઈ જોવાઈ છે. સામા પ્રવાહે પૈસા લો ડિજિટલ દોઢ ટકા પ્લસ હતો. ધનવર્ષા એક ટકો, વીએલએસ ફાઇન અડધો ટકો, પિરામલ એન્ટર પોણો ટકા અપ હતા. મેક્સ વેન્ચર્સ ૫.૬ ટકા તૂટી ૧૨૪ હતો. એન્જલ બ્રોકિંગ જે હવે એન્જલ વન થઈ ગઈ છે તે ૮.૮ ટકા રગડીને ૧૦૬૨ હતો. 

23 November, 2021 12:38 PM IST | mumbai | Anil Patel

અન્ય લેખો

એમેઝોન ઇન્ડિયાના ચીફને EDએ પાઠવ્યું સમન્સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એમેઝોન ઇન્ડિયાના વડા અમિત અગ્રવાલને સમન્સ પાઠવ્યું છે.

28 November, 2021 06:20 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

News in short: અશોક લેલૅન્ડના એમડી વિપિન સોંધીનું રાજીનામું

સોંધી આવતી ૩૧ ડિસેમ્બરે પદત્યાગ કરશે.

27 November, 2021 12:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હોમ લોનનું અમોર્ટાઇઝેશન શેડ્યુલ એટલે શું?

આપણે ગયા વખતે હોમ લોનને લગતા કેટલાક શબ્દોની વાત કરી. બાકી રહી ગયેલા શબ્દોના અર્થ આજે જાણી લઈએ :  

27 November, 2021 12:04 IST | Mumbai | Ram Prasad Padhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK