Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિવૃત્તિકાળ માટેના આયોજનમાં તમારો કેટલો સહયોગ જરૂરી હોય છે?

નિવૃત્તિકાળ માટેના આયોજનમાં તમારો કેટલો સહયોગ જરૂરી હોય છે?

08 August, 2022 05:27 PM IST | Mumbai
Khyati Mashru Vasani

જેમણે અત્યાર સુધી કોઈ નાણાકીય આયોજન કર્યું ન હોય એવા લોકો માટે પ્રશ્ન વધારે પેચીદો બની જાય છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

ફાઇનૅન્સ પ્લાન

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક


સમયાંતરે એવી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે, જ્યારે આપણે પોતાની નાણાકીય સ્થિતિ વિશે સમીક્ષા અને વિશ્લેષણ કરવાં પડતાં હોય છે. આ કામ તમે જાતે કરી શકો છો અથવા તો નાણાકીય સલાહકારની મદદથી કરી શકો છો.

થોડા વખતમાં નિવૃત્ત થનારા લોકોની વાત કરીએ તો, તેમને વધી રહેલા ફુગાવાની અને ઘટી રહેલા શૅરબજારની સ્થિતિ સતાવી શકે છે. તેઓ ભવિષ્યમાં ફુગાવાની અસરને કેવી રીતે પહોંચી વળશે એ જાણવું અગત્યનું હોય છે. જેમણે અત્યાર સુધી કોઈ નાણાકીય આયોજન કર્યું ન હોય એવા લોકો માટે પ્રશ્ન વધારે પેચીદો બની જાય છે. પોતે ક્યાં સુધી કામ કરતાં રહેવું પડશે એવો મોટો પ્રશ્ન તેમને સતાવી શકે છે. 



છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક વ્યક્તિઓ અને અનેક દંપતીઓ સાથે મારી મુલાકાત થઈ છે, જેમને નિવૃત્તિ પછીની આર્થિક વ્યવસ્થા કરવાની જરૂર હતી. એમાંથી કેટલાકે નાણાકીય આયોજનની શરૂઆત કરી દીધી હતી અને અમુકે ઑનલાઇન વિગતો ભરીને નિવૃત્તિકાળ માટે આવશ્યક ભંડોળનો અંદાજ મેળવી લીધો હતો. 


નાણાકીય સલાહકાર તરીકેના મારા અનુભવના આધારે મેં લોકો માટે નિવૃત્તિ માટેના આયોજનને લગતા કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દા અહીં રજૂ કર્યા છે.

વર્તમાન આર્થિક સ્થિતિને સમજવી


વર્તમાન આર્થિક સ્થિતિને સમજવા માટે તમારે અહીં આપેલા કેટલાક સવાલના જવાબ જાતે આપવાના રહેશે. આ જવાબની મદદથી કોઈ પણ આયોજનનો પાયો નખાતો હોય છે.

તમને નિવૃત્તિકાળમાં ઉપયોગી થાય એવી કઈ ઍસેટ્સ તમારી પાસે છે?

આજના મૂલ્યના આધારે દર મહિને તમારે કેટલો ખર્ચ કરવાનો આવશે?
નિવૃત્તિ પછી તમે કયા પ્રકારની જીવનશૈલી અપનાવવા માગો છો?
તમારી પાસેના નાણાકીય ભંડોળથી તમે કેટલાં વર્ષ ગુજરાન ચલાવી શકશો?
તમે સંતાનો અને પૌત્ર-પૌત્રીઓ માટે કેટલાં નાણાં મૂકી જવા ઇચ્છો છો?

ઉક્ત જવાબના આધારે નાણાકીય સલાહકાર તમારા માટે સર્વાંગી નાણાકીય આયોજન કરી શકે છે. નિવૃત્તિકાળમાં ક્યારેય નાણાં ખૂટી જાય નહીં એ માટે દરેક વ્યક્તિની આવરદા અનુસાર આયોજન કરવામાં આવે છે. 

અત્યાર સુધીનો એવો અનુભવ છે કે લોકો ધારતા હોય એના કરતાં વધારે આવરદા રહેતી હોય છે. પુરુષો ૯૨ વર્ષ અને મહિલાઓ ૯૪ વર્ષ સુધી જીવિત રહેશે એવી શક્યતા ૩૦ ટકા હોય છે. આ અંદાજના આધારે કહી શકાય કે નિવૃત્તિ પછીનાં લગભગ ૩૦ વર્ષ સુધી ચાલી શકે એટલું ભંડોળ ભેગું થયેલું હોવું જોઈએ.

બજેટ બનાવવું કે ખર્ચ પરનજર રાખવી?

ઘણા લોકો બજેટ જેવું કંઈ બનાવતા નથી. અમુક લોકોને બજેટ બનાવીને સારું લાગતું હોય છે, જ્યારે અમુકને એના લીધે માનસિક બોજ વર્તાતો હોય છે. આમ છતાં, પોતાની આવક અને જાવકનો એક અંદાજ હોવો જરૂરી છે. ભવિષ્યમાં પણ ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને તમને હાલની જીવનશૈલી અનુસાર કેટલી રકમ દર મહિને જોઈશે એનો અંદાજ હાલના ખર્ચની ગણતરીના આધારે જ કાઢી શકાય છે. 

સામાન્ય ખર્ચ ઉપરાંત બહારગામ ફરવા જવું, પૌત્ર-પૌત્રીઓને ભેટ આપવી વગેરે જેવા ખર્ચ પણ હોય છે. આથી એનો વિચાર પણ કરી લેવો પડે છે, કારણ કે એના માટે પણ નાણાકીય જોગવાઈ કરવી પડતી હોય છે. 

રોકાણો અને ઍસેટ્સની યાદી તૈયાર કરવી

દરેક વ્યક્તિએ ભવિષ્યના આયોજન માટે પોતાનાં હાલનાં રોકાણો અને ઍસેટ્સની યાદી તૈયાર કરવી પડે છે. એમાં રોકડ, સોનું, સ્ટૉક્સ, બૉન્ડ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સનો સમાવેશ થાય છે. કોઈકનો બિઝનેસ હોય તો ભવિષ્યમાં એનું વેચાણ કરીને પણ નાણાં ઊભાં કરવામાં આવતાં હોય છે. પ્રૉપર્ટી હોય તો એમાંથી ભાડાની આવક થતી હોય છે.

લાંબા ગાળાનો વિચાર કરવા માટે નાણાકીય વિશ્લેષણ

દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. એથી દરેક માટે અલગ-અલગ આયોજન કરવું પડે છે. નાણાકીય સલાહકારો ભવિષ્યમાં ૨૦-૩૦ વર્ષના તમામ ખર્ચને પહોંચી વળવા માટે કેટલી સંપત્તિ જોઈશે એની ગણતરી માંડતા હોય છે. જો તમે આજે જ નિવૃત્ત થઈ જાઓ તો શું એવા એક સવાલનો પણ વિચાર કરવામાં આવી શકે છે. તમારી નિવૃત્તિ વખતે જ શૅરબજારમાં મંદીનો ત્રણ વર્ષનો સમયગાળો શરૂ થઈ જાય તો શું? શું એ સ્થિતિમાં તમારો પોર્ટફોલિયો મંદીનો કાળ સહન કરી શકશે? 

નાણાકીય સલાહકારો આવા અનેક પ્રશ્નોના જવાબ શોધી આપે છે અને એના આધારે વિશ્લેષણ કરીને તમારો નિવૃત્તિકાળ માટેનો પોર્ટફોલિયો ઘડાય એ માટેની સલાહ આપતા હોય છે. 
ઉપરોક્ત ચર્ચાના આધારે તમે કહી શકશો કે કોઈ પણ આયોજનમાં તમારો પોતાનો પણ સહયોગ જરૂરી હોય છે. 

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2022 05:27 PM IST | Mumbai | Khyati Mashru Vasani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK