° °

આજનું ઇ-પેપર
Friday, 19 August, 2022


વર્ચ્યુઅલ ડિજિટલ ઍસેટ્સના વ્યવહારોમાં ટીડીએસ સંબંધે કરાયેલી જોગવાઈની અસર

05 July, 2022 08:01 PM IST | Mumbai
Nitesh Buddhadev

ફાઇનૅન્સ ઍક્ટ, ૨૦૨૨ દ્વારા આવકવેરા ધારામાં નવી કલમ ૧૯૪એસ ઉમેરવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

ફાઇનૅન્સ ઍક્ટ, ૨૦૨૨ દ્વારા આવકવેરા ધારામાં નવી કલમ ૧૯૪એસ ઉમેરવામાં આવી છે. એનો અમલ ૨૦૨૨ની ૧ જુલાઈથી થયો છે. આ કલમ મુજબ વર્ચ્યુઅલ ડિજિટલ ઍસેટ્સ (વીડીએ)ના ખરીદદારે વેચાણકર્તાને ચૂકવવાની રકમમાંથી એક ટકા લેખે ટૅક્સ (ટીડીએસ) કાપવો જરૂરી છે. ઉદાહરણ સાથે કહીએ તો, જો દીપક આનંદને ઇથેરિયમનું વેચાણ કરે તો આનંદે દીપકને ચૂકવવાની રકમમાંથી ટીડીએસ કાપી લેવો જરૂરી છે. 
જોકે અહીં નોંધવું ઘટે કે ક્રિપ્ટોકરન્સીના વ્યવહારો એક્સચેન્જ મારફતે થતા હોય છે. એક્સચેન્જ વ્યવહારો ભલે કરાવી આપે, પણ એ ખરીદદાર નહીં હોવાથી ટીડીએસ કાપવાની જવાબદારી એની હોતી નથી. વાસ્તવમાં એવું બનતું હોય છે કે ખરીદદાર પૂરેપૂરી રકમ ચૂકવે તો જ એક્સચેન્જ વેચાણકર્તાના ખાતામાંથી ક્રિપ્ટોકરન્સી ખરીદદારના ખાતામાં જમા કરાવે. આમ, ટીડીએસ ક્યારે અને કેવી રીતે કાપવો એ પેચીદો પ્રશ્ન ઊભો થાય છે. આથી સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ)એ ૨૦૨૨ની ૨૨ જૂને પરિપત્રક ક્રમાંક ૧૩ ઇશ્યુ કરીને આ બાબતે સ્પષ્ટતા કરી છે.
હવે આપણે એના આધારે વાત કરીએ. ધારો કે અજયે એક્સચેન્જ ‘ઝેડ’ મારફતે ૧ લાખ રૂપિયા મૂલ્યના બીટકૉઇનનું કલ્પનને વેચાણ કર્યું. હવે એવું ધારી લઈએ કે એક્સચેન્જે આ વ્યવહાર માટે ૧૦૦૦ રૂપિયાનો ચાર્જ લીધો. આ સ્થિતિમાં એક્સચેન્જે જીએસટી/ચાર્જિસ/કમિશન એ બધું કાપીને બચતી રકમ પર ટીડીએસ કાપવો પડશે. આ રીતે એક્સચેન્જે ૧ લાખમાંથી ૧૦૦૦ રૂપિયાનો ચાર્જ કાપી લીધા બાદ બચતા ૯૯,૦૦૦ રૂપિયાના ૧ ટકા લેખે ૯૯૦ રૂપિયા ટીડીએસ કાપી લેવો પડશે. 
આ ઉપરાંત અમુક કિસ્સામાં એક્સચેન્જની પાસે જ વર્ચ્યુઅલ ડિજિટલ ઍસેટ્સ હોય છે. અહીં એક્સચેન્જ પોતે જ વેચાણકર્તા હોય છે. જોકે શક્ય છે કે ખરીદદારને આ વાતની ખબર ન હોય. આ કિસ્સામાં પણ ખરીદદારે ટીડીએસ કાપવો પડે છે. આવી સ્થિતિમાં એક્સચેન્જ ખરીદદાર સાથે લેખિત કરાર કરીને એવું નક્કી કરી શકે છે કે એક ક્વૉર્ટર દરમ્યાન થનારા બધા વ્યવહારોના આધારે છેલ્લે બાકી નીકળતી રકમ પર નિર્ધારિત તારીખની પહેલાં ટૅક્સ ચૂકવી દેવાશે.
વાસ્તવિક દુનિયામાં એવા પણ વ્યવહારો થતા હોય છે, જેમાં એક વર્ચ્યુઅલ ડિજિટલ ઍસેટની સામે બીજી વર્ચ્યુઅલ ઍસેટ આપવામાં આવતી હોય. દા.ત. સુનયનાએ શર્મિલા પાસેથી ક્રિપ્ટોકરન્સી ‘ડી’નાં બે લાખ યુનિટ ખરીદ્યાં અને સામે ક્રિપ્ટોકરન્સી ‘સી’નાં એક લાખ યુનિટ વેચ્યાં છે. આ વ્યવહાર એક્સચેન્જ ‘ઝેડ’ પર થાય છે. અહીં સુનયના ક્રિપ્ટોકરન્સી ‘ડી’ની ખરીદદાર અને ક્રિપ્ટોકરન્સી ‘સી’ની વેચાણકર્તા છે. 
એકની સામે બીજી ક્રિપ્ટોકરન્સી આપવામાં આવે ત્યારે જે વ્યક્તિએ ચુકવણી કરવાની હોય તેણે સંબંધિત મૂલ્યમાંથી કરવેરો કાપી લેવો જરૂરી છે. અહીં સુનયના અને શર્મિલા બન્નેએ એકબીજાને ટીડીએસ કાપ્યાનો પુરાવો આપ્યા બાદ ક્રિપ્ટોકરન્સીની આપ-લે કરવાની રહેશે. જોકે આ વ્યવહાર એક્સચેન્જ ‘ઝેડ’ મારફતે થયો હોવાથી એક્સચેન્જે ટીડીએસ કાપવો પડે. તેણે ખરીદદાર/વેચાણકર્તા સાથે થયેલા લેખિત કરાર અનુસાર ટૅક્સ કાપવો પડશે. અહીં પ્રશ્ન એ છે કે રોકડની ચુકવણી થઈ જ નથી તો ટૅક્સ કેવી રીતે કાપવો. આ સંજોગોમાં એક્સચેન્જે બન્નેની ક્રિપ્ટોકરન્સીમાંથી એક ટકા લેખે ક્રિપ્ટોકરન્સી કાપી લેવી પડશે. આમ, સુનયનાને બે લાખને બદલે ૧,૯૮,૦૦૦ યુનિટ ક્રિપ્ટોકરન્સી ‘ડી’ની અને શર્મિલાને એક લાખને બદલે ૯૯,૦૦૦ ક્રિપ્ટોકરન્સી ‘સી’ની ટ્રાન્સફર કરવાની રહેશે. આટલું કર્યા બાદ એક્સચેન્જે ક્રિપ્ટોકરન્સી ‘ડી’નાં ૨૦૦૦ યુનિટ અને ક્રિપ્ટોકરન્સી ‘સી’નાં ૧૦૦૦ યુનિટનું રૂપિયામાં રૂપાંતર કરીને એના આધારે ટીડીએસ જમા કરાવવાનો રહેશે. 
હવે ક્રિપ્ટોકરન્સી ‘સી’ અને ‘ડી’નું રૂપિયામાં રૂપાંતર કરવામાં આવે ત્યારે એક્સચેન્જ વેચાણકર્તા બને છે. જોકે આ રૂપાંતર સરકારને ટીડીએસ ભરવા માટે કરવામાં આવ્યું હોવાથી એક્સચેન્જને આ વ્યવહારમાં ટીડીએસ લાગુ નહીં પડે. 
ઉપરોક્ત તમામ કિસ્સામાં એક્સચેન્જે આવશ્યક રેકૉર્ડ રાખીને નિર્ધારિત ફોર્મમાં ફાઇલિંગ કરવું પડશે. 

05 July, 2022 08:01 PM IST | Mumbai | Nitesh Buddhadev

અન્ય લેખો

ઍ​​ક્ટિવ ફન્ડની કામગીરી પર એક નજર

છેલ્લા એક વર્ષમાં કયા ઍ​ક્ટિવ ફન્ડની કામગીરી કેવી રહી? કોણે કેવું વળતર આપ્યું? કઈ સ્કીમ સારી-નરસી રહી એ જોઈએ, જેનાથી વિવિધ કૅટેગરીની કામગીરીનો ખ્યાલ મળશે. જોકે છેલ્લા એકાદ મહિનામાં ચિત્ર બદલાતું રહ્યું હોવાથી એ પરિવર્તનને પણ ધ્યાનમાં લેવું જોઈશે

18 August, 2022 03:11 IST | Mumbai | Jayesh Chitalia

કૉમન ચાર્જરના અમલ માટે એક્સપર્ટ ગ્રુપની રચના કરાશે

ઉદ્યોગના હિતધારકો સાથેની બેઠકમાંથી બહાર આવતાં, સચિવે જણાવ્યું હતું કે ભારત શરૂઆતમાં સી-ટાઇપ પોર્ટ સહિત બે પ્રકારનાં ચાર્જર્સ તરફ સ્થળાંતર કરવાનું વિચારી શકે છે.

18 August, 2022 03:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

રીટેલ બિઝનેસ ગ્રોથ પ્રી-કોવિડ સ્તરની તુલનાએ ૧૮ ટકા વધ્યો

રીટેલર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના તાજેતરના વ્યવસાય સર્વેક્ષણ મુજબ, પૂર્વ ભારતમાં ગયા મહિને વાર્ષિક ધોરણે સૌથી વધુ ૨૫ ટકા વૃદ્ધિ જોવા મળી હતી, ત્યાર બાદ દક્ષિણમાં ૨૧ ટકા, ઉત્તરમાં ૧૬ ટકા અને પશ્ચિમ ભારતમાં ૧૦ ટકાનો ગ્રોથ જોવા મળ્યો હતો.

18 August, 2022 03:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK