Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણીના શૅરની સાથે સમગ્ર શૅરબજાર હચમચ્યું, બૅન્કિંગ ખરડાયું

હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણીના શૅરની સાથે સમગ્ર શૅરબજાર હચમચ્યું, બૅન્કિંગ ખરડાયું

26 January, 2023 05:09 PM IST | Mumbai
Anil Patel

મારુતિ એકાદ ટકો સુધરી ટૉપ ગેઇનર રહ્યો, ઇન્ડસ ટાવરમાં નવી મલ્ટિયર બૉટમ બની : ઝોમૅટો સવાઆઠ ટકા તૂટ્યો, નાયકામાં ચારેક ટકાની ખરાબી

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


તાતા મોટર્સે બજાર બંધ થયા પછી ધારણા કરતાં બહેતરીન પરિણામ આપ્યાં : રિલાયન્સ વધુ સવા ટકો ઘટીને ૨૪૦૦ની અંદર આવી ગયો : જૂજ અપવાદ સિવાય તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં ગયાં, માર્કેટ બ્રેડ્થમાં ખરાબી વધી : સ્ટેટ બૅન્ક સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર બની, એચડીએફસી બૅન્કની નરમાઈ બજારને ૧૮૨ પૉઇન્ટ નડી : મારુતિ એકાદ ટકો સુધરી ટૉપ ગેઇનર રહ્યો, ઇન્ડસ ટાવરમાં નવી મલ્ટિયર બૉટમ બની : ઝોમૅટો સવાઆઠ ટકા તૂટ્યો, નાયકામાં ચારેક ટકાની ખરાબી

શૅરબજાર બેબી સ્ટેપ્સમાં ૬૧ની પાર જાય છે અને તરત જ ફસડાઈ પડે છે. બુધવારની ચાલ એનો એક વધુ નમૂનો કહી શકાય. સેન્સેક્સ ૧૩૦-૧૩૫ પૉઇન્ટ જેવો નરમ ખૂલ્યા પછી લથડીને ૬૦,૦૮૧ બતાવી છેલ્લે ૭૭૪ પૉઇન્ટના ધબડકામાં ૬૦,૨૦૫ બંધ થયો છે. નિફ્ટી ૨૨૬ પૉઇન્ટ બગડી ૧૭,૮૯૨ દેખાયો છે. માર્કેટ આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં હતું. સેન્સેક્સ નિફ્ટી સવા ટકો તો લાર્જ કૅપ દોઢેક ટકો ડાઉન હતું. સ્મૉલ કૅપ ઇન્ડેક્સ એક ટકાથી પણ ઓછો ડાઉન હતું. સ્મૉલ કૅપ ઇન્ડેક્સ એક ટકાથી પણ ઓછો ઘટ્યો છે, પરંતુ ઘટાડાનો વ્યાપ વધુ હતો. અત્રે ૯૫૨માંથી ૨૦૦ શૅર જ પ્લસ રહી શક્યા છે, જ્યારે બ્રૉડર માર્કેટની ૫૦૧માંથી ૪૦૯ જાતો નરમ હતી. સરવાળે માર્કેડ બ્રેડ્થ ઘણી ખરાબ જોવા મળી છે. એનએસઈમાં ૪૪૭ શૅર વધ્યા છે, સામે ૧૫૯૦ કાઉન્ટર્સ ઘટ્યાં હતાં. લગભગ તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં ગયાં છે. એશિયા ખાતે ચાઇના, હૉન્ગકૉન્ગ, તાઇવાન હજી લુનાર વેકેશન માણી રહ્યા છે. સિંગાપોર પોણાબે ટકા, સાઉથ કોરિયા ૧.૪ ટકા, જૅપનીઝ નિક્કી સાધારણ પ્લસ હતા. યુરોપ રનિંગમાં નહીંવત્ ઘટાડે હતું. આ સંદર્ભમાં ઘરઆંગણે પોણાઆઠસો પૉઇન્ટની ખરાબી માટે દેખીતું કોઈ કારણ નથી. બસ એક હિંડનબર્ગનો રિપોર્ટ છે. અદાણી ગ્રુપને લઈ વિદેશી ફૉરેન્સિક ફાઇનૅન્શિયલ ફર્મ તરફથી જારી કરવામાં આવેલો આ અહેવાલ અદાણી ગ્રુપને હચમચાવી ગયો છે. ગ્રુપના દસેદસ શૅર બગડ્યા છે અને અદાણી ગ્રુપના શૅરોની સાથે-સાથે બૅન્કિંગમાંય સારી એવી નોંધપાત્ર ખુવારી દેખાઈ છે, જે બહુ સૂચક છે. 



બજાર બંધ થયા પછી તાતા મોટર્સે ધારણા કરતાં બહેતર રિઝલ્ટ ૨જૂ કર્યાં છે. કંપનીએ અગાઉની ૧૫૧૬ કરોડની ચોખ્ખી ખોટ સામે ૨૯૫૮ કરોડ જેવો ચોખ્ખો નફો કર્યો છે. બજારમાં ૩૦૦થી ૮૦૦ કરોડની રેન્જમાં નેટ પ્રૉફિટ આવવાના વરતારા હતા. શૅર પરિણામ પૂર્વે પોણો ટકો ઘટી ૪૧૯ બંધ હતો. સારાં પરિણામની અસર શુક્રવારે દેખાશે. ગુરુવારે શૅરબજાર પ્રજાસત્તાક દિન નિમિત્તે બંધ રહેવાનું છે.


અદાણીના દસેદસ શૅર ડૂલ, ૯૬,૬૦૬ કરોડ રૂપિયા સ્વાહા 

હિંડનબર્ગ રિપોર્ટના પગલે બુધવારે અદાણી ગ્રુપના શૅરો રગદોળાયા હતા. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપની કંપનીઓમાં દાયકાથી અકાઉન્ટિંગ ફ્રૉડ ચાલતા હોવાનો તેમ જ શૅરોના ભાવ ચગાવવા મોટા પાયે મૅનિપ્યુલેશન થતું હોવાનો આક્ષેપ કરાયો છે. હિંડનબર્ગ એક ફૉરેન્સિક ફાઇનૅન્શિયલ રિસર્ચ ફર્મ છે. એનો દાવો છે કે બે વર્ષની સઘન તપાસ કે ઇન્વેસ્ટિગેશનના આધારે એણે અદાણીનો રિપોર્ટ તૈયાર કર્યો છે. હિંડનબર્ગ માને છે કે એની તપાસનાં તથ્યને બાજુ પર મૂકી દો અને અદાણી ગ્રુપની ફાઇનૅન્શિયલ સ્થિતિના આધારે પણ વૅલ્યુએશન મુકો તો પણ અદાણી ગ્રુપની કંપનીઓના શૅરના ભાવ એની ફેરવૅલ્યુ કરતાં ૮૫ ટકા ખોટા છે. મતલબ કે આ શૅરોના ભાવ ૮૫ ટકા સુધી તૂટી શકે છે. 


આ અહેવાલના પગલે ગઈ કાલે અદાણી એન્ટર. નીચામાં ૩૩૧૬ થઈ દોઢ ટકા કે ૫૩ રૂપિયાના ઘટાડે ૩૩૯૦ બંધ હતી. એનો ૨૦,૦૦૦ કરોડનો ફૉલોઑન ઇશ્યુ ૨૭મીએ શૅરદીઠ ૩૨૭૬ની અપર બેન્ડ સાથે ખૂલવાનો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ચાલે છે. અદાણી પોર્ટ નીચામાં ૭૦૬ થઈ સવાછ ટકા ખરડાઈ ૭૧૩, અદાણી પાવર પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૨૬૧, અદાણી ટ્રાન્સ. નીચામાં ૨૪૧૨ થઈ ૮.૯ ટકા કે ૨૪૪ રૂપિયા લથડી ૨૫૧૨, અદાણી ગ્રીન નીચામાં ૧૮૪૧ થઈ ત્રણ ટકા ગગડી ૧૮૫૫, અદાણી ટોટલ ૩૬૦૩ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૫.૬ ટકા કે ૨૧૭ રૂપિયાની ખરાબીમાં ૩૬૬૮, અદાણી વિલ્મર પાંચ ટકાની નીચલી સર્કિટે ૪૪, એનડીટીવી પાંચ ટકાની નીચલી સર્કિટ મારીને ૨૭૦, એસીસી નીચામાં ૨૧૫૭ થઈ ૭.૧ ટકા કે ૧૬૬ રૂપિયા તરડાઈ ૨૧૭૦ અને અંબુજા સિમેન્ટ ૪૫૧ની ઇન્ટ્રા-ડે બૉટમ પછી ૭.૭ ટકા તૂટી ૪૬૦ બંધ રહી છે. ગઈ કાલે એક જ દિવસમાં અદાણી ગ્રુપના ૧૦ શૅરમાં માર્કેટ કૅપની રીતે રોકાણકારોને ૯૬,૬૦૬ કરોડનો ફટકો પડ્યો છે.

અદાણી સાથે સ્ટેટ બૅન્ક પણ બગડીને ટૉપ લૂઝર બની

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૪ તથા નિફ્ટીના ૫૦માંથી ૩૫ શૅર માઇનસ હતા. અદાણી પોર્ટ્સ સવાછ ટકાથી વધુના ગાબડામાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બન્યો હતો, જ્યારે સ્ટેટ બૅન્ક સાડાત્રણ ગણા વૉલ્યુમે ૪.૪ ટકા લથડી સેન્સેક્સમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. અદાણી ગ્રુપના શૅરોમાં કડાકાની સાથે સ્ટેટ બૅન્ક પણ દેખીતા કોઈ જ કારણ વગર બગડી એ ઘણું સૂચક છે. ઇન્ડ્સઇન્ડ બૅન્ક સાડાચાર ટકા, એચડીએફસી બૅન્ક પોણાત્રણેક ટકા, એચડીએફસી ૧.૯ ટકા, ઍક્સિસ બૅન્ક બે ટકાથી વધુ, સિપ્લા ૨.૨ ટકા, ટેક મહિન્દ્ર ૧.૯ ટકા સાફ થયા છે, જ્યારે યુપીએલ, ડૉ. રેડ્ડીઝ લૅબ, એશિયન પેઇન્ટ્સ, વિપ્રો, બજાજ ફિનસર્વ, એસબીઆઇ લાઇફ, એચસીએલ ટેક્નૉ., લાર્સન, આઇસીઆઇસીઆઇ બૅન્ક, અલ્ટ્રાટેક, અપોલો હૉસ્પિટલ્સ સવાથી પોણાબે ટકા ડાઉન થયા છે. 

રિલાયન્સ નીચામાં ૨૩૮૧ થઈ ૧.૩ ટકાની નબળાઈમાં ૨૩૮૩ નીચે બંધ આપી બજારને ૯૭ પૉઇન્ટ નડ્યો છે. જોકે એચડીએફસી બૅન્ક ૧૮૨ પૉઇન્ટનો માર મારી બજાર માટે સૌથી વધુ ઘાતક બની છે. હિન્દુસ્તાન યુનિલીવર એક ટકાથી વધુ સુધરી ૨૬૨૮ના બંધમાં સેન્સેક્સ ખાતે તો બજાજ ઑટો દોઢેક ટકો વધી ૩૭૪૦ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર હતા. હિન્દાલ્કો તથા બ્રિટાનિયા ૦.૯ ટકા અને મારુતિ પોણા ટકા જેવા પ્લસ હતા. તાતા સ્ટીલ અડધો ટકો વધ્યો છે. કીરી ઇન્ડસ્ટ્રીઝ ૮.૭ ટકા ગગડી ૩૩૭, ઝોમૅટો સવાઆઠ ટકા તૂટી ૪૮ નજીક, ઇન્ડ્સ ટાવર સવાસાત ટકા લથડી ૧૫૮ના નવા તળિયે બંધ રહી ‘એ’ ગ્રુપ ખાતે ઘટાડે મોખરે હતા. એકસેલ્યા સૉલ્યુશન્સ પરિણામ પાછળ ૧૧.૫ ટકા કે ૧૯૦ રૂપિયા ગગડી ૧૪૬૦ બંધ થયો છે. મહિન્દ્ર સીઆઇઈ સાડાઆઠ ટકા, સારેગામા ૭.૬ ટકા અને સાઉથ ઇન્ડિયન બૅન્ક સવાછ ટકા ઝળક્યા હતા. 

બૅન્ક નિફટીમાં ૧૦૮૬ પૉઇન્ટનો ધબડકો, યુકો બૅન્ક રિઝલ્ટમાં સુધરી 

બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની બુરાઈમાં અઢી ટકા કે ૧૦૮૬ પૉઇન્ટ તૂટી ૪૧,૭૪૮ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના ઘટાડે સાડાત્રણ ટકા કપાયો છે. સારાં પરિણામ પાછળ યુકો બૅન્ક પોણાત્રણ ટકા વધી ૩૦ વટાવી ગઈ છે. સાઉથ ઇન્ડિયન બૅન્ક ૬.૩ ટકા, સીએસબી બૅન્ક ૧.૪ ટકા, જેકે બૅન્ક સવા ટકો, સૂર્યોદય બૅન્ક એક ટકો પ્લસ હતા. બૅન્કિંગના ૩૭માંથી ૨૮ શૅર ઘટ્યા છે. ફેડરલ બૅન્ક, ઍક્સિસ બૅન્ક, એચડીએફસી બૅન્ક, ડીસીબી બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, એયુ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, સ્ટેટ બૅન્ક, કૅનેરા બૅન્ક, બંધન બૅન્ક, પીએનબી, યુનિયન બૅન્ક, આઇઓબી, સેન્ટ્રલ બૅન્ક બે ટકાથી લઈ સાડાચાર ટકા સુધી ધોવાઈ છે. 

બૅન્કિંગના ભાર સાથે પૉલિસી બાઝાર, પૈસાલો ડિજિટલ, જનરલ ઇન્શ્યૉરન્સ, ધુનસેરી વેન્ચર્સ, પાવર ફાઇનૅન્સ, ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ, એસબીઆઇ કાર્ડ્સ, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, મોતીલાલ ઓસ્વાલ ઇત્યાદી ત્રણથી પાંચ ટકા બગડતાં ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૭માંથી ૧૧૨ શૅરના બગાડમાં બે ટકાથી વધુ કટ થયો છે. બજાજ ટ્વિન્સ સવા ટકો તથા એચડીએફસી બે ટકા ડાઉન હતા. પેટીએમ પોણાબે ટકા, એલઆઇસી ૧.૮ ટકા અને નાયકા ૩.૯ ટકા માઇનસ થયા છે.

પરિણામ પાછળ એકસેલ્યા ૧૯૦ રૂપિયા તૂટ્યો, તાતા ઍલેક્સી નરમ 

ગઈ કાલે નિફ્ટી ઑટો તથા બીએસઈ મેટલ ઇન્ડેક્સના નહીંવત્ સુધારાને બાદ કરતાં તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં હતાં. સેન્સેક્સ નિફ્ટીની સવા ટકા જેવી નબળાઈ સામે બૅન્કિંગ, ફાઇનૅન્સ, રિયલ્ટી, પાવર-યુટિલિટીઝ, ઑઇલ-ગૅસ, એનર્જી જેવાં સેક્ટોરલ પોણાબેથી ત્રણેક ટકા નજીક બગડ્યાં છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૩.૬ ટકા કપાયો છે. આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૧૫ શૅરના સુધારામાં ૦.૮ ટકા ડાઉન હતો. ઇન્ફી અડધો ટકો, ટીસીએસ નહીંવત્, ટેક મહિન્દ્ર ૧.૯ ટકા, વિપ્રો એક ટકો, એચસીએલ ટેક્નૉ સવા ટકો, લાટિમ પોણાબે ટકા ડાઉન હતા. એકસેલ્યા ૧૧.૫ ટકા, ક્વિકહીલ ૮.૧ ટકા તથા ડીલીન્ક ૪.૯ ટકા ધોવાયા છે. તાતા ઍલેકસી પરિણામ પૂર્વે ૧૦૬ રૂપિયા કે ૧.૬ ટકા બગડીને ૬૫૮૦ થઈ છે. ઇન્ડ્સ ટાવર ૭.૪ ટકા તૂટી ૧૫૮ નજીક નવા મલ્ટિયર તળિયે પહોંચી છે. વોડાફોન ૪.૪ ટકા કપાઈ પોણાસાતની નવી બૉટમ પર બંધ હતો. ભારતી ઍરટેલ ૭૭૬ના લેવલે ફ્લૅટ રહ્યો છે. વિન્દય ટેલી સવાત્રણ અને તાતા કમ્યુ. ત્રણેક ટકા ડૂલ થયા છે. અદાણીના શૅરોની ખરાબી પાછળ પાવર યુટિલિટી એનર્જી સેક્ટર વિશેષ બગડ્યા હતા. 

Whatsapp-channel Whatsapp-channel

26 January, 2023 05:09 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK