° °

આજનું ઇ-પેપર
Saturday, 08 May, 2021


માર્કેટ વધશે તો પ્રોફિટ બુક થશે અને બહુ ઘટશે તો પછી નવી ખરીદી થશે

26 October, 2020 12:27 PM IST | Mumbai | Jayesh Chitalia

માર્કેટ વધશે તો પ્રોફિટ બુક થશે અને બહુ ઘટશે તો પછી નવી ખરીદી થશે

બીએસઈ

બીએસઈ

શૅરબજારના સુધારા માટે નક્કર કારણો મળતાં જાય છે. વેક્સિનના સારા સંકેતના સમાચાર, આગામી વરસના આરંભથી તેનો અમલ થવાની આશા, યુએસ પૅકેજની આશા, અનલૉક અને આર્થિક ગતિવિધિને મળી રહેલો વેગ અર્થતંત્ર માટે પૉઝિટિવ પરિબળ બનવાની ધારણાએ બજાર માટે ભાવતું’તું ને વૈધે કીધું જેવો ઘાટ થાય છે. જોકે આગામી દિવસોમાં બજારનું ધ્યાન યુએસ ઇલેકશન પર રહેશે.

વરસ ૨૦૨૧ના આરંભના ગાળામાં ભારતમાં કોરોનાની રસી (વેક્સિન) આવી જશે એવા સરકારી અહેવાલને પગલે ગયા સોમવારે માર્કેટની શરૂઆત પૉઝિટિવ થઈ હતી. કરેક્શન આગળ વધવાને બદલે રિકવરી આગળ વધીને સેન્સેક્સ સવારના અમુક કલાકમાં જ ૪૦૦ પૉઇન્ટ કુદાવીને ફરી એકવાર ૪૦૦૦૦ને પાર કરી ગયો હતો. બજારના અંતે સેન્સેક્સ ૪૪૮ પૉઇન્ટ વધીને ૪૦૪૩૧ બંધ રહ્યો હતો અને નિફ્ટી ૧૧૦ પૉઇન્ટ વધીને ૧૧૮૭૩ બંધ રહ્યો હતો. વેક્સિનની આશા ઉપરાંત અનલૉકની પ્રગતિ અને યુએસમાં પુનઃ સ્ટિમ્યુલસની વધેલી આશા પણ તેજીનું કારણ બની હતી. મંગળવારે આ સમાન કારણો બજારને વધુ ઊંચે લઈ ગયા હતા, આરંભથી જ માર્કેટ ૨૦૦ પૉઇન્ટ ઉપર ખૂલ્યું અને ૩૦૦ પૉઇન્ટથી વધુ પૉઝિટિવ થયું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ વધુ એક રાહત પૅકેજ લાવી રહ્યાં છે એવા અહેવાલ વહેતા થવાને કારણે બજારને બુસ્ટ પ્રાપ્ત થયું હતું. જોકે પછીથી નફો બુક થવાને કારણે કરેક્શન આવ્યું હતું, જેને પરિણામે અંતમાં સેન્સેક્સ ૧૧૨ પૉઇન્ટ પ્લસ સાથે ૪૦૫૪૪ બંધ રહ્યો અને નિફ્ટી ૨૩ પૉઇન્ટના સુધારા સાથે ૧૧૮૯૬ બંધ રહ્યો હતો.

ઊંચા લેવલે માર્કેટ વધુ ટકતું નથી

વોહી રફતાર મગર બઢેંગી નહીં, બુધવારે પણ માર્કેટ પૉઝિટિવ ખૂલીને ૩૦૦ પૉઇન્ટનો કૂદકો મારી બેઠું હતું. કારણ એ જ કે હવે કોરોના કન્ટ્રોલમાં આવી રહ્યો છે, તેની વેક્સિન હવે બહુ દૂર નથી. અનલૉક હવે વધુ વિસ્તરતું જશે, ભારતમાં આર્થિક પ્રવૃત્તિને વેગ મળતો રહેશે, તહેવારો તેમાં નિમિત્ત બનશે. આવા આશાવાદ પર માર્કેટે સુધારાતરફી ગતિ ચાલુ રાખી હતી. જોકે આ લેવલથી ઉપર જવા માટે માર્કેટને ટેકો મળતો નહીં હોવાનું લાગે છે, બજાર જેવું વધે કે પ્રોફિટ બુકિંગ આવી જાય છે. તેથી બપોર પછી માર્કેટનો વધારો ધોવાઈ ગયો હતો અને માર્કેટ માઈનસમાં આવી ગયું હતું. જોકે બંધ થતા પહેલાં માર્કેટ ફરી રિકવર થઈને પ્લસ રહ્યું હતું. સેન્સેક્સ ૧૬૩ પૉઇન્ટ વધીને અને નિફ્ટી ૪૧ પૉઇન્ટ વધીને બંધ રહ્યો હતો. નિફ્ટી ટ્રેડિંગ સત્ર દરમ્યાન ૧૨૦૦૦ને સ્પર્શીને પાછો ફર્યો હતો. ગુરુવારે બજારે કરેક્શન સાથે શરૂઆત કરી હતી. જેમાં પ્રોફિટ બુકિંગ મુખ્ય પરિબળ બન્યું હતું. સાધારણ વધઘટ સાથે સેન્સેક્સ ૧૪૮ પૉઇન્ટ અને નિફટી ૪૧ પૉઇન્ટ માઈનસ બંધ રહ્યા હતા. શુક્રવારે બજારે ફરી સાધારણ વધઘટ દર્શાવી હતી. જોકે સપ્તાહના અંતિમ દિવસે માર્કેટ પૉઝિટિવ બંધ રહ્યું હતું. કોઈ પણ નવા ચોક્કસ ટ્રિગરના અભાવે સેન્સેક્સ ૧૨૭ પૉઇન્ટના વધારા સાથે ૪૦૬૮૫ અને નિફ્ટી ૩૪ પૉઇન્ટ વધીને ૧૧૯૩૦ બંધ રહ્યો હતો. આમ સેન્સેક્સ ૪૦૦૦૦ની ઉપર અને નિફ્ટી ૧૨૦૦૦ નજીક રહ્યા હતા. હવે પછી બજાર બહુ વધશે તો પ્રોફિટ બુકિંગ અને બહુ ઘટશે તો નવી ખરીદી જેવું વલણ ચાલુ રહેશે.

નાણાપ્રધાનનાં આશાવાદી નિવેદન

ગયા સોમવારે નાણાપ્રધાને કહ્યું હતું કે તેઓ વધુ પૅકેજ લાવવા માટે ખુલ્લું મન ધરાવે છે અને રિઝર્વ બૅન્ક સાથે મળી આર્થિક ગતિવિધિનો તાગ પણ મેળવી રહ્યા છે. સરકાર ખાનગી ક્ષેત્ર માટે વધુ સેગમેન્ટ ઑપન કરે એવી શક્યતા છે. સરકારનું લક્ષ્ય ગ્રોથ અને ડિમાંડ વધારવાનું રહ્યું છે. ચાઇના પ્લસ વન પૉલિસીથી ભારતને ભરપૂર અવકાશ યા તક મળવાની આશા જાગી છે. ભારત તેનો લાભ ઉઠાવશે એવું કહેવાય છે. દરમ્યાન સરકાર રોડ પ્રોજેક્ટસમાં લોકલ કંપનીઓ માટે પ્રવેશ સરળ બનાવી રહી છે. લોકલ માલોનાં વેચાણ પર વેપારી વર્ગ અને સરકાર પણ ભાર મૂકી રહ્યા છે.

કોવિડ-19 પહેલાંનાં સ્તરે

અહીં એક વધુ નોંધનીય અહેવાલ એ છે કે નોમુરા ઇન્ડેકસના સંકેત મુજબ ભારતની આર્થિક ગતિવિધિ પ્રિ-કોવિડ લેવલે આવી છે. મહામારી બાદ ભારતની ઇકૉનૉમિક રિકવરી તેના કોવિડ-19 પહેલાંના સ્તરે આવી હોવાનું તારણ નોમુરા ઇન્ડિયા બિઝનેસ રિઝમ્પશન ઇન્ડેકસે એક અભ્યાસના આધારે આપ્યું છે. તેમના મતે પોસ્ટ લૉકડાઉનમાં આર્થિક પ્રવૃત્તિ ઊંચા લેવલે પહોંચી રહી છે. બિઝનેસ રિઝમ્પશન ઇન્ડેકસ વધીને ૮૨.૨ થયો છે.

લૉકડાઉન ખતમ, કોરોના હજી માથે

જોકે વેક્સિનના સમાચારથી વધુપડતું રાજી થઈ જવાની જરૂર નથી, સમાચાર સારા હોવા છતાં તે પ્રયોગમાં-અમલમાં મુકાય ત્યારે સાર્થક ગણાય, બીજું, તે કરોડો લોકો સુધી પહોંચતી કરવી એ પણ બહુ મોટો પડકાર રહેશે. વડા પ્રધાન મોદીએ હાલમાં જ જાહેર કર્યું હતું કે લૉકડાઉન ખતમ થયું છે. કોરોના ગયો નથી, પરિણામે દરેકે સાવચેત રહેવું જરૂરી છે. અર્થાત હવે સરકારનો સંકેત એ હોઈ શકે કે સરકાર લૉકડાઉન પાછો લાવશે નહીં અને અનલૉકને વિસ્તારતી જશે, જેથી આર્થિક ગતિવિધિને વેગ મળવાનું ચાલુ રહેશે.

રિઝર્વ બૅન્ક ગવર્નરનું નિવેદન

આર્થિક રિકવરીની વાતોએ જોર પકડ્યું છે ત્યારે તાજેતરમાં રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંતા દાસે એક નિવેદન કરીને આ મામલે વિશ્વાસ વધાર્યો હતો, તેમણે કહ્યું કે ભારત હવે ઇકૉનૉમિક રિકવરીનાં આંગણે આવી ગયું છે. આ માટે રિઝર્વ બૅન્ક અને સરકારની નાણાં નીતિ કારણભૂત ગણાય. હવે આને ટેકો મળે એ માટે ફાઇનૅન્શિયલ હસ્તીઓ પાસે અર્થાત બૅન્કો પાસે પર્યાપ્ત કેપિટલ હોવી જરૂરી છે. અમુક બૅન્કો મૂડી ઊભી કરી શકી છે, જ્યારે અમુક હવે કરશે એવી આશા છે. જો આમ થાય તો રિકવરીને વેગ મળી શકે.

ઇન્વેસ્ટરોની રક્ષા વધારાશે

આ સમય દરમ્યાન સેબીએ પણ રોકાણકારોના હિતની રક્ષા માટે એક મહત્ત્વનું નિવેદન કર્યું છે. સેબી રોકાણકારોની રક્ષા અર્થે ઇન્વેસ્ટર્સ પ્રોટેકશન ફંડ (આઇપીએફ)નું કદ વધારવાની વિચારણા કરે છે. આ ફંડના ઉપયોગ માટે નવાં પગલાં પણ વિચારે છે. જોકે આનો યોગ્ય અને વ્યવહારું અમલ થાય એ વધુ મહત્વનું છે.

યુએસ ઇલેક્શન પર નજર

યુએસ પ્રેસિડન્ટ ઇલેક્શનને ધ્યાનમાં રાખતા આગામી અમુક સપ્તાહ બજારમાં સાવચેતી જાળવવાની ખાસ જરૂર છે. આ ચૂંટણીના પરિણામની અસર ભારતીય બજાર પર અવશ્ય થશે, આમ પણ એસએન્ડપી-500 અને સેન્સેક્સને સીધો સંબંધ હોવાનું જોવા મળતું હોય છે. આ ઇલેક્શન બાદ બજારનું ધ્યાન વેક્સિન અને આર્થિક રિકવરી પર વધુ જશે. બાકી હાલ તો માર્કેટ ગ્લોબલ પ્રવાહિતાના જોરે ચાલી રહ્યું છે. જો આ બન્ને (વેક્સિન અને ઇકૉનૉમિક રિકવરી) વધુ ઢીલ થતી રહી તો માર્કેટની ગતિને ચોક્કસ વિપરીત અસર થઈ શકે છે, પરંતુ જો બધું સફળતાપૂર્વક પાર ઉતર્યું તો બજાર દોડશે એવું ચોક્કસ માની શકાય. આમ, રોકાણકારો માટે આ સંભવિત ઘટનાઓ સાથે બજાર પર યોગ્ય નજર રાખવી અને પોતાના રોકાણ-નિર્ણય લેવામાં સાર રહેશે.

26 October, 2020 12:27 PM IST | Mumbai | Jayesh Chitalia

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:32 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:26 IST | Mumbai | Jitendra Sanghvi

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

15 March, 2021 10:25 IST | Mumbai | Anil Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK