Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > બિઝનેસ સમાચાર > > > તમારા જીએસટી બિલની અધિકૃતતાની ચકાસણી કેવી રીતે કરશો?

તમારા જીએસટી બિલની અધિકૃતતાની ચકાસણી કેવી રીતે કરશો?

15 September, 2023 02:00 PM IST | Mumbai
Paresh Kapasi | paresh.kapasi@mid-day.com

નકલી જીએસટીની ઉઘરાણીના વધતા કેસના આક્રમણ વચ્ચે તમે નકલી જીએસટી બિલની જાળમાં ફસાઈ ન જાઓ અને આવાં બિલોની ચુકવણી કરવાનું ટાળી શકો એને માટે અહીં આજના લેખમાં તમને થોડીક ટ્રિક્સ અને ટિપ્સ આપીશું

પ્રતીકાત્મક તસવીર સમજો જીએસટીને

પ્રતીકાત્મક તસવીર


પ્રિય વાચકો, હાલના સમયમાં નિર્દોષ ગ્રાહકો સાથે થતી આર્થિક છેતરપિંડીઓ વિશે વારંવાર સાંભળવા મળે છે. આવા માહોલમાં જીએસટી ઇન્વૉઇસની સચ્ચાઈ વિશે કેવી રીતે ખાતરી કરવી એ જાણવું ઘણું અગત્યનું છે. નકલી જીએસટીની ઉઘરાણીના વધતા કેસના આક્રમણ વચ્ચે તમે નકલી જીએસટી બિલની જાળમાં ફસાઈ ન જાઓ અને આવાં બિલોની ચુકવણી કરવાનું ટાળી શકો એને માટે અહીં આજના લેખમાં તમને થોડીક ટ્રિક્સ અને ટિપ્સ આપીશું. આનાથી તમને તમારી ખરીદી માટે મળેલું જીએસટી ઇન્વૉઇસ શંકાસ્પદ અથવા બનાવટી છે કે નહીં એની ખાતરી કરી શકશો. 

ટૅક્સ સિસ્ટમને સરળ બનાવવાના હેતુથી ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ સિસ્ટમને અમલમાં લાવવામાં આવી હતી, પરંતુ હવે આ સિસ્ટમ પણ છેતરપિંડી કરનારાઓ દ્વારા કરચોરીનું સાધન બની ગઈ છે. જીએસટી ઇન્વૉઇસિસને નામે થતી પ્રચંડ છેતરપિંડી નાના ઉદ્યોગપતિઓ તેમ જ ગ્રાહકો માટે મુશ્કેલી બની શકે છે. ટૅક્સ પેઠે ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતાં નાણાંને દગાબાજો બનાવટી જીએસટી બિલ દ્વારા પોતાના ખિસ્સામાં સેરવી દે છે.   


ઘણી વખત ક્લેમના સેટલમેન્ટ કરવા અને ઇન્કમ ટૅક્સની ક્રેડિટ ફાઇલ કરવા માટે જીએસટી બિલો હોય છે. અધિકૃત બિલના નામે દુકાનદારો અને કંપનીઓ દ્વારા છેતરામણીને ટાળવા માટે, ગ્રાહકો પોતાને અપાયેલું બિલ અસલ છે કે નહીં એની ઝડપી તપાસ કરી શકે છે.


જીએસટી ઇન્વૉઇસ શું છે?

ગુડ્સ અને સર્વિસિસના ખરીદારને, સપ્લાયર અથવા વેચાણકર્તા દ્વારા ગુડ્સ અને સર્વિસિસ ટૅક્સ ઇન્વૉઇસ આપવામાં આવે છે. આ દસ્તાવેજ, જે બિલના સ્વરૂપમાં હોય છે, એ ગુડ્સ અને સર્વિસિસની ખરીદીમાં સામેલ પક્ષોને ઓળખવામાં મદદ કરે છે. એમાં ઉત્પાદનનું નામ, એનું વર્ણન, ખરીદેલા ગુડ્સ અને સર્વિસિસની સંખ્યા, સપ્લાયરની વિગતો, ખરીદીની તારીખ, ડિસ્કાઉન્ટ વગેરે વિગતોનો સમાવેશ થાય છે.


નકલી જીએસટી ઇન્વૉઇસ શું છે?

નકલી જીએસટી ઇન્વૉઇસિસની ઓળખ માટે નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, ગુડ્સ અને સર્વિસિસના વાસ્તવિક સપ્લાય વિના અથવા જીએસટીની વાસ્તવિક ચુકવણી કર્યા વિના પણ બનાવટી જીએસટી બિલ ઊભાં કરવામાં આવે છે. નકલી જીએસટી બિલો જીએસટીની ચોરી માટે, આવકવેરાની ક્રેડિટને રોકડમાં રૂપાંતરિત કરવા માટે, ખોટી ખરીદી બતાવવા માટે અને મની લૉન્ડરિંગ માટે કરી શકાય છે.

બનાવટી જીએસટી ઇન્વૉઇસને કેવી રીતે ઓળખવું? જીએસટીઆઇએન ફૉર્મેટ કેવી રીતે તપાસવું?

બનાવટી જીએસટી બિલને ઓળખવાની સૌથી સહેલી રીત એ છે કે સપ્લાયર/વેપારી/દુકાનદારને આપવામાં આવેલ ૧૫ આંકડાની જીએસટીઆઇએન નંબરની મૂળભૂત રચનાને સમજવું. જીએસટીઆઇએનના પ્રથમ બે અંકો રાજ્યનો કોડ સૂચવે છે, પછીના દસ અંકો વેચનાર અથવા સપ્લાયરનો પૅન નંબર છે, ૧૩મો અંક એ જ પૅનધારકનો એ રાજ્યમાંનો એન્ટિટી નંબર છે. જીએસટીઆઇએનમાં ૧૪મો અંકનો અક્ષર ‘ઝેડ’ છે અને ૧૫મો અંક ‘ચેક સમ ડિજિટ’ છે. જીએસટીઆઇએન ફૉર્મેટમાં કોઈ પણ જાતનો કમેળ જીએસટી ઇન્વૉઇસની વિસંગતતાઓ ઓળખવામાં મદદ કરી શકે છે.

રજિસ્ટર્ડ સપ્લાયર્સ અને દુકાનદારોને ફાળવવામાં આવેલા જીએસટીઆઇએનનું મૂળભૂત બંધારણ ઉપર દર્શાવ્યા મુજબ હોય છે.

જીએસટી વેબસાઇટ

ઇન્વૉઇસની અધિકૃતતા તપાસવાનો બીજો રસ્તો જીએસટી વેબસાઇટ પર જીએસટીઆઇએન તપાસવાનો છે. જીએસટીની સત્તાવાર વેબસાઇટ https://www.gst.gov.in/. ની મુલાકાત લો. જીએસટી ઇન્વૉઇસમાં ઉલ્લેખિત જીએસટીઆઇએન નંબર તપાસવા માટે ‘સર્ચ ટૅક્સપેયર’ના વિકલ્પ પર ક્લિક કરો. ‘સર્ચ બાય જીએસટીઆઇએન’ વિકલ્પ પસંદ કરીને જીએસટીઆઇએનને સર્ચ બૉક્સમાં એન્ટર કરો. જો અધિકૃત જીએસટીઆઇએન હશે તો સપ્લાયરની વિગતો વેબસાઇટ પર બતાવવામાં આવશે.

જીએસટીમાં થયેલી છેતરપિંડીની ફરિયાદ કેવી રીતે ફાઇલ કરવી?

બનાવટી જીએસટી ઇન્વૉઇસ વિશે ફરિયાદો નોંધાવવાની વિવિધ રીતો છે. લોકો જીએસટીના સત્તાવાર પોર્ટલની મુલાકાત લઈ શકે છે, પછી સીબીઇસી મિત્ર હેલ્પડેસ્ક પર ક્લિક કરી શકે છે અને ‘રેઇઝ વેબ ટિકિટ’ કરી શકે છે. લોકો cbecmitra.helpdesk@icegate.gov.in પર ઇ-મેઇલ્સ પણ મોકલી શકે છે. જીએસટી ઑથોરિટીને ટ્વીટ કરીને પણ ફરિયાદ કરી શકાય છે. તેમનું સત્તાવાર ટ્વિટર હૅન્ડલ GST(@askGST_GoI) અને નાણાં મંત્રાલય (@FinMinIndia) છે.

15 September, 2023 02:00 PM IST | Mumbai | Paresh Kapasi

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK